કૃપા કે ચમત્કાર
કૃપા કે ચમત્કાર
કોરોના સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગયો છે, એવું તો ન કહી શકાય; પરંતુ હવે ઘણું બધું સુધરી ગયું છે, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. બે વર્ષ પહેલાંનો સમય દરેક વ્યક્તિ માટે અત્યંત દુઃખદાયક હતો અને તેમાંથી હરીશભાઈ અને તેમનો પરિવાર પણ બાકાત ન રહ્યો.
હરીશભાઇ વ્યવસાયે ડ્રાઇવર. તેમની પત્ની નિશાબેન સિલાઈ કામ કરે. કોરોનાનાં સમયે દરેક વ્યક્તિનાં કામકાજ ઠપ થઈ ગયા. ત્યારે બધાને જેવી આર્થિક મુશ્કેલી પડી તેવી હરીશભાઈ અને નિશાબેનનાં પરિવારમાં પણ પડી. જે થોડી બચત હતી તે તો થોડાં દિવસોમાં પૂર્ણ થવાને આરે હતી. તેમની નાની દીકરી ભણતી હતી અને મોટી દીકરી મુંબઈ શહેરમાં નોકરી કરતી હતી. સદભાગ્યે ભારત બંધ થવાનાં એક દિવસ પહેલાં જ તે પોતાના ઘરે આવી અને બીજા દિવસથી આખા ભારતમાં બંધની ઘોષણા થઈ ગઈ. કામ ન હોવાથી આર્થિક પરિસ્થિતિ કથળતી જતી હતી. તે સમયે એક મહિના બાદ હરીશભાઈને કુરિયરની ગાડી ચલાવવા માટેની નોકરી આવી. એક દિવસનાં અંતરાળે તેમણે મુંબઈ જવાનું હતું. પરંતુ મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ તે સમયે વધુ ગંભીર હતી. વેક્સિન પણ આવી ન હતી તેથી સુરક્ષાકવચ જેવું તો કંઈ જ ન હતું. ઘરમાંથી બહાર ન નીકળવું એ જ સૌથી મોટું કવચ હતું જેને હરીશભાઈ પોતાના હાથેથી તોડવાનો વિચાર કરી રહ્યાં હતાં.
હવે, પ્રશ્ન એ હતો કે જીવનાં જોખમે મુંબઈ જવું કે પછી કથળતી પરિસ્થિતિ સાથે ઘરમાં જ રહેવું ! ઘરનાં સભ્યોની મનાઈ હોવાથી હરીશભાઈએ સુરક્ષાકવચમાં એટલે કે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. થોડાં દિવસ બાદ હરીશભાઈની પત્ની અને તેમની મોટી દીકરી બન્ને એક સાથે બીમાર પડ્યા. હવે તો દવાનાં પૈસા પણ કાઢવાનાં હતા; ઘરની મુસીબત વધતી જતી હતી અને પરિસ્થિતિ વધુ ખરાબ થતી જતી હતી. તેથી હરીશભાઈએ વિચાર્યું કે જો એક જીવનાં જોખમે ત્રણ જીવ જીવતાં રહે તો સોદો ખોટો ન કહેવાય, અને તેમણે મુંબઈમાં સામાન પહોંચાડવાની કુરિયરની નોકરીનો સ્વીકાર કર્યો.
નાની દીકરી ઘરની સાર-સંભાળ તેમજ મમ્મી અને મોટી બહેનની સારવાર કરતી અને હરીશભાઇ આર્થિક પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ડૉકટર પાસે સારવાર માટે તો ગયાં પરંતુ મનમાં ડર હતો કે કોરોના હશે તો ? પરંતુ સદભાગ્યે હરીશભાઈની પત્ની અને દીકરીને કોરોના ન હતો. કોરોના કાળમાં જ્યારે કોઈને છીંક પણ આવે તો તે કોરોના નીકળતો; એ સમયે પંદર દિવસની લાંબી નહીં પરંતુ ટૂંકી પણ ન કહી શકાય તેવી માંદગીમાં કોરોના ન હોવું એ ચમત્કારથી ઓછું ન હતું. હરીશભાઈનો પરિવાર તેમના જીવનાં જોખમે પોતાની સારવાર અને ઘર બંને ચલાવતો હતો. તેથી તેમના ઘરનાં મુખ્ય સદસ્યને કંઈ ન થાય તેઓ હેમખેમ રહે તેની પ્રાર્થના તેમનો પરિવાર સતત કરતો અને તેમનાં પરિવાર પર ભગવાનનો બીજો ચમત્કાર કે હરીશભાઈને કંઈ પણ થયું નહીં. આજે પણ તેઓ તેમનાં પરિવાર સાથે હેમખેમ છે. કોરોના કાળમાં હરીશભાઈને છીંક પણ આવી નહીં. તેમના દ્રઢ નિશ્ચયે તેમને આ મુસીબતનાં સમયમાં ટકી રહેવાની હિંમત આપી, આનાથી વધુ કોઈ પરિવાર પર ભગવાનની કૃપા શું હોઈ શકે ?
