કર ભલા તો હોગા ભલા
કર ભલા તો હોગા ભલા
એક સમયની વાત છે. કોઈ એક રાજ્યમાં ખૂબ જ પ્રજાપ્રિય અને દયાળુ રાજા રહેતા હતાં. તેઓ હંમેશાં પોતાના રાજ્યની પ્રજાનું સુખ દુઃખ જાણવા માટે હંમેશા વેશબદલીને રાજ્યમાં ફરતા હતાં. એક દિવસ તેઓ રાજ્યમાં પોતાના મંત્રીને લઈને વેશબદલીને ફરવા નીકળ્યા હતાં. તેઓ અલગ-અલગ વિસ્તારમાં ફરતા હતાં. તેવામાં તેઓને એક માણસની લાશ જોવા મળી. આજુબાજુમાં કેટલાય માણસો હતાં પણ તેના જોડે કોઈ જતું ન હતું. તેને હાથ અડાડવા પણ તૈયાર ન હતું. તેમને આવતા જતા બધા જ માણસોની મદદ કરવા માટે વિનંતી કરી. તે લાશને અડવા માટે તૈયાર થતું ન હતું ? એટલે રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે તમે અહી ઊભાં રહો. હું માણસોને પૂછતો આવું. કેમ આવું થાય છે ? કેમ કોઈ મદદ કરવા માટે તૈયાર થતું નથી ?
રાજા આજુબાજુના લોકોને પૂછવા લાગ્યા. તો તેમને જાણવા મળ્યું કે આ વ્યક્તિ બહુ જ ખરાબ હતો. તેનામાં સારા સંસ્કાર ન હતાં. માટે તેને કોઈ મદદ કરવા માટે તૈયાર થતું નથી. આ સાંભળીને રાજા બીજા લોકો જોડે પૂછવા ગયા. તો ત્યાં પણ આ જવાબ મળ્યો. રાજાએ એક માણસને કહ્યું કે "જો તમે આ માણસની મદદ કરવા તૈયાર ન થતા હોય. તો કંઈ વાંધો નહીં પણ તેનું સરનામું જાણતા હો તો જણાવો. હું તેના ઘરે પહોંચાડી દઉં." તે માણસે રાજાને તે વ્યક્તિનું સરનામું આપ્યું. તેથી રાજા અને તેના મંત્રી તે લાશને લઈને તેનાં ઘરે મૂકવા ગયા. રાજાને કોઇ ઓળખતું ન હતું. કારણ કે રાજા વેશબદલીને આવ્યા હતાં.
રાજા પોતાના મંત્રી સાથે તે વ્યક્તિના ઘરે ગયા અને જઈને દરવાજો ખખડાવે છે. ત્યારે તેની પત્નીએ દરવાજો ખોલે છે. તો જોવે છે કે તેના પતિની લાશ લઇને બે વ્યક્તિઓ ઊભા છે. તેને જોઈને સ્ત્રી રડવા લાગી અને બેભાન થઈ ગઈ. તેને રાજાના મંત્રીએ પાણી આપ્યું. રાજાના મનમાં એક વિચાર ફરતો હતો. કે આ વ્યક્તિ તેવું તો શું કામ કર્યું હશે ? કે બધા લોકો તેને ખરાબ કામ કહે છે. રાજાએ શાંતિથી સ્ત્રીને પૂછ્યું કે "બેન તમારા પતિને બધા લોકો નકામો કેમ કહેતા હતાં ?" તેને હાથ અડાડવા પણ કોઈ તૈયાર થતું ન હતું. આવું કેમ ?" સારું થયું કે અમે ત્યાંથી આવતા હતાં. એટલે તમારા પતિની લાશને ઘરે લેતા આવ્યા. નહીં તો તેને અડવા માટે પણ કોઈ તૈયાર ન હતું."
સ્ત્રીએ સ્વસ્થ થઈને કહ્યું કે મારા પતિ સારા વ્યક્તિ હતાં. તેઓ પવિત્ર અને હંમેશા બીજાનું સારું વિચારતા હતાં. તેમના જેવું બીજું કોઈ નથી. રાજાએ કહ્યું કે તો બીજા લોકો તેમને કેમ ખરાબ કહે છે ? અને તેનાથી દૂર રહેતા હતાં. સ્ત્રીએ કહ્યું કે મારા પતિ ખૂબ જ સારું કામ કરતા હતાં પરંતુ તે મારું માનતા ન હતાં. તેઓ કહેતા હતાં કે જે પણ કામ કરું છું. તે સારા માટે કરું છું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે તો આપ સાંભળો તેઓ શું કરતા હતાં ? તેઓ હંમેશા દારૂની દુકાને જતા હતાં અને ત્યાંથી કેટલીક દારૂની બોટલ લાવીને ગટરમાં ખાલી કરી દેતા હતાં અને કહેતા કે જો આજે કેટલાય ઘરોમાં શાંતિ થાય તેવું કાર્ય કર્યું. કેટલીય સ્ત્રીઓ પોતાના દારૂડિયા પતિ સાથે શાંતિથી રહી શકશે. ત્યારબાદ રાત્રે તેઓ જે જગ્યાએ વેશ્યાવૃત્તિ થતી હતી. ત્યાં જતા અને આવી એક સ્ત્રીને પૈસા આપીને ઘરે આવતા જેથી તેનું જીવન શાંતિથી જીવી શકે.
લોકો તેમને રોજ દારૂની દુકાને અને વેશ્યાવૃત્તિ થતી હોય ત્યાં જ તેમને જતા જોતા હતાં. તેથી તેમને ખરાબ કહે છે. પરંતુ મારા પતિ બહુ જ સારા અને સજ્જન માણસ હતો. હું તેમને કહેતી હતી કે તમે ભલે સારું કામ કરો છો પરંતુ લોકોની નજરમાં બહુ જ ખરાબ અને ચરિત્રહીન બનશો. તમારા મૃત્યુ સમયે તમારી જોડે કોઈ પણ માણસ નહીં આવે. ત્યારે તેઓ કહેતા કે "સાંભળ જ્યારે મારું મરણ થશે. ત્યારે મારા માટે આ રાજ્યના રાજા અને પ્રમાણિક માણસો મારી સ્મશાનયાત્રામાં જરૂર આવશે." આ કહીને તે સ્ત્રી જોરજોરથી રડવા લાગી. ત્યારે એ રાજાની આંખમાં પણ આંસુ આવી ગયા અને તે માણસે કહ્યું કે "માફ કરશો બેન, હું જ આ રાજ્યનો રાજા છું. વેશપલટો કરીને રાજ્યમાં ફરવા નીકળ્યો હતો. ત્યારે તમારા પતિની લાશ મળી. સાચે જ ભગવાને મને તમારા પતિ માટે જ મોકલ્યો છે. ચિંતા ન કરો. તમારા પતિની સ્મશાન યાત્રા ખૂબ જ ઠાઠથી આખા નગરમાં કાઢવામાં આવશે.
આમ, આપણે પણ બીજા માણસ વિશે ખોટી ધારણા બાંધીએ છીએ. તેના વિશે સાચું જાણવાનો પ્રયત્ન કરતા નથી. પૂર્વગ્રહના આધારે આપણે તેને ખરાબ પરિસ્થિતિમાં પણ મૂકી દઈએ છીએ.જ્યારે સાચી ખબર પડે ત્યારે સમય હોતો નથી. માટે કોઈપણ વ્યક્તિ વિશે પૂર્વગ્રહ રાખ્યા વિના તેના વિશે એક વાર જરૂર સાચી માહિતી મેળવી લેવી જોઈએ.
