કોરોનાનાં ભણકારા
કોરોનાનાં ભણકારા
પંદર વર્ષનો કરણ અવાર નવાર રાત્રેને દિવસે ચમકી જતો હતો, કોઈની સાથે વાત પણ ઝાઝી કરતો ન હતો. પોતાના રૂમમાં જ ભરાયેલો રહેતો, અને આવું તો છેલ્લા છ માસથી કરતો હતો, કરણના માતા - પિતાને હવે ધીરે ધીરે એમ લાગવા લાગ્યું કે તેમનાં દીકરાને હવે મનોચિકિત્સકને જરૂરથી બતાવવું જોઈએ, તેમણે એક સારા મનોચિકિત્સક પાસે લઈ જવાનું નક્કી કર્યું, કરણને સાથે લઈ ગયાં, અને જ્યારે સત્ય જાણ્યું ,તો તેઓ સાચે જ અચંબામાં પડી ગયાં.
કરણ હાલ દસમાં ધોરણમાં હતો, જ્યારથી કોરોના મહામારી આવીને તેનાં સમાચાર રોજ ટીવી પર, તેની વાતો, દ્રશ્યો જોયાં, ન્યૂઝપેપર પર વધતાં મોતનાં આંકડા, મોબાઈલમાં આવતાં વિવિધ લોકોના કોરોના વિશેના સમાચાર, વિડીયો તેની સાવચેતીની વાતો, સતતને સતત કોરોનાનો ત્રાસ તેને લાગવાં લાગ્યો, તેના નાનાં અમસ્તાં મગજમાં એક છુપો ડર બેસી ગયો. સમગ્ર પૃથ્વી પરના તમામ દેશોમાં ફેલાયેલા કોરોના મહામારીનાં સમાચારોની વાતોથી કરણને મન-મગજમાં બસ કોરોનાનાં ભણકારા વાગવાં લાગ્યાં. કરણનું મન સતત કોરોનાથી ડરવાં લાગ્યું. કોઈપણ વસ્તુ કે વ્યક્તિને અડતાં તેને બીક લાગવાં લાગી. તેને દરેકમાં કોરોના છે તેવાં જ ભણકારા, તેવો જ આભાસ થવા લાગ્યો. રોજ રોજ ગરમ પાણી, ઉકાળા, માસ્ક, સેનેટાઈઝર તેની માનસિકતાને છિન્ન ભિન્ન કરવાં લાગ્યાં.
જ્યારે કોરોનાનું આવું વરવું રૂપ જોવા મળ્યું, ત્યારે કરણનાં માતા - પિતા પણ ડરી ગયાં. ડોક્ટરે કહ્યું : " હાલ, આવાં ઘણા કેસ મારી પાસે છે. આપણે આપણા બાળકોને કોઈ દુઃખ પડવા દીધું નથી, માટે અચાનક ફેલાયેલી આ અદ્રશ્ય મહામારીનાં સમાચારથી તેમને આવાં ભણકારા થયાં કરે છે. મગજ સતત વિચારોમાં રહે, પૂરતો આરામને ખુશ રહી કોરોનાનાં ડરને દૂર કરશો, તો જ એની પરિસ્થિતિ ફરી સારી થશે".
કરણનાં માતા પિતાએ હવે કરણને થોડું થોડું ઘરની બહાર લઈ જવા લાગ્યાં, વાતાવરણમાંથી જે ભય, બીક, ડર હતો, તેને દૂર કરી પરિવાર સાથે મળવા એકબીજાનાં ઘરે ગયાં, સાથે તહેવારોની ઉજવણી કરી, ધીમે ધીમે કરણનાં મગજમાંથી કોરોનાનાં ભણકારા ઓછાં થયાં.
