કોણ હાર્યું ?
કોણ હાર્યું ?
"શું જાનવી, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. તે હજુ સુધી ટિફિન પણ તૈયાર નથી કર્યુ ?"
"અરે કરી તો રહી છું. એક તો બંટીને સવારે સ્કૂલ મોકલવાનો એને તૈયાર કરવાનો. તમારા બધાના નાસ્તા બનાવાના, પાછુ ટિફિન તૈયાર કરવાનું, વાર તો લાગે કે નહિ ?"
"તું કોઈ દિવસ કરે અને એમાં પણ વાર કરે."
"બહું સારું."
"હવે રહેવા દે. મારે એમ પણ મોડું થઈ ગયું છે. હું નીકળું છું."
આટલું કહેતાં-કહેતાં અવિનાશ ઘરેથી ઓફિસ જવા નીકળી જાય છે. જાનવી બડ-બડ કરતી રહે છે.
હવે આખા ઘરનું કામ મારે કરવાનું. મને તો આ બધું જોઈને જ ચક્કર આવી રહ્યા છે. પેલી મેડમ તો બહેનપણીના ઘરે ગઈ છે. આટલું કહેતાં- કહેતાં એ ફોન હાથમાં લે છે.
"હેલ્લો"
"હેલ્લો સોના શું કરે છે ?"
"બસ કંઈ નહિ યાર. આ ઓફિસે કામ કરું. તું શું કરે છે ?"
"બસ કઈ નહિ. જો યાર બધું કામ પડયું છે."
જાનવીની બહેનપણી સોનલ હસવાં લાગે છે.
"અરે કામ કરીશ તો કામ થશે ને. હવે તો જોબ ચાલુ કરી દે બંટી મોટો થઈ ગયો છે. ચાર વર્ષનો થઈ ગયો છે. સ્કૂલે જાય છે."
"હા યાર, હું પણ એ જ વિચારું છું."
"ચાલ પછી વાત કરીએ. મારે થોડું કામ પણ છે.બાય"
"Ok. બાય."
જાનવી એમની સોસાયટીમાં બે ઘરે કામ કરવાં આવતાં લક્ષ્મીબેનને ફોન કરીને બોલાવે છે અને એને પૈસા આપીને ઘરનું કામ કરાવે છે. સાંજે જાનવી અવિનાશની પંસંદની બધી રસોઈ બનાવી રાખે છે. રાતે જાનવી,અવિનાશને જોબ કરવાં અંગેની વાત કરે છે. અવિનાશ એને ના પાડે છે. "બંટી નાનો છે અત્યારે એને કોણ સાચવશે ?"
"અરે તમે ચિંતા ન કરો એ વાતની. બંટીને સાચવા માટે દીદી તો છે. એમ પણ બંટી એમનો લાડલો બહું છે. એ મારાં કરતાં તો એમની પાસે વધારે રહે છે."
"તારી વાત સાચ્ચી છે પણ આપણે એવું કહીને આપણી જવાબદારીમાંથી હાથ ઊંચા તો ન કરી શકીએ."
"અરે હું ક્યાં જવાબદારીમાંથી હાથ ઊંચા કરું છું ?"
"આ હાથ ઊંચા કરવાની જ વાત છે."
"ઓહો તમને એવું લાગે છે ! તો છોકરો તો તમારો પણ છે. જવાબદારી તમારી પણ બને છે કે એનું ધ્યાન રાખો."
"હું નોકરી કરું છું અને ધ્યાન પણ રાખું છું."
"હું પણ એ જ કહેવા માંગુ છું. હું જોબ પણ કરીશ અને બંટીનું ધ્યાન પણ રાખીશ."
"તું ખોટી જિદ્દ કરી રહી છે."
"અરે ડાર્લિંગ, માની જાવને હવે. જો આપણે બન્ને કમાવીશું તો ખૂબ જ સારી રીતે જીવી શકીશું. પ્લીઝ, પ્લીઝ માની જાવને મારી જાન."
"તું પણ યાર નહિ જ માને. એકવાર દીદીને તો પૂછ લે અને બીજી એક વાત હું બંટીની વાતમાં કે ઘરની જવાબદારીની વાતમાં સમાધાન નહિ ચલાવું."
"અરે હા હવે. દીદી કાલ સવારે આવશે એટલે પૂછી લઈશ."
"OK."
આ જેને જાનવી, અવિનાશ દીદી કહેતા હતાં એ બીજું કોઈ નહીં અવિનાશની મોટી બહેન પ્રીતિ હતી. જે એમની સાથે જ રહેતી હતી. અવિનાશ સાત વર્ષનો હતો ત્યારે જ એના મમ્મી મૃત્યુ પામ્યા હતા. મમ્મીના મૃત્યુના ચાર વર્ષ પછી અવિનાશના પપ્પા કાંતિભાઈને લકવો થઈ ગયો હતો. ઘરને સાચવવાની જવાબદારી પ્રીતિ પર આવી ગઈ હતી. કાંતિભાઈનું સરકારી પેન્શન આવતું હતું અને પ્રીતિ એ ગૃહ વ્યવસાય શરૂ કર્યો હતો જેથી પપ્પા, અવિનાશ અને ઘરનું ધ્યાન રાખી શકે.પોતાના હાથમાં મહેંદી મૂકવાના સમયે જવાબદારી આવી ગઈ એટલે પ્રીતિ એ જવાબદારી હાથમાં લીધી.
સમય જતાં વાર નથી લાગતી જોત-જોતાં અવિનાશ મોટો થઈ ગયો અને એને પ્રેમ લગ્ન કરી લીધા. ઘરમાં એક રોનક આવી ગઈ. અવિનાશના લગ્નના બે વર્ષ પછી કાંતિભાઈનું મૃત્યુ થયું. ઘરમાં આવતી સરકારી પેન્શન બંધ થઈ ગઈ. કાંતિભાઈના મૃત્યુ પછી જાનવીનું વર્તન બદલાઈ ગયું. તે નાની-નાની વાતે ખર્ચ અંગેના અવિનાશને મેણાં મારતી.નાની-નાની વાતે ઝઘડો કરતી. પ્રીતિ હર વખતે જાનવીનો પક્ષ લઈને એના ભાઈને જ સમજાવતી હતી. હંમેશા તકલીફોને હસતાં મુખે સહેન કરતી અને એનો રસ્તો કાઢતી.
બીજા દિવસે પ્રીતિ આવતાં જાનવી એમને જોબ અંગેની વાત કરે છે કે "તમે હા,કહેશો તો જ તમારો ભાઈ મને જોબ કરવાં દેશે."
"અરે એમાં મને શું પૂછવાનું ? તારી મરજી હોય તો કર જોબ."
જાનવી એની સખી સોનાને વાત કરીને જોબ શોધી લે છે. જોબ મળતાંની સાથે જ જાનવીના રંગ બદલાય છે. થોડા દિવસ તો બધું સારું ચાલે છે. જાનવી સવારે ઊઠીને થોડું કામ પણ કરતી પણ પછી એને મીઠું -મીઠું બોલીને પ્રીતિ પર ઘરના કામની,બંટીની જવાબદારી નાખી દે છે. પ્રીતિ રોજ સવારે બધા માટે નાસ્તો, ટિફિન, બંટીને સ્કૂલ મોકલવું એ તમામ કામ કરતી. જોબના બે મહિનામાં જ જાનવી એ હપ્તાથી એકટીવા,સોફાસેટ ખરીદી લીધું. ઘરના ખર્ચમાં કોઈ મદદ તો થતી નહીં ઊલટાંનું ખોટા ખર્ચ જાનવી કરવા લાગી.
અવિનાશ અને જાનવી વચ્ચે આ વાતને લઈને ઝઘડા પણ થતાં.
"હવે હું પણ કમાવું છું એટલા ખર્ચા કરું."
"હું પુરુષ થઈને આટલાં ખોટા ખર્ચા નથી કરતો જેટલાં તું કરે છે. સ્ત્રીઓ એ તો બચત કરવી જોઈએ."
"બચત કરીને કયો રાજમહેલ બનવાનો છે ?"
"બસ કર હવે.મને તારી સાથે કોઈ બહેસ નથી કરવી."
"મારે પણ."
અવિનાશ ઘરની બહાર નીકળી જાય છે. ઘરે કહીને જાય છે કે એક મિત્રનો ફોન આવ્યો છે એટલે થોડી વારમાં આવું છું. મનમાં કેટલું તોફાન ચાલતું હતું. રડવું હતું પણ રડી શકાતું નહતું. જો રડે તો લોકો કહેશ કે પુરુષ થઈને રડે છે. મનને શાંત કરવા અવિનાશ ગલ્લા પર જઈને સિગરેટ પીવે છે. થોડી વાર પછી ઘરે આવે છે. જાનવી તો આરામથી સૂઈ જાય છે.
જેમ-જેમ સમય જાય છે. જાનવીના ખર્ચા વધી જાય છે. જાનવી ક્રેડિટ કાર્ડથી બધું ખરીદવા લાગે છે. આવક કરતાં ખર્ચા વધતાં જાય છે. જયાં જાનવી જોબ કરતી હોય છે ત્યાં એના ગેરવર્તનને લીધે એને જોબથી કાઢી દેવામાં આવે છે.
હવે જે -જે વસ્તુ જાનવી એ હપ્તાથી લીધી હતી એના હપ્તા ચઢી જાય છે અને એ હપ્તાઓનું વ્યાજ પણ સાથે ચઢતું જાય છે. આ બધા રૂપિયા ભરવાનું અવિનાશને ખૂબ ટેન્શન આવી જાય છે. તે જાનવીને સમજાવે છે."જોયું તારી ખોટી જિદ્દ, દેખા-દેખી આજે ક્યાંથી ક્યાં લઈ આવી છે ? જે વસ્તુના દસ હજાર રૂપિયા ભરવાનાં હપ્તા બાકી છે. તે જ વસ્તુના હવે પંદર હજાર ભરવા પડશે."
"અરે તમે ચિંતા ના કરો થઈ જશે બધું."
"અરે એક વસ્તુ નથી. નાના-મોટાં કેટલું દેવું તે કરી દીધું છે."
"થઈ જશે ! કેવી રીતે થઈ જશે ? સમજાવીશ મને."
"બસ મને બે દિવસનો સમય આપો."
"કેમ બે દિવસમાં તું શું કરી લઈશ ?"
"અરે બધું થઈ જશે. તમે ચિંતા ના કરો જાન. આ જાનવીનો કમાલ જોજો."
બન્ને વચ્ચે થોડીક વાત-ચીત ચાલે છે. બીજા દિવસે જાનવી એની નણંદને વાત કરે છે કે "દીદી તમારા ભાઈના માથે દેવું થઈ ગયું છે એટલે ઘરનો સામાન વેચી દેવું પડશે. તો જ દેવું ચૂકતે થશે."
"તું આવું કેમ કહે છે ?"
"તો શું કહું દીદી ? સાચું જ કહું છું. થોડી ઘણી જે બચત હતી એ થોડા સમય પહેલા તમે દાઝી ગયા હતા ત્યારે દવાના ખર્ચમાં લગાવી દીધી. બીજા ખર્ચા, ઉપરથી આટલી મોંઘવારી."
આટલું કહેતાં રડવાનો ઢોંગ કરવા લાગે છે. પ્રીતિ હકીકતથી અજાણ હોય છે.તેને જાનવીની ચાલાકીની કશી જ ખબર નથી હોતી.
"તું ચિંતા ન કર. કેટલું દેવું છે ?"
"લગભગ 1 લાખથી વધારે થઈ ગયું હશે દીદી."
"તું ચિંતા ન કર. હું કાલે જ બેંકમાં જઈને મારી એફડી તોડાવી દઈશ. મારી પાસે થોડા પૈસા છે."
"ના, ના દીદી રહેવા દો. તમારા ભાઈને ખબર પડશે તો મારું આવી જ બનશે."
"અરે, તું ચિંતા ન કર. હું એને સમજાવી દઈશ. આપણે એવું હશે તો એને કહીશું જ નહિ."
"હા, આ સારું રહેશે. ઓ THANKYOU દીદી."
બીજા દિવસે પ્રીતિ બેંકમાં જઈને બે લાખની એફડી તોડાવી દે છે એક લાખ પોતાના ખાતામાં રાખે છે અને એક લાખ લઈને ઘરે આવે છે. તે પૈસા જાનવીને આપે છે.
અવિનાશ આ વાતથી અજાણ છે કે જાનવી કેવી રીતે દેવું ચૂકવવાની છે. જાનવી રૂપિયા લઈને પંચાવન હજાર જે દેવું થયેલું હોય છે. તે ચૂકવી દે છે અને બાકીના રૂપિયા પોતાના ખાતામાં રાખે છે.
બે દિવસ પછી જાનવી અવિનાશને કહે છે એની બહેનપણી સોનલ એ તમામ હપ્તા ભરી દીધા છે. આપણે આવશે એટલે આપી દઈશું.
કુદરત પણ ક્યારે કયો ખેલ ખેલે છે કોઈ નથી જાણતું. જાનવીનું વર્તન પ્રીતિ પ્રત્યે સમયની સાથે ફરી બદલાઈ જાય છે. તે અવાર-નવાર પ્રીતિને મેણાં -ટોણા પણ મારતી હોય છે. તે અવિનાશ ને કહેતી હોય છે કે"તમે દીદીને ભાડાનું નાનું ઘર લઈ આપો."
"અરે, તું શું બોલી રહી છે તને ભાન છે ?"
"અરે એ સારી રીતે જીવી શકે અને આપણે પણ જીવીએ."
"તું કેમ આવું કરે છે યાર. એ મારી મોટીબેન છે. મને તો માનો ચહેરો યાદ પણ નથી. એને મને મા બની મોટો કર્યો છે."
"અરે હું ક્યાં કહું છું કે એને એમને ઘરડા ઘરમાં મૂકી આવ."
"હું સારા માટે જ કહું છું કે એ પોતાનું જીવન જીવી શકે. તમે જો નહિ સમજો તો હું બંટીને લઈને જતી રહીશ."
"આવું ન કર. હું કઈ રસ્તો કાઢીશ."
ચાર દિવસ પછી પ્રીતિ નાની બેગ પેક કરી લે છે. અવિનાશ એની મોટી બહેનને સવાલ કરે છે" ક્યાં જાય છે દીદી તું ?"
"અરે વર્ષો પહેલા જે એનજીઓમાં હું કામ કરવા જતી હતી. ત્યાં એક કેરટેકર જે ઘરડા લોકોનું ધ્યાન રાખી શકે એવી વિશ્વાસુ વ્યક્તિની જરૂર છે.એટલે મારે જઉં પડશે."
"પણ આમ અચાનક !"
"હા બેટા, જવું પડે એમ છે."
પ્રીતિ જતી રહે છે.
અવિનાશ બધું સમજી જાય છે કે દેવું કેવી રીતે ભર્યુ. અવિનાશ જો ધારત તો એની બેનને રોકી લેત, બધી વાત કરી દેત પણ એ જાણતો હતો કે જાનવી બસ મતલબ માટે જ એની બેનને રાખે છે. જો બેન ઘરમાં રહે તો જાનવી બંટીને લઈને જતી રહશે.
એ રાત અવિનાશ, જાનવી અને બંટી બહાર જમવા ગયા હતા. એ રાતે અવિનાશ અગાશીમાં જ સૂતો અને આખી રાત પોતાને પૂછતો રહ્યો કે હું કેવો પુરુષ છું ?
એ દિવસે કોણ હાર્યુ હતું ? એક પતિ, એક બાપ કે એક ભાઈ.....
