એક માસૂમ બાળનો પત્ર
એક માસૂમ બાળનો પત્ર
નામ : ઈશ્વર, પ્રભુ, ભગવાન
સરનામું : તું જ્યાં રહે છે ત્યાં,
તારીખ : તને જ્યારે મળે ત્યારે
હે પ્રભુ, હું ખૂબ મૂંઝવણમાં છું. બધા કહે છે કે તું દરેક વ્યક્તિની મૂંઝવણનો ઉકેલ લાવી દે છે. મારી પણ મૂંઝવણનો ઉકેલ લાવીશ ને ?
મારા મમ્મી પપ્પા ખૂબ જ લડે છે. એ બંને જણાં કોઈ વકીલ અંકલ પાસે ગયા હતા. હવે એ બંને કહે છે કે ,એ લોકો સાથે નહીં રહે. મારે બંનેમાંથી કોઈ એક વ્યક્તિ પાસે જ રહેવું પડશે. હે પ્રભુ, મારે તો મમ્મી-પપ્પા બંને જોઈએ છે. હું કેવી રીતે એકની પસંદગી કરી શકું ? એ બંને મને ખૂબ જ પ્રેમ કરે છે. જો હું મમ્મી પાસે રહું તો, મારા પપ્પા દુઃખી રહેશે. જો હું પપ્પા પાસે રહું તો મમ્મી દુઃખી રહેશે. આમ મારું બાળપણ તો વિખરાઈ જશે. હું તો બંને વગર ન રહી શકું. હે પ્રભુ, બધા કહે છે કે તું તો કમાલનો જાદુગર છે. તું કંઈ પણ કરી શકે છે. હે પ્રભુ તારો આ બાળ તને વિનંતી કરે છે કે તું કોઈ જાદુ કરી દેને કે મારા માતા-પિતા અલગ ન થાય. એ મારી વાત નથી સમજતાં. મને કહે છે કે તને ખબર ન પડે. હું બાળક છું પણ મને બધું સમજાય છે. મમ્મી-પપ્પા અલગ થવાની વાતથી જ મને ખૂબ રડવું આવે છે.
ભગવાન મને વિશ્વાસ છે કે મેં કરેલી ફરિયાદનો તું જરૂર ઉકેલ લાવીશ. તું જરૂર કમાલ અને જાદુ કરીશ. જેથી અમે બધા સાથે રહી શકીએ.
લિ..તારો બાળ
