હા, હું એક સ્ત્રી છું
હા, હું એક સ્ત્રી છું
હું એક તસ્વીરમાં કેદ છું, હા હું એક સ્ત્રી છું. આજના સમયમાં આજની સ્ત્રી આત્મનિર્ભર બની છે. પોતાના હક પ્રત્યે જાગૃત થઈ છે. સ્ત્રીમાં શક્તિ રહેલી છે, એમાં લક્ષ્મી, અન્નપૂર્ણા,સરસ્વતીનો વાસ રહેલો છે. એને સહનશક્તિની મૂર્તિ કહેવામાં આવે છે.
સમાજના આગેવાન લોકો બહુ મોટી મોટી વાતો કરે છે કે સ્ત્રીની ઇજ્જત કરવી જોઈએ, એ પૂજનીય છે એનું સન્માન કરવું જોઈએ. આ બસ કહેવાની વાતો છે એવું મને લાગે છે. કેમ કે જો સ્ત્રીને સન્માન આપવામાં આવતું હોય તો એને એના હક માટે લડવું ન પડે. કેમ સ્ત્રીઓ પાસે જ વધારે અપેક્ષા રાખવામાં આવે છે ? કેમ એમની પાસે જ ત્યાગની માંગણી કરવામાં આવે છે ? કેમ હંમેશા એમને જ સમજદારી લેવી પડે ? લોકો કહે છે કે સ્ત્રી અને પુરુષ એક સમાન છે, કેટલા અંશે આ વાત વ્યાજબી લાગે છે. સ્ત્રીને બધા સવાલોના જવાબ આપવા ફરજિયાત છે. જે પુરુષો માટે લાગુ પડતું નથી. એને કંઈ પણ કરવુ હોય તો, પહેલા તો બધા ની પરવાનગી લેવી પડે છે. આજે પણ સ્ત્રીને ઘણી જગ્યાએ ગુલામ સમજવામાં આવે છે, ભોગવિલાસની વસ્તુ સમજવામાં આવે છે. નજર સામે વાળાની ખરાબ છે પણ કપડા કેવા પહેરવા એક સ્ત્રીને કહેવામાં આવે છે. કેમ કે તમે આવા કપડાં પહેરશો તો લોકો શું સમજશે એવુ તેને કહેવામાં આવે છે. એક સ્ત્રી ઘરની જવાબદારી પણ નિભાવે છે અને જો નોકરી કરતી હોય તો એ પણ જવાબદારી નિભાવે છે. તો પણ એને કહેવામાં આવે છે કે તમે કરો છો શુ ? એક સ્ત્રી જો યોગ્ય ઉંમરે લગ્ન નથી કરતી તો પણ એના પર, એના ચારિત્ર્ય પર આંગળી કરવામાં આવે છે. કોઈ સ્ત્રી જો કોઈ પુરુષ સાથે હસીને વાત કરી લે તો પણ એને શંકાની નજરે જોવામાં આવે છે. જો નાની ઉંમરમાં એ વિધવા થઈ જાય તો ઘણા રૂઢિચુસ્ત વાદી લોકો એ સ્ત્રીને જ દોષ આપે છે. અરે ભાઈ એ વિધવા થઈ ગઈ તો શું એમાં એનો વાંક છે ?
જો સ્ત્રી સુંદર હોય તો એની સુંદરતાના વખાણ કરીને ક્યારે ક્યારે અને સજાવટની વસ્તુઓ બનાવી દેવામાં આવે છે. જો એ સુંદર ના હોય તો તેણે કેટલાય મેણા ટોણા મારવામાં આવે છે. હસ્તા મુખે બધું સહન કરનાર એ પૂજનીય છે,સલામ છે એને લાખો . કેટકેટલા અત્યાચારો સહન કરીને આદર્શ મૂર્તિ બને છે. અત્યાચાર કરનારની શક્તિ ત્યારે જ વધે છે જ્યારે અત્યાચાર સહન કરનાર અત્યાચાર સહન કરે છે.
સ્ત્રી કોઈ સજાવટની વસ્તુઓ નથી,ભોગવિલાસની વસ્તુ નથી. એ તો પ્રેમનો એ અમૃત ઝરણું છે જે હંમેશા વહેતું રહે છે. સ્ત્રીને સમજતા શીખો. એના દરેક સ્વરૂપમાં પ્રેમ રહેલો છે. એ દરેક ભૂમિકા બેખૂબી રીતે નિભાવી રહે છે.
