કૉમા : સાચા પ્રેમની વાર્તા
કૉમા : સાચા પ્રેમની વાર્તા


આઠ વર્ષ સુધી તે કૉમામાં હતી. એની પોતાની જાત અને દુનિયાના અસ્તિત્વથી તે બિલકુલ અજાણ રહી હતી. એક શુભ-સવારે તે ડીપ કૉમામાંથી જાગી. તેની સાત વર્ષની દીકરી, શ્રેયા અચંબિત નજરે તેની મમ્મીને બેડ પર બેઠી થતાં જોઈ રહી.
શૂન્ય મુખભાવે તેણે આજુબાજુ નજર ફેરવી. બધુ જ નવું-નવું અને અજાણ્યું લાગતું હતું.
શ્રેયા ધીમા પગલે તેના બેડ પાસે સરકી, "મમ્મી...!"
પહેલી વાર તેણે તેની દીકરીને ‘મમ્મી’ કહેતા સાંભળ્યું. તેની શુષ્ક આંખમાં તેની દીકરીની કોઈ ઓળખાણ ઝળકતી નહતી. તેણે પાંપણો પલકાવી આંખો ઝીણી કરી કશુંક યાદ કરવા મગજ પર જોર કર્યું.
"મમ્મી, યુ વોક અપ !" તેના અવાજમાં ભીનાશ હતી, તેની નજીક જઈ મમ્મીની આંખોમાં જોઈને કહ્યું, "મમ્મી મને ખબર જ હતી ગોડ મારી પ્રેયર દરરોજ સાંભળે છે. આજે એમણે મારી પ્રેયર સાંભળી લીધી, મમ્મી...! યુ કેમ બેક ટુ અસ, મમ્મી. મી એન્ડ ડેડી મિસ્ડ યુ સો મચ...!"
તે હજુ પણ ભૂતકાળની યાદો પર ચડેલી ધૂળ હટાવી તેની સામે ઉભેલા ભાવભર્યા ચહેરાની ક્યાંક-કોઈ યાદદાસ્ત શોધવા મથતી હતી.
"મમ્મી, હું શ્રેયા છું... યોર ડોટર...! જો, હું કેટલી મોટી થઈ ગઈ...!" લાગણીભીના સ્વરે તેણે યાદદાસ્તનું તણખલું યાદ અપાવતા કહ્યું.
તેના મુખભાવ કોઈ ગહન વિચારમાં ડૂબેલા હતા. ભૂતકાળની યાદદાસ્તનો છેડો પકડાતાં જ તેણે તરત શ્રેયા સામે જોયું.
"મમ્મી. હું તારી દીકરી છું. રિમેમ્બર, આઈ વોઝ વેરી લિટલ..."
તેના ભાવવિહીન ચહેરા પર આછું સ્મિત રેલાયું. તેના સુકાયેલા હોઠ જરાક ખૂલ્યા, અને કહ્યું, "શ્રે-શ્રેયા...!?" બોલતા તકલીફ થતાં તેણે ગળા પર હાથ મૂકી દીધો.
"યસ, મમ્મી..!" ખુશખુશાલ ચહેરે આટલું બોલી તે પપ્પાને ફોન લગાવા દોડી.
"હેલ્લો...ડેડી. મમ્મી કૉમામાંથી જાગી ગઈ...! એણે મારું નામ પણ કહ્યું, પપ્પા...!" તેણે બેડમાં બેઠેલી મમ્મીની સામે દેખતા કહ્યું, "…મમ્મી મારા સામે જોઈ સ્માઇલ કરે છે. ડેડી તમે હાલ જ ઘરે આવી જાવ..." તેની ખુશાલી તેના સ્વરમાં ભળી ગઈ. ભીની આંખો લૂછી તે મમ્મી પાસે દોડી જઇ ભેટી પડી.
આછા સ્મિત સાથે તેણે દીકરીની પીઠ પર હાથ ફેરવ્યો... તેના ચહેરા પર હજુ પણ ક્યાંક મૂંઝવણના ભાવો વર્તાતા હતા. મનમાં સતત એકનો એક વિચાર ઘૂંટાયે જતો હતો કે એક વર્ષની દીકરી થોડાક જ દિવસોમાં આટલી મોટી કઈ રીતે થઈ શકે...? સામેની દીવાલ પર લટકેલું કેલેન્ડરનું વર્ષ જોતાં આંખોમાં આશ્ચર્ય ઉછળ્યુ. ‘2018ની સાલ ?’ ગઇકાલે તો 23 માર્ચ 2011 હતી...!
પપ્પાએ જેવા ગુડ-ન્યૂઝ સાંભળ્યા એવા જ તે ઓફિસમાંથી ભાગ્યા. ચાવી ભરાવી ગાડી ગેઇરમા નાંખી. હાઇવે પર ફૂલ સ્પીડે રમરમાટ કરતી ગાડી દોડાવી.... છેક ઘર આગળ ગાડી ઊભી રાખી, લૉક કર્યા વિના ખુલ્લે દરવાજે ઘરમાં ભાગ્યા. આઠ વર્ષથી તરસી રહેલી આંખો તેને હલતી જોવા બેતાબ બની રહી હતી.
તેના રૂમના દરવાજે તેના પગ થંભી ગયા. મા-દીકરી એકબીજાને ભેટી પડી ભાવુક થઈ રહ્યા હતા. ભીની આંખોમાંથી વહ્યે જતાં આંસુ લૂછી તેની નજીક જવા પગ ઉપાડ્યા.
"સોનલ...!" ખૂબ ઓળખીતો અવાજ તેના કાનમાં રેલાયો. બંધ આંખો ખૂલતાં તેણે તરત આંસુ લૂછી લીધા. આઠ વર્ષમાં થોડોક બદલાયેલો, પણ એજ ચહેરો જોઈને તેના હોઠ પર સ્મિત ખીલી ઉઠ્યું. હૈયામાં પ્રેમનો સાગર ઘૂઘવવા માંડ્યો.
"વિરેન...!" ગળગળા સાદે તેનાથી રડી પડાયું.
વિરેને તેની નજીક જઈ આંસુ અંગૂઠાથી લૂછી લઈ, વિશાળ બાહોમાં બંનેને સમાવી લીધા. તેની આંખો વરસી પડી. સોનલના વળતા જીવંત સ્પર્શે તેના હૈયામાં આઠ વર્ષથી ઘૂંટાતા વિષાદનું વાદળું વિખેરી નાંખ્યું...ને હૈયું સ્નેહભાવથી તરબોળ કરી મૂક્યું. એ ક્ષણમાં બંને ફરી પાછા પ્રેમાગરમાં ડૂબી પડ્યા.