કોમળ કળી
કોમળ કળી
જીવી તેની દીકરી ગીતા સાથે રહેતી હતી. આજુબાજુનાં ઘરોમાં કામ કરી જીવી તેનું અને દીકરી ગીતાનું પેટ ભરતા. ગીતા ખુબ જ રૂપાળી હતી. ગીતાની માંજરી આંખો, કદ કાઠી મન મોહી લે તેવા હતાં. તે બારમાં ધોરણમાં ભણતી પણ હાલ કોરોનાને કારણે શાળાઓ બંધ હતી તેથી તે પણ તેની મા સાથે કામ કરવા જતી.
એક દિવસ જીવીની તબિયત ખરાબ હતી. તાવને કારણે તે ઊઠી પણ શકતી ન હતી. તો ગીતા એકલી જ કામ કરવા ગઈ. મનસુખભાઈ એકલા જ રહેતા હતાં. ગીતા ઘરમાં પોતા મારતી હતીને મનસુખભાઈની કામુક નજર ગીતાને જ તાકતી હતી. યુવાનીનાં ઉંબરે ઉભેલી, રૂપાળી કાંચી કળી જેવી ગીતાને જોઈ મનસુખભાઈની લાળ ટપકવા લાગી. પણ ગીતા મનસુખભાઈની કામુક નજરને પારખી ગઈ. ગીતા કામ પૂરું કરીને ઘરે જવા નીકળી તો મનસુખભાઈ એ દરવાજો બંધ કરી દીધો. અને ગીતા સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. મહામુસીબતે ગીતા ભાગવામાં સફળ રહી.
હાંફતી, ડરેલી હરણી જેવી ગીતા ઘરે પહોંચી તો જીવી તેના આંખોનાં આંસુ અને હાલત જોઈ સમજી ગઈ. તેણે ગીતાને હૃદય સરખી ચાંપી લીધી.
નરભક્ષીઓથી ભરેલી આ દુનિયામાં ગીતા તો કસોટીમાંથી પાર પડી પણ કેટલીય કોમળ કળીઓ ચૂંથાતી હશે.
