કંકુ
કંકુ
આશાબેન આજે સવારથી જ પુત્રવધૂ મેઘા ને ઘડીની પણ નવરાશ લેવા દીધી નહોતી...
આશાબેનની જીભ ચાલે એમ મેઘાનાં પગ ચાલતાં હતાં..
મેઘા પણ થાક્યા વગર હસતાં મોઢે કામ કરતી હતી...
આશાબેને પુરષોત્તમ મહિનો કર્યો હતો અને એનાં લીધે સત્યનારાયણની કથા રાખી હતી અને બધાં ને ભેટ આપવા ડબ્બા લીધાં હતાં એમાં અગિયાર રૂપિયા અને પ્રસાદી નો લાડુ અને કંકુ નું પેકેટ મૂક્યું હતું...
કથા ચાલુ થવાની તૈયારી હતી મહારાજ બધું તૈયાર કરતાં હતાં એટલામાં જ મેઘા ની દશ વર્ષની દીકરી ખંજને બૂમ પાડી કે મમ્મી જલ્દી આવ.. મેઘા ને આશાબેન દોડ્યા જોયું તો ખંજન નાં પગ લાલ થઈ ગયા હતા અને ખંજન રડતી હતી.. મેઘા એને બાથરૂમમાં લઇ ગઈ અને બહાર આવી સાસુમા ને કહ્યું કે ખંજન રજસ્વલા થઈ છે આ સાંભળીને આશાબેન તડૂકયા કે એને તારી મમ્મી નાં ઘરે મૂકી આવ અને તું આવીને સ્નાન કરી લે આ સાંભળીને મેઘા બોલી મમ્મી તમે એક સ્ત્રી થઈને આવું કહો છો ?
જો પૂજાનું કંકુ પવિત્ર છે એમ આ પણ પવિત્ર છે તમે શા માટે એને આભડછેટ માનીને ધૂત્કારો છો.. ?
જો દીકરી રજસ્વલા નહીં થાય તો કુળ દિપક કેવી રીતે આવશે ?
આ સાંભળીને આશાબેને ખંજનને માથે હાથ મૂક્યો અને કહ્યું કે આજે તો પ્રસંગ ઉજવો કે ઘરમાં કંકુ પગલાં થયાં છે.
