કલ્પનાઓનો સૂર્ય
કલ્પનાઓનો સૂર્ય
અગાશી પર સુતા સુતા હાર્દિક સુંદર તારાઓથી ઝગમગતા આકાશને નિહાળી રહ્યો હતો. એવામાં તેનું ધ્યાન સૌથી મોટા અને એક ખૂબ જ ઝગમગતા તારા પર પડ્યું. આ ચમકતા તારાને જોઇને તેના મમ્મીની યાદ આવી ગઈ અને આંખમાંથી અશ્રુઓની ધાર વહી ગઈ.
તારાને જોતા હાર્દિક બોલ્યો; યાદ છે મમ્મી મને જ્યારે તું કહેતી હતી કે માણસ જ્યારે ધરતી પરથી ચાલ્યું જાયને ત્યારે આકાશમાં એક તારો બનીને ચમકે છે. પણ તું કેમ મને બેસહારા એકલો મૂકીને ચાલી ગઈ. મારે તારા ખોળામાં સૂવું છે, મારે તારું એ હાલરડું સાંભળવું છે, મારે તારો એ વ્હાલ જોઈએ છે. કાશ ! કાશ ! કોઈ એવું સાધન હોત કે હું તારી પાસે કે તું મારી પાસે આવી શકતી હોત. અને હા, મમ્મી કહેવાય છે ને, ત્યાં કોઈ અલગ જ માણસો હોઈ, જેને ધરતી પર એલિયન કહે છે. શું ત્યાં પણ આવા એલિયન છે ? મેં જોયુ છે ફિલ્મમાં એ એના સ્પેસશિપમાં બેસીને ધરતી પર આવે છે. તો તું પણ એની જેમ એક વાર મને મળવા આવને. મારે તારી જરૂર છે તારા વગર હું દુનિયામાં નિ:શેષ છું.
વાતો કરતાં કરતાં હાર્દિકની આંખ લાગી ગઈ. મનમાં હજી મમ્મીને મળવાની તમન્ના એવી જ હતી. સુતા પછી પણ મનમાં શાંતિ ન હતી. એવામાં બરાબર તેના મોંઢા પર કઈક અલગ જ પ્રકાશ પડ્યો. એવામાં એક યાન આવીને તેની અગાશી પર ઉતર્યું. હાર્દિક તો જોતો જ રહી ગયો. યાનનો દરવાજો ખુલતા જ હાર્દિકના આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા અને બોલો ઉઠ્યો; અરે !! મમ્મી તું આવી ગઈ, તને ખબર છે હું તને કેટલી યાદ કરું છું, કેમ મને એકલી મૂકીને ચાલી ગઈ છો ?? તારા વગર આ ધરતી પર છે જ કોણ મારું? તને એકવાર પણ મારી યાદ નથી આવતી. તું બસ તારો બનીને રોજ મારી સામે હસ્યા કરે છે. અને હું તને જોતો જોતો સૂઈ જાઉં છું.
હવે હું તને ક્યાંય નઈ જવા દઉં. મારે મનભરીને તારા ખોળામાં સૂવું છે, તારી સાથે વાતો કરવી છે, તારું હાલરડું સાંભળવું છે, સંભળાવીશને મમ્મી ?? હવે હું તને નઈ જવા દઉં તારા આ યાનને ખાલી પાછું મોકલી દે તારે ક્યાંય જવાનું નથી, એકનું એક રટણ કરતો હાર્દિક સૂઈ ગયો અને વાતો વાતોમાં રાત વીતી ગઈને સવારમાં સૂર્યનો તડકો માથા પર આવ્યો ને આંખ ખોલતા જ બધું અદ્રશ્ય થયું. ઉગતા સૂર્યની સાથે જ કલ્પનાનો સૂર્ય ડૂબી ગયો
