કલ્પનાનાં તરંગો
કલ્પનાનાં તરંગો
થોડાં દિવસ પહેલાં હું મારા એક મિત્રના ઘરે ગયો હતો. મિત્રના ઘરે અનાયાસે મારા હાથમાં એક પુસ્તક આવી ગયું. મારો મિત્ર બહાર ગયો હતો એટલે સમય પસાર કરવા માટે મેં પુસ્તક વાંચવાનું શરૂ કર્યું.
પુસ્તકમાં કેટલાંક તાર્કિક, ગાણિતિક, તેમજ કેટલાક બૌદ્ધિકશક્તિનો વિકાસ કરતા પ્રશ્નો હતા. મને પુસ્તક વાંચવામાં રસ પડયો. પુસ્તક આંતરિક તથા સુષુપ્તશકિતો પર લખાયેલું હતું. પુસ્તકની ઘણી બાબતો આપણામાં આત્મવિશ્વાસ વધારનારી હતી. હકારાત્મક અભિગમ અપનાવવાથી જીવનમાં બધું જ મેળવી શકાય છે તે વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આપણા મનની શક્તિથી આપણે સુપરમેન બની શકીએ છીએ.આવી ઘણી બધી બાબતો વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવી હતી.
થોડાં સમયબાદ મારો મિત્ર આવ્યો. તેની સાથે થોડો સમય પસાર કર્યા બાદ રાત્રે હું મારા ઘરે પરત આવ્યો. મનમાં સુપરમેનને લગતાં અનેક કલ્પનાના તરંગો ચાલતા હતાં. હું સુપરમેન બનું તો કયા કાર્યો કરું એ વિષય પર કલ્પના કરવાં લાગ્યો.
ઘરે આવીને રાત્રે ટી.વી ચાલુ કર્યું તો સુપરમેનનું પિક્ચર આવ્યું. મનમાં પુસ્તકના વિચારો અને રાત્રે સુપરમેન મુવી જોઈ મન વધારે ચકરાવે ચડ્યું. મને થયું કે હું પણ આવો સુપરમેન બની જાઉં તો, પહેલાં તો આખી દુનિયા ફરી લઉં. મારી મનગમતી વસ્તુઓ મેળવું. પરીક્ષામાં પણ પહેલો નંબર લાવું. સમાજની ખોટી બદીઓ જેવીકે, લાંચરુશ્વત,ચોરી,બળાત્કાર, ભ્રષ્ટાચાર,ગરીબી,બેકારી, બાળમજૂરી બધાનો સંપૂર્ણ નાશ કરું. જો હું સુપરમેન બની જઉં તો, આ દુનિયામાં કોઈને પણ દુઃખી ના રહેવા દઉં.બધાનો હીરો બનું.
રાત્રે સપનામાં પણ મને જાણે કે સુપરમેન જ દેખાયો. સુપરમેન મને એની સાથે ફરવાં લઈ ગયો.અમે એક નાનકડાં બાળકનો જીવ બચાવ્યો.બીજા ઘણા જરૂરિયાતમંદોની પણ મદદ કરી. સુપરમેન સાથે ફરવાની મને ખૂબ મજા આવી.પરત ફરતાં સુપરમેને મને સમજાવ્યું કે,
"મિત્ર તમારા બધામાં પણ વિશિષ્ટશક્તિ રહેલી છે.આપ સૌ એ શક્તિનો ઉપયોગ કરી સુપરમેન બની શકો છો. હા.., એના માટે તમારે પહેલાં તો ભણવામાં ધ્યાન આપવું જોઈએ તથા હકારાત્મક વિચારો અપનાવી આત્મવિશ્વાસુ બનવું જોઇએ. હંમેશા બીજાને મદદ કરવાની ભાવના રાખવાથી પણ તું બધાના માટે સુપરમેન બની શકે છો."
બીજા દિવસથી મેં પણ સુપરમેને મને જે કંઈ પણ કહ્યું હતું તે પ્રમાણે કરવાનું શરૂ કરી દીધું. બીજાની તો ખબર નહીં પરંતુ મારા મિત્રવર્તુળ અને મારાં મમ્મી પપ્પાનો તો હું ચોક્કસ સુપરમેન બની ગયો.
