ખૂણો
ખૂણો
'અરેરે માડી ! મારો એકનો એક કુળનો તારનાર તે લઈ લીધો.. શું વાંકમાં આવી તી મા હું ? તે મારો ખોળો ખાલી કરી નાખ્યો ! કયા મારા પાપ મારા દીકરાને ભરખી ગ્યા ? રે માડી ! મને લઈ લીધી હોત તો...'દામુની માના હ્રદયને હચમચાવી નાખતાં આક્રંદો વાતાવરણને ગમગીન બનાવી રહ્યા હતા. ગામના સૌ કોઈ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા… 'હજુ તો પરણ્યાને પંદર દા’ડા થયા ત્યાં રાંડ ભરખી ગઈ બિચાડીના દીકરાને ! અરે ! જે જનમતાં જ પોતાની માને ભરખી ગઈ, એવી નમાઈ જોડે પઈણાવે તો બીજુ શું થવાનું ? અભાગણીના પગલાએ હસતારમતા ઘરને સમશાન બનાવી દીધું.' ગામલોકોના ડૂંભાણા દામુની માના કાને ડામ દેતા’તા. ક્રોધ અને નફરતથી ભરેલી તેની નજર વારંવાર એ અભાગણી, રાંડ ને નમાઈ જેવા ઉપનામથી નવાજવામાં આવતી પુત્રવધુ દેવી પર જતી હતી.
અઢારવર્ષની દેવી અને વીસ વર્ષના દામુના લગ્ન તો નાનપણમાં જ નક્કી થઈ ગયા હતા. ગામડામાં સાત ધોરણ સુધીની જ સ્કુલ હતી એટલે દામુ પંદર વર્ષનો થયો ત્યારે તેને આગળ ભણવા શહેરમાં મોકલ્યો હતો. આ બાજુ તેર વર્ષની દેવીને ઘરકામ અને વ્યવહારકુશળતાના પાઠ શીખવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. દામુ વર્ષમાં ચાર-પાંચ વાર ગામડે આવતો, તેને દેવી જોડે ઘનિષ્ઠ મિત્રતા. દેવી પણ કાગડોળે દામુના આવવાની રાહ જોયા કરતી. દામુ આવે ત્યારે દેવી જોડે શહેરની વાતો કરતો. દેવીને પોતાના પુસ્તકો પણ વાંચવા આપતો. એમને એમ પાંચ વર્ષ પસાર થઈ ગયા. દેવી અને દામુ યુવાન અવસ્થાએ પહોંચ્યા એટલે બંને પરિવારે તેમના લગ્ન ગોઠવી દીધા.
દેવીની માતા તો દેવીને જન્મ દેતા જ સ્વર્ગલોક સિધાવી ગઈ હતી. દેવીના ઘરમાં માત્ર તેની ઘરડી દાદી અને પિતાજી હતા. દેવદિવાળીના શુભદિને વિવાહ સંપન્ન થયા. દેવી કુમકુમ પગલા પાડી દામુના ઘરે આવી. દામુના ઓરડામાં પગ મુકતા દેવી આશ્ચર્યથી એક ખૂણા તરફ જોઈ રહી. દામુએ દેવીની કુતુહુલતા સંતોષતા કહ્યું, 'આ મારી નાનકડી લાયબ્રેરી. શહેરમાં તને લઈ જઈશ ત્યારે બતાવીશ લાયબ્રેરી કેવી હોય ? આજથી આ આપણા બેયની. આ પુસ્તકોથી ભરેલ ખૂણો તને ક્યારે મારી ગેરહાજરી...' દેવીએ દામુના હોઠ પર હાથ મૂકી તેને આગળ આવા અશુભ વચનો ઉચ્ચારતા રોકી લીધો. દામુ અને દેવી બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા અને પોતાના સુખી સંસારની શરૂઆત કરી.
ઘરકામથી ઘડાયેલી દેવી ઘરમાં બધા જ સભ્યોને ખુશ રાખતી. સાસુ-સસરા દેવીના આવવાથી ઘરમાં રોનક અનુભવતા હતા. દામુ સાથે દસ દિવસ સુખેરૂપે વીતાવ્યા હશે ત્યાં જ દામુને પરીક્ષા હોવાથી શહેર પાછા જવાનો વખત આવી ગયો. દેવીએ દામુને અશ્રુભરી વિદાય આપી. દામુએ તેને આશ્વાસન આપતા કહ્યું, 'બસ ! આ પરીક્ષા પતે એટલે નોકરી મળી જશે ને ચાર-પાંચ મહિનામાં તને ને બા-બાપુજીને શહેરમાં બોલાવી લઈશ. બસ થોડા દિવસ હો મારી બકુડી.!'કોઈ જોઈ ન જાય એમ દેવીના ગાલ પર ટપલી મારી દામુએ આંખ મીચકારી. પતિના આવા પ્રેમભરી ગોષ્ઠીથી દેવીના મુખ પર હાસ્ય આવી ગયું. માતા-પિતાને પગે લાગી દામુ શહેર ચાલ્યો ગયો.
શહેર પહોંચ્યાને હજુ ચાર દિવસ થયા હશે ત્યાં જ શહેરથી સમાચાર આવ્યા કે દામુને એક ખટારાએ ટક્કર મારી અને દામુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. દામુનું મૃતશરીર લાવવામાં આવ્યું. દેવી તો દામુનું નિષ્પ્રાણ શરીર જોઈને લાકડુ જ બની ગઈ. આંખમાંથી એક આંસુ ન પડ્યું. ગામના બૈરાઓએ તેને હલબલાવી તેને રોવડાવાના પ્રયત્ન કર્યા ત્યારે મોંઢામાંથી એક ભલભલાને હલાવી નાખે એવી ચીસ નીકળી અને તેનું શરીર આઘાતથી બેભાન થઈ ઢળી પડ્યું. જ્યારે તે ભાનમાં આવી તો તેની બાજુમાં તેના પિતા બેઠા હતા અને તેના કાનમાં અભાગણી, રાંડ જેવા શબ્દો પડતા હતા. દિવસો વીતતા ગયા. દામુની મરણોત્તર ક્રિયા પૂર્ણ થઈ. હવે જુવાનજોધ દીકરાની પરણેતરનો વારો હતો. દેવીને હવે ખૂણો પાળવાનો હતો. એક દિવસ નહિ, એક મહિનો નહિ.... પૂરુ એક વર્ષ. ગામની આ જૂની પરંપરા હતી. વિધવા સ્ત્રીએ એક ઓરડામાં રહી, સૂક્કુ સ્વાદહીન ભોજન લેવાનું અને હરિભક્તિ કરવાની. બહારથી સૂર્યની કિરણો અને હવા સિવાય એ ઓરડામાં કોઈ ન જાય. કદાચ એકલવાયા અને કઠોર જીવનની તેને આદત પડી જાય એ માટે આવા નિયમો બનાવાયા હશે.
સૂરજની કિરણો દેવીના રડીરડીને સોજી ગયેલા ચહેરા પર પડતા તે જાગી. ઓરડીમાં જ પાટીસન કરીને બનાવેલ સ્નાનાગૃહમાં સ્નાનક્રિયા પતાવી બારીમાંથી આવતા સૂર્યનારાયણને બે હાથ જોડી પ્રાર્થના કરી. બારણાની સ્ટોપર ખૂલવાનો અવાજ આવ્યો અને જરાક જેટલી જગ્યામાંથી થાળી સરકાવી દેવામાં આવી. થાળીમાં એક સૂકો બાજરાનો રોટલો અને છાશ હતી. દેવીએ જેમતેમ ગળે ઉતાર્યુ અને જઠરાગ્નિ શાંત કર્યો. આખો દિવસ ઓરડાની પેલે પારના કડવા વચનો સાંભળી ઝૂર્યા કરતી અને દામુને સંભારી રડ્યા કરતી. એક દિવસ બે દિવસ એમ કરતાં આખુ એક અઠવાડિયુ એ એક ખૂણામાં તેણે પસાર કર્યું. આજે દેવીને દામુ સાથેની લગ્નની એ પ્રથમ રાત્રિ યાદ આવી ગઈ. 'આ પુસ્તકો મારી ગેરહાજરીમાં....'આગળ દેવીએ તેને બોલવા જ નહોતું દીધુ, છતાં એ કાળ જેવુ અધૂરુ વાક્ય આજે પૂરુ થઈ ગયું.
દેવી પાછી ડૂસકે ચડી. બાજુમાં પડેલી માટલીમાંથી પાણી પીધું અને સ્વસ્થ થઈ. ધીરે ધીરે તેના પગલા એ પુસ્તકો તરફ આગળ વધ્યા. દેવીએ એક પુસ્તક ઉઠાવ્યું.. ભગવદ ગીતા... વાંચવાનું શરૂ કર્યું. એ પછી રામાયાણ, ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત સરસ્વતી ચંદ્ર, કવિ ન્હાનાલાલની કવિતાઓ, કલાપીનો કેકારવ.. એવા કેટલાય પુસ્તકો તેણે વાંચી નાખ્યા. સ્વાદહીન ભોજન પણ હવે માત્ર પેટ ભરવાનું કામ કરતું, બાકી આત્મા તો આવા પુસ્તકોથી તૃપ્ત થઈ જતો. બહારના હવાઊજાસનો તેને કોઈ જ મોહ રહ્યો નહોતો, તેની અંદરનો અંધકાર દૂર કરનાર દીપક પ્રગટી ચૂક્યો હતો. સાચે જ પુસ્તકો દામુનો પ્રેમ બની દેવીના હ્રદયમાં ઝળહળતા હતા.
આમ કરતાં એક વર્ષ પૂરૂ થયું અને દામુની વરસીનો વખત આવી પહોંચ્યો. દેવીને ઓરડામાંથી બહાર આવવાનો સમય આવી પહોંચ્યો. સૂર્યની પ્રથમ કિરણ સાથે દેવીનો પગ ઓરડાની બહાર બેઠકખંડમાં મૂકાયો. સૌ કોઈ દેવીના ચહેરા પરનું તેજ જોઈ અંજાઈ ગયા. સોળ શણગાર સજેલી અપ્સરા પણ આજ દેવીના સ્થિર અને જ્ઞાનવર્ધક રૂપ સામે પાણી ભરતી હોય એમ લાગે. એક વરસ સુધીનો અંધકાર અને કપરૂ વૈધવ્ય જીરવી ગયેલી દેવી આજ ખરેખર જ દેવી લાગતી હતી. તેના આંખમાં અશ્રુ નહોતા. પોતાને દેવાયેલા ડૂંભાણા વિરૂદ્ધ કોઈ શબ્દ નહોતા. કોઈને માટે કોઈ જ ફરિયાદ કે અફસોસ નહોતા. હતો તો માત્ર પોતે નિર્ધારેલા ધ્યેય સમક્ષ પગલા ભરવાનો સંકલ્પ.
આજે દેવી ગામમાં જ પોતાના ઘરના ઓટલે નાના બાળકોને અને પ્રૌઢ સ્ત્રીઓને અક્ષર જ્ઞાન આપે છે અને ગામના મંદિરમાં ભાગવત ગીતા વાંચી લોકોને ખરા ધર્માચરણના પાઠ ભણાવે છે.
