ખૂની કોણ?
ખૂની કોણ?
કનુકાણીયો અંધારી આલમનો બેતાજ બાદશાહ. મેંધરભાટ ગામને છેવાડે અંબિકા નદીના કિનારે એનું ઘર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર અરબીસમુદ્રમાં નદી મળે. ગામમાં એની સોફ્ટડ્રીંક બનાવવાની ફેક્ટરી. એની આડમાં દારુની હેરફેર કરે. દરિયાઈ માર્ગે આવતો સોના અને હીરાનો દાણચોરીનો માલ, ઘરમાં એક છુપું ભોંયરું જેનો બીજો છેડો આંગણામાં વડનાં ઝાડ નીચે એમાં માલ સંતાડે.
રમેશ નામના એક અનાથ બાળકને આશરો આપેલો. એને સારું શિક્ષણ આપી પોતાની ફેક્ટરી સંભાળવાનું કામ સોંપ્યું. કનુ કાણીયો બેનંબરી ધંધો કરે પણ કોઈનાં ખૂનથી હાથ રંગેલા નહીં. દાનત સાફ. પરસ્ત્રી પર બૂરી નજર નહીં. ગરીબો અને સ્ત્રીઓનો મસીહા. અંધારી આલમની કમાણીમાંથી જરૂરિયાતમંદને મદદ કરે. શુક્કર દમણિયો એનો હરીફ, અંધારી આલમના બેતાજ બાદશાહ બનવાની ઈચ્છા. કનુનુ કાસળ કાઢે તો જ આ શક્ય બને. કનુની ગતિ વિધિ પર નજર રાખવા, શુકકરે સોમુ નામના પોતાના માણસને બિચારો બાપડો બનાવી કનુ પાસે મોકલ્યો. કનુએ કામ પર રાખી લીધો.
કોઈપણ માણસ આવે એટલે રમેશ સાવધ થઈ જાય. રમેશે સોમુ પર નજર રાખવા માંડી. એની હિલચાલ શંકાસ્પદ લાગતા કનુભાઈની ઓફિસમાં છુપા કેમેરા લગાવ્યા, પોતાના મોબાઈલમાં હિલચાલ જોયા કરે. એક દિવસ રમેશે જોયું તો સોમુ કનુની ઓફિસનાં બારણાં સાથે ચેડાં કરતો દેખાયો. ધ્યાનથી જોતાં ખબર પડી કે બારણામાં નાનકડી પિસ્તોલ લગાવતો હતો. રમેશે જોયાં જ કર્યું. સમસ્ત કાર્ય પુરું કરી સોમુ ગયો કે તરત રમેશે જઈ બધી વસ્તુઓ લઈ લીધી. અને કનુને કહ્યું, "કાકા,બે દિવસ ઘરની બહાર ન નીકળતા." કનુએ કારણ પૂછતાં કહ્યું કે બે દિવસ પછી કહીશ.
શુકકર દમણીયાના રાતવાસાનું સ્થળ રમેશને ખબર. ચોકીદારને પોતે ઘર સાફ કરવા મોકલ્યો છે એમ કહી ઘરમાં જઈ,જે કામ સોમુએ કરેલું તેજ કામ તેજ સાધનોથી રમેશે શુકકરના શયનખંડમાં કર્યું. રાત્રે શુકકર દમણીયો રાતવાસો કરવા ગયો, અગાઉ વાત થયા મુજબ મુન્ની બાઈએ નક્કી કરેલ સ્ત્રીનાં સપના જોતાં જોતાં જેવું શયનખંડનું બારણું ખોલ્યું કે ટ્રીગર સાથે બાંધેલી દોરી ખેંચાય અને પિસ્તોલમાંથી છૂટેલી ગોળીએ શુકકરનું ઢીમ ઢાળી દીધું. પોલીસ આવી, તપાસ કરતાં કોઈનાં પગલાં દેખાયા નહીં. કોઈ છાપ ન મળી. એકાએક બારણાં પર નજર પડી તો નાનકડી પિસ્તોલ દેખાય. તપાસ કરતા માલુમ પડ્યું કે પિસ્તોલ શુકકર દમણીયાની છે.
સોમુ પિસ્તોલ જોઈને સમજી ગયો પણ ચૂપ રહેવામાં મજા છે પરંતુ વિચારતો થયો કે કનુ કાણિયાને માટે ગોઠવેલો તખ્તો અંહી ક્યાંથી ? પોલીસ પણ વિચારતી રહી ખૂની કોણ ? કોણે આ રીતે કાસળ કાઢ્યું ? કોઈએ જબરદસ્ત ભેજું લડાવ્યું છે.
પોલીસને તો ટાઢાપાણીએ ખસ ગઈ એટલે આપઘાતમાં ખપાવી તપાસ બંધ કરી દીધી. રમેશે કનુને બધી વાત કરી, ક્લીપ બતાવી કહ્યું, "કાકા, મેં તમારો જીવ બચાવ્યો, ઈનામ આપો." કનુને નવાઈ લાગી, ઉપકાર ભૂલી ઈનામ માંગે ! છતાં પણ,"માંગ માંગ માંગે તે આપું" કહેતા જ રમેશે કહ્યું,"વચન આપો, આજથી આ અંધારી આલમને અલવિદા કહી દ્યો. આપણે ફેક્ટરી સાથે ઈમાનદારીથી બીજો ધંધો કરીશું તો જ સોહન અંધારી આલમથી દૂર રહેશે." સાંભળતાં જ કનુની આંખ પ્રશ્ર્ચાતાપના આંસુથી છલકી રમેશને ભેટી પડ્યા ને કહ્યું," આજથી બે નંબરી તમામ ધંધા બંધ."
