ખૂન વિશ્વાસનું
ખૂન વિશ્વાસનું
અમદાવાદના વેપારીનો પુત્ર અર્જુન એક મિલમાં સામાન્ય કારીગરની નોકરી કરતો હતો. મોજીલો સ્વભાવ. કોઈને પણ મદદ કરવા તૈયાર. મિલમાંજ એનો બીજો મિત્ર કરણ ખાસ મિત્ર. બંને શાળા જીવનથી એક જ પાટલી પર બેસી ભણતા લંગોટીયા મિત્રો એકબીજાના સુખ દુઃખ શેર કરતા રહેતા.
એક દિવસ અચાનક અર્જુન ગુમ થઈ જાય છે. પરિવારમાં સોપો પડી જાય છે. આખા દિવસની શોધખોળના અંતે પત્ની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. રાત્રીના સાડા દસ વાગે નરોડા પોલીસ સ્ટેશનથી ચાલતી ચાલતી ચિંતાગ્રસ્ત ચહેરે ચાલતી હતી અને ઓચિંતી જ એને ઠોકર વાગે છે. એ પડી જાય છે. જોયું તો એને લાશની ઠોકર વાગી હતી. એ કંઈ વિચારે એ પહેલા ઉભી થઈને જોયું તો એની આંખે અંધારા આવી ગયા. એની સામે અર્જુનની લાશ પડી હતી. અને એણે જોરથી ચીસ પાડી, આક્રંદ કરવા લાગી અને આખું ગામ ભેગું થઈ ગયું.
કોઈએ પોલીસને બોલાવી. પોલીસ આવી. પંચકેસ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. અને એવું ફલિત થયું કે એને ગળે ફાંસો આપીને કોઈએ મારી નાખ્યો છે. પોલીસે મોબાઈલ કોલની વિગત મંગાવી અને જોયું તો છે છેલ્લા સાત કોલ એના ખાસ મિત્ર કરણના જ હતા તાત્કાલિક કરણને પકડી લાવવામાં આવ્યો.
પહેલા તો કબૂલ જ ના થયો પણ મોબાઈલ લોકેશન ટ્રેસ આઉટ કરાતા પુરવાર થયું કે મરનાર અર્જુનની સાથે છેલ્લે કરણ જ હતો. નજીકની દુકાનના સીસી ટીવી કેમેરામાં પણ એ સ્પષ્ટ દેખાતો હતો.
કડક પૂછપરછથી એ થાકી ગયો અને ભાંગી પડ્યો અને ગુનો કબૂલ કરી લીધો. અને પોપટની જેમ ફટાફટ બોલવા લાગ્યો 'હા સાહેબ, મેંજ મારા અંગત મિત્ર કરણનું ખૂન કર્યું છે. મારે મારી બેન પ્રિયલના લગ્ન માટે, દહેજ માટે 25 હજાર રૂપિયાની જરૂર હતી. મેં અર્જુન પાસે એ માંગ્યા પણ એણે આ વાત મજાકમાં ઉડાવી દીધી. મેં એને કહ્યું કે, "તારી પાસે પચાસ હજાર રૂપિયા આવ્યા છે. મને આપ" એ નહિ માન્યો. મને હસતા હસતા કહે કે, "હું નહીં આપું તો તું શું કરી લેશે?"
મેં કહ્યું એ મજાક નહીં કર મને પૈસાની સખત જરૂર છે. મને ખબર છે કે અત્યારે તારા ખીસ્સામાં પચાસ હજાર રૂપિયા છે. મને આપ હું ખૂબ કરગર્યો એને. એ નહીં માન્યો. મને હસતા હસતા બોલ્યો, "જા નહીં જ આપું શું કરી લેશે ?" અને મને ખૂબ ગુસ્સો ચડ્યો મેં નજીકમાં દોરડા રમતી એક છોકરીના હાથમાંથી દોરડી લઈ લીધી.
હું ગુસ્સામાં તેની તરફ ધસી ગયો. એ મારી મજાક કરવા લાગ્યો,"જા જા સાલા બાયલા, છોકરીની જેમ દોરડા કૂદ. હવે તો તને નહીં જ આપું જા". એમ કહી ખડખડાટ હસવા લાગ્યો મારાથી રહેવાયું નહીં મેં દોરડાને એના ગળે નાખી દીધું અને દોરી જોરથી ખેંચી.. પળવારમાં જ એનું મૃત્યુ થઈ ગયું. અને એનું ખીસું ફંફોસ્યું તો બે કવર મળ્યા એક કવર પર મારી બેનનું નામ લખ્યું હતું "મારી પ્રિય બહેનને..."
કવર ખોલી અને જોયું તો સાહેબ પુરા પચીસ હજાર રૂપિયા હતા. અને સાથે એક ચિઠ્ઠી પણ હતી ચિઠ્ઠી ખોલી વાંચી "પ્રિય મિત્ર કરણ, આ સાથે તને મારા તરફથી રૂપિયા 25000 આપું છું. મને 50000 રૂપિયા વી સી માંથી મળ્યા છે. તેમાંથી અડધા રૂપિયા તને આપું છું. મારે કોઈ બેન નથી તારી બેન એ જ મારી બહેન છે. આ રૂપિયાથી તું તારી બેનના લગ્ન કરાવજે. અને હા એક ખાસ વાત આ રૂપિયા તારે પરત કરવાના નથી. હું જ એનો માસિક હપ્તો ભરીશ". આ વાંચીને સાહેબ હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો ચિઠ્ઠી પકડીને હું પોક મૂકીને રડવા લાગ્યો. "સાહેબ મેં જ મારા અંગત મિત્ર નું ખૂન કર્યું છે... વિશ્વાસનું ખૂન કર્યું છે.. મને ફાંસીની સજા આપો.." અને કરણ ફસડાઈ પડ્યો ગુનો કરણે કર્યો પણ એની સજા અર્જુનના પરિવારે ભોગવવી પડી.
અર્જુનના પરિવારની જિંદગી દોઝખ બની ગઈ. એની પત્ની સાવ અચાનક ટેકા વગરની થઈ ગઈ. દીકરીના માથેથી બાપ નામનો છાંયડો દૂર થઈ ગયો. અર્જુન તો ચાલ્યો ગયો પણ એની યાદ ચપ્પુની અણીની જેમ એની પત્નીને સતત ભોંકાતી રહી. અતિ વિશ્વાસ કદી મિત્રતાને પણ ખાઈ જાય છે.