ખુદાબક્ષ
ખુદાબક્ષ
હરિભાઇ પટેલના ઘરમાં આજે આનંદોત્સવ થઇ રહ્યો હતો. ઘરજ નહિ, સમગ્ર જીવન હરિભાઇને ઉલ્લાસમય થઇ ગયેલું લાગતું હતું. તેમને તેમનું જીવન સાર્થક થયું લાગ્યું. તેમનું અધુરું સ્વપ્ન તેમનો પુત્ર નાદ પરિપૂર્ણ કરવાનો હતો. નાદને બેંગલોરની પ્રખ્યાત ઇંડીયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સમાં પ્રવેશ મળ્યો હતો.
હરિભાઇને બાળપણથીજ વિજ્ઞાન પ્રત્યે ખાસ રુચિ હતી. કહો કે ગાંડો શોખ હતો. વિજ્ઞાનના આ શોખને કારણે તેમના સ્વભાવમાં ચીવટનો ગુણ પણ વિકસ્યો હતો, નાનામાં નાની બાબતોની નોંધ રાખવી, પછી તે નાણાંની લેવડદેવડ હોય કે ધોબીને ઇસ્ત્રી માટે કપડાં આપવાનાં હોય. તેમણે નાદને બેંગલોર જાતે મુકવા જવાનું નક્કી કર્યું. નાદે વિશ્વાસપૂર્વક કહ્યું કે પપ્પા તે એકલો પહોંચી જશે.
‘ના બેટા, ઇન્સ્ટીટ્યુટમાંથી તાર આવ્યો છે. તાત્કાલિક ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો છે. આપણને ટ્રેનમાં રીઝર્વેશનનો સમય નથી. આટલી લાંબી મુસાફરી, વગર રીઝર્વેશને કરવી હિતાવહ નથી.’ અમદાવાદથી બેંગલોરની સપ્તાહમાં એકજ ટ્રેન હોવાથી મુંબઈ થઇ પ્લેનમાં બેંગલોર ગયા. આ ઉપરાંત મનોમન બેંગલોર જવાનું એક બીજું પણ કારણ હતું. ભારતની સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન સંસ્થાનું મૂલ્ય તેમને મન પૂરીના જગન્નાથજીના મંદિર જેટલુંજ પવિત્ર હતું કે કદાચ એથી પણ વધારે. આવી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી તેમને માટે યાત્રા સમાન હતું.
સંસ્થામાં જઇ પ્રવેશ કાર્યવાહી પૂરી કરી. હૉસ્ટેલમાં પણ રૂમનો કબજો લઇ લીધો. બે દિવસ રોકાઇને રહેણાક માટે જરૂરી સરસામાનની ખરીદી કરી. કોલેજના નિયામકની પરવાનગી લઇ પ્રયોગશાળાઓ, ક્લાસરૂમ વિગેરેની મુલાકાત લઇને ભાવ વિભોર થઇ ગયા. હૉસ્ટેલના રેક્ટરને રૂબરૂ મળી નાદની ઓળખાણ કરાવી. અને સામાન્ય વાતચીત દરમ્યાન ‘રેગીંગ’ બાબત અછડતો ઉલ્લેખ કરી ચિંતા પ્રગટ કરી. નાદની કૉલેજ અને હૉસ્ટેલની સુવિધાઓ વિષે જાણકારી મેળવીને જાતે સંપૂર્ણ સંતોષ અનુભવ્યો. છેવટે નાદને બાકી વધેલા પૈસાની સોંપણી કરી. નાદે કહ્યું કે 'તેની પાસે પૂરતા પૈસા છે.'
હા પણ, તારું બેંકનું ખાતું ટ્રાંસફર થતાં વાર લાગશે. અજાણ્યા શહેરમાં તકલીફ ન પડવી જોઈએ. હજી જમવાની મેસ ચાલુ નથી થઇ. તું રાખ, વિસનગર પહોંચવા સુધીની વ્યવસ્થા છે.’ છેવટે કૃષ્ણરાજપુરમ સ્ટેશને જવા માટે વહેલાસર રવાના થયા. સ્ટેશને પહોંચી અમદાવાદની ટિકિટ લેવા ટિકિટ-બારીની લાઇનમાં ઊભા રહ્યા. થોડી વારે બીજો એક યુવાન તેમની પાછળ જોડાયો. હરિભાઇએ સ્વાભાવિક જ પાછળ નજર કરી, તો યુવકે પૂછ્યું, ‘વડીલ, અમદાવાદ જવાના ?’
‘હા’.
‘મારે પણ અમદાવાદજ જવાનું છે. જગ્યા મળી જશે ?’ તેમના અવાજમાં ચિંતા હતી.
‘મેં તપાસ કરી હતી. અત્યારે ઑફ સીઝન છે વળી ચોમાસું છે તેથી ગાડીમાં ભીડ ઓછી હશે. ગાડી આવે પછી સ્લીપર કોચના કંડક્ટરને મળશું તો કદાચ બર્થ મળી જાય. પછી જેવાં આપણાં નસીબ.’ તેમનો વારો આવતાં પાંચસો રૂપિયાની નોટ કાઢી ટિકિટ લીધી. બાકીના પૈસા અને ટિકિટ પરત પાકીટમાં મુક્યા. અને સ્વાભાવિકતઃ તે યુવક ટિકિટ લે ત્યાં સુધી રોકાયા. પછી બંને જણા પ્લેટફોર્મ પર આવ્યા. ગાડીને આવવાને હજુ વાર હતી. બંને એ પરસ્પર પરિચય આપ્યો. તે યુવકનું નામ પ્રશાંત શાહ હતું. સિલ્ક સાડીઓનો ધંધો હતો આથી તેમને અવારનવાર બેંગલોર આવવાનું થતું.
‘કાકા, નાસ્તો કરશો ?’ થોડા સમયના સંપર્કમાં વડીલમાંથી ‘કાકા’નું સંબોધન વધારે નિકટતાભર્યું લાગ્યું.
‘ના ભાઇ, હું તો પતાવીને આવ્યો છું. તમ તમારે લગાવો.’
પ્રશાંતે પોતાના સામાન પર નજર રાખવાનું સૂચવી ટી સ્ટૉલ પરથી ગરમાગરમ ઈડલી-ચટણી લઇ પેટ્પૂજા કરી. સદભાગ્યે ગાડી સમયસર હતી. ટ્રેન આવી. સ્લીપર કોચના કંડક્ટર પાસે જતાં, બંનેની અમદાવાદની ટિકિટ જોઇ એસ-7 કોચમાં જઇ બેસવાનું કહ્યું. કોચ અર્ધો ખાલી હતો. એક કમ્પાર્ટમેન્ટમાં નીચેની એક બર્થ પર લશ્કરમાં વપરાય છે તેવો ધાબળો ઓઢી કોઇ સૂતું હતું. બાકીનું કમ્પાર્ટમેન્ટ ખાલી હતું. હરિભાઇ તેમની સામેની સીટ પર જઇ બેઠા. પ્રશાંતે સીંગલ સીટવાળી સાઇડની બર્થ પર લંબાવ્યું.
ગાડી ઉપડતાં પહેલાં બીજો એક નવયુવાન હરિભાઇની બાજુમાં આવીને બેઠો. ગાડીએ પ્રસ્થાન કર્યું ઝીણો વરસાદ શરુ થતાં હરિભાઇએ બારી બંધ કરી. ખીસામાંથી પાકીટ કાઢી તપાસ્યું અને પછી ડાયરીમાં કશીક નોંધ કરી બંને ખીસામાં મુક્યાં.
થોડીવારે હરિભાઇની બાજુમાં બેઠેલા નવયુવકે બંધ મોંમાંથી “ઉંઉં..” જેવો અવાજ કરી અને હાથના
ઇશારાથી હરિભાઇને સમજાવ્યું કે તેને થૂંકવું છે માટે બારી ખોલવા જણાવ્યું. હરિભાઇએ બારી ખોલી આપી. પેલા યુવકે ત્યાં બેઠા બેઠા જ વાંકા વળી બારીમાંથી ડોકું બહાર કાઢી પાનની પિચકારી મારી. થોડીવાર એમ જ ડોકું બહાર કાઢેલું રાખી બીજી વાર થૂક્યું. પછી ડોકું અંદર ખેંચી થેંક્સ કહી ઊભો થયો. પોતાનો થેલો ઉપરની બર્થ પર ગોઠવ્યો. હરિભાઇની નાની સફારી બેગ બર્થ પરથી ઉતારી હરિભાઇની બાજુમાં મૂકતાં પૂછ્યું, ‘યે આપકી હૈ ?’ હરિભાઇએ બેગ હાથમાં લઈ નીચે મૂકી. ‘યે પાકીટ આપકા હૈ ?’ યુવકે બેગની પાછળ સીટ પર પડેલા પાકીટ તરફ આંગળી ચીંધી.
હરિભાઇ ચમકી ગયા. પોતાના ખીસ્સા પર હાથ મૂક્યો અને પાકીટ હાથમાં લઈ યુવક તરફ જોઇ આભાર માની પાકીટ ખીસ્સામાં મૂક્યું. યુવક બર્થ ઉપર ચઢી સૂઈ ગયો. હરિભાઇ ગૂંચવણમાં પડી ગયા. તેમને બરાબર યાદ હતું કે ખર્ચની વિગત નોંધીને તેમણે પાકીટ પેન્ટના પાછળના ખીસ્સામાં જ મૂક્યું હતું. તો પછી સીટ પર કેવી રીતે આવ્યું ? શું ખીસ્સામાં બરાબર નહિ મુકાયું હોય ? આટલી બેદરકારી એમના સ્વભાવમાં ન હતી. હજુ વધુ કાંઈ વિચારે ત્યાં કંડક્ટર આવ્યો. અને ટિકિટ માંગી. ઉપરની બર્થના યુવકે તરત તેની ટિકિટ અને બર્થ ચાર્જના પૈસા આપી રસીદ ફડાવી, પડખું ફેરવી સૂઈ ગયો.
હરિભાઇ પાસે ટિકિટ માંગી, કંડક્ટર પ્રશાંતની રસીદ બનાવવામાં કાર્યરત રહ્યો. આ દરમ્યાન હરિભાઇ પાકીટ કાઢી ટિકિટ લેવા જાય ત્યાં ટિકિટ ગુમ ! પાકીટનાં બધાં ખાનાં ફંફોસી જોયાં પણ ધબાય નમ. પાકીટમાં છેલ્લી એક પાંચસો રૂપિયાની નોટ હતી તે પણ ગુમ ! હરિભાઇએ પોતાનાં ખિસ્સાં તપાસી જોયાં પણ ટિકિટ હોય તો મળે ને ! હરિભાઇનો ચહેરો ફિક્કો પડી ગયો. એ આશંકા ભરી નજરે કંડક્ટર સામે જોઇ રહ્યા. કંડક્ટર સમજી ગયો, તે બોલ્યો, ‘જરા શાંતિથી શોધો મળી જશે. નહિ મળે તો ડબલ ચાર્જ ભરવો પડશે. હું ટીટીને લઈને આવું છું.’ આમ કહી તે ચાલ્યો ગયો.
પ્રશાંત શાહ જે અત્યાર સુધી આ જોઇ રહ્યો હતો તે બોલ્યો, ‘કાકા, ક્યાં ગઈ ટિકિટ ?’ તમે ડાયરીમાં લખતા હતા ત્યારે ક્યાંક નીચે ન પડી ગઈ હોય !’ હરિભાઇએ બેગમાંથી ટોર્ચ કાઢી સીટની નીચે બધે શોધ કરી. પ્રશાંતે પણ બધે નજર ફેરવી પણ વ્યર્થ ! પ્રશાંતે આશ્વાસન આપ્યું, ‘કાંઈ વાંધો નહિ કાકા, ટીટી ડબલ ચાર્જ લઈને બી
જી ટિકિટ કાઢી આપશે. નીચે તો નહિ ઉતારી પાડે ! કદાચ બારીમાંથી બહાર ઊડી ગઈ હશે.
થોડીવારમાં કંડક્ટર ટીટીઈને લઈને આવ્યો. સાથે રેલવે પોલીસનો એક જમાદાર પણ હતો. ટીટીઈએ આવીને પૂછ્યું કે ટિકિટ મળી કે નહિ ? જવાબમાં ના સાંભળી તેના ચહેરા પર સખ્તાઈ ઊપસી આવી. તેણે કડકાઈથી પૂછ્યું,
‘અમદાવાદમાં શું કરો છો ?’
‘અમદાવાદની પાસે વિસનગર નામના ગામમાં સ્કુલમાં શિક્ષક છું. પ્રિંન્સિપાલ છું.‘ હરિભાઇએ ઢીલા અવાજમાં જવાબ આપ્યો.
‘શિક્ષક થઈને WT મુસાફરી કરો છો ? આવું જ ભણાવો છો વિદ્યાર્થીઓને ?’ ટીટીઈના અવાજમાં ભારોભાર અમલદારી રૂક્ષતા હતી.
‘એવું નથી સાહેબ, મેં ટિકિટ કઢાવી હતી. એ પછીજ ગાડીમાં બેઠો હતો. આપ કહો છો એવું મારા સંસ્કારમાં નથી.’ હરિભાઇના અવાજમાં થોડી ખુમારીની ઝલક જણાઈ.
‘રેલ્વેના કાનૂન પ્રમાણે તમારે કોચીનથી અમદાવાદનો ડબલ ચાર્જ ભરવો પડશે WT ફાઇન અલગ.‘ ટીટીઇ ગણતરી કરવામાં ગૂંથાયો.
‘અરે પણ સાહેબ, હું તો બેંગલોરથીજ ટ્રેનમાં બેઠો છું! ‘ હરિભાઇના સૂરમાં વિનંતિ હતી.
‘હા સાહેબ. અમે બંનેએ સાથેજ ટિકિટ કઢાવી હતી અને કંડક્ટરને ટિકિટ બતાવીને કોચમાં એંટ્રી કરી હતી.’ પ્રશાંતે પણ સૂર પુરાવ્યો. કંડક્ટરે પણ હકારમાં ડોકું ધુણાવ્યું.
‘ભલે તો કૃષ્ણરાજપુરમથી અમદાવાદનો ડબલ ચાર્જ, બર્થ ચાર્જ તથા WT ફાઇન, બધું થઈ રૂપિયા 597 લાવો.‘ ટીટીઈ એ રસીદ બુક કાઢી.
‘પણ સાહેબ, કરમની કઠણાઈ એ છે કે મારી પાસે એટલા રૂપિયા પણ નથી. બેંગલોરમાં મારા દીકરાને હૉસ્ટેલમાં મૂકવા આવ્યો હતો, વળતાં વિસનગર સુધી પહોંચવા પૂરતા હજાર રૂપિયા રાખી બાકીના મારા મારા દીકરાને આપતો આવ્યો છું. જેથી તેને અજાણ્યા પ્રદેશમાં તકલીફ ન પડે. પણ અત્યારે તો હું જ વિષમ પરિસ્થિતિમાં મુકાય ગયો છું. ટિકિટ સાથે પાંચસો રૂપિયાની એક નોટ હતી તે પણ નથી. અત્યારે પુરા ત્રણસો રૂપિયા પણ મારી પાસે માંડ હશે. મહેરબાની કરી સીંગલ ચાર્જની ટિકિટ આપી મારા ઉપર ઉપકાર કરવા વિનંતિ છે.’ હરિભાઇના યાચના ભર્યા સ્વરમાં ભીનાશ ઊભરાઈ આવી.
‘એ શક્ય નથી. તમારી વાતમાં વિશ્વાસ મૂકીને કોચીનથી અમદાવાદ ને બદલે કૃષ્ણરાજપુરમથી અમદાવાદનો ચાર્જ લગાડ્યો છે. વિધાઉટ ટિકિટનો ફાઇન પણ મીનીમમ લીધો છે. આનાથી વધારે હું કાંઈ ન કરી શકું. મારે પણ રેલ્વેના કાયદા-કાનૂન ના બંધનમાં રહેવાનું હોય છે. તમારી પાસે પૈસા ન હોય તો આગલા સ્ટેશને તમારે પોલીસ કસ્ટડીમાં રાત વિતાવવી પડશે. જમાદાર, હવે આ તમારો કેસ છે.’ કહી ટીટીઇ ઊભો થઈ ગયો.
‘અરે! અરે સાહેબ, આ શું કરો છો ?’ પ્રશાંત શાહ બોલી ઊઠ્યા. ‘આપ આ કાકાની ટિકિટ બનાવો, પૈસા હું આપું છું.’
આ દરમ્યાન હરિભાઇનું મગજ પવનવેગે દોડતું હતું. તેમણે ટીટીઇને ટિકિટ બનાવતાં અટકાવ્યા.
‘સાહેબ! બે મિનિટ થોભી જાઓ, તેવી મારી વિનંતી છે. પ્રશાંતભાઇ, તમે લાઇનમાં મારી પછી ઊભા હતા, બરાબર ? ‘
‘હા, બરાબર.’
‘તો તમારી ટિકિટ આપશો જરા ?’
તેણે પ્રશાંતની ટિકિટ હાથમાં લઈ તેનું નિરીક્ષણ કર્યું. પછી કંડક્ટર અને ટીટીઇને બતાવી પૂછ્યું, ‘સાહેબ, આ ટિકિટ પર સમય છાપ્યો છે રાતના 8:52 અને ટિકિટનો નંબર 981436 છે. મેં આમના કરતાં બે કે ત્રણ મિનિટ પહેલાં ટિકિટ ખરીદી હોય. અને મારી ટિકિટનો નંબર 981435 હોવો જોઇએ. સર, તમે તમારી રસીદ બુકમાં જુઓ આ નંબર પર કોઈ રસીદ બની છે ?’ કંડક્ટરે પોતાની રસીદ બુક તપાસી.
‘હા. આ નંબરની ટિકિટ સામે તમારી ઉપરની બર્થ પર રિઝર્વેશન સ્લીપ આપી છે.’
‘બસ. તો મારી ટિકિટ એ વ્યક્તિ પાસે છે. તેને ઉઠાડી ચેક કરો.’
અત્યાર સુધી પોલીસ જમાદાર નિષ્ક્રિય ઊભો હતો. તે હરકતમાં આવી ગયો. તેણે ઉપરની બર્થ પર સુતેલા યુવકને ઢંઢોળી જગાડ્યો. ટીટીઇ એ તેની ટિકિટ માગી.
‘પણ મારી ટિકિટ તો ચેક થઈ ગઈ છે. મેં રિઝર્વેશન ચાર્જ પણ ભરી દીધો છે. મને પરેશાન ન કરો.’ યુવકે ઉધ્ધતાઇથી જવાબ દીધો.
‘સ્ક્વૉડ ચેકીંગ છે, તમારી ટિકિટ આપો.’ કંડક્ટરે ડહાપણ વાપરી વિના વિવાદે તેની પાસેથી ટિકિટ લઈ લીધી. તેણે ટિકિટ તપાસી ટીટીઇને કહ્યું આ ટિકિટનો નંબર 981435 છે અને રાત્રે 8:46 કલાકે એ જ બારી પરથી અપાઈ છે.’
હરિભાઇએ કહ્યું,’સાહેબ આ મારી જ ટિકિટ છે. આ વ્યક્તિએ જ મારી ટિકિટ અને પૈસા ચોર્યા છે. તેની તલાશી લો.’
ટીટીઇએ તેને બર્થ પરથી નીચે ઉતરવા કહ્યું. યુવકે તેનો વિરોધ કરતાં કહ્યું, આ ટિકિટ મારીજ છે. આ ટિકિટ વગરના મુસાફરની વાત તમે કેવી રીતે માની શકો ? મેં કોઈના પૈસા લીધા નથી. પાંચસોની નોટ તો મારી પાસે હોય તમારી પાસે પણ હશે. નોટ પર કોઈનાં નામ નથી લખ્યાં હોતાં.’
કંડક્ટર, ટીટીઇ અને જમાદાર અસમંજસમાં પડી ગયા. કોનું સાચું માનવું તે પ્રશ્ન થઈ ગયો. અત્યાર સુધી આ સમગ્ર ખેલ આર્મી સપ્લાયના ધાબળામાં લપેટાઇને શાંતિથી જોનાર વ્યક્તિ સળવળી. ધાબળો ફેંકી તેમાંથી આર્મીનો એક જવાન સફાળો ઉભો થયો. ઉપરની બર્થ પર બેઠેલ યુવકની બોચી ઝાલી નીચે પછાડ્યો ઉપરથી એક લાત મારી અને ગર્જી ઉઠ્યો, ‘સા....કૂત્તા ! મારી નજરે મેં જોયું કે થુંકવાને બહાને બારી ખોલાવી ત્યારે તેં આ સજ્જનનું પાકીટ સરકાવી લીધેલું. અને બર્થ ઉપરથી સુટકેસ ઉતારતી વખતે પાકીટમાંથી ટિકિટ અને રૂપિયાની નોટ કાઢી પાકીટ પાછું બેગની પાછળ નાખી દીધું હતું. હરામ ! પાછી સફાઇ હાંકે છે ! નિકાલ ઇસ સા’બ કે પૈસે, નિકાલ!’ જવાને તે યુવાનને બોચીએથી પકડી જમાદારને કહ્યું, ‘તલાશી લો ઇસકી!’
પોલીસ જમાદારે તેના ખિસ્સામાંથી થોડી નોટો અને પરચૂરણ કાઢ્યું. તેમાં એક જ પાંચસોની નોટ નીકળી જે જમાદારે કંડક્ટરને આપી. કંડક્ટરે હરિભાઇને પૂછ્યું, ‘આ નોટ તમારી છે એની ખાતરી કેવી રીતે કરવી?’
હરિભાઇએ તરત તેનું પાકીટ કાઢી તેમાંથી નાની ડાયરી કાઢી. ‘સાહેબ, એ નોટનો નંબર મારી પાસે લખેલો છે, તમને કહું.’ તેમણે જે નંબર વાંચ્યો બરાબર તે જ નંબરની પેલી નોટ હતી!
બસ. પછી તો બધી હકીકત દિવા જેવી સ્પષ્ટ થઇ ગઇ. યુવકને પોલીસને સોંપી દીધો. કંડક્ટરે હરિભાઇની ટિકિટ અને યુવકને આપેલી રીઝર્વેશન સ્લીપમાં બર્થ નંબર બદલી આપ્યો. હરિભાઇએ બર્થ ચાર્જની રકમ પેલા યુવકને આપવા માંડી પરંતુ સહુએ તેમ કરવાની સાફ ના પાડી.
ટીટીઇ એ હરિભાઇને કહ્યું,’ પ્રિંસિપાલ સાહેબ, દિલગીર છું; આપને શરૂઆતમાં જે કાંઇ અવિવેક થયો તે બદલ. બીજું આપે આ યુવક વિરુધ્ધ ફરિયાદ નોંધાવવી પડશે.’
જમાદારે કહ્યું કે તેની જરૂર નહિ પડે કારણકે આ યુવક તે સૂટકેસ ચોર ચેલૈયાની ટોળીનો સભ્ય છે જેની શોધમાં રેલવે પોલીસ થોડા સમયથી છે. આના સાથીદારો પણ બીજા ડબ્બામાં હશે.
હરિભાઇએ આર્મીના જવાનનો અને પ્રશાંત શાહનો આભાર માન્યો. અને સહુ વિખરાયા.