હથકડી ભાગ -૨
હથકડી ભાગ -૨
(ગત શુક્રવારે હથકડી -૧માં આપે વાંચ્યું કે કેનેડા રહેવાસી સોહન જીવનસાથીની પસંદગીમાટે ભારત આવે છે. પરંતુ પોતાની બાળસખીની યાદ આવતાં તેને શોધવા માગે છે. પણ હરિનકાકાએ કાઈંક બીજોજ કારસો રચ્યો છે. તેમણે મનોવિજ્ઞાનિક ડો. હેતલની સાથે મુલાકાત ગોઠવી રાખી છે. હવે આગળ વાંચો.....)
***
“હા ભલે.” કહી હેતલે પોતે મોડી આવશે તેમ સંસ્થામાં ફોનથી જણાવી દીધું. “ઓકે, ધેટ સેટલ્સ ઇટ. હવે તમને વાંધો ન હોય તો અહિં નજીકમાં કાફે કોફી પાર્લર છે ત્યાં બેસીએ. સારું વાતાવરણ છે ત્યાં. અને....” હેતલ બોલતાં બોલતાં અટકી પડી.
“કેમ એની પ્રોબ્લેમ ?”
“મારી પાસે કાર નથી, અક્ટિવા છે.”
“અરે! ડોંટ વરી. અઢાર વર્ષ સુધી હું ભારતમાંજ ઊછર્યો છું. ચાલો”
બંને પાર્લરમાં બેઠાં અને ઓર્ડર આપ્યો. હેતલ સોહનની સામે બેસીને તેના બોલવાની રાહ જોતી હતી.
સોહને કહ્યું 'તમારે મને કોઈ પ્રશ્નો પૂછવા હોય તો કહો.'
“તમે તમારી વિષે જે પણ કહેવા માંગતા હોવ તે કહો.” હેતલે જવાબ આપ્યો.
“વેલ, મને ખબર નથી પડતી કેવી રીતે અને ક્યાંથી શરૂ કરું.” સોહન અચકાતાં અચકાતાં બોલ્યો.
“હ્મ્મ્મ્મ..”
“હરિનકાકા અમારા ફેમિલીમાં સૌથી વડિલ છે તેને પપ્પા બહુ માને છે. તેઓ જે કહે તેનો બને ત્યાં સુધી અનાદર કરવાની હિંમત અમારા કુટુમ્બમાં કોઈની નથી. તેઓએ કહ્યું એટલે હું તમને મળવા આવ્યો છું. સાચું કહું તો તમારા જેવી જીવનસાથી કોઈ ભાગ્યશાળીને જ મળે. એટલું તો હું તમારા ટુંકા પરિચયમાં પણ જાણી શક્યો છું. મારે ખરેખર તો તમારો આભાર માનવો જોઈએ કે તમે આમ કસ્થળે અને કસમયે મને મળવાની હા પાડી.”
“સોહન! પ્લીઝ કમ ટુ ધ પોઈંટ.”
“હા. ભારત આવવાનું પ્રયોજન જીવનસાથી મેળવવાનું જ છે. પણ હું કોઈ પણ નિર્ણય કરું તે પહેલાં એક સ્પષ્ટતા કરવા માંગું છું. મારી બાળપણની એક સખી છે, સખી કહો, મિત્ર કહો કે પ્રેમિકા કહો.”
“મને ખબર છે. ફાલ્ગુની એનું નામ છે.” હેતલે કહ્યું.
“ઑત્તારી! તમને કેવી રીતે ખબર પડી?” સોહન આશ્ચર્યથી હેતલને તાકી રહ્યો.
“એ હું પછી કહીશ. તમે તમારી વાત કહો.”
“ઑકે. હું હજી ગઈ કાલે રાતનાજ લેંડ થયો છું. હજી મને ફાલુની ભાળ કાઢવાનો સમય નથી મળ્યો. ફાલ્ગુની અને હું પાંચમા ધોરણથી એકજ સ્કૂલમાં સાથે ભણતાં હતાં. પાંચમાથી બારમા ધોરણ સુધીની સફરમાં ક્યારેક એક જ વર્ગમાં તો ક્યારેક અલગ અલગ વર્ગમાં ભણતાં. અમે બંને ભણવામાં હોંશિયાર હતાં અને એકબીજાની સાથે શિષ્ટ હરિફાઈ કરતાં. અમારી બંને વચ્ચે મિત્રતાનું એક અબોલ પણ અતૂટ બંધન ગુંથાઈ ગયું હતું. બંનેના વડિલો આ દોસ્તીને કાયમ દોસ્તી તરીકે જ જોતાં હતાં. આથી ક્યારેય કોઈએ અમારા હળવા મળવા પ્રત્યે કોઈ પ્રતિબંધ મૂક્યો ન હતો. અમારો બંનેનો અવાજ બહુ સારો હતો. નવરાત્રિ અને ગણેશોત્સવમાં ઓરકેસ્ટ્રાના સાથમાં અમે બંને ફિલ્મી યુગલ ગીતો અને ગરબાની રમઝટ વરસાવતાં. બાળપણની આ નિર્દોષ દોસ્તી યુવાવસ્થામાં આવ્યા પછી ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ તેની બેમાંથી કોઈને ખબર ન પડી. અમને બંનેને પરસ્પર પ્રેમનો એકરાર કરવાની જરૂર લાગી ન હતી. બંનેમાંથી કોઈએ એક બીજાને આઈ લવ યુ પણ કહ્યું ન હતું. અમારી વચ્ચે પ્રેમનો એક અતૂટ, અકથ્ય અને અદ્રશ્ય તાંતણાનું બંધન રચાઈ ગયું હતું. જેનાથી અમે બંને અજાણ હતાં. એટલીસ્ટ હું તો હતો જ.
બારમા ધોરણ પછી હું કેમીકલ એંજિનીયરીંગમાં ગયો અને ફાલુ મેડિકલમાં. અમારે ભાગ્યે જ મળવાનું થતું. એવામાં અમારે ઓચિંતાનું કેનેડા જવાનું થયું. પપ્પાની બદલી તો છ મહિના પહેલાં જ દિલ્હી થઈ ગઈ હતી અને પછી તેને કેનેડામાં ઈંડીયન હાઈ-કમિશનની ઑફિસમાં મૂક્યા. અમારે તાબડતોપ ટોરોંટો ભેગા થવું પડ્યું. ત્યાં જઈને નવેસરથી ત્યાંની યુનિવર્સીટીમાં એડમીશન લેવું પડ્યું. અને પછી ત્યાંની લાઈફમાં એવો ખોવાઈ ગયો કે જાણે ભારતની યાદોનું અસ્તિત્વ જ ન રહ્યું.
“કેનેડામાં કોઈ ગર્લફ્રેંડ ના હતી ?”
“ગર્લફ્રેંડ નહિ પણ યુવતીઓ મિત્ર હતી. પણ જ્યારે પણ કોઈ છોકરી વધારે નજીક આવવાનો પ્રયત્ન કરે કે હું એવો પ્રયત્ન કરું ત્યારે કોઈ અદ્રશ્ય બળ મને રોકતું હોય તેમ લાગે. બસ ત્યારે જ મને એ રીઅલાઈઝ થયું કે હું ફાલુને પ્રેમ કરું છું. અને ફાલુ સિવાય મારી જીંદગીમાં અન્ય કોઈને સ્થાન નથી. આથી અહિં મારો પ્રથમ પ્રોજેક્ટ ફાલુને મળવાનો છે. અથવા તો તેની ભાળ કાઢવાની છે. પપ્પાએ અમારો જૂનો બંગલો હરિનકાકા દ્વારા વેચી નાખ્યો છે. અને ફાલુ સાથે અહિંથી ગયા પછી કોઈ સંપર્ક નથી. આથી મને ખબરા નથી કે ફાલુ, આઈ મીન ફાલ્ગુની, ક્યાં છે, ડોક્ટર થઈને તેણે લગ્ન કરી લીધાં છે કે નહિ વિગેરે માહિતી મેળવવાની છે.” સોહનની આંખમાં ભીનાશ તરવરતી હતી. તેનો અવાજ પણ ગરીબડો બની ગયો હતો.
“તમે આટલા વખતમાં કેમ ફાલ્ગુનીનો કોંટેક્ટ કરવાનો પ્રયત્ન ન કર્યો ? તેને પ્રેમ કરો છો તો યાદ તો કરતા જ હશો, તો કોંટેક્ટ તો કરી જ શકાયને ? આજના ઈંટરનેટના જમાનામાં એ અશક્ય થોડું છે ?” હેતલે પૂછ્યું.
“તમારી વાત સાવ સાચી છે. ફ્રેંકલી, મારી પાસે એનો કોઈ જવાબ નથી. ઘણા વખત સુધી ફાલુને એક દોસ્તથી વધારે નહોતો માનતો. ત્યાં સ્ત્રીમિત્રો સાથે લાગણીના સંબંધ બાંધવાનો સમય થયો ત્યારે મને ભાન થયું કે મારા જીવનમાં ફાલુ સિવાય કોઈ આવી જ ન શકે. ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું મને હતું કે કદાચ ફાલુ આવું ન માનતી હોય. હકિકતે હજી મને ખબર નથી કે તે મારા માટે શું વિચારે છે કે ક્યારે પણ વિચાર્યું છે.”
“મી સોહન પટેલ, તમે ખરેખર તો ફાલ્ગુનીને લાયક જ નથી. તમે નથી જાણતા તમે તમારી મુર્ખતામાં એક પ્રોમીસીંગ અને હોશિયાર ડોક્ટરની કારકિર્દી બરબાદ કરી નાખી છે. મને સમજ નથી પડતી કે તમારી જેવા બેજવાબદાર અને બેદરકાર માણસને શું કહેવું !” હેતલે રોષભેર સોહનને ઝાટક્યો.
“હેં..! એટલે તમે ફાલુને ઓળખો છે ?પ્લીઝ..પ્લીઝ! મને કહો એ ક્યાં છે ? શું કરે છે? આ જીંદગી બરબાદ થવાની શું વાત છે ? મારી ફાલુને કાંઈ થયું તો નથી ને ?” સોહને હેતલના હાથ પકડી લીધા અને આંખમાં ચોધાર આંસૂ સાથે એક શ્વાસે પ્રશ્નોની ઝડી વરસાવી.
“હા. હું ફક્ત તેને ઓળખતી જ નથી તે મારી બેસ્ટ ફ્રેંડ છે. અને હવે મારી પેશંટ પણ છે. અમે એમબીબીએસ સાથે કર્યું. અમારી વચ્ચે એટલું સખીપણું હતું કે તેની જીંદગીની રજેરજ ખબર મને હતી અને મારી એને. પાંચ વર્ષની ઉંમરથી એ તમને મનમાં પતિ તરીકે માનતી આવી છે. બાલ્યકાલમાં અણસમજમાં અને યુવાનીમાં સમજપૂર્વક તે પોતાને તમારી પત્ની માને છે. ઘેરથી પર્સમાં ખોટું મંગળસુત્ર અને કંકુની ડબી લઈને નીકળે અને કૉલેજે આવીને સૌ પહેલાં મંગળસુત્ર પહેરી લે અને કપાળમા કંકુનો ચાંદલો કરી લે. અમે તેને મશ્કરીમાં સોહની કહેતાં. તેને પાગલ કહેતાં. તે હસતી અને કહેતી “ભલે હું છું સોહનના પ્રેમમાં પાગલ, હવે કાંઈ કહેવું છે ?”
ડૉક્ટર તો થઈ ગઈ પણ પછી એમડી ન કરી શકી. એ પણ મારી જેમ મનોવિજ્ઞાનમાં રસ ધરાવતી હતી. પણ માનસશાસ્ત્રની ભીતરમાં ડૂબકી મારતાં મારતાં તે પોતે જ મન પર કાબુ ગુમાવી બેઠી. હમેશાં શગુન ફિલ્મનું તમારું માનીતું ગીત “તુમ અપના રંજો ગમ...” ગણગણતી રહેતી. એ કહેતી “એકવાર સોહનીયો હાથમાં તો આવે તેને હાથમાં બેડી પહેરાવીને કેદ કરી લઉં. પછી ક્યાંય જાવા જ નહિ દઉં.” ભૂલથી કોઈએ એકવાર તેને કહ્યું “તારી પાસે બેડી ક્યાં છે તે તું એને પહેરાવીશ?” અને યુ વોંટ બીલીવ તે ક્યાંકથી હથકડી લઈ આવી અને કાયમ ત્યારથી પોતાના ડાબા હાથના કાંડા પર પહેરી રાખે છે.” હેતલ શ્વાસ ખાવા થંભી. હેતલના અવાજમાં ક્રોધ અને આંખોમાં સોહન પ્રત્યે નફરત વરતાતાં હતાં.
“પણ...પણ તેણે કેમ મારો કોંટેક્ટ કરવાનો પ્રયત્ન ન કર્યો ?” સોહને રડતાં રડતાં પૂછ્યું.
“મેં ફાલુને કીધું હતું તો ફાલુએ કહ્યું કે સોહન તેને છોડી ગયો છે. તો સોહને તેને બોલાવવી જોઈએ. મારી સખી એમ તો વટવાળી હતી.” હવે તો હેતલના અવાજમાં પણ ભીનાશ હતી. સોહન એકદમ ઊભો થઈ ગયો. હેતલે તેને ટપાર્યો, “ક્યાં જાય છે ? ફાલુ પાસે ?
“હા.”
“થોભ. એમ હવે તે નહિ માને. મેં કહ્યું ને તે વટવાળી છે! જો છેલ્લા બે વર્ષથી હું તેની સારવાર કરું છું. તમારી સાથે તેનું મિલન એજ એની દવા છે એ મને સમજાઈ ગયું હતું. મેં તમારી તપાસ કરાવી. તમારા હરિનકાકાનો સંપર્ક થયો. તેમને બધી વાત કરી. તેઓ પોતે જાતે આવીને ઓળખાણ આપ્યા વિના ફાલુને મળી ગયા. અને અમે નક્કિ કર્યું કે તમને અહિં બોલાવવા. મારું એંગેજમેંટ તો થઈ ગયું છે.” અને તેટલામાં બીજા ટેબલ પર બેઠેલ એક યુવાન આવીને ઊભો રહ્યો. હેતલે ઑળખાણ કરાવી. “આ છે ડો. નીરજ પટેલ, મારૉ ફ્યોંસે. અમે બંને ફાલુના મિત્રો છીએં.”
સોહને ઊભા થઈને નીરજ સાથે હાથ મેળવ્યો. નીરજે કહ્યું, “ ચિંતા ના કરો. તમને તમારી ફાલુ મળી જશે. હવે બેસો અને અમે કહીએ તેમ કરો.”
***
સોસાયટીમાં ગણપતિ ઉત્સવના પાંચ દિવસો ફાલ્ગુની માટે અસહ્ય થઈ પડતા હતા. દસ વર્ષ વિતી ગયાં છત્તાં ફાલ્ગુની ગણેશોત્સવ કે નવરાત્રિનો ઉત્સવ ભૂલી શકતી ન હતી. સોહનના ગયા પછી તેણે ક્યારેય આ ઉત્સવોમાં ભાગ નથી લીધો. આ દિવસોમાં ખાસ કરીને રાત્રે તે ઘરની અંદર રૂમ બંધ કરીને ભરાઈ રહેતી. શરૂઆતનાં વર્ષોમાં આંખમાંનાં આંસૂ રોકી ન શકતી. પણ હવે તો આંસૂ પણ સૂકાઈ ગયાં હતાં. શૂન્યમનસ્ક નજરે તે છત તરફ તાકી રહેતી. તેના ઘરવાળાઓએ પણ હવે તેને પડતી મૂકી દેતા. આ દિવસોમાં તેનો મુડ પારખીને કોઈ તેને વતાવતું નહિ.
અચાનક તેને લાગ્યું કે મંડપમાં ઓરકેસ્ટ્રાનો અવાજ બંધ થયો છે. ઓરકેસ્ટ્રામાં એક જૂના ગીતની ધૂન સંભળાઈ અને થોડી વારમાં કોઈએ માઈકમાં ખોંખારો ખાઈને ફિલ્મ સસુરાલનું ગીત “સો સાલ પહેલે મુઝે તુમસે......” ગાવાનું શરૂ કર્યું. ફાલ્ગુનીનું હ્રદય જાણે કે એક ધબકારો ચૂકી ગયું. તેને લાગ્યું વર્ષોથી કાને નહિ પડેલો પણ છત્તાં ચીરપરિચિત મોહક અવાજ જાણે તેને બોલાવી રહ્યો છે. તેને વિશ્વાસ નહોતો બેસતો. સોહનનો અવાજ સાંભળીને સોસાયટીના જૂના રહેવાસીઓ પણ ધીમે ધીમે મંડપમાં આવવા લાગ્યા. સોહને જોયું કે એક ખૂણામાં ડો.હેતલ, ડો. નીરજ અને હરીનકાકા ઊભા હતા. પણ ફાલુ ક્યાંય દેખાતી ન હતી. થોડાં ગીતો ગાઈને છેવટે સોહને પોતાનું માનીતું ગીત શરૂ કર્યું... ....
तुम अपना रंज-ओ-ग़म, अपनी परेशानी मुझे दे दो तुम्हें ग़म की क़सम, इस दिलकी वीरानी मुझे दे दो
तुम अपना ...
સોહનની નજર જનમેદની પર ફરતી રહેતી હતી. મેદનીને છેડે કોઈ ચૂપચાપ આવીને ઊભું રહી ગયું હતું તે તેણે નોંધી લીધું.
ये माना, मैं किसी क़ाबिल नहीं हूँ इन निगाहों में
बुरा क्या है अगर, ये दुख, ये हैरानी मुझे दे दो
तुम अपना ...ઓરકેસ્ટ્રાના ચાલુ મુઝીક્ની વચ્ચે તે બોલ્યો, ”દોસ્તો, વડિલો, ક્ષમા ચાહું છું, સાહિર સાહેબની અને ખૈયામ સાહેબની માફી સાથે મારી રચેલી બે પંક્તિઓ અહિં હું ગાઉં છું.... “હાથમાંના માઈક્રોફોનને સ્ટેંડમાં ભરાવી બે હાથ લંબાવીને પોતાની બનાવેલી કડી ગાવાની શરૂ કરી.
યે હથકડી જો પહેની હૈ, તુમને, અપને ઈન હાથોંમેં
બસ યહી માંગતા હૂં, યે હથકડી તુમ, મુઝે પહેના દો
બસ યહી માંગતા હૂં,...
બસ યહી માંગતા હૂં,...
બસ યહી માંગતા હૂં, યે હથકડી તુમ, મુઝે પહેના દો....
છેલ્લી પંક્તિ તે વારંવાર દોહરાવતો જ રહ્યો. અને સ્વર ઊંચો કરતો ગયો.
મેદાનમાં વરસાદ અટકી ગયો હતો પણ સોહનની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા હતા. તેના અવાજમાં જે દર્દ હતું, જે આરઝૂ હતી, જે તડપ નીતરતી હતી તેની મનમોહક અસર નીચે સહુ લીન થઈ ગયા. તેના દર્દભર્યા અવાજના સંમોહન નીચે જનમેદની એકચિત્ત થઈ સાંભળતી હતી. ફાલ્ગુની, જે સોહનના અવાજમાં બંનેનું માનીતું ગીત સાંભળીને પાછળ આવીને ઊભી હતી તે મેદનીને ચીરીને આગળ આવી અને પોતે એક હાથમાં પહેરેલ હથકડી સોહનના લંબાવેલા હાથમાં પહેરાવી દીધી. ડો.નીરવ, ડો.હેતલ અને હરિનકાકાની આંખો પણ ભીની થઈ ગઈ.
સમાપ્ત.