Bhajman Nanavaty

Drama Thriller

4  

Bhajman Nanavaty

Drama Thriller

હથકડી - 1

હથકડી - 1

7 mins
23.1K


લોકડાઉન રચના

(શું બાળપણની ગાઢ દોસ્તી યુવાનીમાં પ્રેમમાં પલટાય ખરી? બાલ્યાવસ્થાની નિર્દોષ મજાક યુવાન વય સુધી યાદ રાખીને કોઈ જીવી શકે? લોકડાઉન દરમ્યાન સર્જન પામેલી આ રચના લાંબી હોવાથી બે ભાગમાં પ્રસ્તુત કરી છે.)

સોહનને જરા ડર હતો કે સોસાયટીના લોકો તેને ઓળખી જશે? દસ વર્ષે ઘણા લોકો બદલાઈ ગયા હશે. ઘણા જૂના લોકો જતા રહ્યા હશે અને નવા રહેવાસીઓ આવ્યા હશે. એનું સ્વાગત કેવી રીતે કરશે? પથરા મારશે કે આવકારશે? છટ્ ! પથરા શું કામ મારે? તેણે ક્યાં કોઈ ગુન્હો કર્યો હતો! જે સોસાયટીમાં તેણે જિંદગીનાં પંદર વર્ષ ગાળ્યાં હતાં, તેમાં તે ફરી લગભગ દસ પછી તે આ સોસાયટીમાં પગ મુકતો હતો. વાસ્તવમાં તો અહિં જ તે સમજણો થયો ત્યારથી યુવાન થયો ત્યાં સુધી રહ્યો હતો. સોસાયટીના મકાનોના પાયા નંખાયા ત્યારે જ સોહનના પપ્પા સભ્ય બની ગયા હતા. ત્રણ વિભાગમાં વહેંચાયેલી આ સોસાયટીમાં સ્વતંત્ર બંગલા અને જોડીયા ટેનામેંટ બન્યાં હતાં. આમ જૂઓ તો ઉચ્ચ મધ્યમ વર્ગ અને સામાન્ય મધ્યમ વર્ગનું સંમિશ્રણ આ સોસાયટીની ચાદરમાં તાણાવાણાની જેમ ગુંથાયેલું હતું. તેમ છતાં સોસાયટીનું વાતાવરણ શિષ્ટ સભ્યોના સંપ અને સહકારના સુમેળથી જાણે એક જ કુટુંબ હોય તેવું હતું. સોસાયટીમાં દરેક ઉત્સવોનું ઉત્સાહપૂર્વક આયોજન થતું અને સહુ ભેગા મળી ઉજવતા; પછી તે હોળી હોય કે દિવાળી, નવરાત્રિ હોય કે ગણેશોત્સવ, સોસાયટીના વિશાળ કોમન પ્લોટમાં મંડપ બંધાય અને સહુ ભેગા મળી ભોજન પણ કરતા.

આજે પણ સોસાયટીના કોમન પ્લોટમાં મંડપ બંધાયો હતો. સોસાયટીના પ્રવેશદ્વારથી મંડપ સુધીનો રસ્તો રંગબેરંગી રોશનીથી ઝળકતો-ઝબકતો હતો. કુદરત પણ જાણે સોહનના સ્વાગતમાં વરસી પડી હોય તેમ વર્ષાની ઝરમર શરૂ થઈ ગઈ હતી. મંડપની સ્પીકર સીસ્ટમમાંથી ગણપતિદાદાની આરતીના શબ્દો લહેરાઈ રહ્યા હતા.

મંડપ, રોશની અને માઈકના અવાજથી સોહનના દ્રશ્યપટલ પર અચાનક એક બહુ જૂનું ચિત્ર ઉપસી આવ્યું. આવી જ રીતે કોમનપ્લોટમાં એક મંડપ બંધાયો હતો, રોશની તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી. સ્પીકર પર મધુર અવાજમાં શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. મંડપ સાજન-માજનથી ભરાઈ ગયો હતો. હા, તેની ફોઈનાં-વર્ષાફીનાં લગ્ન હતાં. ત્યારે સોહનની ઊંમર લગભગ છ-સાત વર્ષની હશે. આમ તો આ ઊંમરનો કોઈ પ્રસંગ યાદ ન હોય પણ કુટુંબમાં આ પ્રસંગે બનેલી ઘટના એવી ફેલાઈ ગઈ હતી કે જ્યારે જ્યારે બધા ભેગા મળે ત્યારે બધા અચૂક યાદ કરે. સોહનને આખો પ્રસંગ ગોખાઈ ગયો હતો. કદાચ આ પ્રસંગે તેની જિંદગી બદલી નાખી હતી.      

વાત એમ હતી કે સોહનને લગ્નમાં બહુ મજા આવતી હતી. બાળ-વયમાંથી કિશોરાવસ્થાના પ્રવેશદ્વારે ઊભો હતો, લગ્નની વિધિ તેણે રસપૂર્વક નિહાળી હતી. વરરાજાનો પોષાકથી, તેને બધા જે રીતે માનપાન આપતા હતા તેનાથી તે પ્રભાવિત થઈ ગયો હતો. તેણે મા પાસે જીદ પકડી કે પોતાને પણ લગ્ન કરવાં છે. મંડપમાં બેઠેલાં બધાં બૈરાંઓને રમૂજ થઈ.

નાનીએ પૂછ્યું, “તારે કોની સાથે લગ્ન કરવાં છે?”

સોહને નિર્દોષતાથી કહ્યું, “વર્ષા-ફી સાથે !” બધાં હસી પડ્યાં.

નાની બોલ્યાં, “અલ્યા! તારી વર્ષાફીનાં તો લગ્ન શરદકુમાર સાથે થઈ ગયાં હવે તારાથી તેની સાથે લગ્ન ન થાય. અને વળી તે તો તારા કરતાં મોટાં છે, તારાથી મોટા હોય તેની સાથે લગ્ન ન કરાય!”

“તો આ પરેશ સાથે કરવાં છે.” પરેશ સોહનની કાકીનો તેની જ ઊંમરનો પુત્ર હતો. સગાં-સંબંધીઓને હવે વધુ રસ પડ્યો.

નાનીએ મજાકને આગળ ધપાવી,” ગાંડિયા! પરેશ તો તારો ભાઈ કહેવાય, સગો કહેવાય, સગા સાથે લગ્ન ન થાય. વળી એ તો તારી જેવો છોકરો છે. છોકરાનાં લગ્ન તો છોકરી જોડે થાય!“

સોહન મુંઝાણો, તેને તો રાજા જેવાં કપડાં પહેરીને હારતોરાથી શણગારાઈને મહાલવું હતું. માની બાજુમાં પાડોશી અલકા આંટી બેઠાં હતાં તેની બાજુમાં તેની દિકરી ફાલ્ગુની બેઠી હતી, તેની તરફ આંગળી ચીંધીને સોહન બોલ્યો,

“મારે આ ફાલુ સાથે લગ્ન કરવાં છે!” બધાં ખડખડાટ હસી પડ્યાં. નાની ફાલ્ગુનીને કાંઈ સમજ ન પડી પણ બધાંને હસતાં જોઈ એ પણ તાળી પાડી ઊઠી. તે દિવસથી નાદાન, અણસમજ સોહન ફાલ્ગુનીને પોતાની “વહુ” સમજવા લાગ્યો. ફાલ્ગુની તેનાથી ત્રણ મહિના નાની હતી પરંતુ એક જ શાળામાં ભણતા હોવાથી તેની પર આધિપત્ય જમાવવા લાગ્યો હતો.

    * *

હરીનકાકાએ બધું ગોઠવી રાખ્યું હતું. તેણે સોહનને કહ્યું, “ જો સોહન! તારા પપ્પાએ મને જવાબદારી સોંપી છે. આજે ગણેશ ચતુર્થી છે. આપણે જેને ત્યાં જવાના છીએં તે રમેશભાઈની ગણત્રી જ્ઞાતિની મોભાદાર અને ધનિક વ્યક્તિઓમાં થાય છે. તેમની દીકરી હેતલ ગાંડાની ડૉક્ટર છે. અને સરકારી હૉસ્પીટલમાં નોકરી કરે છે. છોકરી રૂપાળી અને હોશિયાર છે.”

“કાકા, એને ગાંડાની ડોક્ટર ન કહેવાય, સાયકોલોજિસ્ટ (માનસશાસ્ત્રી) હશે.....”

“ઓહોહો..! હજી તો મળ્યા નથી ત્યાં તો બચાવ પક્ષની જેમ તરફદારી કરવા લાગ્યો!” હરિનકાકા રાજી થઈ ગયા.

“શું તમે પણ કાકા!” સોહન જરા શરમાયો. પછી બોલ્યો, “પણ હું તેને ઘેર જઈને મળવા નથી માંગતો. એ બહુ જૂની રસમ થઈ ગઈ. છોકરો તેના મા-બાપ અને સંબંધીઓ સાથે આવે અને છોકરી સાડીમાં લપેટાઈને ચાની તાસક લઈને આવે... શી...” શીટ બોલતાં બોલતાં અટકી ગયો.

“ના, ના કાંઈ વાંધો નહિ હવે તો આંઈં નાના છોકરાંવ પણ વાતવાતમાં બોલે છે. તું તારે થાવા દે.” હરિનકાકા મુડમાં હતા. “પણ તો કેમનું કરશું? તારે એને હોટલમાં લઈ જવી છે? જો ભાઈ, આંઈ હજી તમારે પરદેશ જેવું નઈ હો! હોટલમાં જમવા ગ્યા ને પછી નાચ્યા ને પછી રૂમમાં .. એ...ને સવારે ઘર ભેગા થ્યા. ના બાપલીયા, આ તો સંસ્કારી...”

“અરે ના, ના.! કાકા, શું તમે પણ? હું પણ સંસ્કારી ઘરનો જ છું.” સોહને તેને રોક્યા.

“પણ તું કાંઈ મગનું નામ મરી પાડે તો ખબર્ય પડે ને બાપલા!.” હરિનકાકા મુંઝાણા.

“મને એ કઈ હોસ્પીટલમાં નોકરી કરે છે તે કહો હું એને ત્યાં જ મળી લઈશ. એનો ફોન નંબર હોય તો આપો. પહેલેથી એપોઈંટમેંટ લઈને જઈશ. ચિંતા ન કરતા.” સોહને ખુલાસો કર્યો.  

સરકારી હોસ્પીટલના ઑપીડી વિભાગમાં સોહન દાખલ થયો. ક્યાં કેનેડાની સાફ-સુથરી હોસ્પીટલ અને ક્યાં સ્વદેશની આ ગંદી ગોબરી હોસ્પિટલ! તે મનોમન વિચારવા લાગ્યો કે સાજા લોકો પણ અહિ આવીને માંદાં પડી જતાં હશે, તો બિમાર ક્યાંથી સાજાં થતાં હશે! ખેર! તે ડોક્ટરોની કેબીનો પર નામ વાંચતો વાંચતો જ્યાં ડો.હેતલ શાહ લખ્યું હતું ત્યાં આવીને ઊભો રહ્યો. બહાર બે દર્દીઓ બેઠા હતા એમ તેને લાગ્યું. અંદર જવું કે ન જવું તેમ વિચારતો હતો ત્યાં અંદરથી એક પટાવાળા જેવી લાગતી કોઈ વ્યક્તિ બહાર આવી. તેણે સામેથી જ પૂછ્યું, ”તમે સોહનભાઈ છો? મેડમ તમારી જ રાહ જુવે છે. અંદર જાઓ.” અને પછી રાહ જોતા દર્દીઓ તરફ ફરીને કહ્યું, ‘મેડમના મહેમાન છે.’  

સોહને કેબીનનો દરવાજો ખોલી અંદર ડોકિયું કરી અંદર પ્રવેશવાની રજા માંગવા જતો હતો ત્યાં જ હેતલે તેને સામેથી જ આવકાર્યો, “આવો મી. સોહન! વેલકમ!” કહી એક તરફ પડેલા સ્ટૂલ તરફ આંગળી ચીંધી. સોહન બેઠો. દસેક મિનિટમાં દર્દીઓને વિદાય કરી, હેતલ સોહન તરફ ફરીને બોલી, “સોરી,મી સોહન! તમને રાહ જોવડાવી.”

“નો, નો. ડો. હેતલ, ઈટ્સ ઑલ રાઈટ.” સોહને એકદમ શુષ્ક રીતે જવાબ આપ્યો. પછી ખોંખારો ખાઈને કહ્યું, “લુક, હેતલ! મને આ મી. સોહન-ડો.હેતલ બીઝનેસ નહિ ફાવે. સોરી, પણ એમ રાખવું હોય તો આપણે અહીં જ મુલાકાત પૂરી કરીએ.”

હેતલ ખડખડાટ હસી પડી. “ફાઈન. આઈ લાઈક ઇટ.” ઘડિયાળ તરફ જોતાં બોલી, “ભલે સોહન, અત્યારે એક વાગ્યો છે, અને લંચ ટાઈમ થયો છે. તો તમને મારી સાથે જમવું ફાવશે?”

સોહન કહે, “ઓકે, નો પ્રોબ્લેમ. પણ મને અહિ સારું રેસ્ટૉરંટ ક્યાં છે તે ખબર નથી. તમારે ગાઈડ કરવો પડશે.”

“અરે! ના. અહિં ડોક્ટર્સ કેંટીન છે ત્યાં જ જઈશું મારું ટિફીન આવ્યું હશે ને તમને વાંધો ન હોય તો શેર કરજો અને નહિ તો ઓર્ડર કરીશું. આઈ હોપ યુ વોંટ માઈંડ.” હેતલે પર્સ વિ લઈને ઊઠવાની તૈયારી કરતાં કહ્યું.

“મને વાંધો નથી. તમે ભૂખ્યાં રહેશો એ ચેતવી દઉં છું.” બંને કેંટીનમાં જવા નીકળ્યાં. જમતાં જમતાં બંને વચ્ચે થોડીક કેનેડાની, થોડી હેતલના ભણતરની વિગેરેની સામાન્ય ઔપચારિક વાતો થઈ. બંને જણ એક્બીજાનો તાગ મેળવવાનો પ્રયાસ કરતાં હતાં. સોહને હસતાં હસતાં કહ્યું, “મને તો બીક હતી કે તમે મારી આગળ બે-ત્રણ ચિત્રો મૂકી દેશો અને પૂછશો કે મને ચિત્રમાં શું દેખાય છે! પણ થેંક ગોડ તમે એવું કાંઈ ન કર્યું!”

હેતલે પણ એ જ તોફાની સૂરમાં જવાબ આપ્યો કે, “મને હજી સુધી એવી જરુર લાગી નથી. આગળ ઉપર જોયું જશે!” બંને મૂક્ત પણે હસવા લાગ્યાં. પછી ઘડિયાળમાં જોઈને હેતલ બોલી, ‘મારે બે વાગે માનસિક રોગીઓની એક સંસ્થામાં જવાનું છે, તમને મારી સાથે આવવું ગમશે?”

“હા, પણ એક શરતે કે તમે મને ત્યાં દાખલ નહિ કરાવી દો!”

“ગભરાવ નહિ, મેં કીધુંને કે હજી સુધી એવી જરુર લાગતી નથી!” હેતલ પણ પૂરા મજાકીયા મુડમાં હતી.

“સોરી તમને આમ કામના સમયે ડીસ્ટર્બ કરું છું. જો તમને વાંધો ન હોય તો એક સજેશન કરું?” સોહને થોડા ગંભીર સ્વરે કહ્યું.

“હા, હા. વેલકમ, ગો અહેડ.” હેતલ પણ ઠાવકી થઈ ગઈ.

“જે હેતુ માટે આપણે મળવાનું હતું એ વિષે થોડી ખુલ્લી વાતચીત થઈ જાય તો સારું. જો શક્ય હોય તો તમે આ સંસ્થામાં થોડાં મોડાં ન જઈ શકો?” સોહન હવે વ્યાવહારિક થઈ ગયો.

“હા ભલે.” કહી હેતલે પોતે મોડી આવશે તેમ સંસ્થામાં ફોનથી જણાવી દીધું. “ઓકે, ધેટ સેટલ્સ ઇટ. હવે તમને વાંધો ન હોય તો અહિં નજીકમાં કાફે કોફી પાર્લર છે ત્યાં બેસીએ. સારું વાતાવરણ છે ત્યાં. અને....” હેતલ બોલતાં બોલતાં અટકી પડી.

“કેમ એની પ્રોબ્લેમ?”

“મારી પાસે કાર નથી, અક્ટિવા છે...” 

“અરે! ડોંટ વરી. અઢાર વર્ષ સુધી હું ભારતમાં જ ઊછર્યો છું. ચાલો”

બંને પાર્લરમાં બેઠાં અને ઓર્ડર આપ્યો. હેતલ સોહનની સામે બેસીને તેના બોલવાની રાહ જોતી હતી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama