અમલદારી
અમલદારી


એક રવિવારે સવારે હું મારા મિત્રને ઘેર ગયો હતો. મિત્ર સરકારી અમલદાર હતા. અમે ડ્રોઇંગ રૂમમાં બેઠા હતા અને ફ્લેટનો દરવાજો ખુલ્લો જ હતો. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં દરવાજે કચરો લેવા માટે બાઇ આવીને ઊભી રહી. મિત્રે તેના શ્રીમતીજીને બે-ત્રણ હાક મારી પણ ભાભીનો કોઇ પ્રતિભાવ કે જવાબ ન આવ્યો. થાકીને અને થોડા અકળાઇને મિત્રએ કચરાવાળાં બહેનને પછી કચરો લઇ જવા કહ્યું.
થોડા સમય પછી ભાભી બેઠક રૂમમાં આવ્યાં અને મિત્રએ તેનો ઉધડો લેતા સ્વરે કહ્યું, “તું ક્યાં હતી? કચરાવાળી બાઈ આવી હતી. મેં તને બે-ત્રણ બૂમ મારી પણ તેં સાંભળ્યું નહીં!”
“અરે! હું બેડરૂમમાં વેક્યૂમ મશીનથી સફાઈ કરતી હતી. મશીનના અવાજમાં તમારી હાકલ નહિ સંભળાઇ હોય. હવે.. ...”
“મેં તેને કીધું છે પાછી આવશે.”
“ત્રણ દાદરા ચઢીને કોઇ પાછી નહિ આવે. મારે જ કચરો ભરેલી બાલદી લઈને નીચે જવું પડશે.” ભાભીએ આછા રોષ અને છણકા સાથે જવાબ આપ્યો.