Dina Vachharajani

Drama

4.5  

Dina Vachharajani

Drama

ખરીદેલું ફેમિલી

ખરીદેલું ફેમિલી

4 mins
327


" એલા બરજોર ! તુને તારું કાતરીયું ભારે આપવા આ જ ફેમિલી મળ્યું શું ? આ ચાર-ચાર પોયરા આખો દિવસ ચેં-ચેં..પેં-પેં કર્યાં કરે ને એમાં એવનનો ડોગ એનું વાજું વગાડીયા કરે..અમારું તો માથ્થું કાનું કરી નાંખીયું ---નખ્ખોદ જાય મૂઆઓનું...."

રોજ સવાર પડે ને બરજોરભાઈ પર આવો ફોન ગયો જ હોય. આ બરજોર અને રુસ્તમ બે મિત્રો. આ નાના શહેરમાં વર્ષોથી રહે. બંનેની દોસ્તી ગાઢી અને પેરીનબેન અને નાઝાબેનને પણ સારું ફાવે એટલે જ્યારે નદીપારનાં નવા વિસ્તારમાં આ ટ્વીન બંગલોઝની સ્કીમ નીકળી તે બંનેએ એક-બીજાને અડીને આવેલા આ બે નાનાં -નાનાં બંગલો...બંગલો તો શું ? રો હાઉસ બુક કરાવી લીધાં.ને પછીના પચ્ચીસ વર્ષ પડોશી બનીને રહ્યાં.

રુસ્તમ અને નાઝાને કંઈ છોકરાઓ નહીં. બરજોર અને પેરીનને બે દીકરા. અહીં રહેવા આવ્યા ત્યારે એ બંને છોકરાંઓ પણ દસ-બાર વર્ષના તો થઈ ગયા હતાં. પાછા હતાં પણ ડાહ્યા ને ભણવામાં હોંશિયાર. એટલે એ બંને તો એમની પ્રવૃત્તિમાં જ પડ્યાં હોય. હા ! કોઈક રજાઓમાં પપ્પા અને અંકલને કેરમ કે બહાર ખુલ્લી જગ્યામાં રાખેલ ટેબલ પર ટેબલટેનીસ રમવામાં કંપની આપે ખરા. એમાંય કોલેજ તો બંનેએ હોસ્ટેલમાં રહીને જ કરી. એટલે સરવાળે આ બંને ઘરનાં હુતો-હુતી એકબીજાને કંપની આપતા રહેતાં.

બરજોરભાઈના બંને દીકરાં એન્જીનીયર થઈ બેંગલોરમાં સેટલ થયા. બંને મોડાં-મોડાં પણ પરણ્યાએ ખરા. હવે આ બે મિત્રો પણ નિવૃત્ત અને થોડા બુઢ્ઢાં થયાં હતાં. એવામાં પેરીનબેનને પક્ષઘાતનો હુમલો આવ્યો. બંને છોકરાંઓ વારાફરતી રહી ગયા પણ હવે પેરીનબેન ખાસ કામ ન કરી શકતા અને હજી તબિયત તો નરમ જ હતી. છોકરાંઓ કંઈ વારેઘડીએ આવી ન શકે એટલે એમણે મમ્મી-પાપાને કાયમ માટે બેંગલોર લઈ જવાનું નક્કી કર્યું. બંન્ને મિત્ર દંપતીને દુ:ખ તો બહુ થયું પણ સમય બડા બલવાન હૈ ! આ વાત સારી રીતે સમજતાં હતાં. એટલે આ ઘર ભાડે આપી બરજોરભાઈ બેંગલોર ગયાં.

હવે જ ખરી રામાયણ શરુ થઈ. ઘર ભાડે આપેલું એ યુવાન યુગલ વસ્તારી કુટુંબ વાળું હતું. બે ટવીન્સ દીકરી અને એના પર બે દીકરા. છોકરાંઓ હજી સાવ નાનાં. તે આખો દિવસ ઘરમાં ધમાચકડી ચાલ્યા કરે.મા એકને છાનું રાખે તો બીજું રડે. ધાબા પર ચડી બધાં દોડાદોડી કરે ઉપરથી એમનો ટોમી કૂતરો પણ કૂદકાં મારે. પાછું આ બધું બપોરના સૂવાના સમયે જ થાય તે બિચારા રુસ્તમ-નાઝા સૂઈ પણ ન શકે. હવે એકલા થયેલાં આ બંને સાંજ પડે બહાર ફરવા નીકળે.એક દિવસ ફરીને આવ્યાં તો એક બિલાડીને પકડવાની ધમાલમાં ટોમીએ બે-ચાર ફૂલોનાં કૂંડા ઉથલાવી તોડી નાંખેલા. વળી બીજી એકવાર છોકરાંઓ એ પેલું જૂનું ટેબલટેનીસનું ટેબલ તોડી નાંખ્યું. પોતે જ બોલની જેમ એના પર ગબડીને ! નાઝામાઈ તો બૂમાબૂમ કરી થાકે. રુસ્તમ પોતાના દોસ્તને આ લોકોને અહીંથી કાઢવા દબાણ કરે. પણ એગ્રીમેન્ટ કરેલું તે વચમાંથી કાઢી ન શકે. .આમ જ છ મહિના નીકળી ગયાં.

ત્યાં કોવિડ પેન્ડેમીક ત્રાટક્યો. હવે તો બંને આખો દિવસ ઘરમાં જ રહેતા અને પેલાં છોકરાંઓ પણ પ્લેસ્કૂલ બંધ થતાં ઘરમાં જ....બંનેનું મગજ અશાંત અને ધુંવાપુંવા જ રહેતું પણ શું થાય ?

એવામાં રુસ્તમભાઈની તબિયત બગડી. કોરોનાનું નિદાન થયું. આ રોગનું નામ સાંભળતા જ હાંજા ગગડી ગયાં. નાઝાબેનની ટેસ્ટ પણ પોઝિટિવ આવી. એમનાં ફેમિલી ડોક્ટરે એમને ઘરે જ ક્વોરાઈન્ટાઈન થવાનું કહ્યું. દવા ચાલુ કરી. એમના ઘરની બહાર મ્યુનિસિપાલિટીનું પાટીયું લાગી ગયું. હવે આ જોઈ કોઈ એ ઘર પાસે ન ફરકતું. પેલા બંનેને નબળાઈ પણ હતી પણ કોને કહે ? આ કેમ પાર પડશે એમ મૂંઝાતા હતાં. એમ તો પેલી પડોશી સ્ત્રીએ પહેલે દિવસે જ ફોન કરી મદદની જરુર હોય તો જણાવવા કહેલું. પણ દુશ્મનને ઘરમાં થોડો ઘલાય ?

બીજે દિવસે જમવાના સમયે એમના ઘરની બેલ વાગી. દરવાજો ખોલ્યો તો સામે એક ટિફિન પડેલું અને સાથે એક ચિઠ્ઠી. ..અંકલ-આન્ટી પ્લીઝ તમારી સેવાનો અમને મોકો આપો....લિખિતંગ તમારી પડોશી દીકરી....

આ 'તમારી દીકરી '

શબ્દએ જાદુ કર્યું. એમણે ટિફિન સ્વીકારી વળતો આભારનો ફોન કર્યો. પછી તો વગર કહ્યે બાજુવાળાએ બધી જ જવાબદારી ઉપાડી લીધી. બંને સમયે જમવાનું, દવા, ફુટ્સ તો જાણે સમયસર પહોંચતું જ પણ સાથે સાથે છોકરાંઓ એ બનાવેલા ' ગેટ વેલ સુન' નાં કાર્ડ્સ, કોઈવાર ગાર્ડનમાંથી તોડેલા ફૂલોનો ગુચ્છો, એકવાર તો સાપ-સીડી જેવી ગેઈમ પણ મૂકેલી જેથી રમીને આ દાદા-દાદીનો સમય પસાર થાય. હવે બાજુમાંથી આવતાં છોકરાંઓના અવાજ પણ ઓછાં થઈ ગયાં હતાં. એકવાર તો છોકરાંઓએ પોતાને હાથે બિસ્કીટ પુડીંગ જેવું કંઈક ડેઝર્ટ પણ બનાવ્યું. ખાસ આ દાદા-દાદી માટે !

મહિના પછી એક દિવસ રુસ્તમભાઈએ બરજોરભાઈને ફોન કર્યો. ' આ હમણાં, તારા ભાડુઆતને કાઢ. ...એવો કકળાટ કરશે ' એવું વિચારી ફોન ઉપાડ્યો ત્યાં તો કંઈક અણધાર્યું સાંભળ્યું " બાવા, તું કંઈ કહેતો હતો કે તુને આ મારી બાજુનું ઘર વેંચવું છે ? તો જો મુનેજ એ ખરીદવું છે. તું ભાવ બોલી દે " આ બિનવારસ બુઢ્ઢો કંઈ ગાંડો થયો કે શું ? વિચારતાં બરજોરે પૂછ્યું " ગાંડો થયો સ કે શું ? તું આ ઘર ખરીદીને શું કરીશ ? "

રુસ્તમભાઈનો જવાબ હતો " અરે ! હું આ ઘર થોડું ખરીદું છું ? હું તો એમાં વસે છે એ ફેમિલી ખરીદું છું .! ઘર મારું થાય પછી એમને કોઈ કાઢી જ ન શકે ને ? "

આ ચમત્કાર કેમનો થયો ? બરજોરની સમજમાં જ ન આવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama