ખોડલ કૃપાથી વીરો ચડ્યો વ્હારે
ખોડલ કૃપાથી વીરો ચડ્યો વ્હારે
પોતાની માનેલી બહેનની ચિઠ્ઠી મળતાં જ મા ખોડિયારનો પાલવ માથે મૂકતાં જુનાગઢનો રાજા નવઘણ બહેન જાહલને સિંધમાં બચાવવાં જતાં પહેલાં બોલ્યો,..
"પાલવ તારો જગદંબા
અમ માથે હોય હેતાળ
પછી આવે ન ઊની આંચ
ભલે પ્રલય હોય કે કાળ"
બહેનને બચાવવાં માટે બહેન જાહલની રા નવઘણને ચિઠ્ઠી મળી હતી ..
" જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચે નવઘણ વીર
મુને સિંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર"
પછી તો પળનોય વિચાર કર્યાં વગર ગિરનાર ગઢનો વીર રાજવી સૈન્ય સાથે સુમરા સામે લડવા નીકળી પડ્યો હતો.
રણનાં માર્ગે તબડાક તબડાક ઘોડાઓનાં ડાબલાં જ સંભળાતા અને ધૂળની ડમરીઓ ઊડતાં સૈનિકો ધૂળમાં સ્નાન કરી રહ્યાં હોય તેમ લાગતું હતું. અનેક ગાઉનો પ્રવાસ બાદ ઘોડાઓ અને સૈનિકો થાકી ગયાં હતાં અને નવઘણની ઈચ્છા જલ્દીથી પહોંચીને બહેનને છોડાવાની હતી. મરુભૂમિમાં રેતાળ માર્ગ પાર કરવો ખુબ જ મૂશ્કેલ હતો અને ભોજન સામગ્રી અને પાણી પણ પતિ ગયું હતું. હવે ગમે તેટલું જોર કરે તોય પાપી પેટનૉ ખાડો પૂરવો જરૂરી હતો.
ચિંતિત નવઘણે ઝીંઝુવાડા ગઢનાં રણમાં વિસામો કરતાં મા ખોડિયારને ભાવભરી વિનંતી કરી કે ,.
"હે મા તારો પાલવ મારાં માથે છે અને તું ખોડિયાર જૂનાગઢની સહાય કરતી દેવી છે. મારી તને વિનંતી છે કે સૂમરા જોડે મને જલ્દી પહોંચી શકાય તેવો માર્ગ બતાવજે ભોજન પાણી મારાં તડપતાં સૈનિકોને તું આપજે અને બહેનને બચાવવાં જતાં ભાઈની મદદ કર મા સત્વરે પધારજે."
નવઘણની વિનંતી ઝીંઝુવાડા ગઢની સહાયક દેવી અને ખોડિયારનાં બહેન મનાતી એવી મા રાજલ સાંભળે છે અને રાજલના કહેવાથી સાત બહેનોમાંની એક દેવી વરણું દાદાનાં રણમાં બિરાજતી આઈ વરુડી ભક્તોની સહાય કરવાં નાની બાલિકાનું રૂપ ધરીને થોડે દૂર એક નાની કુલડી પર રાંધવા બેસી હતી.
"ચારણ દેવી બહેનો સાત, પુરે પરચા આજ
લાજ બહેનની બચાવવાં નીકળ્યો વીર આજ."
સૈનિકોને રણમાં આ બાલિકા જોઈ નવાઈ લાગતાં તેમને જઈને પૂછ્યું,..
"એય દીકરી આવાં વેરાન રણમાં એકલી તું શું કરે છે ?
ફૂલ જેવી કોમળ દીકરી ખડખડાટ હસીને બોલી,..
"અરે હું તો નવઘણનાં સૈન્ય માટે ભોજન તૈયાર કરું છું."
સૈનિકો હસીને બોલ્યાં,
"બેટા ભોજન વિના અમારો જીવ તડપે છે પણ તારી ભાવના ઉત્તમ છે."
દીકરી ખાલી વીરડામાંથી ડોલ ભરીને પાણી કાઢતાં બોલી,..
"જાવો તમારાં નવઘણને કહો કે આખા સૈન્યને પંગતમાં જમવા બેસાડી દે કહી એક નાની કુલડી ચૂલા પર મૂકી નાનો પડદો આડો કરી દીકરી રાંધવા બેસી ગઈ
સૈનિકો નવાઈ પામે છે અને આ સૂકા કુવામાંથી કાઢેલ પાણી પીતાં આ આશ્ચર્યની વાત નવઘણને કહે છે,..
નવઘણ તો આ વાત સાંભળતાં જ ભાવથી વંદન કરી બોલ્યો,..
"આવી ગઈ મારી મા સહાય કરવાં હાલો હવે બધાં પંગતમાં બેસી જાવ."
ભરોસો હોય તે જ સમજે દેવીની વાત રાજાની આજ્ઞા થતાં જ નવાઈથી શું પંગતમાં બેસી જાય છે અને નવઘણ દોડીને પગમાં પડી કહે છે,
"હે મદદ કરનારી મા આપની ઓળખ આપો. "
દીકરી કહે છે,..
"હું અહીંની દેવી આઈ વરુડી છું. ખોડિયાર અને રાજલની નાની બહેન છું. તમે બધાં પહેલાં જમી લો. "
કહીને પડદાં પાછળથી મા નવઘણને બત્રીસ જાતના ભોજન આપે છે કુલડીમાં રાંધીને અને નવઘણ તે સૈનિકોને આપીને આખું સૈન્ય જમાડે છે. આખરી થાળી મા વરુડી પોતે પીરસીને નવઘણને આપીને આ રાજાને કહે છે,..
"હવે કોઈને તમારી જીત ન થાય ત્યાં સુધી ભૂખ નહીં લાગે જાવો..! વિજયી ભવ."
નવઘણ સહિત સૈન્ય નમી પડે છે મા વરુડીને અને મા બાળકીનાં રૂપે દોડીને રણની ધૂળમાં અદ્રશ્ય થઈ જાય છે.
પછી તો નવું જોમ પ્રગટતાં ઘોડાઓ પવનવેગે દોડે છે અને ભારે શૌર્ય પરાક્રમ રણભૂમિમાં બતાવીને સુમરાને યુદ્ધમાં હરાવીને નવઘણ પોતાની બહેન જાહલને છોડાવે છે.
" રણમાં રોળ્યો હમીર સુમરો, ભાઈ નવઘણ ગરજે આજ.
જાહલ કહે હરખમાં, ઘણી ખમ્મા નવઘણ વીરાને આજ"
વળતાં આઈ વરુડીનો પાલવ માથે લગાડી બંને ભાઈ બહેન આ દેવીનો ખુબ જ આભાર માને છે. આજ પણ મા વરુડી રણમાં પૂજાય છૅ.
બહેન માટે ભાઈએ મોત સામે બાથ ભીડી તે જોઈ દેવી ખોડિયાર રાજલ અને વરૂડી પણ ભાઈ બહેનનો પ્રેમ અમર રાખવા મદદ કરવાં આવેલા. આવો પવિત્ર હોય છે ભાઈ બહેનનો પ્રેમ જેને માટે દૈવી પણ મદદ કરવા આવે.

