'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

ખમીરવંતો સરદારનો પરિવાર 19

ખમીરવંતો સરદારનો પરિવાર 19

2 mins
547


સરદારનું સમર્પણ

હવે સરદારનો પરિચય આપવાના બદલે સરદારના સમર્પણની વાત કરું. જો કે સરદાર પોતે દેશ માટે પૂરા સમર્પિત થઈ ગયા હતા. તો તેમના અન્ય સમર્પણને આપણે અલગ કેમ તારવી શકીએ ? છતાં એક નાનકડા પ્રયાસરૂપે થોડી વાતો કરીએ.

સરદારના સમર્પણને મેં ત્રણ રીતે અલગ તારવવાનો પ્રયત્ન કરેલ છે. કૌટુંબિક સમર્પણ, આર્થિક સમર્પણ અને રાજકીય સમર્પણ. તેઓ સરદાર હતા. સાચા સરદાર તો એ જ કહેવાય કે જે સમર્પણ કરી શકે, આપી શકે. કોઈ પાસેથી લીધા-લીધ કરીને સરદાર ન બની શકાય. આ રીતે જે સરદાર બને તે ગુંડાઓના સરદાર હોય છે, માનવીઓના દિલના નહિ! મોંઘી-મોંઘી મોટરોમાં ફરવાથી, ધોમ પૈસો બગાડવાથી કે કોઈને ડરાવવાથી સરદાર ન બની શકાય, સરદાર બનવા માટે તો દરેક રીતે પહોળી છાતી જોઈએ ! આવી છાતી હતી વીર વલ્લભ પાસે અને એટલે જ એ આપણા સૌના સરદાર બની શકયા છે.

પહેલા કરીએ કૌટુંબિક સમર્પણની વાત. તેમના કુટુંબની પરિસ્થિતિ નબળી હતી. એક જ દીકરાને ભણાવી શકે એવી સ્થિતિ હતી. તેથી મોટા દીકરા પાછળ વધુ ધ્યાન અપાતું હતું. ત્યારે આ ચોથા નંબરના સંતાન સરદાર પોતાનાં સુખ-ચેન છોડી ભણવામાં મહેનત કરવા લાગ્યા. કયારેક પુસ્તકો પણ બીજા પાસેથી માગીને ભણી લેતા. આવી રીતે ભણીને પણ તેઓ વકીલ બની ગયા.

હવે તેઓને બેરિસ્ટર બનવા ઈંગ્લેન્ડ જવું હતું. પણ એટલા પૈસા તો હતા નહિ. એટલે વકીલાત કરતા કરતા બચત કરતા ગયા અને બધા કાગળિયા તૈયાર કરતા ગયા. એક દિવસ બેરિસ્ટર બનવાના અભ્યાસ માટેની મંજૂરી પણ આવી ગઈ. આ વાતની મોટા ભાઈ વિઠ્ઠલભાઈને જાણ થઈ. ગયા ભાઈ વલ્લભ પાસે. કહેવા લાગ્યા,

''હું મોટો બેઠો હોઉં ને તું બેરિસ્ટર બનવા જા એ સારું લાગે ! પહેલો હક્ક તો મારો છે, મારી લાયકાત પણ છે અને કાગળમાં વી. ઝેડ. પટેલ લખેલ છે. એ મને પણ લાગું પડે છે. એટલે તારા બદલે મને જાવા દે!''

અને સરદારના મોટા સમર્પણની શરૂઆત અહીંથી થઈ ગઈ. કુટુંબના સંસ્કારે એમને ના ન પાડવા દીધી કે, મહેનત મેં કરી અને તમે જાવ એ કેમ ચાલે ? પોતાની મહેનત, ભેગી કરેલ મૂડી બધું મોટાભાઈના ચરણે ધરી દીધું. ઉપરથી ભાઈના કુટુંબની જવાબદારી પણ પોતાના માથે લઈ લીધી. પત્ની અને ભાભી વચ્ચે કંકાસ થતા પત્નીને પણ થોડો સમય પિયર વળાવી દીધાં. પણ ભાઈને આપેલ ખાતરીનું પૂરું પાલન કર્યું.

જ્યારે આજના રાજકારણમાં તો સત્તા માટે ભાઈ ભાઈને મારતા પણ અચકાતો નથી. સરદાર એતો સરદાર હતા. ભાઈ માટે પોતાના સુખનો ત્યાગ કરી દીધો. જ્યારે ભાઈ બેરિસ્ટર બનીને આવી ગયા ત્યારે ફરી પોતાની તૈયારી કરી અને પોતાની ઈચ્છા પૂરી કરી. તેઓ લંડન ગયા. ૩૬ માસનું ભણવાનું ૩૦ માસમાં ભણી લીધું. તેમની તેજને લીધે ત્યાં તેમને કાયમી વસવાટ મળી શકે તેમ હતો. પણ સરદારે આ તકને જતી કરી દીધી. એમને તો પોતાનો દેશ વહાલો લાગ્યો અને તરત પાછા આવી ગયા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Classics