ખમીરવંતો સરદારનો પરિવાર 15
ખમીરવંતો સરદારનો પરિવાર 15
મણિબહેન ખૂબ પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતાં. તેમણે પોતાનું સમગ્ર જીવન વલ્લભભાઈને સમર્પિત કરેલું હતું. વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછી એક પુસ્તક અને થેલી લઈને તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નહેરુને મળવા ગયાં. તેમને તે પુસ્તક અને થેલી સુપ્રત કર્યાં. તે થેલીમાં કાઁગ્રેસ પક્ષના રૂ. ૩પ લાખ અને પુસ્તકમાં તેનો હિસાબ હતો. નહેરુએ આભાર માન્યો.
નહેરુ કાંઈક બોલશે તેવી અપેક્ષા સાથે થોડી ક્ષણો બેઠાં પણ ખરાં, પણ નહેરુ કાંઈ બોલ્યા નહીં. જેથી મણિબહેન ઊઠીને જતાં રહ્યાંતેઓના મનમાં એમ હતું કે, મારા પિતાજીના અવસાન પછી મારું કેમ ચાલે છે એમ મને નહેરુ પૂછશે. મને એમ પણ હતું કે કદાચ તેઓ મને કઈ રીતે મદદ કરી શકે એમ પૂછશે. પણ તેવું કાંઈ થયું નહિ.
પછી ત્રિભોવનદાસ પટેલના પ્રયત્નોથી મણિબહેન સંસદમાં ચૂંટાયાં. ફર્સ્ટ કલાસ ડબામાં યાત્રા કરવાનો પાસ મળેલો, છતાં મણિબહેન થર્ડ કલાસના ડબામાં જ યાત્રા કરતાં અને ચરખા પર પોતે કાંતેલી ખાદીની જ સાડી પહેરતાં. પાછલાં વર્ષોમાં તો મણિબહેનનાં શરીર, આંખો પર વિપરીત અસર થવાથી રસ્તા પર ચાલતાં ચાલતાં પડી જતાં.
જ્યારે મણિબહેન મૃત્યુશય્યા પર હતાં ત્યારે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ એક ફોટોગ્રાફર સાથે તેમને મળવા આવેલાપ. તેઓ મણિબહેનની બાજુમાં ઊભા છે એવો ફોટો પડાવ્યો અને બીજા દિવસનાં છાપાંઓમાં તે આવે તેની જોગવાઈ કરી. દેશ માટે પોતાના સર્વસ્વનો ત્યાગ કરનાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેનની આ હાલત મનમાં દુ:ખ ઉપજાવનારી છે.
(ક્રમશ:)
