Mariyam Dhupli

Fantasy Others

3  

Mariyam Dhupli

Fantasy Others

ખજાનો

ખજાનો

3 mins
14K


"અરે મારો થેલો ક્યાં છે ?"

" કોણ મારા થેલાને અડક્યું ?"

"કેટલી વાર કહ્યું કે મારા થેલાને કોઈ એ પણ અડકવું નહીં ."

"મારો થેલો...મારો થેલો...."

મારા બાળપણ માટે આ શબ્દો સાંભળવા એક રોજિંદી નિયમિત ટેવ હતી. ખબર નહીં પિતાજીના એ અતિપ્રાચીન ઢબના થેલામાં કેવો ખજાનો દટાયો હતો ! પરિવારનું કોઈ પણ સભ્ય એ થેલાની આસપાસ પણ ડોકાય કે કોઈ પણ પ્રવૃત્તિમાં પરોવાયેલા પિતાજી ચશ્માં નાક પર ઉતારી છુટ્ટી ચેતવણીજ ફેંકતા .

"મારા થેલાને અડકવું નહીં."

જ્યાં પિતાજી ત્યાં એમનો થેલો, એક મૌન વફાદાર સાથી સમો.

સાફસફાઈ કરતી મમ્મી જો એ થેલાને ભૂલથી પણ એક સ્થળેથી ઊંચકી અન્ય સ્થળે ગોઠવી દેતી, તો પિતાજી આખું ઘર જ ગજવી મુકતા. પોતાના થેલાને સુરક્ષિત નિહાળી આખરે એમની શ્વાસમાં શ્વાસ આવતો. પૌરાણિક દંત કથાઓમાં ઘણીવાર માનવીનો કે દાનવનો જીવ કોઈ અન્ય જીવમાં વસતો હોવાની વાતો થતી હતી, જયારે અમારા ઘરમાં પિતાજીનો જીવ એમના અતિ પ્રિય એ થેલામાં વસવાની.

કામવાળા ઘરમાં કામ કરતા હોય કે ઘરમાં બહારની કોઈ પણ વ્યક્તિ આવી હોય કે આવવાની હોય ત્યારે તો એ થેલાને સંગ્રહાલયમાં સચવાતા કોઈ અતિ મૂલ્યવાન અને કિંમતી હીરાની માફક અત્યંત સુરક્ષિત તિજોરીના ઊંડાણોમાં પિતાજી છુપાવી દેતા.

ઘણીવાર મારી બાળસહજ ઉત્સુકતા એ મને એ થેલાને ખુલ્લો મૂકી એની અંદર છુપાવાયેલા ખજાનાનું રહસ્ય ઉકેલવા ઉકસાવ્યો હતો. ચોરીછૂપી કોઈની અને વિશેષ કરીને પિતાજીની નજરે ન ચઢી જવાય એ રીતે એ થેલાના રહસ્યાત્મક જગત સુધી પહોંચવાના અગણિત નિષ્ફ્ળ પ્રયત્નો પણ આદર્યા હતા. એવાજ એક નિષ્ફ્ળ પ્રયાસ દરમિયાન રંગે હાથે ઝડપાયો હતો. એ દિવસે પિતાજીની ગર્જના એ એવો હચમચાવી મુક્યો હતો કે એ થેલાથી એક સુરક્ષિત અંતર હંમેશ માટે નિશ્ચિત થઇ ગયું હતું.

હું વિકાસ પામતો ગયો અને સાથે સાથે એ થેલાનું કદ પણ મારા કદની સાથે વધુ ઝડપે વિસ્તરતું ગયું. મારી યુવાન આંખોમાં એ થેલાનું રહસ્ય જગત દિવસે દિવસે વધુ તીવ્ર ઉત્સુકતા જન્માવતું ગયું. પણ પિતાજીની કડક સુરક્ષા નીતિ આગળ મારુ ક્યાં કઈ ઉકળી શકવાનું હતું ? થેલો પિતાજીની નિગરાનીમાં અતિ સુરક્ષિત હતો અને હું એને ન સ્પર્શીને જ.

કોલેજનો અભ્યાસ પૂરો થયો અને હું ગમતા ક્ષેત્રમાં મારા વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે વ્યસ્ત થયો. ત્યાં સુધીમાં તો એ થેલાનું પેટ પણ જાણે બહાર આવી ગયું હતું . અંદરનો ખજાનો ખુબજ બરકત જોડે ઉભરાઈ રહ્યો હતો. એ જેટલો વધુ ઉભરાઈ રહ્યો હતો પિતાજીની એના તરફની કાળજી અને જતન એટલાજ વધી ગયા હતા અને મારી એના તરફની ઈર્ષ્યા અને ઉત્સુકતા પણ.

એકજ આશ્વાસન પૂરતું હતું એ ઈર્ષ્યા અને ઉત્સુક્તાને હળવી કરવા -

'એક દિવસ તો. આજે એજ દિવસ હતો. વર્ષો જુના રહસ્ય પરથી પરદો ઉઠવાનો. ખજાનાની ચાવી હાથ લાગવાનો. થેલાના આંતરિક છુપા વિશ્વને આખરે નરી આંખે નિહાળવાનો. પિતાજીની સ્મશાન યાત્રામાંથી પરત થયેલા કુટુંબના સભ્યો વિશ્રામ માટે વિખરાયા અને હું

એમના ઓરડાને અંદર તરફથી વાંસી, એમનીઅલમારીમાંથી એ અતિ પ્રાચીન થેલાને ગોદમાં લઇ એમના પલંગ ઉપર ગોઠવાયો છું. થેલાને ઊંધો વાળી એની અંદર વર્ષોથી સંગ્રહાયેલા ખજાનાને બહાર ખલવી દીધો છે. થેલામાંથી વરસી પડ્યા છે. કાગળિયા.. કાગળિયા...કાગળિયા.... અને કાગળિયા ....

નાની રસીદો, મોટી રસીદો, લોનના ફોર્મ, લોન ચુકવણીની રસીદો, જમીનવેરા, કરવેરા, શાળા, કોલેજ, ટયુશનની ફીની રસીદો, જુના ભાડેના મકાનના ભાડું- ચુકવણીના લાંબા લચક હિસાબો, નવા ખરીદેલા મકાનના દસ્તાવેજની નકલો, બા માટે ખરીદેલા ઘરેણાઓના બીલ , વીજળીના બીલ અને ચુકવણીની રસીદો, ટેલિફોનના બીલ, મોબાઈલ અને ઘરના રાચરચીલાઓની ખરીદીનો હિસાબ અને દરેકની તારીખ અને ક્રમ વાર ગોઠવેલી રસીદો, હફ્તેથી ખરીદેલા ફર્નિચરના તબક્કાવાર હિસાબની યાદીઓ અને ફક્ત એવીજ અન્ય અગણિત ચુકવણ, ચુકવણી, ચુકવણી અને ચુકવણીના પુરાવાઓ !

પિતાજીના થેલામાંથી ખજાનો તો ન મળ્યો .

કંઈક મળ્યું તો તે અમારા બધાથી છુપાવીને રાખેલો પિતાજીનો પરિવાર માટેનો પોતાનો છૂપો સંઘર્ષ, પરસેવો, તાણ, ચિંતાઓ, ફિકર, રાતના ઉજાગરાઓ, દિવસની બેચેનીઓ, વરસોનો અવિરામ થાક અને ફક્ત

થાક. જે એમના પ્રફુલ્લિત અને વાત્સલ્ય ભર્યા ચ્હેરા પાછળ એમણે કેટલી સહજતાથી સાચવી રાખ્યા હતા !

મારા ચ્હેરા પર ઉપસી આવેલું હાસ્ય મને પ્રશ્ન કરી રહ્યું છે. 'આવતા વરસે મારા લગ્ન નક્કી થયા છે. થોડા વરસોમાં હું પણ એક પિતા બનીશ . મારી પાસે તો અર્વાચીન, અતિ આધુનિ, બ્રાન્ડેડ, લેધર બેગ હશે.

પણ એની અંદર પણ કદાચ આવોજ એક થેલો...'


Rate this content
Log in

Similar gujarati story from Fantasy