ખાટલે આવ્યું બ્રહ્મજ્ઞાન
ખાટલે આવ્યું બ્રહ્મજ્ઞાન


ત્રણ મહિના થઇ ગયા હતા ખાટલે પડયાને, ત્યારે સલીમને ભ્રહ્મજ્ઞાન લાધ્યું. આંધળી દોટ મૂકી ન હોત તો કદાચ એ આવી પરિસ્થિતિમાં ન હોત. છેક કબર સુધી પહોંચી ગયેલો અને એક પગ કબરમાં પણ પડી ગયેલો, ત્યાંથી ત્રણ મહીને સહેજ ઠેકાણે આવ્યો હતો એ.
અમે બધા જ એન્જીનીઅરીંગ કરીને સાથે સાથે નોકરીએ લાગેલા. કોઈ આમ તો કોઈ તેમ, સહુ કોઈ દેશના અલગ અલગ ખૂણામાં ઠેકાણે પડ્યા. સલીમ મારો જીગરજાન દોસ્ત મુંબઈમાં થાણેમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં લાગ્યો. મારી સાથે અમદાવાદમાં પણ એને નોકરી તો મળે એમ હતી જ, હા..સેલરીમાં જરાક જ કોમ્પ્રોમાઈઝ કરવું પડે એમ હતું. પણ ભાઈ પૈસાની પાછળ દોડ્યા, ઉપરથી પછી મુંબઈની ચકાચોંધે આકર્ષ્યા, પછી ભાઈ રોકાય કે? એ ઉપાડ્યો મુંબઈ. રહેવાના બે ઓપ્શન હતા, કંપનીનું પીજી ગેસ્ટહાઉસ અથવા તો પોતાનું ભાડાનું ઘર. ગેસ્ટહાઉસ દૂર હતું અને ભાડાનું ઘર કંપનીની પાસે જ મળે એમ હતું. ભાઈ પૈસા પાછળ પાછા ભાગ્યા, કંપનીના ગેસ્ટહાઉસમાં રોકાયા. નોકરીમા પગાર વધારે હતો એવું કામ પણ વધારે હતું. ઉપરથી ટાર્ગેટ ઉપરનું કામ કરવાથી એકસ્ટ્રા પૈસા મળતા હતા. સલીમ પાછો પૈસા પાછળ ભાગ્યો. આરામનો સમય કે ખાવાપીવાનો સમય પણ એ પૈસાની લ્હાયમાં સાચવતો ન હતો, બસ પૈસા પૈસા અને પૈસા. એની અમ્મી અને પરિવાર વારે તહેવારે એને યાદ કરતા હતા. આઠ મહિના તો એવા પણ ગયા કે એ ઘરે જ ન આવ્યો, અમદાવાદથી મુંબઈ આવતા કેટલી વાર? પણ સલીમભાઈને તો નોટો જ છાપવી હતી તે. અમારા ફ્રેન્ડસ ગ્રુપ સાથે પણ એણે સંબંધ તોડી નાખ્યો, વાત જ ન કરે. સાડા ત્રણ વર્ષ થઇ ગયા હતા અમને પાસ આઉટ થયાને, સહુ કોઈ ધીરે ધીરે સેટલ થઇ રહ્યાં હતા. કોઈ તો જે કોલેજકાળથી પ્રેમમાં હતા તે પરની ગયા હતા ક્યાંતો એન્ગેજ થઇ ગયા હતા. પરિવાર, સોસાયટી અને પર્સનલ બધી જ જવાબદારીઓને સરખેભાગે સ્વીકારીને સહુ કોઈ આગળ ચાલતું હતું પણ સલીમને ફક્ત પૈસો દેખાતો. સેટલ લાઈફ એટલે પૈસો, એવી એની લાઈફ પ્રત્યેની ડેફીનેશન હતી. પૈસા પાછળ કેટલું અને ક્યાં સુધી ભાગવું છે! એ આપણે નક્કી કરવું પડે છે એ વાતની એને ખબર જ ન હતી.
સલીમ પૈસા કમાતો હતો કે ફક્ત પૈસા પાછળ ભાગતો હતો? કારણ એણે પૈસા પાછળની આંધળી દોટમાં ઘણું ગુમાવ્યું હતું. એની ઉંમરનો આનંદ, એ ઉંમરની જરૂરિયાત, પરિવાર, લાગણી, સંબંધો, પોતાનું સ્વાસ્થ્ય.. અને આ બધું જ એવું હતું કે એ કમાયેલા પૈસાથી નહિ મેળવી શકે.
આજથી બરાબર ત્રણ મહિના અને પંદર દિવસ પહેલા, એના પર એક ક્લાયન્ટનો ફોન આવ્યો, રજાનો દિવસ હતો છતાં બિઝનેસના ચક્કરમાં ટાર્ગેટ પતાવવા એ ક્લાયન્ટને મળવા તૈયાર થઇ ગયો, ક્લાયન્ટ પાસે અડધો કલાકમાં પહોંચવાનું હતું અને એણે દોડધામ શરુ કરી. એ અડધો કલાકમાં પોતાના રૂમ પરથી ક્લાયન્ટના ઘરે પહોંચવું શક્ય ન હતું, છતાં એણે દોડાદોડી કરી, ટીફીન એમનું એમ રાખીને દોડ્યો, ટ્રેઈન પકડી એ પણ દોડતા દોડતા, એ સહુથી છેલ્લે ચડ્યો, બધાએ એણે થોડો ધમકાવ્યો પણ કારણકે એ પડતા પડતા બચ્યો હતો, ક્લાઈન્ટના ઘરે જ એને બે કલાક થઇ ગયા, સાંજના સાત વાગી ગયા હતા, બપોરના ત્રણથી સાંજના સાત, ટ્રેઈનમાં ઘણી ભીડ હતી આ સમયે એને કઈ ઠીક પણ લાગતું ન હતું, એણે કઈ ખાધું ન હતું. પણ, જો નાસ્તો કરવા જાય તો પૈસા જાય અને ટીફીન એમનું એમ રહી જાય એટલે ભાઈ ટ્રેઈનમાં જ ચડ્યા, છેલ્લે, સલીમને રસ્તામાં ચક્કર આવ્યા અને પડ્યા ચાલુ ટ્રેઈનમાંથી. માંથામાં વાગ્યું, લોકોએ સલીમને હોસ્પીટલમાં દાખલ કર્યો, અહી અમને પણ જાણ થઇ. હું એની અમ્મી અને અબ્બુને લઈને મુંબઈ ગયો, દસ દિવસ હોસ્પિટલમાં રાખ્યો અને ત્રણ ઓપરેશન થયા, એક હેડ ઈન્જરીનું, એક સ્પાઈન ઈન્જરીનું અને ત્રીજું ડાબા પગના મલ્ટીપલ ફેક્ચરનું.
અંતે અમે એને અમદાવાદ લઇ આવ્યા, ત્રણ મહિના થયા શરીરમાં જરૂરયાત પૂરતું સમારકામ થતા. પછી જ્યારે એને આ સાડા ત્રણ મહિનાનો ખર્ચો જાણ્યો ત્યારે એને સમજાઈ ગયું કે એ જે પૈસા પાછળ ભાગતો હતો એનાથી ઘણા પૈસા એના અબ્બુ અને અમ્મી એ ખર્ચી કાઢ્યા હતા, ઉપરથી એક પગ કબરમાં જ હતો કારણકે ફેકચર સારું થયું ન હતું અને એ મરતા મરતા બચ્યો હતો એટલે કે કબર સુધી તો જઈને જ આવ્યો હતો. ખાટલે સૂતેલા સલીમના એ શબ્દો મને યાદ છે,
"યાર આ પૈસો હાથમાં આવતો જ નથી, એ ફક્ત દોડાવે છે, જરૂરિયાત છે પણ મેં એને મજબૂરી બનાવવાની ભૂલ કરી. મહેનત જેટલો મળી રહે એટલું બસ, પણ જો એની પાછળ ભાગ્યા તો આ પૈસાની લાલસા કબર સુધી છેડો છોડતી નથી."