ખામોશ હીંચકો
ખામોશ હીંચકો


ધરા અને આકાશ... એક ચક્રવાતનો સામનો કર્યા પછી, શાંતિથી હીંચકે બેઠા હતા. ધરા આકાશના ખભે માથું રાખીને નિરાંત અનુભવી રહી હતી. ખામોશ હીંચકાની માફક બંને ખામોશ હતા. દૂર દૂર દેખાતા ડુંગર, ભૂરું ગગન અને ધરતીના કાલ્પનિક મિલન, 'ક્ષિતિજ' કેટલું રમણીય વાતાવરણ ! સામે શાંત પાણી, પીળા પડી ગયેલા પર્ણની વચ્ચે ક્યાંક લીલા પર્ણ ચેતનવંતી તાજગી પ્રદાન કરી રહ્યા હતાં. જાણે કે પાનખર ઋતુમાં વસંતનું આગમન.
આધુનિક રહેણીકરણી, વિદેશી પહેરવેશની શોખીન ધરા એક સ્માર્ટ યુવતી હતી. સ્વતંત્ર વિચારસરણી, સારા હોદ્દા પર કાર્યરત હતી. એની ખામોશી કહી રહી હતી, "મારી જિંદગી પણ હેતના હીંચકા જેવી સતત ચલાયમાન હતી. ઉભા રહેવાનું તો નામ જ નહીં. પગની ઠેસ આપી હીંચકાને ઉંચે સુધી લઈ જવાનો, ત્યારે એ આનંદમાં ભૂલી જવાય કે એટલી જ ત્વરાથી પાછળ પણ આવવું જ પડે છે. અને પાછળ જતાં જ, આગળ જવા વધારે પ્રયત્ન. બહુ ઊંચે ગયેલા હીંચકા પરથી પડી જવાય. કાશ, આ વાસ્તવિકતા હું બહુ જ પહેલાં સમજી ગઈ હોત."
ધરાની ખામોશી સાંભળીને આકાશ ધરાને સાંત્વના આપી રહ્યો હતો. જ્યાં ખામોશીને સમજી શકાય ત્યાં સંવાદની કોઇ જરૂર હોતી નથી. આકાશની ખામોશી પ્રત્યુત્તર આપી રહી હતી, "ધરા, ઓફિસમાં કરતી વખતે મેં તને ઘણી વખત ચેતવી હતી. હું તો મારા પ્રેમના હીંચકે બેસાડીને તને તને સુખેથી ઝુલાવવા સદાય તત્પર હતો. કાશ, ત્યારે તે મારી ખામોશીને સમજી હોત. મેં તને સફળતાના આકાશે ઊંચે પહોંચાડી હોત, પણ પડવા ન દીધી હોત."
ધરાની ખામોશી ભૂતકાળમાં ડોકિયાં મારીને અફસોસ વ્યક્ત કરી રહી હતી, "હા, ઓફિસમાં કામ કરતો સમીર.. એના તોફાની વ્યક્તિત્વમાં હું અંજાઈ ગઈ. પહેલા આ સમીર સુખની લહેરખી બનીને પ્રવેશ્યો, અને ક્યારે ચક્રવાત બનીને જીવનમાં ધૂળની ડમરી ઊડાડી ગયો, એ સમજી પણ ન શકી. એ તો સારું થયું કે આકાશે પોતાની વિશાળતા કાયમ અચલ રાખી, સમીર નામના ચક્રવાતને કાબૂમાં લઈને ધરાને બચાવી લીધી."
આકાશની ખામોશીએ ધરાને નિશ્ચિંન્ત બનવાનું કહ્યું, "સમીરનું કામ જ હતું, ઉતાવળી સફળતાની આંધળી દોટમાં સામેલ યુવતીઓને સફળતાની લાલચ બતાવી પોતાની જાળમાં ફસાવીને બરબાદ કરવી. સાહજિક છે, સફળતા પામવાની લાલચમાં મહત્વકાંક્ષી યુવતીઓ, ખુબ જ આસાનીથી જાળમાં ફસાઈ જાય છે. એ તો સારું હતું, મારી સદાય તારી પર નજર રહેતી હતી. નહીંતર, આ સોશિયલ મીડિયાની દુનિયામાં તારી કેટલી બદનામી થાત તેની તું કલ્પના પણ ન કરી શકત."
ધરાની ખામોશીએ વચન આપ્યું, "આકાશ, તારી ખામોશીની ધડકન સદાય સમજતી રહીશ. તને અવગણ્યો હતો, એ ભૂલનો મને પસ્તાવો છે. બસ હવે, આમ જ સદા તારા ખભે માથું રાખીને જીવવા માંગું છું. ક્યારે પણ એકલી ઠેસ મારીને હીઁચકવા નથી માંગતી. તે મારો હજી પણ સાથ નથી છોડ્યો. એ મારા સદનસીબ છે."
આકાશનું મન ખુબ જ હેત વરસાવી રહ્યું હતું, તેની ખામોશી બોલી રહી,"ધરા, મેં તને પહેલેથી જ ચાહી છે. તારું તો હું સુરક્ષાકવચ બનીને જીવ્યો છું. બસ સદાય આમ જ મારી સાથે મારા ખભા પર માથું રાખીને તું આરામથી જિંદગી જીવજે. બસ આપણા બંનેની વચ્ચે કોઈ ન આવે તેની કાળજી રાખજે. જો કે કોઈ આવી જશે તો એનો રસ્તો કરતાં પણ મને આવડે જ છે."
ખામોશ હીંચકે બેઠેલા ખામોશ ધરા અને આકાશ નિરાંત માણી રહ્યાં હતાં, ત્યાં જ આકાશના મોબાઈલમાં મેસેજ આવ્યો. 'એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બનેલ સમીર સદાય માટે ખામોશ થઈ ગયો છે.'