કેસૂડો
કેસૂડો


બપોરના ત્રણ વાગી રહ્યાં હતાં. ઘરના સૌ ,એટલે કે સાસુ,સસરા ,જેઠ,જેઠાણી ને એની નાની દીકરી- ઘસઘસાટ ઊંઘતા હતાં. ઘરનો એક જ ઓરડો ને ઓસરી એમનાં કબ્જામાં હતાં એટલે કેસર ઘરની પછીતે વાડામાં પડતાં એકઢાળીયા માં બેઠી હતી. આજુબાજુ ઝીણાં -ઝીણાં મોતી ભરેલા અનેક ડબ્બા પડ્યાં હતાં ને એ બેધ્યાનપણે સોયમાં મોતી પરોવતી તોરણ બનાવી રહી હતી. ખૂબ વારે ડોકને આરામ આપવા એણે ઊંચે જોયું. . અસ્તવ્યસ્ત વાડાની કાળી -ભૂખરી લીલ જામેલી દીવાલ સામે ફેલાયેલી પડી હતી. કેમ જાણે કેમ એને એના પિયરના ગામની રંગ બેરંગી ફૂલો ભરી સીમ યાદ આવી! હજી તો સખીઓ સાથે રંગ રંગના ફૂલડાં વીણતી હતી ત્યાં આ કાળા-ભૂખરા વાડામાં બંધ થઇ ગઇ !! ભૂરો પણ એ સીમમાં જ મળી ગયો તો, કહેતો,એકવાર મારે ઘરે આવી જા તને રંગબેરંગી ચૂડીઓથી મઢી દઇશ. . નવરંગ ચૂંદડીથી સજાવી દઇશ. . ને મા-બાપ ની નામરજી છતાં એ ભૂરા સાથે ચાલી આવી. અહીં આવી સમજાયું કે ભૂરાનું ઘરમાં કે સહિયારી ચાલતી લોખંડના સામાનની નાની દુકાનમાં કંઇ જ નીપજતું નથી. . . ઘચાક. . સોય આંગળી માં ઘૂસી ને નીચું જોઈ એ મંડી તોરણ ગૂંથવા. બે દિવસ માં શ્રાવણ મહિનો શરૂ થતો હતો તે આવતી કાલે તો ઓર્ડર નાં બધા તોરણ તૈયાર કરી મંદિરમાં પહોંચાડવાના હતાં.
"મૂઇ,નપાવટ આ શું બનાવ્યું? તારા મોઢાં જેવા ફીક્કાફચ્ચ રંગો આ ભગવાનના તોરણમાં શીદ નાંખ્યા? ભાન જ બળ્યું નથ. . હું થોડું જંપી તેવામાં દાટ જ વાળ્યો. . " બહાર આવતાં જ જેઠાણીએ બૂમાબૂમ કરી મેલી. કેસર ને ગુસ્સો તો ખૂબ આવ્યો, એ સામું કંઇ બોલવા જતી હતી ત્યાં એની નજર સામે રહેલ આરસા પર પડી. ફિક્કો પીળો ચહેરો એની સામે જાણે હસતો હતો. સાચું જ તો છે,એણે વિચાર્યું. . એક સમયે એનો લાલ-ગુલાબી રંગ જોઇ સખીઓ મજાક કરતી --તારું નામ તો ગુલાબ હોવું જોઇએ. ! ને પછી તારો ભમરો -તારો વર તો તારી આસપાસ જ ગુનગુન કર્યા કરશે. . . હા! ભૂરો એની આસપાસ મંડરાતો જરુર પણ રાતના, રુમના ઘેરા અંધકારમાં જ. કેસર એને તાબે તો થઇ જતી પણ પોતે સેવેલા સપનાનાં કોઇ રંગ એને એ અંધકારમાં ન સાંપડતા. એ તો કોરી જ રહેતી.
હમણાંથી ક્યારેક એનાં સપના સળવળતા જરૂર. કેશવની અવરજવર એના ઘરમાં વધી પછી તો ખાસ. કેશવ એના પતિનો દોસ્ત હતો. પડછંદ,ઊંચો ને વરણાગી. જ્યારે જ્યારે આવે એની નજર કેસર પર જ હોય. વાત ભૂરા સાથે કરે પણ શબ્દો જાણે કેસરને ઇશારો કરતાં હોય. શરૂમાં તો કેસરને ખૂબ ગુસ્સો આવતો. પણ ગઇ ધૂળેટીના દિવસે જ્યારે કેસરને રંગવાને બહાને કેશવે એને પોતાના પૌરુષી હાથથી જકડી લીધી! કેસર અંદર સુધી રંગાઇ ગઇ. .
અચાનક કેસરને યાદ આવ્યું અરે! આ તોરણોને ફૂમતાં લગાવવાનાં તો બાકી છે. ને એતો કેશવની દુકાનમાંથી જ લાવવાનાં છે!. એના ઇરાદાને સાથ દેતો હોય એમ બહાર પવન ને વરસાદ શરુ થઇ ગયાં હતાં. કંઇક વિચારી એ સાસુ પાસે ગઇ ને બોલી" બાઇજી,આવા વરહાદમાં ફૂમતાં લેવા તમે ચ્યમના જશો? હું લેઇ આવું તો?" પોતાને માથેથી આ લપ જાય એટલે સાસુએ હા ભણી દીધી ને કેસર જાણે કોળી ઉઠી . એણે વિચાર્યું આજે તો રંગ રંગના ફૂમતાં લેઇ આવું. . . કેશવ જેવા વરણાગી ફૂમતાં. . . . . જલ્દીથી એ તૈયાર થઇ. ઘણાં વખતે એણે પિયરથી લાવેલી લાલચટ્ટાક રંગની સાડી પહેરી. નીકળતી હતી ત્યાં. . . . .
બહારથી દેકારો સંભળાયો. . ને પાછળ પાછળ થોડા લોકો દોડતાં આવ્યાં હો હો કરતાં બોલ્યાં "ભૂરા. જલ્દી ચાલ. . . . તમારી શેરીને નાકે ઉભેલું કેસૂડાનું ઝાડ આ તોફાનમાં પડ્યું ને કેશવ એની નીચે દબાઇ ગયો છે. "
આ સાંભળતા જ કેસર ફસડાઇ પડી એની આંખ ખૂલી ત્યારે સામે દેખાતી હતી પેલી વંડામાં ઊભેલ કાળી-ભૂખરી દીવાલ.