Leena Patgir

Romance

4.3  

Leena Patgir

Romance

કેસરિયા બાલમ, પધારો મ્હારે દેશ

કેસરિયા બાલમ, પધારો મ્હારે દેશ

7 mins
287


હું છું વિવેક શાહ. આજે હું મારા જીવનની ખૂબજ કિંમતી યાદ કહેવા જઈ રહ્યો છું. 

આ વાત છે આજથી બેવર્ષ પહેલાની. મારી નોકરીમાં મારો ખાસ મિત્ર નિલેશ હતો. તે રાજસ્થાનથી આવ્યો હતો ભણવા અને અહીં સુરતમાં તેને સારી નોકરી મળી ગઈ એટલે તે અહીંયા પીજીમાં રહીને નોકરી કરતો હતો.  મારા ઘરમાં મારા મમ્મી, ભાઈ અને બહેન હતા. હું બધાથી મોટો હતો. ઘરની જવાબદારી હવે મારી ઉપર જ હતી. મને પણ હવે માત્ર કમાવાની જ લાલસા હતી એટલે હું બીજી ઈતર પ્રવૃતિઓથી તદ્દન દૂર હતો.


એક દિવસ નિલેશ મારી પાસે આવ્યો. 

'વિવેક મારા ગામડે હોળી આવે છે અને અહીંયા ઓફિસમાં પણ ત્રણ દિવસની રજા છે તો પધારોને મ્હારે દેશ.' નિલેશે મારી સામું આશાભરી નજરે જોયું. 

'મને રંગો નથી ગમતા નિલેશ. ત્યાં આવીને હોળી તો રમવાથી રહ્યો તો કોઈ મતલબ નથી. એના કરતા અહીંયા મસ્ત આરામ કરીશ. ' મેં નિલેશને ખોટું ના લાગે એમ જવાબ આપ્યો. 

'ના તારે આવવાનું છે. હું કાંઈ ના જાણું.' નિલેશ મોં ફુલાવીને બેઠો. 

'સારુ સારુ આવીશ બસ પણ પ્લીઝ મને રંગોથી તો દૂર જ રાખજે. ' મેં નિલેશ સામું જોઈને હસતા હસતા કહ્યું. 

આમ મારો એ નિર્ણય મને જીવનમાં અલગ જ અનુભૂતિ પમાડવાનો હતો જેનાથી હું તદ્દન અજાણ હતો. 

હું અને નિલેશ બસમાં બેસીને રાજસ્થાન પહોંચ્યા. જયપુર આવીને અમે એક ગાડીમાં બેઠા જે અમને લાલપુરા ગામમાં લઇ જતી હતી. ગાડીવાળાએ અમને છેક અંદર સુધી ઉતાર્યા. નિલેશે તેમનો આભાર માન્યો અને અમે તેના ઘર બાજુ ચાલવા લાગ્યા.

'મા, કઠે હો?? દેખો કોન આયા હે ? ' નિલેશે બહારથી જ બુમ મારી. 

એક 20-21 વર્ષની યુવતી બહાર આવી અને નિલેશને ભાઈ ભાઈ કહેતી વળગી પડી. હું તો તેને જોતો જ રહી ગયો. પાતળો એકવડિયો બાંધો, ઘઉંવર્ણો ચહેરો, ઘાટીલો ચહેરો, પાણીદાર આંખો, ઊંચા બાંધેલા વાળ, તેની વિખરાઈ ગયેલી લટોને તે વારે વારે કાનની બુટ પાસે ઠાલવતી હતી પણ તેની લટો જાણે તેના ચહેરા પાસે આવવા થનગપતિયા કરતી હતી.  નિલેશ કયારે તેને મારી પાસે લાવ્યો એ મને ખ્યાલ જ ના રહ્યો. 

'વિવેક ક્યાં ખોવાઈ ગયો ભાઈ ? ' નિલેશે મને ઢંઢોળતાં પૂછ્યું. 

'અરે કાંઈ નહીં બસ હું તો તારું ઘર જોતો હતો. ' 

'જાણું છું તારા ઘર જેવી સાહ્યબી નથી પણ તને સાચવવામાં કોઈ કસર નહીં રહે. ' 

નિલેશે મને તેની બહેન 'કુમુદ' સાથે મળાવી. 

ત્યારબાદ ઘરનાં લોકો સાથે મળીને હું તેમની સાથે કયારે ભળી ગયો ખબર જ ના પડી. મારી નજરોને જાણે કુમુદ સમજવા લાગી હતી. કુમુદ ખૂબજ ભોળી અને ચંચળ હતી. તે એકદમ ખીલખીલાટ હસતી ત્યારે મારું હૃદય એક ધબકારો ચૂકી જતું. તે ખૂબજ સુંદર ગાતી હતી. રાતે બેઠા બેઠા સમય પસાર કરવા અમે લોકો રમતા હતા. નિલેશે કુમુદને ગીત ગાવા માટે કહ્યું. 

'કેસરિયા બાલમ, આવો રે, 

પધારોની મ્હારે દેશ. ' 

તેનું આમ છેલ્લા શબ્દ દેશને જાણે તે મને દિલમાં કહેતી હોય એમ મારી સામું જોઈને ગાતી હતી. હું પણ મનોમન ખુશ થઇ ગયો હતો. 

બીજે દિવસે મારા પર કોઈએ પાણી નાખ્યું હોય એવું લાગ્યું. મારી ઊંઘ ઉડી ગઈ. મેં જોયું તો કુમુદ મને જોઈને ખીલખીલાટ હસતી હતી. તેણે મારા ચહેરા પર રંગ લગાવ્યો જે જોઈને મને ખૂબજ ગુસ્સો આવ્યો અને હું કુમુદને કાંઈ પણ બોલ્યા વગર મોઢું ફુલાવીને જતો રહ્યો. કુમુદે જાણે મારી નારાજગી સમજી લીધી હોય એમ તે મારી પાસે આવીને માફી માંગવા લાગી. 

'સોરી આપને ખોટું લાગ્યું હોય તો... ' કુમુદે કાન પકડતા કહ્યું. 

'અરે એમાં શું સોરી. તને ગમ્યું એ તે કર્યું. મને નથી ગમતા રંગો તો શું કરું. ' 

'અરે રંગો કોને ના ગમે.. તમે તો જબરા છો.. ' 

'મારા પિતાજીનનો અકસ્માત થયો હતો ત્યારે એમને લાલ રંગમાં જોયેલ એ રક્તની ધારાઓ જોઈને મને રંગોથી નફરત થઇ ચૂકી છે. ' 

'ઓહહ સોરી મને માફ કરી દો. મારી ભૂલ થઇ ગઈ. ' 

'કાંઈ વાંધો નહીં. તું ખુશ રહે મારા માટે એ પણ મહત્વનું છે. ' 

'અચ્છા પણ કેમ ? ' 

હું ચૂપ થઇ ગયો. તેના સવાલનો જવાબ મારી પાસે નહોતો અને તે ફરી બુરા ના માનો હોલી હે કહીને ફરી મારા પર રંગ નાખીને ભાગી ગઈ.  આ વખતે હું પણ જોશમાં આવીને તેની પાછળ ભાગવા લાગ્યો અને મેં પણ તેને પૂરી લાલ રંગથી જ રંગી નાખી. રાતે બધા સુઈ ગયા ત્યારે હું ધાબે એકલો બેસીને આકાશમાં રહેલ તારાઓને નિહાળી રહ્યો હતો. ત્યાંજ મને કોઈકના પગરવનો અવાજ સંભળાયો. હું પાછળ ફરવા જઉં એ પહેલા તો કોઈકે મારી આંખો પર હાથ રાખી દીધા. 

'કુમુદ હવે આ શું નવું ગતકડું છે ? ' મેં કુમુદનો સ્પર્શ પારખતા કહ્યું. 

'અરે આવું થોડી હોય. તમે ચિટિંગ કરી. તમને કેવી રીતે ખબર હું જ છું. તમે જોઈ ગયા હતા ને ? ' કુમુદે નાના બાળકની જેમ જીદ કરતા પૂછ્યું. 

'ના તારો સ્પર્શ હું ઓળખી ગયો એટલે. ' મેં તેની સામું સ્માઈલ કરતા કહ્યું. 

'તો નિલેશ તારાથી મોટો છે એમ ને. ' 

'હા. તમે શું કરો છો ? તમારે બૈરી છોકરા છે કે વાંઢા છો હાહાહા ? '

'લે આવું શું બોલે છે. બૈરી હોત તો તારી પાસે ના બેઠો હોત અત્યારે. ' મેં કુમુદની આગળ આવતી લટને પાછળ કરતા કહ્યું. 

'તો એ હિસાબે હું પાપ કરું છું ને.. ' કુમુદ દુઃખી થતા બોલી. 

'કેમ?? શેનું પાપ ? ' 

'મારી સગાઈ પાસેના ગામમાં રહેતા ખીમજીભાઈ હારે નક્કી થઇ ગઈ છે. તેઓ મારી કરતા 20 વર્ષ મોટા છે. ' કુમુદે રડતા રડતા કહ્યું. 

હું આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. હું કંઈજ બોલ્યા વગર નીચે આવીને સુઈ ગયો. મારા મગજમાં ચાલતું વાવાજોડુ શાંત થવાનું નામ જ નહોતું લેતું. હું બીજે દિવસે સવારે કોઈને પણ કહ્યા વગર ત્યાંથી નીકળીને સીધો સુરત આવી ગયો. રસ્તામાં નિલેશના ઘણા ફોન આવ્યા પણ મને કંઈજ ખબર નહોતી પડતી કે હું શું કરું.  ઘરે આવીને હું તરત મારી માના ખોળામાં આવીને નાના બાળકની માફક રોવા લાગ્યો. માઁ એ મને બેઠો કર્યો અને પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા. 'શું થયું છે દીકર ?? જીવનમાં કોઈ સાધન એવું નથી જેનું સમાધાન ના હોય. ' 

મેં માઁને મારી મૂંઝવણ કીધી. તેઓ સમજી ગયા અને થોડા સ્વસ્થ થઈને બોલ્યા. 

'વિવેક તારું નામ મેં બહુ સમજીને રાખ્યું હતું કે જીવનમાં તું પણ એટલો જ વિવેકી થઈશ. તું તારા આચારવિચારથી તો છું જ બેટા પણ તારે આમ કુમુદની સાથે વાત કર્યા વગત નહોતું આવી જવાનું. સ્ત્રીની એ પીડા હું સમજી શકું છું કેમકે હું પણ એમાંથી પસાર થઇ છું. જા પાછો અને એને તારી લાગણીઓ જણાવ અને મને વિશ્વાસ છે તું એના ઘરનાં લોકોને પણ મનાવી જ લઈશ. જો ના માન્યા તો ઉપાડી લાવશું એ કુમુદને. ' આટલું કહીને માઁ હસવા લાગ્યા. હું પણ હસતા ચહેરે ઉભો થયો અને મારી કુમુદ, હા મારી કુમુદને લેવા હું નીકળી પડ્યો. 

રસ્તામાં ખુશીના માર્યા મારું ધ્યાન જ ના રહ્યું અને મારો એક્સીડેન્ટ થઇ ગયો. મગજના ભાગે વાગ્યું હોવાથી હું કોમામાં સરી પડ્યો. જયારે આંખો ખુલી ત્યારે આસપાસ જોયું તો નર્સ અને ડોક્ટર ઉભા હતા. હું તરત બેઠો થયો. મારો નાનો ભાઈ મારી સાથે હતો. મેં તરત એની પાસે મારો મોબાઈલ માંગ્યો. તો એણે કહ્યું કે એ બગડી ગયો છે.એણે મને એનો ફોન કાઢીને આપ્યો. 

મેં તરત નિલેશને ફોન લગાવ્યો. 2-3 રિંગ ગઈ પણ કોઈએ ફોન ના ઉઠાવ્યો. મેં ઓફિસમાં મનોજને ફોન લગાવ્યો. 

'મનોજ નિલેશને ફોન આપ ને જલ્દી.' 

'અરે વિવેક તું.. તું ભાનમાં આવી ગયો ? ' 

'હા મનોજ તું પ્લીઝ નિલેશને ફોન આપને જલ્દી. ' 

'પણ નિલેશ તો તેના ગામડે ગયો છે 2 દિવસથી. તેની બહેનના કાલે લગ્ન છે. કંકોત્રી પણ આપી છે. ' મેં તરત ફોન કાપી નાખ્યો. 

હોસ્પિટલમાં ડોક્ટર મને આમ કરતો જોઈને ગુસ્સો કરતા હતા પણ હું કોઈનું સાંભળતો નહોતો. મારા ભાઈ જોડેથી મોબાઈલ અને તેનું પર્સ લઈને હું હોસ્પિટલનાં કપડે જ ત્યાંથી ભાગી નીકળ્યો. ત્યાંથી મેં રાજસ્થાન જયપુરની બસ પકડી. રસ્તામાં મેં ફોનમાં જોયું તો 8 એપ્રિલ હતી જયારે હોળી તો 10 માર્ચે હતી. એનો મતલબ કે હું મહિનાથી કોમામાં હતો. મને સતત કુમુદની યાદ સતાવી રહી હતી. પણ મને એક વાતે હાશકારો હતો કે કુમુદના લગ્ન કાલે છે અને હું આજે ત્યાં પહોંચીને કુમુદનો હાથ માંગી લઈશ. 

જયપુર પહોંચીને તરત મેં જીપ પકડી. જીપમાંથી હું ઉતર્યો તો નિલેશના ઘર પાસે લોકોની ખાસ્સી એવી ભીડ હતી. લોકોનો આક્રંદ સાંભળીને મારા કાન સુન્ન પડી ગયા હતા. હું હિંમત કરીને અંદર પ્રવેશ્યો. અંદરનું દ્રશ્ય જોતા જ મને કંપારી છૂટી ગઈ. અંદર કુમુદની લાશ પડી હતી. તેનો આખો હાથ લાલ રંગથી રંગાઈ ચૂક્યો હતો. તેની નસમાંથી હજુ પણ રક્તબુંદ નીચે જમીન પર પડી રહી હતી. નિલેશ અને તેના માબાપ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. નિલેશે મને જોયો પણ તે ખૂબજ દુઃખી હતો એટલે તેણે તરત મારી સામેથી નજર હટાવી લીધી. ત્યાંજ મારી નજર કુમુદના બીજા હાથમાં રહેલ કાગળના ડૂચા પર પડી. મેં કોઈનું ધ્યાન ના પડે એમ તે કાગળ હાથમાં લઈને છુપાવીને હું બહાર આવી ગયો. 

મેં એ કાગળ ખોલીને વાંચવાનું શરુ કર્યું. 

 ભાઈ. મને માફ કરી દેજો પણ હું ખીમજીભાઈ હારે લગ્ન નહીં કરવા માંગતી. આ કાગળ તમારા મિત્ર વિવેકને આપજો. 

વિવેક આ કાગળ તમારી પાસે હશે ત્યાં સુધીમાં હું આપથી ખૂબજ દૂર થઇ ચૂકી હોઈશ. તમને જોઈને મારા જીવનમાં એક અલગ જ અનુભૂતિ થઇ હતી. મને એમ હતું કે તમે પણ કદાચ મારા માટે એવી જ લાગણી ધરાવતા હશો પણ તમે કાંઈ પણ કહ્યા વગર નીકળી ગયા એટલે હું સમજી ગઈ કે તમે એ લાયક જ નહોતા. મારી તમારી પાસેથી માત્ર એટલી જ અપેક્ષા હતી કે તમે મારા ભાઈને સમજાવો કે એ આ લગ્ન ના થવા દે. ખીમજીના આપેલ લાલ માંગથી હું મારા કાંડાના લાલ રંગને જોવાનું વધુ પસંદ કરીશ. વિવેક જીવનમાં હવે કોઈને આવી આશ જન્માવી તેના અરમાનોનું કત્લ ના કરી દેતા.

એ કાગળ વાંચીને હું અંદરથી હચમચી ગયો અને હું ત્યારથી લઈને આજ સુધી ચાલતો ચાલતો રાજસ્થાનના રણમાં આમતેમ ભટકું છું. કોઈ રાહગીરને મારી ભૂલ કહું છું તો કોઈક ભેરુને કુમુદની સુંદરતા... તો કયારેક કયારેક ગીત પણ ગણગણી લઉં છું. 

'કેસરિયા બાલમ આવો રે, પધારો ની મ્હારે દેશ...'


Rate this content
Log in

Similar gujarati story from Romance