કેશવ
કેશવ
ભીખી ઝડપથી પોતાની હાથલારી ધોઈ રહી હતી. ફટાફટ લારીમાં શાકભાજી ગોઠવીને બેઉ માણસ નીકળ્યાં. હા, સાથે આઠ વરસનો ટીનિયો તો ખરો જ ! આ એમનો રોજનો ક્રમ !
પોતાની નિશ્ચિત જગ્યાએ જઈને લારી ગોઠવીને આજુબાજુ લારીનાં પૈડાં નીચે આડશ મૂકી દે, પછી કેશવ લારી પર છાંયડો કરે ! કેશવ અને ભીખીનાં લગ્ન સોળેક વર્ષ પહેલાં થયાં હતાં.સંતાનને નામે એમને આ એકમાત્ર દીકરો ટીનિયો ! બેઉ એને ખૂબ લાડકોડ કરે, કેશવ છાંયડો એટલી સરસ રીતે કરે કે તેની પત્ની અને બાળક પર જરાય તડકો ન આવે. આ દરમ્યાન ભીખી શાકભાજીને પંપાળે. પછી કેશવ શાકભાજી પર પાણી છાંટીને તાજી કરી દે, હા આમ કરતાં કરતાં થોડુંક પાણી ભીખી ઉપર પણ છાંટી દે , ભીખી દેખાવ પૂરતો ગુસ્સો ય કરે, પાછી મનમાં મલકાય. ને પછી વાટ જોવાય ઘરાકોની !
આજે પણ તેઓ રોજના ક્રમ મુજબ આવી જ ગયેલાં. હજુ કોઈ ઘરાક આવે એ પહેલાં તો એકાએક જીવણ દોડતો દોડતો આવ્યો. કેશવે તો એને પૂછ્યું પણ ખરું. 'અલ્યા જીવણિયા, આ હવાર- હવારમાં ચ્યમ દોડે સે ? જીવણ હાંફતાં-હાંફતાં એટલું બોલ્યો કે ' લારી લઈને જલ્દી નાહો !' પોલીસ ગાડી લઈને ફર સ, બધાંન કાઢી મેલ સ ! ભીખી કઈં સમજે એ પહેલાં તો કેશવે લારી સંકેલવા માંડી. ત્યાં તો પોલીસની સાઈરન સંભળાઈ... પોલીસે બધાને કડક સૂચના આપી કે શહેરમાં કોઈ મોટો રોગ આવ્યો છે. માટે કોઈ એ ઘરની બહાર નીકળવું નહીં.
ઘડીકવારમાં તો બજારમાં જાણે સોપો પડી ગયો !
“ દેશમાં કોઈ વાઈરસ ફેલાયો છે એવું તો ઘણા દિવસથી બધાં કહેતાં હતાં ! કેતાં તાં ક આ રોગ બૌ ચેપી છે !” કેશવ વિચારી રહ્યો. ઘરે પહોંચ્યા પછી ચિંતા થવા માંડી-“આજે ખાશું શું ? ભીખીને મોઢે સો મણનો સવાલ હતો. કેશવે દિલાસો આપતાં કહ્યું કે આ તો બે દિવસમાં ચાલુ થઈ જશે પછી વાંધો નઈ આવે, આજ કોક બનાઈ દે, ખીચડી ક એવું. .. સાંજ પડી બધા ઊંચા જીવે જમવા બેઠાં. કેશવ ઊભો ન થયો. ભીખીએ પૂછ્યું પણ ખરું કે “ ચ્યમ તાર નહીં ખાવું ?” કેશવ જવાબ આપી શકે તેમ ન હતો. તેને ખૂબ જ ઉધરસ આવતી હતી. ભીખી ઉતાવળે ઉતાવળે પાણીનો ગ્લાસ લઈને ગઈ. કેશવ ખાંસીખાંસીને બેવડ વળી ગયો હતો. કેશવે પાણી ન પીધું. બસ,એ તો એમ ને એમ જ સૂઈ ગયો. કેશવને હમણાં બે દિવસથી ઉધરસ શાંત થવાનું નામ જ નહોતી લેતી.
કેશવને દારૂ પીવાની ખરાબ લત વળગી હતી ને એમાં જ એનું આખું શરીર લેવાઈ ગયેલું. શરીરમાં કંઈ જ નહીં, ખાલી મુઠ્ઠી હાડકાં ! ભીખીએ જોયું કે કેશવ સૂઈ ગયો હતો. ભલે સૂતો.. એને થયું-હમણાં થોડીક કળ વળી છે તો જગાડવો નથી. એમ જ સવાર થઈ ગયું.
ભીખી પોતાના કામમાં લાગી. અચાનક એને થયું કે કેશવ ઊઠ્યો કેમ નહીં ? બધું કામ પડતું મૂકીને કેશવને ઉઠાડયો પણ એ ન ઊઠતાં આજુબાજુમાંથી બધાને બોલાવવા ગઈ. બધા આવ્યા પણ ખરા ! બધાનો એક જ મત હતો. આને દવાખાને પહોંચાડો. પણ કોઈ રિક્ષા લઈને જવા તૈયાર ન હતું. કારણ શહેરમાં કરફ્યુ લાગેલ હતો. કોઈને પણ જવા દેતાં ન હતાં. ગમે તેમ કરીને રિક્ષા કરીને દવાખાને પહોંચાડ્યો. દવાખાનામાં કોઈને જોડે રહેવા ના દે કેતાં કે કોઈ વાઈરસ આવ્યો છે.
બે દિવસ પછી આરોગ્ય વિભાગમાંથી એક ટીમ ભીખીના ઘરે આવીને કહી ગઈ કે કેશવનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તમારે હવે 14 દિવસ સુધી બહાર જવાનું નથી. તમારા ઘરના બધાંના રિપોર્ટ કરવામાં આવશે તે દરમ્યાન તમને ખાવાપીવાનું ઘરે જ પહોંચાડવામાં આવશે. ઘરની બહાર એક નોટિસ પણ લગાવી ' આ ઘરમાં કોઈ એ પ્રવેશ કરવો નહીં, આ ઘર કોરોંટાઈન કરવામાં આવેલ છે. '
ભીખી દિવસો પસાર કરવા લાગી. ટીવી પર, છાપાઓમાં બધે જ એક જ વાત હતી કોરોના કોરોના ! કેશવનો રિપોર્ટ પોઝિટિવ ! ! શું થયું હશે ?
આજે 14 દિવસ પૂરા થતા હતા. ભીખી મનમાં હરખાઈ રહી ! આજ મારો કેશવો હાજો થઈન આવશે ! જોકે, શહેરમાં તો હજુ કરફ્યુ લંબાવ્યો હતો. કોઈ કહેતું કે આને કરફ્યુ નહીં ,લોક ડાઉન કહેવાય. લોકડાઉન શબ્દ આમ તો અજાણ્યો હતો પણ અત્યારે એટલી બધી વાર બોલાયો હતો કે હવે તો બધાની જીભ ઉપર લોકડાઉન શબ્દ રમવા માંડ્યો હતો.
ભીખી ગમે તેમ કરી ને ગાડું ગબડાવ્યે જતી હતી. હાસ્તો, વળી ભલે પાસે પૈસા નહોતા, પણ દિલની અમીરી તો હતી ! સાંજે મોડું થાય તોય બેઉ સાથે જ જમતાં.પરંતુ આજ બાવીસમો દિવસ હતો. કેશવ વગરનો !
સવારથી જ ભીખી મનમાં કઈક મૂંઝવણ અનુભવતી હતી તોયે આજ તો હિમ્મત કરી લારી લઈને નીકળી પડી. શાકભાજી ગોઠવી, તે પણ ભારે મન સાથે ! પોતાની નિશ્ચિત જગ્યાએ પહોંચીને શાકભાજી ગોઠવવા માંડી. દુકાનો, રસ્તા, બધુ સૂમસામ. ફેક્ટરીઓ, ધંધા રોજગાર બધી ઠપ્પ. રોજ દોડતું બજાર આજ મસાણ જેવુ ભાસતું હતું.
થોડીક જ વારમાં પોલીસ ત્યાં આવી, ભીખીને રીતસરની ધમકાવી જ નાખી. ' અહી લોકોના જીવની પડી છે ને તારે અહી શાકભાજી વેચવી છે એક મહિનાથી હમજાવી હમજાવી થાક્યા પણ માનતા જ નથી તમે લોકો ! તમે શું ધાર્યું છે ? ' ભીખી એક પળ માટે તો અવાચક બની ગઈ, થોડીક કળ વળી પછી પોલીસ સામે કાકલૂદી કરી રહી-“' સાહેબ ઘરે ખાવા કાઈં નહીં આજ થોડી વાર ઊભી રેવા દ્યો ખાવા જેટલું થાય એટ્લે જતી રહીશ."
ભીખીએ પણ મોઢે માસ્ક બાંધેલો. કેટલાય દિવસથી લોકો મોઢે માસ્ક બાંધીને બીજાને મદદ કરવા નીકળી પડતા. ઠેરઠેર જઈને લોકોને ખાવાનું પહોચડતા, ભીખીએ પણ પોતાની દાતારી બતાવેલી. જરૂરિયાતવાળા લોકોને મફતમાં શાકભાજી આપતી. થોડીક છૂટ થયા પછી માટલું લઈને લોકોને પાણી પાતી.
પેલા પોલીસવાળાને પણ મનમાં થયું કે આનીય મજબૂરી છે નહિતર આમ લોકડાઉનમાં કોઈ ખરીદવાવાળા જ નથી તો આ શું વેચશે ? એય થોડોક નરમ પડ્યો કહ્યું –“બેન ! અમને પણ તમને ધમકાવવામાં કંઈ મજા નથી આવતી પણ તમે જુઓ તો છો ને આ કોરોના વાઈરસ કેવો ફેલાયો છે ! તમે સમજીને જતાં રહો. અને કહ્યું-“ લો.આ 100 રૂપિયા રાખો ! ખાવાનું લઈ લેજો અને ઘરમાં જ રહેજો. અમારા ઘરેથી અમે નીકળીએ છીએ ત્યારે અમનેય કોરોનાનો ડર સતાવે છે બેન !”
-“ભગવાન તમારું ભલું કરે સાહેબ ! પણ લો આ 100 રૂપિયા પાછા લઈ લો ! હું મારો જોગ કરી લઈશ !” ભીખીએ સ્વમાનભેર પોલીસવાળાને પૈસા પાછા આપ્યા. પોલીસમેન અને બીજા કેટલાક પોલીસને લઈને જીપ ગઈ.
અહી ભીખી ગ્રાહકની વાટ જોવામાં પડી. કોઈક ગ્રાહક આવેને આજનું બે વખતનું થઈ જાય ! બધી શાકભાજી સજાવી લીધી, પણ કોઈ ગ્રાહક આવ્યું નહીં. પાછું મન માનવ્યું- હમણાં કોઈ આવશે !ને શાકભાજી ઉપર પાણી છાંટવા માંડ્યું. પછી પોતાની ઉપર જ છાંટ્યું ! મનોમન હરખાઈ, પણ તરત જ હ્રદય ભરાઈ આવ્યું. કેશવો આજ હોત તો આમ જ પાણી છાંટત ! ઘડીભર તો તંદ્રાવસ્થામાં સરી ગઈ. એ તો જીવણની રાડથી જ તેની તંદ્રાવસ્થા તૂટી.
કાકી, કાકી, કેશા કાકા, ભીખી પણ અચાનક ભડકી ગઈ. તેના હૈયામાં ફાળ પડી, હું શે લ્યા જીવણિયા, ચ્યમ ઓમ ઘાંઘો થ્યો સ ? હું સ બોલ ?
પેલા ટીવીવાળા કેતા’તા ક એકનું મોત ! દર્દી આપડી ચાલી નો જ સ, અન આપડી ચાલી માં તો એક જ કેશાકાકા જ અતા, પછી તો કાકાનું નોમ પણ ટીવી પર આયુ તું, ટીવીવાળા કેતા તા ક બોડી કોઈન બતાવતા નહીં સીધું જ કિરીયા કરમ કરી દી સ ! જીવણ એકધારું બોલી ગયો , અટક્યો -પછી રડવા માંડ્યો. ભીખી કશું બોલી શકી નહીં.
બસ પાણી લઈને પોતાના પર છાલક મારતી રહી-“ કેશવા ! હજુ નાખ , હજુ પાણી નાખ !”
જીવણને લાગ્યું કે ભીખી આખી પલળી ગઈ છે, પણ ભીખી જ જાણતી હતી કશુંક ભીતર નંદવાઈ ગયું હતું, કાયમ માટે ! આજ મન ભરીને પલળી લેવા દે, કેશવા ! છેલ્લી વાર !

