કેફિએસ્ટા જીંદગી
કેફિએસ્ટા જીંદગી


મુંબઈ... હા આમચી મુંબઈ.. ચકાચોદની દુનિયા. માત્ર 2 થી 3 કલાક નિદ્રાધીન થતું હશે આ શહેર. જેટલી ઉંચી અહીંની ઇમારતો એટલા જ ખુશમિજાજ લોકો. સામાન્ય રીતે મુંબઈ માટે કહેવાય છે અહીં નોકરી અને રોટી મળવી જેટલી સહેલી છે એટલો ઓટલો મળવો નહીં અને વાત કેટલેક અંશે સાચી પણ છે.
આવા ભાગતા, પોતાની જ ધૂનમાં દોડતા શહેરમાં કંઈક બનવાના સપના સાથે પલાશી એ કામ શરૂ કર્યું હતું. ફોઈ ને ત્યાં રહી ફેશન ડિઝાઇનર સાથે કામ કરતી પલાશીને મુંબઈ ની આબોહવા સદી ગઈ હતી. રોજ સવારે 8 વાગે અંધેરીથી સાંતક્રુઝની લોકલ પકડતી. એના માટે લોકલમાં મુસાફરી કરવી એક રોમાંચ હતો.
રોજ નવા લોકોની સાથે વાતો કરવાની, સતસંગ કરવાની એને મજા પડતી. રોજની જેમ આજે પણ પ્લેટફોર્મ પર ઉભી લોકલની રાહ જોતી હતી, ત્યાં એની નજર એક આધેડવયના પુરુષ પર પડી. ઉંચો, જરા શ્યામવર્ણ પરંતુ મનમાં વસી જાય એવો આ પુરુષ જાણે એની તરફ આવતો લાગ્યો અને ખરેખર એવું જ હતું. હાય ! આઈ એમ પુનિત.. કેન યુ હેલ્પ મી પ્લીઝ.. બસ આટલું પર્યાપ્ત હતું મિત્રતા માટે.
દિવસો પસાર થતા બંનેના સંબંધો ઘનિષ્ઠ મિત્રતામાં ફેરવાયા. પલાશી ને પુનિતનો સાથ ગમવા લાગ્યો હતો. એક દિવસ પુનિત ખૂબ વ્યાકુળ અને વિચારોના વમળમાં ઉડે ઉતારતો મધ દરિયે પોતાની ડૂબતી કશ્તીને બચાવવા પ્રયત્ન કરતો હોય એમ પલાશી પાસે આવીને બેઠો. રોજની જેમ પલાશી એ પૂછ્યું, હાય સ્વીટહાર્ટ કેમ આજે આમ ખોવાયેલો છે. પુનિતને તો જાણે જોઈતું તું ને વૈદે કીધું જેવું થયું. પોતાના મનનો ઉભરો ઠાલવતા બોલ્યો, " શું કરું સમજાતું નથી. હવે આ ઉંમરે પણ જો બાળકો ના સમજે તો શું કરવું." થોડીવાર માટે સમજવાનો પ્રયત્ન કરતી હોય એમ પલાશી મૌન રહી. પછી આશ્ચર્યથી કહ્યું, " તમે તો કહેતા હતાને કે તમારા લગ્ન..." હા મારા લગ્ન નથી થયા પલાશી. પરંતુ મારે બાળકો છે.. અને મનથી માનેલી પત્ની પણ.
પલાશી માટે આ વાત સમજવી કદાચ કઠિન હતી. છતાં પોતાની જાતને સ્વાસ્થ કરતા આગળ સમજવાનો પ્રયત્ન કરતી રહી અને પુનિત કહેતો રહ્યો. છેલ્લા 20 વર્ષોથી હું અને બેલા એકબીજાની સાથે છીએ. ચોક્કસ અમે કારણોવસાત લગ્ન નથી કર્યા. પરંતુ એકબીજાને આજે પણ અતૂટ પ્રેમ કરીયે છીએ. આજે આટલા વર્ષે બેલાના બાળકો સામે આ સત્ય આવ્યું છે અને તેઓની નજરમાં તેમની માં ચરિત્રહીન બની ગઈ છે. આજની આ પરિસ્થિતિ માટે હું જવાબદાર છું. હવે સમાજમાં અત્યાર સુધી છુપાવેલા સંબંધ સામે આવશે અને બદનામી થશે એ અલગ.
આખી વાતનો બરાબર ચિતાર મેળવ્યા પછી પલાશી એ પુનિતનો હાથ પોતાના હાથમાં લઈ સાંત્વના આપતા કહ્યું, "તમે મારા કરતાં મોટા તથા અનુભવી છો. અહીં મને કશું જ ખોટું નથી લાગતું. તમારો સંબંધ તમારો પોતાનો છે. તમે એકબીજાને પ્રેમ કરો છો એ છુપાવું શા માટે જોઈએ. એવું કયાં પુરાણ કે કાયદામાં લખ્યું છે કે તમે જેને પ્રેમ કરો એની સાથે જ જીવન વિતાવો અથવા એને કોઈ નામ આપો. આ બધા આપણાં સમાજે ઉભા કરેલા ઢકોસલા છે. દંભી સમાજ અને તેના કહેવાતા આગેવાનોની વિચારધારા છે.
એક સ્ત્રી જાણે છે કે એણે કોની સાથે શું અને કેટલા અંશે સંબંધ આગળ વધારવો જોઈએ. આ અંગે દુનિયા કઈપણ નક્કી કરવા અસમર્થ છે. પ્રેમ પૂછીને થોડો થાય છે.. એ તો સ્ત્રી અને પુરૂષ વચ્ચે પાંગરતાં અનન્ય, દીર્ઘ લાગણીઓનું એક પ્રતીક છે. મારા મતે તો આવો પ્રેમ શારીરિક જરૂરિયાત કે માનસિક ગઠબંધનથી પર એક અનુભૂતિ છે.
પલાશીની આ વાતથી પરમ તૃપ્તતાના આલિંગનનો અહેસાસ સમાવતો પુનિત ચીર નિદ્રામાં પોઢી ગયો.
પુનિતની પરિસ્થિતિથી અજાણ પલાશીએ બોલવાનું ચાલુ રાખ્યું, "દોસ્ત... અરે હા હું તો તમને પૂછતાં જ ભૂલી ગઈ.. તમને વાંધો ન હોય તો દોસ્ત કહી શકુને ?"
દલાતરવાડીની જેમ સ્વમનન કરતા સ્મિત સાથે બોલી ઉઠી, "લે વળી એમાં તમને શું વાંધો હોઈ શકે ખરુંને... ભઈ આ તો પૂછી લેવું સારું. આજના જમાનામાં કોને ક્યારે શુ લાગી આવે એ ખબર નથી પડતી હો."
સામેથી પુનિતનો કોઈ પ્રત્યુત્તર ના આવતા પલાશી ને અજુગતું લાગ્યું. પુનિત સામે પોતાનો ચહેરો ફેરવતા બોલી, "લાગે છે આજે જનાબને મારી વાતમાં રસ નથી."
એવું હોય તો..... પલાશી એ પુનિત તરફ આક્રોશથી જોયું, પરંતુ ક્ષણભરમાં તો આક્રોશ સમીને આંખમાંથી આંસુ સ્વરૂપે વહેવા લાગ્યો. પુનિતને સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં બેઠેલો જોઈ પલાશીના મનમાં હજારો વિચારો વિજળીવેગે દોડી ગયા. તેને પુનિતનો હાથ પોતાના હાથમાંથી છોડ્યો અને.... તેને સમજાઈ ગયું. વસંતની પુર બહારમાં જાણે અચાનક પતજડની મોસમનો અહેસાસ થઈ આવ્યો. પુનિત... દોસ્ત.. મજાક ના કરો પ્લીઝ.
તમે શા માટે આ રીતે શૂન્યમનસ્ક મારી સામે ટકટકી લગાવી બેસી રહ્યા છો. બોલોને કઈક... આટલું બોલતાની સાથે પલાશી એ પુનિતના ખભા પર હાથ મુક્યો... અને... કોથળાની જેમ પુનિતનો નશ્વર દેહ જમીન પર પડ્યો. પલાશીના હદયમાંથી એક ટીસ નીકળી ગઈ.. એનો આક્રંદ દિલના એક ખૂણામાંથી બહાર આવવા મથી રહ્યો હતો. છતાં પોતાની જાતને હિંમત આપતી, આશ્વાસન આપતી એ પુનિતના દેહ પાસે જઈ બેઠી. ક્યાંકને હમણાં પુનિત ફરી આંખો ખોલે. પરંતુ એ કુદરતને મંજુર નહોતું. તેણે વેરવિખેર થયેલી હિંમત એકત્ર કરી એમ્બ્યુલન્સ ને તાબડતોડ આવવા ફોન કર્યો. પોતે જાણતી હતી કે મોડું થઈ ગયું છે છતાં...
પુનિતને ભાટિયા હોસ્પિટલમાં ખસેડવા આવ્યો. તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત થઈ. સીપીઆર તથા મસાજ આપી તેનું હદય ફરી ચાલુ થાય એવા પ્રયત્નો ડોકટરો દ્વારા કરવામાં આવ્યાં. થોડીવાર પછી ડો. શાહે આવી કહ્યું, " વી આર સોરી.. હી ઈઝ નો મોર"
પાલશીએ પોતાના ખુબજ અંગત મિત્રને ગુમાવ્યો હતો, આ પીડાથી વધુ જાણે એના જીવનમાં ખાલીપણાનો અહેસાસ પલાશી ને કદાચ વધુ હતો. શા માટે આટલી બેચેની અને દુઃખ એ પલાશી માટે આ સમયે સમજવું ખૂબ જ અઘરું હતું.
કદાચ દિલના એક ખૂણામાં પુનિત માટે કુણી લાગણીના અંકુર ફૂટવા લાગ્યા હતા તેનો અહેસાસ આજે પલાશી ને પુનિતના ગયા પછી થઈ રહ્યો હતો. પોતાના વિચારોમાં ડૂબેલી પલાશી ને ઊંડે ઉંડેથી કોઈક બોલાવી રહ્યું હોય એવું લાગ્યું. પાછળ વળી જોયું તો ખાલી ખમ રૂમ અને પોતે પુનિતનો દેહ, બસ એ બંને અને તેમનો પ્રેમ.