પા પા પગલી
પા પા પગલી


પૂનમનો .. રાત્રે લગભગ ૮.૩૦ કિન્નરીએ ઘણો દરવાજો ખોલતાની સાથે પર્વને બુમ પડી. પર્વ કિન્નરીનો ૮ વર્ષનો દીકરો. સામાન્ય રીતે કિન્નરી ઘરે આવે ત્યારે પર્વ મેઈન રૂમમાં મમ્મીની રાહ જોતો બેઠો હોય. પરંતુ આજે એવું ન હતું. કિન્નરી માટે પણ આ અજુકતું હતું ઉપરાંત આખા ઘરમાં અંધકાર અને નિરવ શાંતિ. બે ઘડી માટે કિન્નરીના મનમાં હજારો નકારાત્મક વિચારો ફરી વળ્યા. પોતાના મનને મનાવતી કિન્નરી, “શું કિન્નરી... તારી આ આદત ક્યારેય નહી જાય એમને. હમેશા શા માટે નકારાત્મક વિચારે છે ? કદાચ પર્વ નીચે હશે અથવા તો કોઈ મિત્ર સાથે હશે. નાહકની ચિંતા શા માટે કરે છે. (સ્વગત) હજી કદાચ.. શા માટે આવું વિચારે છે.”
રૂમની લાઈટ ચાલુ કરી પર્સ મુકતા રસોડા તરફ કિન્નરી આગળ વધી. પાણીનો ગ્લાસ લઇ બેડરૂમમા ગઈ અને અટકળે જ લાઈટની સ્વીચ દબાવી. (હાથ માંથી કાચનો ગ્લાસ નીચે પડે છે. કિન્નરી અવાચક ત્યાં ને ત્યાજ ઉભી રહી જાય છે) પોતાના હવ ભાવને કાબુમા કરતા ધીમે થી કિન્નરી આગળ વધી.
રૂમના એક ખુણામા પર્વ બેઠો ડુસકા ભરી રહ્યો હતો.
કિન્નરી: 'પર્વ બેટા... તું આમ અહીયા ? આ રીતે ? બધું બરાબર તો છે ને ? શું થયું ? આજે સ્કુલમાં તો...'
(પર્વ જાણે કઈ સાંભળતો જ ન હોય એમ બેઠો હતો)
કિન્નરી: (પર્વને ખોળામાં લેતા) 'બેટા કંઇક તો બોલ... ( કિન્નરી પર્વના હાથ ઠંડા પડી ગયા છે કે નહી એ ચકાસે છે) પર્વ.. દીકરા.. શું થાય છે ? તારી મમ્મી ને નહી કહે.. ચાલ હવે બોલ જો...'
પર્વ: 'મમ્મી.... મને....' ( ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે)
કિન્નરી ને લાગ્યું કે પર્વને રડવા દેવો જોઈએ. લગભગ ૧૦ મીનીટ પછી પર્વ રડતો બંધ થયો એટલે કિન્નરીએ એને પાણી આપ્યું.
કિન્નરી : 'ચાલ હવે પહેલાં એ કહે કે તું શું જમીશ ? તારે બહાર પીઝા ખાવા જવું છે ?'
પર્વ " 'મમ્મી.. મારે ક્યાય નથી જવું. મારે કશું જ કરવું નથી... મારે તો માત્ર...'
કિન્નરી : 'મારે તો શું ? તું કહે મને.. હું લઇ આવીશ. બસ આમ ઉદાસ ના રહે.'
પર્વ : 'મમ્મી... મને પપ્પા લાવી આપ...'
(કિન્નરી માટે આ આઘાત જનક હતું. ક્ષણિક તો એના માટે સમજવું અઘરું હતું કે પર્વ
ના મન મા આવો વિચાર આવ્યો ક્યાંથી. )
કિન્નરી: 'બેટા તું આ શું કહે છે.. પપ્પા... તું જાણે છે ને કે તારે...'
પર્વ: 'હા હું જાણું છું કે મારે પપ્પા નથી. મને છોડી ને ચાલ્યા ગયા છે. પરંતુ મને પપ્પા જોઈએ એટલે જોઈએ. મારે આ રીતે જ રહેવાનું. બધા ફ્રેન્ડ્સ એમના પપ્પા સાથે કેટલી મજા કરે છે અને હું...'
કિન્નરી: 'પણ હું છું ને... તને ક્યારેય પપ્પાની ખોટ નહી સાલવા દઉં.'
પર્વ: 'મમ્મી પ્લીઝ.. આ બધી કહેવાની વાતો છે. બાકી તું પણ જાણે છે કે પપ્પા ન હોય તો... મારે ફૂટબોલ રમવું છે.. મારે અડધી રાત્રે ગાડીમાં ચક્કર મારવા જવું છે... મારે એમની પાસેથી અમે બોયસ કેવી રીતે બીહેવ કરીએ એ શીખવું છે. પપ્પા સાથે સ્વિમિગ પુલમા ડૂબકી મારવી છે. મોટા થઈ એમના ખભે હાથ મૂકી સેલ્ફી પડાવવી છે અને હા એ તો હું ભૂલી જ ગયો કે...;
કિન્નરી: (આંખમા આંસુ સાથે) 'અને શું બેટા...'
પર્વ: 'મારે એમના બુટ, ટી શર્ટ પેહરી કોલેજમા મિત્રો સાથે ફરવું છે.. માટે મારે પપ્પા જોઈએ છે
(પોતાના આંસુ રોકવા હવે અઘરા હતા અને કિન્નરી અનરાધાર રડવા લાગી. પર્વ પણ મમ્મીને શાંત કેમ કરવી એની અવઢવમાં હતો. મનના એક ખૂણે એ સોસવાતો હતો કે એનાથી કઈક ખોટું થયું છે.)
કિન્નરી: ( સ્વગત) દીકરા હું તને કેમ સમજાવું કે તને પપ્પાનો પ્રેમ મળે એ હું પણ ચાહું છું. મને આ રીતે તું પપ્પા માટે વલખા મારે એ ગમતું નથી. તને પપ્પા માટે ડુસકા ભરતો જોવો મારા માટે પણ પીડાદાયક છે. પરંતુ જેટલું તારા માટે આ રીતે આગળ વધવું કઠીન છે એટલું જ હવે મારા માટે પણ... જીવનમાં આવતા ઉતર ચડાવ ને સહન કરવા કદાચ સહેલા છે પરંતુ ઠોકર ખાધા પછી ફરી પાછા ઉભા થવું અઘરું છે. તારા માટે હું હસતી રહું છું એ મને અંદરથી કોરી ખાય છે. હું પણ ચાહતી હતી કે તું તારા પિતાનો હાથ પકડી પા પા પગલી માંડે... તારાથી વાતો છુપાવવી અઘરી છે. મારે પણ તને પપ્પા કેવા હોય એ કહેવું છે પરંતુ... હું નથી ઈચ્છતી કે તું આમ આ જીવન અધકારમાં અટવાયા કરે.. પણ... (પર્વને પોતાના આલિંગનમાં લેતા) આઈ એમ સોરી દીકરા... ( બને એકબીજાને વળગી બારીમાંથી બહાર નિશાંત આકાશના કોહરા તરફ જોતા રહે છે.)