મનદુરસ્તીમાં ભંગાણ : અસલામતી
મનદુરસ્તીમાં ભંગાણ : અસલામતી


વિશ્વમ છેલ્લા દસ દિવસથી રજા પર હતો. કારણ ઓફિસમાં કોઈ જાણતું ન હતું. મૈત્રી પણ નહી. મૈત્રી અને વિશ્વમ ખૂબ જ સારા મિત્રો હોવાની સાથે ઓફિસમાં સાથે એક જ પ્રોજેક્ટ પર કામ કરતા.
બંને સ્વભાવે ખૂબ જ વિપરીત. વિશ્વમ આતંરમૂખી તો મૈત્રી બાહ્યમૂખી. એકબીજા પ્રત્યે તેમનો મૈત્રીભાવ જોઈ કોઈ ક્યાસ લગાવી ના શકે તેમની વિસંગતતાનો.
વિશ્વમ ઓફિસ નહોતો આવતો એ વાત મૈત્રીને પણ સતાવતી હતી. ઉપરથી ફોન ઉપાડી વાત કરવાનું પણ ટાળતો. ખરેખર હવે મામલો ગંભીર છે એવી ધારણા સાથે મૈત્રી ઓફિસ પછી વિશ્વમના ઘરે પહોંચી ગઈ. જાણતી હતી કે શું રિએક્શન આવશે છતાં...
ડોરબેલ વાગતા અને મમ્મી રસોડામાં વ્યસ્ત હોવાથી ના છૂટકે વિશ્વમને બારણું ખોલવું પડ્યું. ગમ્યું તો ન હતું પરંતુ કોઈ વિકલ્પ ન હતો. બારણું ખોલવાની સાથે સામે મૈત્રીને જોઈ ક્ષણિક હરખાયેલો વિશ્વમ જાણે કે કોઈ રસ જ ના હોય એમ બોલ્યો, 'હાય... તું અહીં?'
'હા, હું... કેમ આમ પરાણે વાત કરે છે !' ( મૈત્રી જાણે પોતાનું જ ધર હોય એમ અંદર જઈ સોફા પર બેસી ગઈ) સામે વિશ્વમ બેઠો.
'હેય... દોસ્ત આ શું હાલત બનાવી દીધી છે ? થયું શું છે એ કહીશ ? કારણ કે શારિરીક રીતે તો તું ઓલ વેલ લાગે છે...' થોડીવાર રૂમમાં નિરવ શાંતિ પછરાઈ... પછી પોતાની ચુપકી તોડતા વિશ્વને વાત શરૂ કરી..
'મૈત્રી, મારાથી હવે નોકરી નહી થાય. અલબત મને લાગે છે હવે હું કંઈ નહી કરી શકું. હું ખતમ થઈ રહ્યો છું.'
'અરે કેમ ડિપ્રેસિવ વાત કરે છે ? માંડીને વાત કરીશ !'
'શું કહું... મને છેલ્લા કેટલા વખતથી લાગે છે કે હું કોઈ કામનો નથી. મારૂ જીવન વ્યર્થ છે.'
'પણ શા માટે આવા વિચાર આવે છે...'
'તું મારા મિત્ર પરમ ને ઓળખે છે ને ?'
'હા બિલકુલ... પેલો જ ને ટોલ, ડાર્ક અને દેખાવડો યુવાન... બધી છોકરીઓની દિલની ધડકન..'
'
હા એ જ... જો છે ને બીજાની જેમ તું પણ એને જ...'
'શું એને... કોઈ સારૂ લાગે તો એ ના કહેવું ?'
'હા કહેવાય... પણ આજે એ પોતાના દેખાવના લીધે આગળ વધી ગયો છે. કેટલી બધી છોકરીઓના માગા પણ આવે છે જ્યારે મારૂ જીવન તો વ્યર્થ જ છે ને..'
'વિશ્વમ એનું રૂપ કુદરતની દેન છે એમા ઈર્ષા કરવી યોગ્ય નથી...'
'ઈર્ષા નથી પણ એ મારા કરતા આગળ તો ચોક્કસ વધી જશે અને હું રહી જઈશ ઠેર ના ઠેર.'
'ઓહ ! તો એમ વાત છે. હવે કંઈક ચિત્ર મને સ્પષ્ટ થઈ રહ્યું છે. તું અસલામતીની ભાવનાથી પીડાય છે. તારા માટે લાગણી છે એટલે કહું છું. જીવનમાં અસલામતીની ભાવના વ્યક્તિને અધોગતિ તરફ લઈ જાય છે. આ એક માનસિક અવસ્થા છે અને દરેક વ્યક્તિ એનાથી ક્યારેક ને ક્યારેક પીડાય જ છે. હા પણ એમાથી બહાર કેમ નીકળવું તે વ્યક્તિ વિશેષ પર જ છે. ઘણીવાર આપણે ઓફિસમાં પણ આવું બનતું જોઈએ છીએ. એક કર્મચારી વર્ષોથી સારી રીતે કંપનીમાં કામ કરી રહ્યો છે. જેના કારણે એ ઉપરી અધિકારીના મનમાં અલગ સ્થાન ધરાવે છે. આના કારણે બધી જ વાત પર પોતાનું આધિપત્ય છે એમ માનવા લાગે છે. પરંતુ જેવો કોઈ નવો કર્મચારી આવે અને તે લાયકાત હોવાના લીધે આગળ વધવા લાગે કે તરત જ જુના ને અસલામતીની અનુભવાય છે. આવું ક્યારેક સંબંધોમાં પણ જોવા મળે છે અને સંબંધો મા એક માત્રાથી વધુ આવે ને ત્યારે જોખમી હોય છે.
માટે અસાલામતીની ભાવના સામે લડત આપી સુખી જીવન જીવવું એની સોનેરી ચાવી આપણા હાથમાં છે. આવી વસ્તુ છુપાવવા કરતા મિત્રો સાથે વાત કરી યોગ્ય ઉકેલ લાવવો લાભદાયી નીવડે છે. લાગણીઓ અને મનને ભટકવા દેવું કે નહી એ આપણા હાથમાં છે. અસલામતી અનુભવી મન અને શરીરને હાની પહોંચાડવાને બદલે સાચી સમજ સાથે આગળ વધી મનદુરસ્તી તરફ આગળ વધવામાં જ સાર છે. એટલે હવે સકારાત્મકતાથી વિચાર જરા વિશ્વમ અને આગળ વધી જીવને માણવાની કોશિશ કરી જો.'