વર્ષ ૨૦૨૨ અને માતૃત્વ
વર્ષ ૨૦૨૨ અને માતૃત્વ
માતા એક એવો આશાવાદી શબ્દ છે કે ચેની સાથે કંઈ કેટલીક ખુશી અને સાંત્વના જોડાયેલી છે. માં બન્યાની ખરાખરી જ્યારે બાળક પહેલીવાર ગર્ભમાં અંકુર પામે છે ત્યારે થાય છે. એક અનોખો છતાં નોખો અહેસાસ છે. એક બાજુ લાગણીની સરવાણી વહેતી હોય તો બીજી બાજુ નવી નવી માતાના મનમાં અગણીત વિચારોના વાદળો છવાતા હોય છે.
આવું ખાસ કરીને કામ કરનાર માતા ના મનમાં કદાચ વધુ ચાલતા હોય છે. અને કેમ ના ચાલે ? માતા બનતા પહેલા તે એક સ્ત્રી છે જે પોતાના કાર્યક્ષેત્રમાં નિપૂર્ણ છે. પોતાનું જીવન આજ ઘડી સુધી પોતાની સાબુત ઈચ્છાશક્તિ સાથે જીવતી આવી હોય છે. હવે અચાનક જ બધુ છોડી દેવું ? શક્ય છે ? ના બિલકુલ નહીં.
ઘણી સ્ત્રીઓ મનથી મક્કમ હોય છે કે માતૃત્વ જ હવે જીવન છે. આવી સ્ત્રીઓ માટે ખાસ સમસ્યા નથી. પરંતુ જેમને પોતાના કાર્યક્ષેત્રમાં પણ પહેલાની જેમ જ આગળ વધતા રહેવું છે તેમના માટે કદાચ વિચાર માંગી લે તેવું છે.
જ્યારે આજે આપણે વાત કરીએ છીએ ત્યારે ૨૦૨૨ છે અને સ્ત્રી જાણે છે કેવી રીતે પોતાના જીવનને દિશા આપવી. એક સરસ ઉદાહરણ અહીં ટાંકવાનું મન થઈ આવે છે.
એક મિત્ર લગભગ ૬ મહિના પહેલા એના નવા રોલમાં પ્રવેશી. એક સરસ મજાની ઢીંગલીને જન્મ આપ્યો. પોતે સોફ્ટવેર એન્જીનિયર એટલે બધુ છોડી ઘરે બેસવું કેમ પોસાય. તેણે પાછી નોકરી ચાલુ કરી. લગભગ એક અઠવાડિયા પછી કંપનીમાં મેજર પ્રોજેક્ટ પૂરો કરવાનો હોવાથી રાત રોકાણ થાય એમ હતું, દીકરી માત્ર ૬ જ મહિનાની એટલે મન પણ જરા ખચવાયું. પછી શાંત મને ઘરે પતિ અને સાસુ સાથે વાત કરી. બીજે દિવસે દીકરીને લઈને સાંજે ઓફિસ પહોંચી ગઈ. જરાકવાર ઓફિસમાં પણ બધાને નવાઈ લાગી, મિત્રોએ કહ્યું કે અમે બધુ સંભાળી લેશું, પણ સ્વ સંતોષ પણ જરૂરી હતો. તેણી એ આખી રાત જાગીને પ્રોજેક્ટ પર કામ પણ કર્યું અને સાથે સાથે દીકરી ને ફીડ કરાવી અને સુવડાવી પણ ખરી. બીજે દિવસે તેના ચહેરા પર જે સંતોષ અને પોતે કંઈક કર્યાનો જીતનો જે અહેસાસ હતો એ જોવા જેવો હતો.
લેપટોપ ટેબલ પર મૂકી કોડિગં કરતા કરતા દીકરીને છાતી પર સૂવાડવી એ કેમેરામાં કેદ કરવા જેવી ઘટના ચોક્કસ છે.
બસ આજ છે ૨૦૨૨ ની માતા. પહેલાના સમયમાં પણ માતા બધુ જ કરતી પરંતુ સગવડોના અભાવે કદાચ પાછીપાની કરવી પડતી. આજનું માતૃત્વ અનોખું સાબિત થઈ રહ્યું છે. છે ને મજાની વાત.
કેરિયર અને માતૃત્વને એકબીજા સાથે પૂરક છે અને જો એક સ્ત્રી ઈચ્છે તો ઉત્તમ માતા અને કુશળ કાર્યકારિણી પણ બની જ શકે છે.
