કેન્દ્રબિંદુ
કેન્દ્રબિંદુ


દામીની રોજનાં ક્રમ પ્રમાણે ગાર્ડનમાં પાઈપ વડે પાણી છાંટતી હતી. "ફૂલછોડ પર પડતું પાણી ફૂલને ટાઢક આપતું હશે. પરંતુ તેનાં મનને ક્યાં ટાઢક હતી ?" એનું મન તો ઘવાયેલાં પંખીની જેમ તરફડીયાં મારતું રહ્યું. એનો એ તરફડાટ જોવાં માટે પણ ક્યાં કોઈ હાજર હતું !
એ દિવસ એને યાદ આવ્યો, તેનાં દિકરાએ દોડતાં આવીને કહ્યું, "મમ્મી, મમ્મી તું ક્યાં છે ? મને અમેરીકા જવાનાં વીઝા મળી ગયાં છે."
દામીની પર તો જાણે આભ તૂટી પડ્યું. "તું અમેરીકા જશે ને હું અહીંયા એકલી ?"
"મમ્મી, તું ચિંતા શું કામ કરે છે. હું ભણીને સીધો તારી પાસે આવી જઈશ ને."
"દિકરા, એમ કંઈ કોઈ પાછું આવ્યું છે ? તે તું પાછે આવશે." તે મનમાં જ બબડી.
તેને યાદ આવ્યું, તે દિવસે તે કેટલી ખુશ હતી. જ્યારે વિધાને તેને કહ્યું હતું, "મને અમેરીકા જવાનાં વીઝા મળી ગયાં છે."
લગ્નનાં એક જ મહિનામાં વિધાન અમેરીકા જવા ઉપડી ગયો હતો. એમ કહીને કે, "બે વરસની તો વાત છે. મારું માસ્ટર પતે અને સારી જોબ મળે પછી, તને જલ્દીથી બોલાવી લઈશ. પહેલાં હું સેટ થઈ જાઉં ને પછી તું આવી જજે."
થોડાક દિવસ ફોન, વિડીયો કોલ ને બધું નિયમીતપણે ચાલ્યું. પછી, "ભણવાની સાથે જોબ પણ કરું છું, એટલે મને સમય મળશે ત્યારે ફોન કરીશ." બસ, પછી તો ફોન કરવાનાં દિવસો લંબાતા ગયાં. દામીનીનાં આમ ને આમ દિવસો નીકળતાં ગયાં એ રાહમાં કે વિધાન તેને બહુ જલ્દી અમેરીકા બોલાવી લેશે.
એક દિવસ એને નવા મહેમાનનાં આગમનનાં ખુશ ખબર આપ્યાં ત્યારે, તેને બહુ ખાસ ઉત્સાહ ના બતાવ્યો. દામીનીએ પૂછી જ લીધું, "વિધાન તું પિતા બનવાનો છે. તને ખુશી ના થઈ ?"
"જો દામીની, હું આટલો જલ્દી જવાબદારીનાં બોજતળે દબાવવા નથી માંગતો. હજુ તો આપણે હર્યા-ફર્યા પણ નથી. આપણે એકબીજાને ઓળખીએ છીએ પણ કેટલું ?"
"એટલે ? તું કહેવા શું માગે છે ?"
"ઓહ ! કમ ઓન દામીની, તું એટલી નાસમજ પણ નથી કે મારી વાતને સમજી ના શકે. છત્તાં, તું પૂછે છે તો તને કહી જ દઉં. તું એબોર્શન કરાવી લે."
"વિધાન, તને ખબર છે તું શું બોલી રહ્યો છે ? તારી બિમાર, વિધવા માતાનો તો વિચાર કર. હવે એ બહુ કાઢે એમ પણ નથી. તું જલ્દી અહીં આવી જા."
"એટલે, તું મને ઓર્ડર કરે છે ?"
"કંઈક, એમ જ સમજી લે, તને ખબર હતી કે, તારી મમ્મીનો એકમાત્ર સહારો તું જ છે, ને તારી મમ્મી કાયમ માટે તને ક્યારેય જવા નહિ દે, એટલે તું તારી મમ્મીને "જલ્દીથી આવી જઈશ" એમ કહીને ગયો છે. એટલે જ તારી મમ્મી, રોજ મને પૂછે છે કે વિધાન ક્યારે આવશે ?"
"તો કહી દે, ક્યારેય નહિ આવે."
"તું શું મજાક કરે છે ? તને ખબર છે તારા ગયા પછી, તારી બિમાર મમ્મીની દેખરેખ રાખવામાં હું મારા પિયર પણ નથી જઈ શકતી."
"તો જઈ આવને કોણ ના પાડે છે ? અનેએએએએ..તું તારા સાસુને તારી સાથે લઈને કાયમ માટે ત્યાં રોકાઈ જાય, તો પણ મને વાંધો નથી."
"વિધાન, તું શું બોલી રહ્યો છે. એટલે તું તારી મમ્મીને મારા સહારે છોડીને ગયો છે."
"અરે ! મારું ભોળું પારેવડું. તું આટલું જલ્દી સમજી જઈશ તે ખબર નહોતી. ચાલ, ફોન મૂક. હું તને કાગળિયા મોકલી આપું છું. સહી કરીને પરત કરજે. જેથી હું તારાથી છૂટું અને આઝાદીનો શ્વાસ લઈ શકું."
ક્યારની બારણાંની આડશમાંથી તેમની વાતો સાંભળી રહેલી વિધાનની માતા પર તો જાણે વીજળી તૂટી પડી. તે ધડામ દઈને નીચે પટકાઈ. દામીની દોડતી ગઈ. સાસુમાની સ્થિર થયેલી આંખો જાણે આવા નપાવટ દિકરાને જન્મ આપવા બદલ તેની માફી માંગી રહી.
ત્યારબાદ દામીનીએ કેટલાં ફોન કર્યાં, મેસેજ કર્યાં, પણ વિધાને ન તો ફોન રીસીવ કર્યો કે ન તો મેસેજનો કોઈ જવાબ આપ્યો. એ તો એની માતાની અંતિમ વિધિમાં પણ ક્યાં હાજર હતો. બધી જવાબદારી દામીનીએ નિભાવી. એને એવાં દિકરાને જન્મ આપ્યો જેનાં નસીબમાં પિતાનાં પ્રેમ જ નહિ હોય. પછી કાયમ માટે એને એ જ ઘરમાં રહેવાનો નિર્ણય કર્યો. પોતાનું બધું ધ્યાન દિકરા પર કેન્દ્રિત કર્યું.
"મમ્મી, તું શું વિચારે છે ?"
"કંઈ નહિ બેટા, તું અહીંયા રહીને જ ભણે તો ના ચાલે ?"
"ના, મમ્મી મારું સપનું છે અમેરીકા જવાનું. મને સ્કોલરશીપ મળી છે. એક પણ રુપિયાનાં ખર્ચા વગર મારે ભણવાનું છે. તું સમજતી કેમ નથી ?"
"જા, બેટા ! હું તારાં સપનાની આડે નહિ આવું."
આજે પાંચ વરસ પછી દિકરાએ કહ્યું, "મમ્મી, હું અહીંયા સેટ થઈ ગયો છું. હવે હું ત્યાં આવું તો મારે નવેસરથી એકડો ઘૂંટવો પડે. એક કામ કર મમ્મી, તું જ અહીંયા આવી જા."
"ના બેટા, હું અહીં જ રહીશ. તું સુખી થા. તને ક્યારેક તારી માની યાદ આવે તો તું આવી જજે. તે મને આટલું કહ્યું, બસ, મારા માટે એ જ બહુ મોટી વાત છે."
આજે એ જિંદગીનું સરવૈયું માડીને બેઠી. અમેરીકા જવાના મોહમાં વિધાન સાથે લગ્ન કર્યાં, એ જ એની સૌથી મોટી ભૂલ હતી ? કે પછી લાગણીમાં તણાઈને પુત્રને જન્મ આપ્યો એ એનો ગુનો હતો ? કે પછી એણે પોતાની આખી જિંદગી પુત્રને નામે કરી દીધી અને બીજા લગ્ન ન કર્યાં, એ એની મૂર્ખામી હતી ?
એ કોઈને રોકી ના શકી. આજે એનો એને અફસોસ થઈ રહ્યો હતો. પછી વિચાર્યું, "ના, ના હું કોઈને કેવી રીતે રોકી શકું ? આ બધાં વિધાતાનાં ખેલ છે. સમયની સાથે એની ઉછળતી -કૂદતી જવાનીને એ ક્યાં રોકી શકી ? એ તો બસ, વિના કંઈ કહ્યે, ચૂપચાપ ચાલી નીકળી. સમય ક્યાં કોઇની શરમ ભરે છે ? સમયને ક્યાં કોઈ બંધનમાં બાંધી શકાય છે ? એ તો કોઈપણ બંધનમાં બંધાયાં વગર લાગણીનાં સીમાડા ઓળંગી વહી જ નીકળે છે ને ? પણ, શું હું જ વિધાતાની કેન્દ્રબિંદુ હતી ?"
હવાની લહેરખી સાથે ફૂલોની સુગંધ હવામાં ભળીને સીધા તેનાં મનોમસ્તિષ્ક સુધી પહોંચી ને એની વિચાર તંદ્રા તૂટી. એને એક વાત સમજાઈ ગઈ કે આજે એની જિંદગીમાં રંગબેરંગી ફૂલો અને એનાં મનને તરબતર કરી દેતી ફૂલોની સુગંધ જ રહી ગઈ છે.