STORYMIRROR

Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

4  

Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

કચવાટ

કચવાટ

6 mins
352

સાંજ પડતા પગરખા સ્‍ટેન્‍ડમાંથી પગરખા લઈ જયસુખરામ જેવા બહાર જવા નીકળ્‍યા ત્‍યાં જડીબા બોલ્‍યા, 'તમે નકામા ભટક ભટક કર્યા કરો છો... આ અહીં શાંતિથી બેસીને આ છોકરાઓને સંભાળો તો સારૂં... છેક હાઈવે સુધી આમ ઢસડાતાં ઢસડાતાં ટાંટયા તોડો છો તે કરતા અહી ચોતરે બેસી રહો ને… !'

' આખો દિવસ ઘરમાં ને ઘરમાં કેદીની જેમ તો પૂરાઈ રહું છું. છેક સાંજે બહાર નીકળું છું તે પણ….' જયસુખરામ પગરખાને સહેજ સરખું કરતા બોલ્‍યાં.

'આમ રોજ રોજ હાઈવે પર નીકળી પડો છો તે તમને કંઈક થઈ ન જાય તે સારૂં... મને તો આ તમારી ચિંતા રહ્યાં કરે છે એટલે કહું છું. પણ મારું સાંભળે જ કોણ ? ભલે હવે જાઓ છો તો વળતાં લારી પરથી બે નાળિયેર લઈ આવજો.' કપડાની થેલી આપતાં જડીબા બોલ્‍યા.

જયસુખરામને આ ન ગમ્‍યું. કપડાંની થેલી બગલમાં મારી તંગ ચહેરે ઈસ્‍કોન મંદિર તરફ ધીમે પગલે નીકળ્‍યા.

જડીબા હજી કંઈક ગણગણી રહ્યાં હતાંં. જયસુખરામે પાછુ વાળીને જોયુ નહીં.

આમ જયારે પણ જયસુખરામ બહાર જવા નીકળતાં ત્‍યારે જડીબા ટોકતા રહેતા. તેની આ આદતથી જયસુખરામ પણ હવે તો ટેવાઈ ગયા હતાંં !

જયસુખરામનો દરરોજનો ક્રમ હતો. સાંજ પડે ત્‍યાં ઘરની નજીકમાં આવેલા ઈસ્‍કોન મંદિરનાં બાંકડે સાંજનો સમય પસાર કરતાં.

દીકરાઓ તો હવે મોટા થઈ ગયા હતાંં. તેમના પણ બાળકો હતાંં. દીકરી પણ સાસરે સુખી હતી. જિંદગીમાં ભગવાને બધું જ આપ્‍યું હતું.

સરખેજ-ગાંધીનગર હાઈવે ઉપરથી એક પછી એક દોડતી ટ્રકોની કતારને કારણે રસ્‍તો ઓળંગતા જયસુખરામને થોડી તકલીફ પડી. રસ્‍તા કિનારે તે દૂર દૂરથી ધસી આવતી ટ્રકોની લાંબી કતારને જોઈ રહ્યાં.

તેમની જિંદગીના દિવસો પણ આ એક પછી એક પસાર થતી ટ્રકની ગતિની માફક પસાર થઈ ગયા હતાં.

જીવનનો વિશાળ પટ પસાર થયો હતો. અભૂતપૂર્વ ચઢ-ઉતરો આવી હતી. વિધવિધ ક્ષેત્રનાં વિધવિધ સ્‍તરનાં વિધવિધ આકાંક્ષા  અને અરમાનોવાળા અલગ અલગ માણસો મળ્‍યા હતાંં. આજે જયારે આ બધી વસ્‍તુઓને લક્ષમાં રાખી જયસુખરામ તેમનાં જીવન વિશે વિચારતા ત્‍યારે તેમને બધું જ બદલાયેલું લાગતું હતું ને જાણે કશું જ બદલાયેલું નહોતું લાગતું.

પિતાની ગામમાં આગવી ઓળખ હતી. પિતાનો ખેતીનો ધંધો મોટાભાઈએ સંભાળી લીધો હતો. જયસુખરામથી નાનો વિઠ્ઠલ તેમજ હરખા હજી ભણતા હતાંં. જયસુખરામને સરકારી નોકરી હતી. લગ્ન પહેલાં તે સંયુકત કટુંબમાં રહેતો હતો. પણ લગ્ન થયાને ત્રીજા જ વરસે જડીબાને સંયુકત કુટુંબમાં ફાવ્‍યું નહી. નાની નાની વાતમાં વાકું પડતું. કયારેક બા સાથે તો કયારેક મોટાભાભી સાથે ઝઘડી પડતી. વિઠ્ઠલ અને હરખાને મદદ કરવાની વાત આવતાં જયસુખરામ સાથે પણ ઝઘડી પડતી.

નાની નાની વાતમાં ઘરમાં કચકચ ચાલુ થતી !

જયસુખરામનાં પિતા રહ્યાં ભગવાના માણસ. પરિસ્‍થિતિ પામી ગયા. રોજનો આ કકળાટ કરવો તે કરતા... !

' દીકરા જયસુખ... જડી વહુની ઈચ્‍છા પ્રમાણે તમારે હવે અલગ ઘર વસાવી લેવું જોઈએ.. આ રોજ રોજનો...'

 'પણ... બાપુજી હજી આ વિઠ્ઠલ અને હરખાનો અભ્‍યાસ... તેમની બધી જવાબદારી આ મોટાભાઈના માથે...' જયસુખરામ બોલ્‍યો.

'દીકરા... ભગવાનની ઈચ્‍છા હશે તો સૌ સારાવાનાં થઈ રહેશે. તમે તમારી રીતે સુખી થાઓ… !'

અને આમ, જયસુખરામને સંયુકત કુટુંબમાં રહેવાની ઈચ્‍છા હોવા છતાં તેણે બા- બાપુજીથી અલગ ઘર વસાવ્‍યું !

જડીબાનાં ચહેરા ઉપર પોતાની જીત થયાનો વિચિત્ર આનંદ હતો.

હાઈવે પરથી પસાર થતી ટ્રકનાં હોર્નથી જયસુખરામની વિચાર તંદ્રામાં ખલેલ પડી. રસ્‍તા પર વાહનોની અવરજવર ઓછી થતાં જયસુખરામ હાઈવે ઓળંગી ગયા.

નિત્‍યક્રમ મુજબ, રાધાકૃષ્‍ણનાં દર્શન કરવા મંદિરનાં પગથિયે પગરખાં ઉતારી મંદિરમાં પ્રવેશ કર્યો.

મંદિરમાં ગયા ત્‍યારે આરતીનો સમય હતો. આરતીની તૈયારી થઈ રહી હતી. જયસુખરામ ઘણીવાર સવારની મંગળા આરતીને સમયે પણ આવી જતા... સાંજની આરતી તે ભાવપૂર્વક માણતા.

મંદિરમાં ‘હરે ક્રિષ્‍ના... હરે ક્રિષ્‍ના ક્રિષ્‍ના...ક્રિષ્‍ના હરે... હરે.. ' ધૂન ગૂંજતી હતી. જયસુખરામ હાથ જોડી મૌન બન્‍યા.

ઘણીવાર તે મંદિરમાં વાગતી ધૂનમાં તલ્‍લીન થઈ જતાં આ ધૂન સાંભળતાં તે એટલો સમય સંસારને ભૂલી જતા !

પણ આજે તેનું આડુ મન અવનવા વિચારે વિચલીત હતું. એટલે તે આજની ધૂનમાં મગ્ન ન થઈ શકયા. સાંજની આરતી ભાવપૂર્વક માણી. પ્રસાદીના બે દાણા લઈ ધીમે પગલે મંદિરનાં બાંકડે આવી બેઠાં.

સાંજનો અને તેમાં પણ આરતીનો સમય હતો. મંદિરમાં ભકતોની ભીડ હતી. આમ છતાં જયસુખરામ એકલતા અનુભવતા હતાંં; આ એકલતા દૂર કરવા માંગતા હોય તેમ બાંકડે બેસી પ્રસાદ મોંમા મૂકી ચગડાવી રહ્યાં... !

પસાર થયેલા સમયને વાગોળતા રહ્યાં... !

વિચારતા રહ્યાં... 'જીવનમાં શું ખરેખર મીઠાશ હતી કે પછી...? !'

કુટુંબથી અલગ થઈ જયસુખરામે મનને મનાવ્‍યું. 'ભલે આમ થવાથી પણ જો જડી સુખી રહેતી હોય તો... !'

જોકે બાને કેટલી હોંશ હતી, ત્રણેય દીકરા તેની આંખ સામે એક સાથે રહે...પણ તેમની મનની મનમાં રહી હતી !

બા-બાપુજી જીવ્‍યા ત્‍યાં સુધી મોટાભાઈ સાથે રહ્યાં. મોટાભાઈ તેમના ઘડપણની લાકડી બની રહ્યાં. બા-બાપુ ઘડપણમાં મોટાભાઈ સાથે સંતોષ સાથે રહ્યાં. જેટલા પ્રેમથી બા-બાપુએ તેમને બચપણમાં પાળ્‍યાં એટલાં જ ભકિતભાવથી મોટાભાઈએ તેમનું ઘડપણ પાળ્‍યું હતું. ભાભીએ તેમની ખૂબ ચાકરી કરી હતી. જડીએ કયારેય તેમની સેવા કરવાની ઈચ્‍છા બતાવી નહોતી.

આમ પસાર થતા સમયમાં વિઠ્ઠલ અને હરખાનાં લગ્નનો પ્રસંગ આવ્‍યો.

તે રાતે બાપુજી જયસુખરામ સાથે વાત કરી રહ્યાં હતાંં. ખૂણામાં ઊભી જડીબા વાત સાંભળી રહી હતી ! વાત પૂરી કરી રાત્રે જ બાપુજી પાછા ગામડે જવા નીકળ્‍યા. બાપુજી રાત રહે તેવી જયસુખરામની ઈચ્‍છા હોવા છતા તે તેમને રોકી ન શકયો. તે વાતે મન દુઃખી હતું.

બાપુજીનાં ગયા કે તરત જડીબાએ બળાપો કાઢયો…

 'આ બધા બસ આપણને જ ભાળી ગયા છે. જયારે ને ત્‍યારે આમ અહીં દોડયા આવે છે.. આ મોંધવારીમાં એક સાંધુ ત્‍યાં તેર તૂટે. કેવી રીતે આ ઘર ચલાવું છું તે મારું મન જાણે છે. બસ આમને તો જાણે આપણે ત્‍યાં પૈસાનું ઝાડ હોય… !'

જયસુખરામ જડીનાં સ્‍વભાવને ઓળખી ગયો હતો. તેણે આજ સુધી કાંઈ સારું વિચાર્યુ જ નથી. તેની સામે વાદ-વિવાદ કરવાનો કોઈ અર્થ નહોતો. તે ચૂપચાપ બીજી રૂમમાં જઈને એક તરફ પલંગ પર પડી રહ્યો. રાત્રે કયાંય સુધી જડી કચકચ કરતી રહી... !

જયસુખરામ પડયા પડયા વિચારતો રહ્યો, 'જડીને બસ પૈસો જ પરમેશ્વર હતો.... ! '

બીજા દિવસે સવારે પણ જડી બબડતી રહી !

વિઠ્ઠલ અને હરખાનાં લગ્ન પ્રસંગે બંને ઊભા રહ્યાં. આખા પ્રસંગ દરમિયાન જડીબા ઉખડેલા ઉખડેલા રહ્યાં. પૈસો કે જાતથી ઘસાઈને તેણે કયારેય કોઈને મદદ કરી નહોતી. અરે... બોલવામાં પણ હંમેશા, કવેણ જ ઉચ્‍ચારતી બોલવા બેસતી ત્‍યારે જાણી જોઈને સામેનાનાં માન સન્‍માનને ઠેસ પહોંચે તેવું તે બોલે. આમ કોઈને દુભાવ્‍યાનો તે વિચિત્ર આનંદ મેળવતી.

સમય સરતો રહ્યો. બા-બાપુજી જીવ્‍યા ત્‍યાં સુધી મોટાભાઈ અને વિઠ્ઠલ સાથે રહ્યાં ! 

કયારેક કયારેક તે જયસુખરામને ઘેર આવતા પણ જડીનાં વ્‍યવહારને કારણે રાત રોકાતા નહોતા.

મોટાભાઈ અને વિઠ્ઠલ તો સારે ખોટે પ્રસંગે જ આવતા. તેમાં પણ એક ઔપચારિકતા જ રહી ગઈ હતી !

અને આમ બા-બાપુજીના ચાલ્‍યા ગયા પછી તો આ સંબંધ પણ જાણે તૂટી જ ગયો હતો.

આજે જયસુખરામ કુટુંબના મોભી હતાંં. તેમને દીકરા-વહુઓ હતાંં. પણ જડીબાના સ્‍વભાવમાં કોઈ ફરક પડયો નહોતો. લગ્ન જીવનના વરસથી માંડીને આજ સુધી તે કોઈને કોઈ વાતે કચકચ કરતા જ રહ્યાં. જયસુખરામે તેના આ સ્‍વભાવને સ્‍વીકારી લીધો હતો... !

શરૂઆતના વરસોમાં સંતાનોએ પણ જડીબાનાં સ્‍વભાવને અનુકૂળ થવાના પ્રયત્‍નો કર્યા. ઘરમાં પ્રેમભર્યુ વાતાવરણ જળવાઈ રહે તે માટે દીકરા-વહુઓ ઘણું બધું જતું કરતા. પણ જડીબાના જિદ્દી સ્‍વભાવે તેમજ મોટો દીકરો પણ તેના જેવો જ તીખા સ્‍વભાવનો હતો. તે એક દિવસ મનમેળ ન રહેતા તેના કુટુંબને લઈ અલગ થઈ ગયો ! આમ છતાં જડીબાને કોઈ વસવસો નહોતો. તેમનો સ્‍વભાવ ઉંમરની સાથોસાથ વધારેને વધારે બગડતો રહ્યો.

પશ્‍ચિમે સૂરજ ઢળી રહ્યો હતો. આછો અંધકાર ધીરે ધીરે વિસ્‍તરી રહ્યો હતો. સુધાકર વાદળામાંથી ધીમે ધીમે ડોકયું કરી રહ્યો હતો !

કપડાની થેલી હાથમાંથી નીચે પડતાં જયસુખરામને નાળિયેર યાદ આવ્‍યા. ભૂલી જઈશ તો પાછી કચકચ શરૂ... !

થેલી લઈ પગરખાને પગમાં સરખા કરતા તે ઊભા થયા. મંદિરના મઘ્‍યે દરવાજા બહાર હાથ જોડી થોડીવાર મૌન બન્‍યા. 

ત્‍યાં....

થોડા દિવસ પહેલાનો પ્રસંગ સાંભરી આવ્‍યો !

'મમ્‍મી... હવે તમારો આ કચકચિયો સ્‍વભાવ સુધારો તો સારું.... આ તમારા સ્‍વભાવને કારણે તો મોટાભાઈ અલગ જતા રહ્યાં છે. અમે પણ હવે બહુ સહન કર્યુ. જો આવું જ ચાલશે તો... ' નાની વહું આક્રોશ ઠાલવતા બોલી.

 'તો.... તો શું તમે પણ અમને છોડીને ચાલ્‍યા જશો એમ જ ને...? પણ તમે એક વાત કાન ખોલીને સાંભળી લો.... આ ઘર મારું છે. અને હું જે કહું એમ જ થશે.. જો તમારે પણ જવું હોય તો આ દરવાજા ખુલ્‍લા છે... ! જડીબા ખુલ્‍લા દરવાજા તરફ હાથ કરતા નાની વહુ ઉપર તાડૂકયા. !

અને ઘરમાં મોટું ધિંગાણુ થયું. આ વાતે નાનાએ પણ અલગ થવાનો નિર્ણય કર્યો. જયસુખરામે દીકરા-વહુને સમજાવ્‍યા. દીકરો ઠાવકો હતો તે સમજી ગયો. જડીબાને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. આખી જિંદગી જયસુખરામ તેમની સાથે સમજદારીથી રહ્યાં હતાં. છતા તેને સાચું સમજાવી શકયા નહોતા... !

જયસુખરામ કયાંય સુધી હાથ જોડી ઊભા રહ્યાં. મનમાં એક ચિંતા હતી.

આ નાનો પણ ઘર છોડીને ચાલ્‍યો જશે તો...? આ ઢળતી ઉંમરે કોનો સહારો... !

ત્‍યાં તેને બાપુજીનાં શબ્‍દો યાદ આવ્‍યા : ‘દીકરા... ભગવાનની ઈચ્‍છા હશે તો સૌ સારાવાનાં થઈ રહેશે…'

જયસુખરામે રાધાકૃષ્‍ણની હસતી પ્રતિમા તરફ એક નજર કરી...

અને નિશાકરનાં પ્રકાશના સહારે ધીમે ધીમે ચાલતાં ચાલતાં નાળિયેરની લારી તરફ વળી ગયા... !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy