કાયપો છે
કાયપો છે

1 min

565
શ્રુતિના મનમાં કાયમ ચગતો પતંગ એટલે સુંદર. આ પતંગને ખાલી વિચારો પૂરતી ઢીલ મળે. બાકી તો ફિરકી કાયમ બાપુ પાસે જ હોય. ઉત્તરાયણના તહેવારે સુંદર ચિકી, બોર ને પતંગનો થપ્પો લઈ અગાશી પર પહોંચી ગયો. શ્રુતિ સાથે તે પણ 'કાયપો છે..'ની બૂમોનો આનંદ લેતો હતો. શ્રુતિના બાપુ અગાશી પર ચડતા દેખાયા ને બોરનો એક ઠળિયો સુંદરના ગળામાં જ અટવાઈ ગયો. પોતાનો પતંગ કપાતો જોઈ, તેને નીચો પડતો અટકાવવા તે દોડ્યો. સુંદરના પડવાનો 'ધબાક' કરતો અવાજ શ્રુતિના બાપુના 'કાયપો છે'માં વિલીન થઈ ગયો. શ્રુતિ ચગતો પતંગ ચટ્ટ થયો તેનો શોક કરે કે બાપુએ એક પતંગ કાપ્યો એનો આનંદ, એ દ્વિધામાં અગાશીની પાળી તરફ ચાલવા લાગી.