માતૃપ્રેમ
માતૃપ્રેમ


મા અંજુને આગળ વધારવા માટે સતત દોડાવ્યા જ રાખે. ભણવાનું, કથ્થક, સંગીત, વકતૃત્વ, નાટક ઘરકામ.. આમાંથી કોઈ કામ અંજુ ન કરે તો બિલકુલ ન ચાલે. કામ કરવાની રીત વળી એવી રાખવાની કે બધામાં અવ્વલ અંજુ જ હોય. મા કાયમ કહેતી, "આ તો પથ્થર છે. આપણે જ ટાંચણુ લઈને મૂર્તિ બનાવવી પડે." માસી દલીલ કરે, "ટાંચણાના ઘા સહી-સહીને આ બિચારા નાજુક જીવને કેટલી પીડા થાય છે એ ખબર છે તને?" માસી કાયમ માને સમજાવે, "આટલું બધું ન દોડાવ બિચારી છોકરીને.." પણ મા એકની બે ન થાય. જો કોઈ કામ ન થયું હોય કે નબળું થયું હોય તો અંજુને ચોક્કસ સજા તો થાય જ. અચાનક બે દિવસના તાવમાં મા અવસાન પામી. અંજુની દશેય દિશાની પ્રવૃત્તિઓ હવે બંધ થઈને માત્ર ઘરકામ પર સ્થિર થઈ ગઈ હતી. અંજુ મા અને માસી, બંનેમાંથી કોનો માતૃપ્રેમ સાચો એ સમજવા મથી રહી.