પરિવર્તન
પરિવર્તન
કુસુમ એટલે પરિવારને સંપૂર્ણ સમર્પિત સ્ત્રી. પતિ અને સાસુ-સસરા જ નહીં, બાળકોની આજ્ઞાનું પણ તે મૂકપણે પાલન કર્યા કરે. દીકરો-દીકરી યુવાન થવા લાગ્યા. તેમની વાતો, અડપલાં, મસ્તી, પહેરવેશ, રખડવું.. કંઈ જ કુસુમને ગળે ન ઉતરે. પણ ઘરની શાંતિ માટે તે કશાનોય વિરોધ ન કરે.
એક દિવસ એણે જાતને બદલવાનો પ્રયત્ન કર્યો. બાળકોને ગમે તેવી મા બનવા ગઈ. જાતને બદલતા તેને પણ મહેનત તો ખૂબ પડી. ધીમે-ધીમે પહેરવેશ અને વાતચીતની ભાષા બદલી. બહેનપણીઓ બનાવી, પાર્ટી કરવાનું શરૂ કર્યુ. એક દિવસ રાત્રે દોઢ વાગ્યે ઘેર આવી ત્યારે ઘરના તમામ સભ્યો તેની સામે પ્રશ્નાર્થ ભરી નજરે તાકી રહ્યા હતા. તે કોઈને કશો જવાબ ન આપી શકી. તેમની નજર અને સ્વયંના આ પરિવર્તન વચ્ચે અટવાઈ રહી. એકાદ કલાકને અંતે રૂમમાં ઉડું-ઉડું થઈ રહેલા બલ્બ પર તેની નજર સ્થિર થઈ અને તે એક ચોક્કસ નિર્ણય પર આવી.