Mariyam Dhupli

Tragedy Inspirational

4  

Mariyam Dhupli

Tragedy Inspirational

કાયા

કાયા

4 mins
460


હું શહેરની સૌથી પ્રખ્યાત ડાયેટીશ્યનની મેડિકલ ક્લિનિકના પ્રતીક્ષાલયમાં બેઠો હતો. અપોઈન્ટમેન્ટ માટે સમયસર પહોંચી ગયાનો સંતોષ મારા ચહેરા ઉપર છવાયેલો હતો. પડખે મારી પત્ની સંધ્યા ગોઠવાયેલી હતી. અપોઈન્ટમેન્ટ એના માટેજ લીધું હતો. એના ચહેરા ઉપર ચિંતા હતી, થાક હતો અને ભારોભાર હતાશા.


"સૌ ઠીક થઇ જશે. ચિંતા ન કર." 

મેં હળવેથી એના ખભે હાથ મૂકતા કહ્યું. એણે એક ફિક્કું હાસ્ય મારી તરફ વેર્યું. ધીરે રહી એની નજર ભીંત ઉપર સજ્જ તસવીરો અને પોસ્ટર ઉપર ફરી રહી. યોગ્ય માત્રામાં સંતુલિત આહાર શરીરને સ્વસ્થ રાખવા કઈ કઈ રીતે ઉપયોગી છે એની માહિતી ચારે તરફ ભીંતને શણગારી રહી હતી. ભીંતના તદ્દન મધ્ય કેન્દ્ર સ્થાને એકજ સ્ત્રીની બે જુદી જુદી તસવીરો 'પહેલા' અને 'પછી' શીર્ષક હેઠળ પ્રદર્શન માટે મુકાઈ હતી. એ બન્ને તસવીરો ઉપર સંધ્યાની નજર પડી અને પેલું ફિક્કું હાસ્ય ક્ષણભરમાં અદ્રશ્ય થઇ ગયું. એના ઉદાસ ચહેરામાં મને સંધ્યાની બે જુદી જુદી તસવીરો 'પહેલા' અને 'પછી' શીર્ષક જોડે દેખાઈ આવી. પણ સંધ્યાની એ તસવીરો ભીંત ઉપરની તસવીરોના વિરુદ્ધ ક્રમમાં હતી. 

પહેલા વાળી તસવીર તો લગ્ન સમયનીજ હતી. તમે અમારા લગ્નની તસ્વીર વાળી આલ્બમ જુઓ તો તમને વિશ્વાસજ ન આવે કે ડાયેટીશ્યનની ક્લિનિકના પ્રતીક્ષાલયમાં પોતાના ક્રમની રાહ જોઈ રહેલ આ સ્ત્રી એ જ છે. લગ્ન માટે જયારે એના ઘરે એને જોવા ગયો હતો ત્યારે પહેલી નજરમાંજ એ મને ગમી ગઈ હતી. એની સુંદર, પાતળી, કાયા મને કેવો મોહ પમાડી રહી હતી. જાણે સાક્ષાત સ્વર્ગની કોઈ અપ્સરા! એનું સુડોળ શરીર, પાતળી નાજુક કમર. જાણે ફિલ્મની કોઈ અભિનેત્રી. હું કટરિના કેફનો ડાય હાડ ફેન હતો. સંધ્યાનું 'સ્લિમ એન્ડ ટ્રિમ' શરીર કટરિના ને પણ ટક્કર આપે એવું આકર્ષક હતું. ઘરે પહોંચ્તાજ મેં મમ્મીને કહી દીધું હતું, 

"મારા તરફથી હા જ છે." 

અમારી હનીમૂનની કેટલી તસવીરોમાં એ મારા ખોળામાં છે. હળવા ફૂલ જેવું કોમળ શરીર હતું એનું. પરંતુ આજે જો મારે એને ખોળામાં લેવી હોય તો એ તકલીફનું કામ. 

લગ્નના થોડા મહિનાઓ પછી સંધ્યાને હોર્મોનિકલ ઈમ્બેલેન્સ થયું. એના શરીરના રસાયણ શાસ્ત્રમાં પ્રવેશેલી એ માંદગીને કારણે એને અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. માસિક સ્ત્રાવને નિયંત્રિત કરવા જાતજાતની દવાઓ લેવી પડી. એ દવાઓની આડઅસરને કારણે એનું વજન ધીમે ધીમે વધવા લાગ્યું. શરૂઆતમાં થયું કે કસરત વડે સમસ્યાનું નિરાકરણ થઇ જશે. પણ એ એટલું સહેલું ન હતું. સમસ્યા ગંભીર હતી. 

મને તો એમજ હતું કે દરેક મેદસ્વી વ્યક્તિ બેદરકારીને લીધે, કાળજીના અભાવને લીધે ને સાચું કહું તો બહુ બધું ભોજન લેવાની લુચ્ચી કુટેવને લીધેજ ભારે શરીર લઇ ફરતા હોય છે. મેં જાણ્યે અજાણ્યે ઘણા મેદસ્વી લોકોની મશ્કરી ઉડાવી હતી. શાળા સમયથી લઇ પરિપક્વ વય સુધી જાણે અગણિત દ્રષ્ટાંતો નજર આગળ તરી આવ્યા. 

પણ સંધ્યાની માંદગીએ મારો એ દ્રષ્ટિકોણ બદલ્યો. સંધ્યાનું શરીર જે રીતે નિયંત્રિત સ્વસ્થ આહાર લેવા છતાં દિવસે ને દિવસે ફુગ્ગાની જેમ ફૂલી રહ્યું હતું એ નિહાળી હું હચમચી ગયો હતો. ડાયેટીશ્યનની સલાહ લેવા એ ક્લિનિકમાં બેઠો હું પસ્તાવામાં ભીંજાય રહ્યો હતો જ કે ડોક્ટરની કેબિનનો દરવાજો ખુલ્યો. પોતાનું કન્સલ્ટેશન પતાવી બહાર આવેલી સ્ત્રીને નિહાળતાંજ હું અને સંધ્યા કેબિનમાં પ્રવેશવા સજ્જ થતા સોફા છોડી ઉભા થયા. 

એજ સમયે કેબિનમાંથી બહાર નીકળેલી સ્ત્રી મારા આગળ આવી ઉભી રહી ગઈ. સંધ્યાએ મને હેરતવાળી દ્રષ્ટિએ નિહાળ્યો. એ સ્ત્રીને હું ઓળખતો નથી એવા હાવભાવો જોડે મેં સંધ્યાને મૌન આશ્વાસન આપ્યું.

"ઓળખ્યાં નહીં ? હું કીર્તિ. આપ મારા ઘરે આવ્યા હતા." 

થોડી ઝીણવટથી નિહાળતાંજ હું અવાક બની ગયો. મારી ફાંટી આંખોએ જાણે હું કોઈ ચમત્કાર જોઈ રહ્યો. મારી નજર સામે ઉભું એ સુંદર, સુડોળ, સ્લિમ એન્ડ ટ્રિમ શરીર એજ હતું જેના ઘરે હું ગયો હતો ? અશક્ય, તદ્દન અશક્ય ! સંધ્યા મારે પડખે હતી એ વાતનું ભાન થતાંજ મેં સંધ્યાનો પરિચય કરાવ્યો અને તદ્દન સંક્ષિપ્તમાં સમસ્યા જણાવી. 

"ડોન્ટ વરી. હું અંતિમ એક વર્ષથી અહીં આવું છું. શી ઇઝ ઘી બેસ્ટ. યુ આર ઈન સેફ હેન્ડ્સ." 

ડોક્ટરની પ્રશંસા વચ્ચેજ અમારા ક્રમની જાહેરાત થઇ. મારી અને સંધ્યાની ઔપચારિક રજા લઇ એ ક્લિનિકના એક્ઝિટ ડોર તરફ ઉપડી.સંધ્યાએ મારી આંખોમાં ઝાંખ્યું. ગંભીર વાતાવરણને હળવું બનાવવા મેં હળવા વ્યંગનું સર્જન કર્યું.

" જો એને હા પાડી હોત તો તું રહી જાત. બચી ગઈ."

" હું કે એ ?"

સંધ્યા થોડી હળવી થઇ. મારી રમૂજ રંગ લાવી એ નિહાળી હું પણ હળવો થયો . સંધ્યા ઝડપથી કેબિનમાં પ્રવેશી અને હું એની પાછળ અનુસર્યો. કેબિનનો દરવાજો ધીમે રહી બંધ કરતા મેં ચોરી છુપે બહાર તરફ નીકળી રહેલી કીર્તિ ઉપર એક અંતિમ દ્રષ્ટિ ફેંકી. મારી અંરતઆત્મા મને ધુત્કારી રહી. એના ઘરે થી પરત થઇ મેં મમ્મીને તરતજ કહી દીધું હતું, 

"ના પાડી દેજે. છોકરી કેટલી જાડી છે !" 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy