Niranjan Mehta

Tragedy Romance Drama

3  

Niranjan Mehta

Tragedy Romance Drama

કાક અને મંજરી

કાક અને મંજરી

9 mins
663શશાંક અને મંજરી – બાળપણના મિત્રો અને ન કેવળ શાળાનો અભ્યાસ પણ ત્યાર બાદ કોમર્સ કોલેજમાં પણ બંને એક સાથે. કુદરતે જાણે તેઓ એક બીજા સાથે રહેવા નિર્માયા હોય તેમ ન કેવળ તેમને બંનેને પણ અન્ય મિત્રોને પણ લાગતું. કોલેજના દિવસો દરમિયાન હવે તેઓ વધુ નજીક આવી ગયા હતાં. એટલા નજીક કે જ્યારે બંને મળે ત્યારે મંજરી શશાંકને તેના નામે નહીં પણ કાકના નામે જ સંબોધે. પહેલી વાર જ્યારે મંજરીએ તેને કાક કહી સંબોધન કર્યું હતું ત્યારે શશાંકે પૂછ્યું કે શા માટે મારા નામને બગાડે છે? શશાંક એટલે ચંદ્ર જ્યારે કાકનો અર્થ તો કાગડો થાય. તો શું હું ચંદ્ર જેવો નહી પણ કાગડા જેવો લાગુ છું? શશાંકના આવા સવાલના જવાબમાં મંજરીએ ત્યારે આછું સ્મિત કર્યું હતું અને કહ્યું હતું, ‘અરે મારા કાક, હું તો આપણને બંનેને ક.મા.મુનશીની નવલકથાના પાત્ર તરીકે ગણું છું. તું કાક અને હું મંજરી.’


શશાંકને પણ આ પાત્રોની ખબર હતી એટલે બસ, ત્યારથી શશાંક પણ પોતાની જાતને કાક્ના પાત્રમાં અનુભવવા લાગ્યો. કોલેજના છેલ્લા વર્ષમાં બંનેને લાગ્યું કે હવે શું? કોલેજ પૂરી થાય પછી બંનેએ છૂટા પડવું પડશે તો તે કેમ કરીને સહ્ય થશે? બંનેને ખબર હતી કે તેનો એક જ ઉપાય છે અને તે લગ્નનો. જો કે બંનેને મનમાં લાગતું કે આમ થાય તો સુંદર અને થવું જ જોઈએ એમ માનતા હતાં પણ હાલ તેનો પાક્કો વિચાર કરવાનો નથી એટલે કોઈ પણ આ વાત એક બીજા આગળ કરતાં નહીં.


પણ તેની ખાસ સહેલી અનુરાધાને મંજરી પોતાના મનની બધી વાત કરતી. ત્યાં સુધી કહેતી કે એકવાર કોલેજકાળ પતી જાય પછી ભલે શશાંક કહે કે ન કહે પણ તે પોતાની જાતને રોકી નહીં શકે અને શશાંકને ખુલ્લા મને લગ્નનો પ્રસ્તાવ આપશે. અનુરાધા પણ મંજરીની આ મનોદશા સારી રીતે સમજતી હતી એટલે તે પણ મંજરીને કહેતી કે તે પણ એટલી જ ઉત્સુક છે અને તેને તેનો પૂરો સાથ છે. 

જ્યારથી મંજરીએ પોતાની માનસિક સ્થિતિને લગ્ન માટે તૈયાર કરી ત્યારથી તેની મનોદશામાં ફેરફાર થવા લાગ્યા. શશાંકને મળે ત્યારે પણ તે મનમાને મનમાં તેની સાથેના સહજીવનમાં ખોવાઈ જતી અને શશાંક સાથે સરખી વાત પણ ન કરતી. શશાંક પૂછતો કે કાકની મંજરી કેમ બદલાઈ ગઈ છે તો મંજરી તે વાતને ટાળતી. શશાંક કહેતો કે કોઈ સમસ્યા હોય તો મને જણાવ તો આપણે સાથે મળી તેનું નિરાકરણ કરીએ પણ મંજરી કેવી રીતે પોતાના મનની વાત કરી શકે? તેને માટે આ એક એવી સમસ્યા હતી જે ન કહેવાય કે ન સહેવાય. એવી પરિસ્થિતિમાં પણ બને તેટલું સ્વસ્થ રહેવાનો તે પ્રયત્ન કરતી.


તે વિચારતી કે શું બધા પ્રેમીઓ આમ જ અનુભવતા હશે? કે પછી તે કોઈ અનન્ય છે? અંતે તેનાથી ન રહેવાયું અને અનુરાધા આગળ પોતાનું દિલ ખોલ્યું. અનુરાધાએ હળવેથી તેના ગાલે ટપલી મારી અને કહ્યું, ‘ ગાંડી, આ તારી એકલીની કહાણી નથી. દુનિયાના આરંભથી આ ચાલી આવ્યું છે અને તું કોઈ અપવાદ નથી. હવે તમે બંને એકબીજા સાથે વાત કરી નિર્ણય કરો જેથી તમારી જિંદગીનો નવો રાહ શરૂ થાય.’

પરીક્ષાઓ નજીકમાં હતી એટલે તે તરફ ધ્યાન આપવું જરૂરી સમજી મંજરીએ શશાંકને મળવાનું ઓછું કર્યું જેથી તે પણ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે.

છેલ્લી પરીક્ષા પત્યા પછી મંજરી શશાંકને મળવા ગઈ. વાત વાતમાં હવે આગળ શો વિચાર છે તેમ તેણે પૂછ્યું. જવાબમાં શશાંકે કહ્યું કે મારે હજી આગળ ભણવું છે અને તે માટે મુંબઈ જવા વિચાર છે.


‘અરે, હું તે સબબ નથી પૂછતી. હું તો આપણા લગ્ન વિષે તારો શું વિચાર છે તે પૂછું છું.’

‘મેં આ બાબત હજી સુધી વિચાર નથી કર્યો.’

‘ચાલ, તો હમણાં તેને વિષે વિચારીએ.’

‘આ કોઈ રમત છે કે રમી લઈએ? તેને વિષે બધી બાજુનો વિચાર કરવો જરૂરી છે એટલે હું પછી જણાવીશ.’

‘પછી એટલે ક્યારે? ક્યા સુધી મારે રાહ જોવી?

‘ક્યા સુધી તે તો હું હમણાં કહી ન શકું કારણ મારા માટે આગળનું ભણતર પુરૂં કરી પગભર થવાનું લગ્ન કરતાં વધુ મહત્વનું છે.’

‘તારો નિર્ણય ન જાણું ત્યાં સુધી હું પણ અવઢવમાં રહીશ.’

‘એ તારો અંગત મામલો છે. મારા હિસાબે લગ્નબંધન આજની જરૂરિયાત નથી.’


‘તારે મન એ જરૂરિયાત નહીં હોય પણ એક સ્ત્રી તરીકે મારે તો બધી બાજુનો વિચાર કરવો જરૂરી છે. તારા અને મારા પ્રેમની વાતો હવે કોઇથી છુપાયેલી નથી. બધાને ખાત્રી છે કે આપણે બે મટીને એક થઇ જશું. અરે, મારી સખીઓ તો હું ક્યારે આપણા લગ્નની જાહેરાત કરૂ તેની જ રાહ જોઈ રહી છે. કદાચ તારા મિત્રો પણ આમ જ વિચારતા હશે.’

‘જો મંજરી, લોકોને માટે તો આ એક તમાશો છે. એક સ્ત્રી અને એક પુરુષ સાથે હરેફરે એટલે તેમના વિષે જાતજાતની વાતો કરે અને તેમના વતી તેમને લગ્નબંધનમાં બાંધી પણ દે. પણ આપણે આ બધાથી દૂર રહી આપણો નિર્ણય ખુદ કરવાનો છે. તું જો રાહ જોઈ શકે તો તેમ કર અને જો તારા વડીલોના દબાવમાં લગ્ન કરવા પડે તો તું રાજીખુશીથી કરજે.’

‘એટલે તું આપણા બંનેના લગ્ન માટે ઉત્સુક નથી એમ જ ને?’

‘જો મંજરી ઉત્સુકતા એક વાત છે અને પરિસ્થિતિ બીજી વાત છે. તું મને સમજે અને રાહ જુએ તો હું તો તારી સાથે જ લગ્ન કરવા માંગુ. પણ તેટલો સમય તું કોઈ કારણસર રાહ ન જોઈ શકે તો પણ હું તે સ્વીકારી લઈશ. તું પણ તારી જીવનયાત્રા તારી રીતે આગળ ધપાવજે અને માની લેજે કે તારા જીવનમાં કોઈ કાક હતો જ નહીં.’

‘તું પુરુષ છે એટલે આમ કહેવું સહેલું છે,’ સહેજ રુક્ષ સવારે મંજરી બોલી. ‘પણ મારૂં સ્વપ્નું હતું કે આપણે જીવનસંગી બનશું તે હવે સ્વપ્નું જ રહ્યું. કદાચ હું અન્ય સાથે લગ્ન કરૂં તો પણ તે દૈહિક સંબંધ હશે.’

‘અફસોસ કે તારું સ્વપ્ન મૂર્ત ન થયું. પણ આપણે અગાઉ આ બાબત કોઈ ચર્ચા કરી ન હતી નહીં તો તારી આવી મનોદશા ન થતે..’       

‘એટલે તે આપણા સંબંધો વિષે આવું કશું વિચાર્યું જ ન હતું?’

‘જે ગામ જવું નહીં તેનું નામ શા માટે પૂછવું?’


‘વાહ, કોઈના દિલને ઠેસ પહોંચાડવી હોય તો તે તારી પાસે શીખવી રહી.’ એટલું કહી મંજરી મો ફેરવી ચાલી નીકળી.

બીજે દિવસે મંજરીએ અનુરાધા આગળ વિગતવાર બધી વાત કરી અને પોતાનું હૈયું હળવું કર્યું. અનુરાધા પણ આ સાંભળી નવાઈ પામી કે શશાંકનું વલણ આમ કેમ? જરૂર કોઈ એવું કારણ હશે જેને કારણે તે આમ મંજરીને નિરાશ કરી રહ્યો છે? શું કોઈ અન્ય સાથે પ્રેમમાં પડ્યો હશે? ના, શશાંક આવી વૃત્તિવાળો તો નથી લાગતો, પણ પુરુષોનું કાંઈ કહેવાય નહીં. તેમ છતાં અનુરાધાએ મંજરીને કહ્યું કે જો તે હા કહે તો તે એકવાર શશાંકને મળી સત્ય હકીકત શું છે તે જાણી લે. પણ મંજરીએ તેને તેમ કરવા મના કરી અને ઉપરથી સોગંદ પણ આપ્યા કે કોઈને પણ શશાંકનાં વર્તનની વાત ન કરે.

બસ, તે દિવસ પછી ન તો મંજરીએ શશાંકનો સંપર્ક કર્યો ન શશાંકે મંજરીનો. જાણકારો પણ નવાઈ પામ્યા કે આ રોમિયો-જુલીએટની જોડીને શું થઇ ગયું. પણ અનુરાધા સિવાય શું હકીકત છે કોઈ જાણતું ન હતું અને અનુરાધાને ચૂપ રહેવાના મંજરીએ સોગંદ આપ્યા હતાં એટલે તે પણ લાચાર હતી.  


ભલે મંજરીએ મન મનાવ્યું હોય પણ તેની માનસિક સ્થિતિ તો અસ્વસ્થ જ હતી, જાણે તે જીવવા ખાતર જીવી રહી હોય. માતાપિતા જ્યારે લગ્નની વાત કરતાં ત્યારે તે હાલમાં તેનો વિચાર કરી શકે તેમ નથી કહી વાત ટાળતી. ક્યા સુધી આમ તું કરશેના જવાબમાં મંજરી ક્યારેક ચૂપ રહેતી તો ક્યારેક કહેતી કે સમય આવ્યે જણાવીશ. તેના આવા વર્તનથી તેઓ પણ ચિંતિત રહેતા. તેમણે તો અનુરાધાને પણ જણાવ્યું કે તું તારી ખાસ સહેલીની દરકાર નથી કરતી. તે જો આમ જ રહેશે તો અમારે તેને સંભાળવી પણ અઘરી થઇ પડશે.

અનુરાધાને પણ લાગ્યું કે આમ ક્યા સુધી? ભલે મંજરીએ તેને સોગંદ આપ્યા હોય પણ એક ખાસ મિત્રને નાતે વાતના મૂળ સુધી પહોંચવું જરૂરી છે એટલે એક દિવસ તે હિંમત કરીને શશાંકને ઘરે ગઈ તો ખબર પડી કે તે કોઈ હોસ્પિટલમાં સારવાર માટે ગયો છે. શું બીમારી છે અને ક્યારે આવશે તે સવાલના તેને કોઈ જવાબ ન મળ્યા.

થોડા દિવસ પછી ફરી એકવાર અનુરાધા શશાંક ઘરે ગઈ ત્યારે પણ આગલી વખતે થયું હતું તેમ જ અનુભવ્યું.


હવે અનુરાધાથી ન રહેવાયું. તેણે શશાંકનાં મમ્મીને સાચી હકીકત શું છે તે જણાવવા કહ્યું. પહેલા તો મમ્મીએ કશું કહેવાનો ઇનકાર કર્યો. પણ જ્યારે અનુરાધાએ કહ્યું કે કોઈની જિંદગીનો સવાલ છે ત્યારે શશાંકની મમ્મીએ પૂછ્યું કે કોની જિંદગી? શશાંકની જિંદગી જ હવે એક સવાલ બની ગઈ છે ત્યારે અન્યની જિંદગીનો અમે વિચાર પણ કેવી રીતે કરી શકીએ?

તેઓ શું કહેવા માંગે છે તે ન સમજાતા અનુરાધાએ બહુ આગ્રહ કરી વાતનો ફોડ પાડવા કહ્યું ત્યારે શશાંકની મમ્મીએ જે વાત કરી તેથી અનુરાધા પણ ચોંકી. શશાંક કઈ હોસ્પિટલમાં છે તે જાણ્યા બાદ અનુરાધા ત્યાં પહોંચી. મુલાકાતનો સમય હજી પૂરો થયો ન હતો એટલે તે શશાંકને મળી શકી.

‘અરે, અનુરાધા તું અહિયાં?’ મંદ સવારે શશાંકે પૂછ્યું.

‘હા, કાક, સોરી શશાંક, કેમ કોઈ વાંધો છે? મંજરી સાથે તે સંબંધ તોડ્યા એટલે શું મારી સાથે પણ સંબંધ ખતમ? અરે, તું ભલે ખતમ કરે પણ આ અનુરાધા એમ થવા ન દે અને જ્યારે પ્રશ્ન તેની સહેલીનો હોય ત્યારે તો કદાપિ નહીં.’

‘હવે તું આવી જ ગઈ છે તેનો અર્થ કે તને મારી હાલતની-બીમારીની જાણ પણ થઇ ગઈ છે. મહેરબાની કરીને મંજરીને કશું જાણવા ન દેતી. અમારો પ્રેમ કોઈ દૈહિક વાસના નથી અને હું સારી રીતે જાણું છું કે મંજરી સાથે લગ્ન બાબતમાં મેં યોગ્ય વર્તાવ નથી કર્યો પણ મારી મજબૂરી તું સમજી શકે છે.’

‘શશાંક, તું તારું મન મારી શક્યો એમ કહું તો ખોટું નથી. તેં જો સત્ય હકીકત મંજરીને જણાવી હોત તો તેનો શું પ્રતિભાવ હોત તે પણ હું તો ન કહી શકું પણ જ્યાં સુધી હું મારી સહેલીને જાણું છું, સમજુ છું, તે હિસાબે કહી શકું કે તેં મંજરીને સમજવામાં ભૂલ કરી છે.’


બીજે દિવસે સાંજે અનુરાધા મંજરીને ઘરે ગઈ અને કહ્યું કે તારે મારી સાથે આવવાનું છે. ક્યાં અને કેમ તેનો જવાબ ન આપતા અનુરાધાએ કહ્યું કે તે બધું તને આપોઆપ સમજાઈ જશે. ત્યારબાદ બંને શશાંક જે હોસ્પિટલમાં હતો ત્યાં પહોંચ્યા.

‘કોણ છે અહી? શું કોઈ જાણતી વ્યક્તિ છે?’

‘તું ઓળખે છે એટલે તો તને અહી લાવી છું.’

મંજરીથી ન રહેવાયું. ‘આમ મભમમાં કેમ વાત કરે છે?’

અનુરાધાએ જવાબ ન આપતાં રૂમ નં. ૧૦૯નો દરવાજો ખોલ્યો અને બંને અંદર ગયા. મંજરીએ જોયું કે ખાટલા પર શશાંક, તેનો કાક સુતો છે. પણ તેની આ હાલત? તેનાથી આ જોવાયું નહીં અને એકદમ બહાર નીકળી લોબીમાં રાખેલ બાંકડા પર ફસડાઈ પડી. તેની પાછળ અનુરાધા પણ બહાર આવી અને તેને સાંત્વના આપવા લાગી. અનુરાધાના હાથના સ્પર્શે તેની લાગણીઓ અશ્રુ વાટે બહાર આવી.


‘આ શું? મારા કાકની આ દશા અને મને ખબર જ ન પડી?’

‘તને ક્યા તેની પરવા હતી. છેલ્લે મનદુ:ખ સાથે તું તેનાથી છૂટી પડી પછી ક્યારેય તે તેનો સંપર્ક કર્યો છે?’

‘શા માટે કરૂં? તેને પણ મારી ક્યાં પરવા હતી?’

‘તારી પરવા હતી પણ તને ન સમજાયું. તેને કેન્સર છે તેની જાણ તે તને કરવા નહોતો માંગતો અને તેને કારણે તારી સાથે લગ્નનો વિચાર પણ માંડી વાળ્યો. આ નિર્ણય તેને માટે કેટલો કઠિન હતો તે તને નહીં સમજાય.’

‘પણ તેને આ ક્યારે થયું અને ક્યારે ખબર પડી?’

‘કોલેજના છેલ્લા છ મહિનામાં. તેને જ્યારે જાણ થઇ ત્યારે તેને પહેલો વિચાર તારો જ આવ્યો હતો. પણ વધુ વિગતમાં જવાનો આ સમય નથી. હવે તારો શું ઈરાદો છે?’

‘હું તેના જીવનના છેલ્લા દિવસોમાં સાથ ન આપું તો હું મંજરીના નામને લજાવું,’ કહી તે સ્વસ્થ મુખે ફરી અંદર ગઈ અને ખાટલાની બાજુમાં મુકેલી ખુરશી પર બેસીને શશાંકનો હાથ પોતાના હાથમાં લીધો.


‘મારા કાક, બસ, મને આટલી નબળી સમજ્યો? મારો તારા પ્રત્યેનો પ્રેમ એટલો કાચો ન હતો કે તેં મને સાચી વાત કરી હોત તો તને છોડી દેતે. મારી જિંદગી ન બગડે એટલે તે આપણી છેલ્લી મુલાકાતમાં મહોરું લગાવી તારા પ્રત્યે મારી નફરતને જાગૃત કરી. પણ ત્યાં જ તું ભૂલ કરી બેઠો. આ મંજરી તો કાક માટે જ જન્મી છે, ભલે તે તંદુરસ્ત હોય કે ન હોય.’

‘હું પણ તે જાણું છું પણ હું તારી જિંદગી બગાડવા નહોતો માંગતો એટલે મારા પ્રત્યે નફરત પેદા કરવા સિવાય કોઈ અન્ય માર્ગ ન હતો. તું કોઈ સારા સાથીને શોધી તારી જિંદગી સુખમય રીતે વિતાવે એ જ મારી ઈચ્છા હતી.’

‘તે કેમ માની લીધું કે હું અન્યને પસંદ કરી સુખમય જીવન વીતાવીશ? તે દિવસે મેં તને કહ્યું હતું કે ભલે હું અન્ય સાથે લગ્ન કરૂં તો પણ તે દૈહિક સંબંધ હશે. તારી આવી પરિસ્થિતિ જાણ્યા પછી હું તને તરછોડી દઈશ એવું તે કેમ માની લીધું?’

‘તને ઓળખવામાં મેં ભૂલ કરી તે માટે કાન પકડું છું.’

‘ના, હવે તો મારે જ તારા કાન પકડી તને સીધે રસ્તે લાવવો પડશે. તારી આ મંજરીમાં એ તાકાત છે કે તને પહેલા જેવો કરી તેના કાકને પામશે, કારણ હવે કેન્સર એ અસાધ્ય રોગ નથી અને તારો રોગ તો શરૂઆતનો છે.’

ન કેવળ શશાંકની આંખો પણ અનુરાધાની આંખો પણ ભીની થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy