કાચની બંગડીઓ
કાચની બંગડીઓ


સુહાસિની બારીમાં ઊભી હતી. ત્યાં જ તેણે બંગડીઓ વેચવાવાળીનો અવાજ સાંભળ્યો. " લાલ - લીલી, વાદળી - પીળી રંગબેરંગી કાચની બંગડીઓ...." તેણે નીચે નજર કરી ન કરીને બારી બંધ કરીને બેસી ગઈ. બંગડીવાળીનો અવાજ સાંભળી ફળિયાની બહેનો ફટાફટ બહાર આવી દરેકે પોતાની મન ગમતી બંગડીઓ લીધી.
સુહાસિની તેનો કબાટ ખોલીને ઊભી રહી. ઓ.. હો.. તેની પાસે તો કેટલી બધી બંગડીઓ છે... એમ વિચારતા વિચારતાં જ તેના ગળે ડૂમો ભરાઈ ગયો. અને તેના સૂના હાથ પર તેની નજર ગઈ, તેને સુહાગનાં શબ્દો યાદ આવી ગયા "તારી તો બંગડીઓ પણ તારા જેવું જ મધૂર સંગીત સંભળાવતી હોય એવું લાગે છે" એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.
બંગડીવાળીએ પૂછ્યું પેલા સુહાસિની બેન હજુ સુધી બંગડીઓ લેવા કેમ ન આવ્યા. મારો અવાજ સાંભળીને તો તે સૌથી પહેલા દોડતા આવે. આજે ઘરમાં નથી કે શું? એક બહેને તેને જવાબ આપ્યો.," હવે સુહાસિની બેન બંગડીઓ લેવા ક્યારેય નહિ આવે. તેનો સુહાગ તો.....
તેના સાસુ દરવાજામાં જ ઊભા હતાં તેમણે આ વાક્ય સાંભળ્યું અને તેમને તે સમય યાદ આવી ગયો. જયારે સૂરેશભાઈના અવસાન પછી એક દિવસ તે પોતે કબાટ ગોઠવતી હતી ત્યારે તેના ખાનામાં લાલ - લીલી કાચની બંગડીઓ તેણે જોઈ. એને સહજ ભાવે તેણે તેના સૂના હાથમાં બંગડીઓ પહેરી લીધી. દૂર ઊભેલા તેના સાસુએ તેની નોંધ લીધી. સરિતા બેનનું ધ્યાન તેની સાસુ તરફ ગયું અને તેની ચોરી પકડાઈ ગઈ હોય તેમ તેણે તરત જ બંગડીઓ કાઢીને કબાટ બંધ કરી દીધો. બીજા દિવસે સવારે તે નોકરીએથી આવી ત્યારે તેની સાસુ માંગવાવાળી બાઈને લાલ - લીલી કાચની બંગડીઓ આપતા જોયા. તેની આંખો ભીની થઈ. સૂરેશભાઈને ગમતી હતી એટલે તો સાચવી હતી. સરિતાબેન તરત જ સુહાસિનીના રૂમમાં દોડી ગયા તેણે જોયું કે સુહાસિનીનો કબાટ ખુલ્લો હતો. બંગડીઓ વેરવિખેર હતી અને સુહાસિની હાથમાં બંગડીઓ લઈને તેનો અવાજ કરતાં કરતાં રડી રહી હતી.
સરિતા બેને સુહાસિનીના માથા પર હાથ મૂકીને બોલ્યા, " તારો સુહાગ તો આજે પણ તારી સાથે જ છે. આત્માથી, તેની યાદોથી, તેના શબ્દોથી પણ...
ચાલ, ઊભી થા. તને મન ગમતી બંગડીઓ લઈ આવ. તારા માટે અને મારા માટે પણ.