Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational Children

4.5  

Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational Children

જયજયકાર

જયજયકાર

8 mins
449


મોડી રાતનો ફિલ્મનો શો જોઈને શક્તિ અને સૂરજ બંને મિત્રો ઘરે પાછા ફરી રહ્યા હતાં.

“સૂરજ, ફિલ્મ એકદમ વાહિયાત હતી નહીં?”

“ન સ્ટોરી, ન ગીતો, ન હીરો હિરોઈનની કોઈ એક્ટિંગ... નિર્દેશન પણ સાવ હંબગ. શક્તિ, આપણા તો પૈસા પડી ગયા.”

માર્ગ પર ચાલી રહેલા શક્તિના પગ અચાનક અટકી ગયા. તેને આમ હતપ્રભ ઊભેલો જોઈને સૂરજ બોલ્યો, “આમ બાઘાની જેમ શું ઊભો થઈ ગયો? ચાલ ઘરે નથી જવું?”

શક્તિએ ધીમેથી કહ્યું, “સૂરજ, આસમાન તરફ જરા નજર કર.”

શક્તિ જે દિશા તરફ જોઈ રહ્યો હતો ત્યાં સૂરજે નજર ફેરવતા તેનું મોઢું પહોળું થઈ ગયું. આકાશ તેજ રોશનીથી ઝગમગાઈ રહ્યું હતું અને એ રોશનીમાં રકાબી જેવી આકૃતિ સ્થિર ઊભી હતી. એ જોઈ સૂરજે ધીમા સ્વરે કહ્યું, “હે ઈશ્વર ! આ... આ... તો ઉડન તશ્તરી છે.”

શક્તિ, “ઉડન તશ્તરી ! મતલબ આપણી પૃથ્વી પર પરગ્રહવાસીઓ આવ્યા છે ! પણ શું કામ?”

સૂરજે શક્તિનો હાથ ખેંચતા કહ્યું, “શક્તિ, ચાલ અહીંથી મને ખૂબ ગભરામણ થઈ રહી છે. એ પરગ્રહવાસીઓ આપણને જોઈ જશે તો?”

શક્તિએ થોડાક રોષમાં કહ્યું, “અરે ! એક મિનિટ ઊભો રહે.“

“કેમ?”

“મારે જોવું છે કે તેઓ આપણી પૃથ્વી પર કેમ આવ્યા છે.”

“ઓહ ! બેટમજી... તું શક્તિ છે, શક્તિમાન નહીં જે પરગ્રહવાસીઓ સાથે લડત આપવા નીકળી પડ્યો. ચાલ ભાગ અહીંથી.”

આમ કહેવાની સાથે સૂરજ શક્તિને રીતસરનો ખેંચીને ત્યાંથી લઈ ગયો.

બીજા દિવસે સવારના પહોરમાં જ શક્તિએ સૂરજને ફોન લગાવ્યો, “આજના વર્તમાન પત્રમાં સમાચાર જોયા?”

સૂરજે બગાસું ખાતા કહ્યું, “કેમ ઉડન તશ્તરીના સમાચાર આવ્યા છે કે શું?”

શક્તિએ કહ્યું, “ના. ઉડન તશ્તરીના સમાચાર કોઈ જગ્યાએ નથી પરંતુ આપણા શહેરમાંથી રાતોરાત ઢોર-ઢાંખર ગાયબ થઈ ગયા છે એવી હેડલાઈન્સ છે ! વર્તમાન પત્રનું પહેલું પાનું આજ સમાચારથી ભરાયેલું છે?”

“શું? શહેરના ઢોર ઢાંખર રાતોરાત ગાયબ થઈ ગયા છે !”

“હા. ટેલિવિઝન પર પણ એ જ સમાચાર આવી રહ્યા છે.”

“ઉડન તશ્તરી વિષે કોઈ સમાચાર નથી?”

“ના?”

“સૂરજ, આનો મતલબ સમજ્યો?”

“શું?”

“કાલે રાતે પરગ્રહવાસીઓ આપણા શહેરમાંથી ઢોર ઢાંખર લઈ જવા આવ્યા હતાં.”

“પરંતુ શક્તિ, ઢોર ઢાંખરનું તે પરગ્રહવાસીઓને શું કામ પડ્યું?”

“આ પ્રશ્ન તો મારા મનમાં પણ ઉદભવી રહ્યો છે?”

“બીજી એક નવાઈની વાત એ પણ લાગે છે કે કાલે રાતે જે ઉડન તશ્તરી આવી હતી તે ફક્ત આપણા બંનેને જ દેખાઈ હતી !”

“સૂરજ, કદાચ એવું પણ બની શકે કે શહરમાં ભયનું વાતાવરણ નિર્માણ ન થાય એટલે ઊપરી અધિકારીઓએ ઉડન તશ્તરીની વાત છૂપાવી હોય.”

“હા, એ વાતની શક્યતા ખરી. પરંતુ તે પરગ્રહવાસીઓ આપણા શહરના ઢોર ઢાંખર કેમ લઈ ગયા હશે?”

“એ તો સૂરજ, કાલે તેં ઉતાવળ કરી ન હોત તો આપણે જાણી શક્યા હોત.”

“મને માફ કર શક્તિ, હું ડરી ગયો હતો. એક કામ કરીએ તો આજે આપણે ફરી ત્યાં જઈને તપાસ કરીશું.”

“ઠીક છે.”

એ દિવસે રાતે બંને મિત્રો જ્યાં ઉડન તશ્તરી દેખાઈ હતી તે જગ્યાએ ગયા. પરંતુ મોડી રાત સુધી રાહ જોવા છતાંયે ઉડન તશ્તરી દેખાઈ નહીં. આખરે તેઓ કંટાળીને ઘરે પાછા આવ્યા. બીજા દિવસના અખબારમાં બાજુના શહરના ઢોર ઢાંખર ગાયબ થવાના સમાચાર છપાયા હતાં. આમ અઠવાડિયા સુધી રોજ જુદા જુદા શહેરમાંથી ઢોર ઢાંખર ગાયબ થવાના સમાચાર આવતા રહ્યા. આખરે ન રહેવાતા સૂરજે શક્તિને ફોન કર્યો, “હલ્લો, શક્તિ સાંભળે છે?”

“શું?”

“આપણે બીજા શહેરમાં જઈને તપાસ કરીએ તો. કદાચ ત્યાં આપણને ઉડન તશ્તરી દેખાય.”

“સૂરજ, મૂરખ જેવી વાત કરીશ નહીં. આપણને શું ખબર કે પરગ્રહવાસીઓ ક્યાં શહેરમાં આવવાના છે તે ! એક જ રાતમાં આપણે કેટલા શહેરોમાં ભમીશું?” થોડુક રોકાઈ શક્તિ આગળ બોલ્યો, “એ જ રાતે આપણે ત્યાં રોકાયા હોત તો આજે આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો ન હોત.”

“શક્તિ, જે થઈ ગયું એ થઈ ગયું. હું તે માટે દિલગીર છું.” અચાનક કંઈક સૂઝતા તે ઉત્સાહથી આગળ બોલ્યો, “એક યુક્તિ છે.”

“શું?”

“આજે રાતે મારા ઘરે આવ. હું તને ત્યાંજ બતાવીશ.”

“અરે ! પણ યુક્તિ શું છે એ તો કહે?”

“કહ્યું ને કે ઘરે આવ ત્યારે જ કહીશ. ચાલ હવે ફોન મુકુ છું મારી યુક્તિને અમલમાં લાવવા મારે હજી બીજી ઘણી તૈયારીઓ કરવાની છે.”

“અરે ! પણ.”

સામે છેડેથી સૂરજે ફોન કટ કર્યો.

એ આખો દિવસ શક્તિ બેચેન થઈ ઘરમાં આંટાફેરા મારતો રહ્યો. આખરે સૂરજ શું યુક્તિ લડાવવાનો છે? રાત પડતા જ શક્તિ સૂરજના ઘરે જઈને પહોંચ્યો અને બોલ્યો, “બોલ સૂરજ પેલા પરગ્રહવાસીઓની શોધમાં તેં ક્યાં જવાનું વિચાર્યું છે?”

“કશે જ નહીં.”

“મતલબ? તેં મારી સાથે મજાક કરી હતી?”

“સબૂર... શક્તિ. સબૂર. આપણે પરગ્રહવાસીઓની શોધ કરવા કશે જ જવાનું નથી પરંતુ તેઓ જ અહીં મારા ઘરે આવશે.”

“શું બકવાસ છે.”

“બકવાસ નહીં. ધ્યાનથી સાંભળ. પરગ્રહવાસીઓ શું કરવા ધરતી પર આવે છે?”

“ઢોર ઢાંખર લેવા.”

“મારા ઘરની પાછળ આવેલા મેદાન તરફ જો.”

શક્તિ મેદાનમાં ઊભેલા ઢોર ઢાંખરોને જોઈને અચંબિત થઈ ગયો.

સૂરજ બોલ્યો, “શક્તિ, ઢોર ઢાંખર ગાયબ થવાના સમાચારથી બધા શહેરના રહેવાસીઓ ભયના ઓછાયામાં જીવી રહ્યા છે. જેના કારણે તેઓ પાણીના ભાવે પોતાના ઢોર ઢાંખર વેંચી રહ્યા છે. બસ મેં એ તકનો લાભ લઈ તમામ શહેરોના ઢોર ઢાંખર ખરીદી મારા ઘરના પાછળના મેદાનમાં લાવીને મૂકી દીધા છે. હવે તું જ કહે. ઢોર ઢાંખરની શોધ કરતા કરતા પરગ્રહવાસીઓ અહિયાં આવી ચડશે કે નહીં?”

“વાહ સૂરજ, વાહ... શું દિમાગ દોડાવ્યું છે. પરંતુ આ ઢોર ઢાંખર ખરીદવા પાછળ તે કેમ નાહકનો આટલો ખર્ચો કર્યો?”

“ભાઈ, વેપારીનો દીકરો છું. ક્યારેય ખોટનો ધંધો નહીં કરું, સમજ્યો? એકવાર પરગ્રહવાસીઓનું રહસ્ય ઉકેલાતા શહેર પરથી ઢોર ઢાંખર ગાયબ થવાનો ભય દૂર થઈ જશે. પછી આજ ઢોર ઢાંખર હું તેઓને વધારે રૂપિયામાં પાછા વેંચી દઈશ. જેટલા ગયા છે તેનાથી દસ ગણા હું કમાવીશ સમજ્યો ? ચાલ હવે અગાશી પર બેસી આપણે પરગ્રહવાસીઓ આવવાનો ઈંતેજાર કરીએ.”

મોડી રાત સુધી બંને મિત્રો અગાશીમાં બેસી ઉડન તશ્તરી આવવાની રાહ જોવા લાગ્યા. પરંતુ આસમાનમાં કોઈ હરકત દેખાઈ નહીં. રાહ જોતા જોતા બંને મિત્રોને ખબર જ ન પડી કે કયારે તેઓની આંખ લાગી ગઈ. રાતના લગભગ ત્રણ વાગે અચાનક સૂરજની આંખ ખુલી ગઈ. તેણે જોયું તો આસમાનમાં ઉડન તશ્તરી ઊભી હતી અને તેમાંથી એક તેજ પ્રકાશપુંજ નીકળી રહ્યો હતો. મેદાનમાં ઊભેલા ઢોર ઢાંખર પર એ પ્રકાશપુંજ પડતા તેઓ હવામાં ઊંચકાઈને ઉડન તશ્તરી તરફ ખેંચાઈ રહ્યા હતાંં.

“શક્તિ, ઊઠ”

શક્તિએ આંખ ચોળતા કહ્યું, “શું થયું?”

“ત્યાં જો. મારા બધા ઢોર ઢાંખર ઊડી ઊડીને પેલી ઉડન તશ્તરીમાં સમાઈ રહ્યા છે. દોસ્ત જલદી કંઈક કર નહીંતર હું બરબાદ થઈ જઈશ.”

શક્તિએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઝડપથી પગથિયાં ઉતરી ગયો. આ જોઈ સૂરજ બોલ્યો, “ક્યાં ચાલ્યો?”

શક્તિએ મક્કમતાથી કહ્યું, “દોસ્ત, હું શક્તિમાન નથી. પરંતુ તારો દોસ્ત શક્તિ જરૂર છું. મારી આંખ સામે આમ તને બરબાદ થવા નહીં જ દઉં.”

“અરે ! પણ તું શું કરવા જઈ રહ્યો છે?”

શક્તિએ જવાબમાં માત્ર મુસ્કુરાયો અને ઝડપથી પગથિયાં ઉતરી મેદાન તરફ દોડી ગયો.

“આ પાગલ આખરે શું કરવા જઈ રહ્યો છે?” આમ બોલતાની સાથે સૂરજે પણ તેની પાછળ દોટ લગાવી. શક્તિ ઉડન તશ્તરીમાંથી નીકળી રહેલા તેજ પ્રકાશપુંજની નીચે જઈને ઊભો રહ્યો. એ સાથે જાણે કોઈ અદ્રશ્ય તાકાત ખેંચી રહી ન હોય તેમ શક્તિ હવામાં ઉપર ઉઠવા લાગ્યો. આ જોઈ સૂરજ પણ પ્રકાશપુંજ નીચે જઈને ઊભો રહી ગયો. જયારે શક્તિએ સૂરજને હવામાં લહેરાતો જોયો ત્યારે તેણે જોરથી ચીસ પાડતા કહ્યું, “અરે ! તું ક્યાં મારી પાછળ પાછળ આવી ગયો ?”

“દોસ્ત, તને એકલાને હું જોખમમાં કેવી રીતે મૂકી શકું છું? હવે તો જીવીશું તો સાથે અને મરીશું તો સાથે.”

બંનેએ એકમેકના હાથ પકડી લીધા. એ સાથે તેઓ ઉડન તશ્તરીમાં પ્રવેશ્યા અને પલકારામાં શટર બંધ થઈ ગયું. ક્ષણનો પણ વિલંબ થયો હોત તો તેઓ ઉડન તશ્તરીમાં પ્રવેશી શક્યા ન હોત.

અહીં ઉડન તશ્તરીમાં તેઓને આમ પ્રવેશેલા જોઈ પરગ્રહવાસીઓ છળી ઉઠ્યા. તેમાંથી એક જણ બોલ્યું, “દીબાકા દીલૈયા નાંટુ વાદ્ધું ક્લીમીશ તયાનાર”

શકિતએ નવાઈ પામીને પૂછ્યું, “શું? અરે ભાઈ ! કંઈ સમજાય તેવું બોલ?”

પરગ્રહવાસીએ તેના કોટ પર લાગેલ એક લીલા રંગનું બટન દબાવ્યું અને બોલ્યો, “તમે લોકો અમારી તશ્તરીમાં કેમ આવ્યા ?”

સૂરજે જવાબ આપ્યો, “તમે અમારા પ્રાણીઓને ક્યાં લઈ જઈ રહ્યા છો ?”

“અમે તે બધાને અમારા ગ્રહ ઈલૈયાના પર લઈ જઈ રહ્યા છીએ. પરંતુ તમે અમારી ઉડન તશ્તરી પરથી ઊતરી જાઓ. જાઓ અહીંથી.”

“અમે અમારા પ્રાણીઓને લીધા વગર પાછા નહીં જઈએ. અમે પણ તેમની સાથે જ આવીશું.”

“અમે તમને લઈ જઈ શકતા નથી.”

“કેમ?”

“કારણ અમારી પાસે તે અંગેની પરવાનગી નથી.”

“તો પછી અમારા ઢોર ઢાંખરને લઈ જવાની પરવાનગી તમને કોણે આપી?”

“તેઓએ જ.”

“એટલે ! ! !”

“ધરતી પર આ પ્રાણીઓ અસહાય અને લાચાર અવસ્થામાં જીવી રહ્યા છે. તમે ધરતીના મનુષ્યો ફકત તેમનો ઉપભોગ જ કરી રહ્યા છો. આખો દિવસ બિચારા ખોરાક માટે જગ્યા જગ્યા એ વલખા મારે છે બદલામાં એ નિ:સહાયને તમે શું કરો છો? હડધૂત. તેઓ બિચારા રોજ આસમાન તરફ જોઈ તેમની પીડામાંથી છુટકારો મેળવવાની વિનંતીઓ કરતા રહેતા. એકદિવસ અમારા રડારમાં તેમની વિનંતી ઝીલાઈ અને અમે તેમને છૂટકારો અપાવવાનું નક્કી કર્યું.”

સૂરજ અને શક્તિ નીચું જોઈ ગયા.

શક્તિ બોલ્યો, “અમને માફ કરો અમને અમારી ભૂલ ખબર પડી ગઈ છે. આજ પછી અમે દરેક પ્રાણીઓને ખૂબ કાળજીપૂર્વક રાખીશું. કૃપા કરી તેઓને પાછા ધરતી પર છોડી દો.”

પરગ્રહવાસીઓએ એકબીજા સાથે થોડીકવાર ચર્ચા વિચારણા કરી ત્યારબાદ તેમાંથી એકજણા એ કહ્યું, “ઠીક છે. તમારા કથન પર વિશ્વાસ મૂકી અમે બધા ઢોર ઢાંખર જ્યાંથી ઉપાડ્યા હતાં ત્યાં પાછા મૂકી જઈશું પરંતુ...”

સૂરજએ પૂછ્યું, “પરંતુ શું?”

પરગ્રહવાસી બોલ્યો, “પરંતુ આજ પછી કોઈપણ પ્રાણીની ફરિયાદ અમારી પાસે આવી તો અમે ધરતી પરના બધા પ્રાણીઓને ઊઠાવીને અમારા ગ્રહ ઈલૈયાના પર લઈ જઈશું. બોલો મંજૂર છે?”

શક્તિ અને સૂરજ એકસાથે બોલ્યા, “મંજૂર છે.”

તુરંત એક તેજ પ્રકાશપુંજ ઝબકયો. તે સાથે સૂરજ, શક્તિ અને ઢોર ઢાંખર સહીત ધરતી પર આવી પહોંચ્યા.

બંનેને તશ્તરીમાંથી અવાજ સંભળાયો, “બીજા ઢોર ઢાંખર અમે જ્યાંથી ઉપાડ્યા હતાં ત્યાં મૂકી દઈશું.”

બીજા દિવસના સમાચારો સૂરજ અને શક્તિના પરાક્રમોથી ભરાયેલા હતાંં. જેઓએ સસ્તા દરે પોતાના ઢોરો સૂરજને વેચ્યા હતાં તેઓ સહુ હોંશે હોંશે સૂરજ પાસે ઢોરો ખરીદવા આવ્યા. ત્યારે સૂરજે કીધેલા ભાવ સાંભળી તેમના હોંશ ઊડી ગયા.

“સાહેબ, તમે પરોપકારી માણસો છો. કૃપા કરી તમે જે ભાવે ઢોરો ખરીદ્યા હતાં તે જ ભાવે અમને પાછા આપો.”

સૂરજે ભવા ચઢાવીને પૂછ્યું, “ના મેં જે ભાવ કહ્યો તે આખરી છે. હું શું કામ ખોટનો ધંધો કરું ?”

“સાહેબ, અમારા ગરીબો પર દયા કરો.”

“પરંતુ હું શું કામ તમારી પર દયા કરું ? શું તમે તમારા આ મૂંગા જીવો પર ક્યારે દયા દાખવી ? ના... જો આજ પછી તમે તેમનું કાળજીપૂર્વક જતન કરવાનું વચન આપશો તો જ હું તે તમને તમારા ભાવે પાછા આપીશ.”

સહુએ હોંશે હોંશે સૂરજની શરત મંજૂર રાખી.

શક્તિ બોલ્યો, “જો તમે તમારા પ્રાણીઓની સારી રીતે દેખભાળ નહીં કરો તો પેલા પરગ્રહવાસીઓ પાછા ધરતી પર આવી તેમને લઈ જશે. અને ત્યારે અમે પણ કશું નહીં કરી શકીએ.”

બધા એકસાથે બોલ્યા, “અમને અમારી ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો છે. આજ પછી અમે અમારા દરેક પ્રાણીઓને સગા દીકરાની જેમ વહાલ આપીશું.”

આમ બધા છૂટા પડ્યા સૂરજ અને શક્તિના નામનો પોકારી જયજયકાર.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy