'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

જ્યાં સ્વચ્છતા ત્યાં સંપ

જ્યાં સ્વચ્છતા ત્યાં સંપ

2 mins
706


અમદાવાદની ગંદકી જોઈને ત્યાંના નવા પ્રમુખને ખૂબ જ દુ:ખ લાગ્યું. સાથે સાથે તેઓએ એ પણ જોયું કે લોકો આડા-અવળો કચરો નાખે છે, તેથી ઝઘડા પણ થાય છે. એકબીજાના દરવાજા સામે કચરો નાખીને ઝઘડાનું પ્રમાણ વધી જાય છે. રસ્તામાં પણ જ્યાં-ત્યાં કચરાના ઢગલા પડયા છે. આ કચરાને લીધે ગટરો પણ ઊભરાતી હતી. રસ્તા ગંદા પાણીથી તરબોળ હતા. પ્રમુખ સાહેબે આ બધું જોયું. તેમનો આત્મા તડપી ઊઠયો.

હવે તેઓએ પોતાની કામગીરી બજાવવાની હતી. પ્રમુખ તરીકે પોતાની કાબેલિયત બતાવવાની હતી. લોકોમાં સંપ લાવવાનો હતો. પોતાની આવડતનો અહીં બરાબર ઉપયોગ કરવાનો હતો. તેમને જરાય શાંતિ નથી. લોકોનું સુખ ઈચ્છનાર કદી' શાંતિથી ન રહી શકે. તેઓએ પ્રમુખ તરીકેની પહેલી કામગીરી કઈ કરવી તે નિર્ણય કરી લીધો.

હવે તેઓએ પોતાની રચનાત્મક કામગીરી હાથ ધરી લીધી. પોતાના એક સાથીદાર ડો. હરિપ્રસાદને એક કામગીરી સોંપી. તેમના મારફત જુદી જુદી ટુકડીઓ બનાવી. ટુકડીઓને અમદાવાદની જુદી જુદી પોળોમાં રવાના કરી દીધી. આયોજન મુજબ કામગીરી ચાલુ થઈ ગઈ. આ ટુકડીઓ પોળોમાંથી કચરાના ઢગલા ઉપાડવા લાગી. આ કચરાનો શહેરથી દૂર નિકાલ થવા લાગ્યો. રસ્તા સાફ થવા લાગ્યા. હવે કચરો દેખાતો નથી. કોઈ ફેંકે છે તો તરત ઉપાડી લેવામાં આવે છે. આ જોઈને લોકોને પણ જાણે શરમ આવી હોય એમ રસ્તામાં કચરો ફેંકવાનું બંધ કર્યું. ગટરો બરાબર વહેવા લાગી. કયાંય રસ્તા ઉપર ઊભરાતી નથી. રસ્તા સાફ, પોળો સાફ, અમદાવાદ સાફ અને સાથે સાથે લોકોનાં મન પણ સાફ ! કચરાને લીધે થતો ઝઘડો બંધ થયો. કચરો ગયો, તો ઝઘડો ગયો. શહેર સાફ, તો મન સાફ અને લોકોનાં મનને નિર્મળ બનાવનાર એ પ્રમુખ સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ.

કોઈપણ રીતે ઝઘડાનું કારણ તો કચરો જ હોય છે. પછી તે રસ્તા પરનો કચરો હોય, કે માણસના મનમાં ભરાયેલો કચરો હોય. મનનો કચરો પણ ઘણી રીતનો હોય છે. કોઈક મનમાં પોતાની અમીરીના ઘમંડનો કચરો હોય છે, કોઈક મનમાં પોતાના બળના અહમનો કચરો હોય છે, કોઈક મનમાં આળસનો કચરો હોય છે, તો કોઈક મનમાં અજ્ઞાનતાનો કચરો હોય છે. આવા બધા કચરા દૂર થઈ જાય તો ઝઘડા થાય જ નહિ અને સૌ સંપીને રહે.


Rate this content
Log in

Similar gujarati story from Classics