JHANVI KANABAR

Drama

3.5  

JHANVI KANABAR

Drama

જૂથની બહાર

જૂથની બહાર

7 mins
23.8K


`સાન્નિધ્ય, નેક્સ્ટ વિક કેરિયર સેમિનાર છે, તું આવવાનો ને ?’ અમિતે બાઈક ચાલુ કરતાં પૂછ્યું.

`હા, યાર છૂટકો છે, ગયા વગર ? મારા બાપા ધૂળ કાઢી નાખે મારી...’ સાન્નિધ્યએ અણગમા સાથે કહ્યું.

`પણ કાલે તો ટેલેન્ટ ડે છે એટલે આપણો જલવો જોશે, કોલેજના બધા...’ વિધાને સાન્નિધ્યને મૂડમાં લાવવા ટોપિક બદલ્યો. સાન્નિધ્યના મોં પર પણ આનંદની લહેર આવી ગઈ. `ચાલ, યાર આજે સ્ટેજ રિહર્સલ છે.... કાલે ધૂમ મચાવી દઈશું, જોજે ને કોલેજની બધી છોકરીઓની જીભ પર આપણું જ નામ હશે....’ કહી સાન્નિધ્ય ગેલમાં આવી ગયો.

અમિત બેયની સામે હસીને ચાલ્યો ગયો. તેને આ ટેલેન્ટ ડેમાં કોઈ ઈન્ટરસ્ટ નહોતો. તેને તો બસ કોલેજ પછી ગવર્મેન્ટ જોબ મેળવવા હાથપગ મારવાના હતા.. સાન્નિધ્ય અને વિધાન રિહર્સલ માટે કોલેજના ઓડિટોરિયમ તરફ ચાલવા લાગ્યા.

રિહર્સલ પતાવી સાન્નિધ્ય ઘરે આવ્યો. ફ્રેશ થઈ પોતાના ગિટારને ચેક કરવા લાગ્યો. ટેલેન્ટ ડે પર પહેરવાના કપડા અને શુઝ ટ્રાય કરી લીધા. સાન્નિધ્ય આવતીકાલના પોતાના પરફોર્મન્સને લઈને ખૂબ જ ઉત્સાહમાં હતો. `સાન્નિધ્ય, બેટા ચાલ... ડિનર રેડી છે...’ મમ્મીની બૂમ સાંભળી `આવું મમ્મી’ કહી સાન્નિધ્ય પાછો પોતાના કામે લાગી ગયો. `ચાલને બેટા, ડિનર કરી લે.. બીજુ બધુ પછી કરજે...’ સુશિલાબેને રિક્વેસ્ટ કરતા બુમ પાડી... સાન્નિધ્ય બધુ પડતું મૂકી ડિનર ટેબલ પર આવી ગયો.

`એવું શું ઈમ્પોર્ટન્ટ કામ કરતો હતો તું ?’ સાન્નિધ્યના પપ્પા સુનિલભાઈએ પૂછ્યું.

`પપ્પા, કાલે કોલેજમાં ટેલેન્ટ ડે છે, તો હું ગિટાર પ્લે કરું છું...’ સાન્નિધ્યએ ખચકાતા ખચકાતા કહ્યું.

`હમમમ... આ કોલેજનું છેલ્લુ વર્ષ છે, જે કરવું હોય એ કરી લે. કેરિયર સેમિનાર ક્યારે છે ?’ સુનિલભાઈએ કરડાકીથી પૂછ્યું.

`નેક્સ્ટ વીક સેટરડે’ સાન્નિધ્યએ આડુઅવળું જોતા કહ્યું.

`ઠીક છે તો કેરિયર સેમિનાર અટેન્ડ કરી લો, પછી ગવર્મેન્ટ જોબ માટે તૈયારી શરૂ કરો. આ ગિટારફિટાર કંઈ કામમાં નહિ આવે આખી જિંદગી...’ સુનિલભાઈએ સલાહ આપતા કહ્યું.

`ઓકે પપ્પા..’ સાન્નિધ્યએ ટૂંકમાં પતાવ્યું. આમ પણ તેને તો કાલનો દિવસ માણવો હતો. વાહવાહ સાંભળવી હતી. પોતાનું ટેલેન્ટ બતાવવું હતું. ડિનર કરી, પથારીમાં પડ્યો પડ્યો ધૂન ગણગણવા લાગ્યો. થાકને કારણે ક્યારે ઊંઘ આવી ગઈ એ તેને પોતાને ખબર ન રહી. છ વાગ્યાનું એલાર્મ વાગતાં જ સાન્નિધ્ય ઊઠીને તૈયાર થવા લાગ્યો. ક્લીન શેવ્ડ, હેરજેલ અને ડિઝાઈનર ટીશર્ટ સાથે જિન્સમાં સાન્નિધ્ય બોલિવુડ એક્ટરથી ઓછો નહોતો લાગતો. ગિટાર અને કોલેજબેગ લઈ મમ્મીને બાય કહી બાઈક સ્ટાર્ટ કર્યું. પચીસેક મિનિટમાં કોલેજ પહોંચી ગયો.

ઓડિટોરિયમ ખચોખચ ભરેલું હતું. પૂજા નૃત્યથી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. એ પછી એફ.વાય.ના સ્ટુડન્ટસે માઈમ કર્યા. એસ.વાય.ના સ્ટુડન્ટસે સિંગિંગ અને ડાન્સ પરફોર્મ કર્યું. હવે વારો હતો ટી.વાય.ના સ્ટુડન્ટસનો. વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે સાન્નિધ્ય અને તેની ટીમ રેડી થઈ. પરફોર્મન્સ સ્ટાર્ટ થયું. ઓડિયન્સના તાળીઓના ગડગડાટ વચ્ચે પરફોર્મન્સ પૂરુ થયું, પણ હજુ ઓડિયન્સ ધરાઈ નહોતી.... એટલે વોન્સ મોર વોન્સ મોર... ના નારા વાગવા લાગ્યા. બીજીવાર ધમાકા સાથે પરફોર્મન્સ થયું. ટેલેન્ટ ડેમાં સાન્નિધ્યની ટીમે રંગ જમાવ્યો. પ્રથમ પુરસ્કાર પણ તેની ટીમ જ લઈ ગઈ. પ્રોગ્રામ પૂરો થયો એટલે ક્ષિપ્રા સાન્નિધ્યની પાસે આવી, તેને કોન્ગ્રેટ્સ કીધું અને સાન્નિધ્યનું પરફોર્મન્સનો વિડિયો જે તેણે પોતાના મોબાઈલમાં લીધો હતો, તે બતાવ્યો. સાન્નિધ્ય ખુશ થઈ ગયો.

કોલેજ પછી સાન્નિધ્ય અને ક્ષિપ્રા સેલિબ્રેટ કરવા મુવી જોવા ગયા. પોપકોર્ન ખાતાખાતા ક્ષિપ્રાએ સાન્નિધ્યના ખભે માથું નાખતા કહ્યું, `જાન, મેં પપ્પા-મમ્મીને આપણી વાત કરી. પપ્પા તને મળવા માંગે છે.’ સાન્નિધ્ય ચમકી ગયો... `હેં ??’

`હા... નેક્સ્ટ સન્ડે...’ ક્ષિપ્રાએ કહ્યું.

`આ તો ગુડન્યુઝ છે.. જાનું... શ્યોર આવીશ.’ સાન્નિધ્ય ઉછળી પડ્યો.

`પ્લીઝ... તારાથી પપ્પા ઈમ્પ્રેસ થઈ જવા જોઈએ... નહિતો આપણા સંબંધ માટે નહિ માને પપ્પા.’ ક્ષિપ્રાએ વોર્નિંગના સૂરમાં રિકવેસ્ટ કરતાં કહ્યું.

`બિલકુલ.. થઈ જશે ઈમ્પ્રેસ’ આત્મવિશ્વાસ સાથે સાન્નિધ્યએ ક્ષિપ્રાને પ્રોમિસ કરી દીધું.

જોતજોતામાં `કેરિયર સેમિનાર’ નો દિવસ આવી ગયો. સેમિનારમાં ઘૂસતા પહેલા સાન્નિધ્યને પપ્પાની વોર્નિંગ યાદ આવી ગઈ. સેમિનારમાં મોટીવેશનલ લેક્ચર ચાલતા હતા પણ અહીં કોને એમાં રસ હતો ? વિધાન અને સાન્નિધ્યથી માંડમાંડ કલાક નીકળ્યો. હવે તો સહન નહોતું થતું... બહાર નીકળ્યા અને બંને એકબીજાની સામે જોઈ હસી પડ્યા. `ભાઈ, ચા પીવી પડશે...’ વિધાને કહ્યું. ચા પીતા પીતા સાન્નિધ્યએ કહ્યું, `ભાઈ સેમિનાર સાંભળીને કેટલાય મૂરખાઓએ સરકારી નોકરીની તૈયારી ચાલુ કરવાનું નક્કી કર્યું હશે.’

`હા, વાત સાચી તારી, પણ ભાઈ આ સરકારી નોકરી આપણા કામની વાત નથી. આટલી બધી મહેનત કોણ કરે યાર.. કોલેજમાં માંડમાંડ પાસ થઈએ ને આ તો.... એના કરતાં આપણે પ્રાઈવેટ જોબ જ બરાબર છે.’ હસતા હસતા વિધાને કહ્યું.

બંને મિત્રો જુદા પડ્યા. સાન્નિધ્ય ઘરે પહોંચ્યો કે તરત જ મમ્મીએ પૂછ્યું, `કેવો રહ્યો સેમિનાર ?’ `ઠીક હતો મમ્મી !’ કહી સાન્નિધ્યએ બેગ એકબાજુ ફંગોળી.

રાતે પપ્પાએ સાન્નિધ્યને સેમિનાર માટે પૂછ્યું અને જોડે સરકારી નોકરી માટે પણ... `હા પપ્પા. ડિટેઈલ્સ આપી છે એક્ઝામની... ફોર્મ ભરવું પડશે !’ સાન્નિધ્યએ જવાબ આપ્યો. `ઠીક છે, તો કરો તૈયારી ચાલુ’ કહી પપ્પા રૂમની બહાર ચાલ્યા ગયા.

સાન્નિધ્યએ આડા પડતા પડતા મોબાઈલમાં જોયું, ક્ષિપ્રાના મેસેજીસ હતા. અચાનક તેને યાદ આવ્યું કે, કાલે રવિવાર છે અને ક્ષિપ્રાના પપ્પાને મળવા જવાનું છે. હજુ તો એક સ્ટ્રેસમાંથી બહાર આવે છે ત્યાં આ બીજી બલા... હજુ સાન્નિધ્યએ પોતાના ઘરમાં ક્ષિપ્રા વિશે કંઈ જ વાત નહોતી કરી. પહેલા ક્ષિપ્રાના ઘરેથી લીલીઝંડી આવે એટલે વાત કરીશ, એમ વિચાર્યુ હતું..

સવારમાં સાન્નિધ્ય ફોર્મલ કપડા પહેરી રેડી થઈ, ભાઈબંધને ત્યાં જઉ છું.’ કહી ઘરેથી નીકળી ગયો. ક્ષિપ્રાના ઘરે પહોંચતાં જ ક્ષિપ્રાના મોં પર સ્માઈલ આવી ગઈ. `આવો આવો બેસો.’ ક્ષિપ્રાના મમ્મીએ સાન્નિધ્યને આવકાર આપ્યો. સાન્નિધ્ય સોફા પર બેઠો પણ તેના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા, થોડો ડર પણ હતો. તે કમ્ફર્ટેબલ નહોતો. એટલામાં ક્ષિપ્રાના પપ્પા આવ્યા એટલે સાન્નિધ્ય `હેલો અંકલ’ કહી ઊભો થયો. `બેસો બેસો..’ કહી ક્ષિપ્રાના પપ્પા તેની બાજુમાં જ ગોઠવાયા. `ચા-નાસ્તાની વ્યવસ્થા કરો.’ કહેતા તેમણે ક્ષિપ્રાની મમ્મીને ઈશારો કર્યો.

હવે થયો સવાલોનો દોર ચાલુ... સાન્નિધ્યને લાગ્યું કે હવે કેબીસી ચાલુ થયું.. એટલે એ પણ રેડી થઈ ગયો.

`ક્યાં રહેવાનું તમારે ?’

`મણિનગર’

`આગળ શું કરવાનું છે ?’

`જોબ કરીશ અંકલ.’

`પ્રાઈવેટ કે ગવર્મેન્ટ ?’

`હજુ નક્કી નથી. અંકલ !’

`ઠીક છે. જો એકાદ વર્ષમાં ગવર્મેન્ટ જોબનું ગોઠવાઈ જાય તો પછી તમારા પેરેન્ટસ જોડે વાત કરીએ, તમારા અને ક્ષિપ્રા માટે..’

સાન્નિધ્ય સમજી ગયો કે, અહીં પણ ગવર્મેન્ટ જોબ પર જ સવાલ આવીને અટકી ગયો છે. તેણે શાંતિથી ચા-નાસ્તો પતાવી, ફોર્માલિટિ કરી અને નીકળી ગયો. ઘરે પહોંચતા જ ક્ષિપ્રાનો ફોન આવ્યો...

`હલ્લો જાન ! પપ્પાનું કહેવાનું તું સમજી ગયો ને ?’

`હા જાનુ સમજી ગયો... પણ ગવર્મેન્ટ જોબ મળવી એટલી સહેલી નથી. જો નહી મળે તો શું કરીશું ?’

`તો તો મારા પપ્પા નહિ માને જાન...’

`એટલે ? નહિ માને તો તું મને છોડી દઈશ ?’

`બીજો કોઈ રસ્તો નથી જાન... પણ તું એમ કેમ વિચારે છે ? તું ટ્રાય તો કર !’

સાન્નિધ્યએ વાત પૂરી કર્યા વગર ગુસ્સામાં ફોન કટ કરી નાખ્યો. હવે તેનું ટેન્શન ડબલ થઈ ગયું હતું. બીજા દિવસે તેણે વિધાનને બધી વાત કરી. વિધાને પણ કહ્યું, `યાર મારા ઘરેથી પણ ગવર્મેન્ટ જોબ માટે પ્રેશર છે.’ આખરે કંટાળીને કમને પણ બંનેએ લાયબ્રેરીમાં જવાનું ચાલુ કરી દીધું. ફોર્મ પણ ભરી દીધા. એમાંય બધા અંદરોઅંદર વાતો કરતા કે, લોકો 10-10 વર્ષથી પરીક્ષાઓ આપે છે તોય પાસ નથી થતા. કેટલાક વિદ્યાર્થીઓ આવું સાંભળી હતાશ થતા તો કેટલાક બમણી મહેનત કરવા લાગતા. જોતજોતામાં પરીક્ષા અપાઈ ગઈ.. પરિણામ આવી ગયું પણ સાન્નિધ્ય કે વિધાન પાસ ન થયા. આ બાજુ ક્ષિપ્રાના પપ્પા ક્ષિપ્રાના લગ્નની ઉતાવળ કરવા લાગ્યા, પણ સાન્નિધ્યનું પરિણામ સારુ ન આવ્યું, એટલે વધુ રાહ જોયા વગર ક્ષિપ્રાના લગ્ન પોતાની જ્ઞાતિના અન્ય છોકરા જોડે કરાવી દીધા. સાન્નિધ્ય ખૂબ દુઃખી થયો પણ ક્ષિપ્રાએ તેના પપ્પા આગળ આટલું જલ્દી નમતુ જોખી દીધુ એ વાતથી તે ક્ષિપ્રાથી ખૂબ નારાજ પણ હતો. હવે શું થવાનું હતું ?

આમ ને આમ છ મહિના વીતી ગયા. ફરી ફોર્મ બહાર પડ્યા, ફરી વાંચવાનું શરૂ કરી દીધું. આ વખતે બમણી મહેનતથી સાન્નિધ્ય પાસ થઈ ગયો. તેને ગવર્મેન્ટ જોબ લાગી ગઈ. ઘરમાં ખુશી છવાઈ ગઈ. વિધાન હજુ પાસ નહોતો થયો પણ સાન્નિધ્યની સફળતાથી તે ખુશ હતો. એકવાર બંને મિત્રો ચા પીવા જતાં હતાં, ત્યાં ગાર્ડન પાસેથી પસાર થતા તેમણે જોયું કે, ગાર્ડનમાં એક મ્યુઝિક ગ્રુપ પરફોર્મ કરતું હતું અને તેમાંનું કોઈ એક વિડિયો ઉતારતું હતું. વિધાન અને સાન્નિધ્યની જૂની યાદો જાગી ગઈ. તેઓ એ ગ્રુપ પાસે ગયા અને પૂછ્યું તો ખબર પડી કે, આ વિડિયો તેઓ યુટ્યુબમાં મૂકે છે. વિધાને ગ્રુપમાંના એક જણને પૂછ્યું, `તમારો બધો ખર્ચો કોણ કાઢે છે અને આમાંથી શું મળે છે ?’ તો એમાંથી એકે જવાબ આપ્યો, `અમે એન્જોય કરીએ છીએ, યુટ્યુબ પર અમારા સબસ્ક્રાઈબર વધતા જાય છે તો એમાંથી થોડા પૈસા પણ મળે છે, એમ કરતાં કરતાં વધતા જાય છે.’

વિધાન અને સાન્નિધ્ય આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા. વાહ, આ સારુ.. મજા કરવાના પણ પૈસા મળે... એટલું જ નહિ, વધુ પૂછપરછથી ખબર પડી કે, આ ગ્રુપમાં એન્જિનિયરીંગ, એમસીએ જેવું ભણેલા વિદ્યાર્થીઓ પણ હતાં. સાન્નિધ્યના મગજમાંથી આખી રાત આ વાત ગઈ નહિ.

સવારે ઊઠતાં જ સાન્નિધ્યએ વિધાનને ફોન કર્યો, અને બંને મિત્રોએ કંઈક નક્કી કરી લીધું. નાસ્તા માટે ટેબલ પર ગોઠવાતા જ સાન્નિધ્યએ પપ્પાને કહ્યું, `પપ્પા હું આ ગવર્મેન્ટ જોબ નથી કરવા માંગતો.’

`પણ કેમ ?’ પપ્પાથી જોરથી બોલાઈ ગયું.

`મને જે ગમે છે, જેમાંથી આનંદ મળે છે એ જ હું કરીશ. મારે ઘાંચીના બળદની જેમ એકની એક જગ્યાએ નથી બેસી રહેવું. ઘેટાબકરાની જેમ એક જ કતારમાં નથી ચાલવું. મારે કંઈક અલગ કરવું છે.’ કહી સાન્નિધ્ય સુનિલભાઈનો કોઈ જ અભિપ્રાય લીધા વગર રૂમમાં ચાલ્યો ગયો.

સાન્નિધ્યએ મોબાઈલમાંથી પોતાના મ્યુઝિક ગ્રુપ મેમ્બર્સના નંબરો શોધ્યા અને એક ગ્રુપ બનાવી દીધું. ગ્રુપમાં મેસેજ કરી દીધો... `ઈફ યુ વોન્ટ ટુ ડુ સમથીંગ ડિફરન્ટ, ધેન જોઈન અસ.... વી આર બેક અગેઈન...’


Rate this content
Log in

Similar gujarati story from Drama