Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Mariyam Dhupli

Fantasy


3  

Mariyam Dhupli

Fantasy


જુદોજ માણસ

જુદોજ માણસ

6 mins 570 6 mins 570

આજે વહેલી સવારથીજ રાધિકા ખુબજ ઉત્સાહી હતી. મનનો ઉત્સાહ એના દરેક કાર્યોમાં અને કાર્યોની ઝડપમાં સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો. ગરમાગરમ સ્વાદિષ્ટ નાસ્તાની સુગંધથી આખું રસોડું સુમધુર મહેકી ઉઠ્યું હતું. મન જેટલું પ્રસન્ન હતું એટલુંજ આતુર પણ. કેટકેટલું આયોજન મનોમન એણે ગોઠવી રાખ્યું હતું. કઈ કઈ તૈયારીઓ કરવાની હતી એ અંગેની યાદી મનમાં એકની ઉપર એક ગોઠવાતી જઈ રહી હતી. સમયની વહેંચણી દરેક કાર્ય માટે ગણતરીપૂર્વક તૈયાર હતી. હૃદયનો જોમ અને જોશ એના રોમેરોમમાં છલકાઈ રહ્યો હતો.

કેટલી આનંદિત એ દીસી રહી હતી ! આજે સુબોધનો જન્મ દિવસ હતો. પોતાના વ્હાલા પતિના જન્મદિવસને પોતાના તરફથી મહત્તમ પ્રયાસો દ્વારા જેટલો સુંદર બનાવી શકાય એટલો બનાવી આપવાનો એ એક નિખાલસ ,પ્રેમ સભર પ્રયાસ હતો.

સુબોધ રસોડામાં પ્રવેશ્યો અને ગરમાગરમ પોતાના ગમતા નાસ્તાની સુગંધથીજ મંત્રમુગ્ધ થઇ ઉઠ્યો. રાધિકાએ સ્નેહ પૂર્વક એનો હાથ થામી, એનું શરીર ટેબલ તરફ ખેંચ્યું. કુરશી પાછળ તરફ હડસેલી સુબોધનું રાજાશાહી સ્વાગત કર્યું. સુબોધનો ચ્હેરો પૂર્ણિમાના ચન્દ્ર સમો ખુશીથી ચળકી ઉઠ્યો. રાધિકાએ હળવેથી એની પીસાની ઉપર ચુંબન કર્યું અને મધ જેવા મીઠા શબ્દોમાં અભિવાદન કર્યું.

"જન્મ દિવસની અઢળક શુભકામનાઓ. ઈશ્વર આપને હંમેશા ખુશ અને સ્વસ્થ રાખે."

સુબોધની આંખો ભાવવિભોર થઇ ઉઠી. એ ભાવનાઓના સમુદ્રમાં રાધિકાની નજર થોડા સમય માટે ઊંડી ઉતરી. ચૂલા ઉપરથી કૂકરની સિસોટીએ બન્ને ને સતર્ક કર્યા.

"અરે ઓફિસનો સમય થવા આવ્યો છે. નાસ્તો કરી લઈએ. "

રાધિકાએ બમણા ઉત્સાહ જોડે નાસ્તો પીરસ્યો. એકબીજાનો સ્નેહસભર સાથ નાસ્તાના ટેબલને જ નહીં એ નાનકડા ઘરના દરેક ખૂણાને પ્રીતના દિપકોથી દીપાવી રહ્યો.

અત્યંત ખુશીથી નાસ્તાનો આનંદ માણી રહેલ સુબોધને રાધિકા એકીટસે નિહાળી રહી હતી. ઘણા સમય પછી આ ઘર અને સંબંધની ખુશીઓ ધીમે ડગલે પરત થઇ રહી હતી. પણ અહીં ઝડપ મહત્વની ક્યાં હતી ? ધીમે ડગલે તો ધીમે ડગલે , શાંતિ અને સુખ પરત મળી રહે એટલુંજ પર્યાપ્ત નહીં ? રાધિકાને તો જાણે આ ખુશીઓ ઉપર કાળી કાજલનું ટપકું કરવું હતું. પણ સંબંધો ઉપરતો ફક્ત વિશ્વાસ અને આશાનુંજ ટપકું કરી શકાય. એ ટપકું તો એ નિયમિત કરીજ રહી હતી ને...

રાધિકાના હાથથી તૈયાર થયેલ નાસ્તાથી સુબોધના દિવસની અતિ સુંદર, શુભ શરૂઆત થઇ ચુકી હતી. એ વાતનો સંતોષ સુબોધના શરીરના હાવભાવોમાં અને એની સંતુષ્ટ, તૃપ્ત આંખોમાં પારદર્શક થઇ ઉઠ્યો હતો. એ તૃપ્તતા અને સંતોષ જ તો રાધિકાના સ્નેહનું પારિતોષિક હતું.

ઓફિસની બેગ લટકાવી ઘરની બહાર નીકળી રહેલા સુબોધને રાધિકાનો ચિંતિત સ્વર સંભળાયો.

" સુબોધ....."

રાધિકાના આગળ ન ધપી શકેલ શબ્દો સુબોધ સારી પેઠે પામી ગયો. રાધિકાની નજીક જઈ એણે રાધિકાના બન્ને હાથ પોતાના હાથમાં થામી લીધા.

"ચિંતા ન કર. મને મારું વચન યાદ છે..."

સુબોધના આટલાંજ શબ્દોથી રાધિકાની બધી જ ચિંતાઓ જાણે કણ કણ ઓગળી ગઈ.

સુબોધ ઓફિસ માટે નીકળ્યો અને ફરીથી ઉત્સાહ અને જોમે રાધિકાના શરીરમાં પોતાનું સ્થાન બનાવી લીધું. આજની સાંજ સુબોધ જોડેના એના લગ્ન જીવનની સૌથી શ્રેષ્ઠ સાંજ બનાવી આપવાનો પડકાર એણે પોતાના નાજુક ખભાઓ ઉપર હોંશે હોંશે ઉઠાવી લીધો.

આખો દિવસ એણે અથાક, અવિરત દોડાદોડી કરી. બજાર જઈ જમણ અને મીઠાઈ માટેની સામગ્રીઓ ખરીદી. એક નાની, સુંદર કેક, મીણબત્તીઓ અને સુબોધને ગમતી અન્ય ખાદ્ય સામગ્રીઓ પણ ઉઠાવી લાવી. ઘરની સાફસફાઇમાં કોઈ કમી છોડી નહીં. સુબોધ આ બધા સરપ્રાઈઝ નિહાળી કેટલો ખુશ થશે, એ વિચારથીજ કાર્ય કરવાનો ઉત્સાહ ગુણાકાર પામી રહ્યો હતો. નાનકડા બેઠક ખંડને ફુગ્ગાઓ અને શણગારના સામાન વડે અદભુત દીપાવી મુક્યો.

એક પછી એક જમણ તૈયાર થતા ગયા અને આતુર આંખો ઘડિયાળની દરેક હલનચલન ઉપર વારેઘડીએ આવી અટકતી રહી. હવે તો સુબોધ આવતોજ હશે એ વિચારે આખી સાંજ એ જપીને બેસી પણ નહીં. અહીંથી ત્યાં ફેરાઓ લેતી રહી. વારંવાર દરેક તૈયારીઓની ચકાસણી કરતી રહી. ક્યારેક ઘરની બહાર તો ક્યારેક રસોડાના ચક્કર કાપતી રહી.

સમય પસાર થતો ગયો. સૂર્યાસ્ત પણ થઇ ગયો. ધીમે ધીમે ગાઢ થઇ રહેલ અંધકાર જોડે રાધિકાનું ઉત્સાહિત મન ફરીથી ચિંતામાં ઘરકાવ થવા લાગ્યું. સુબોધનો ઘર પહોંચી રહેવાનો સમય તો થઇ ચુક્યો હતો. મોબાઈલ દ્વારા સુબોધનો સંપર્ક સાધવા વારંવાર પ્રયાસ કર્યો. પણ સુબોધનો મોબાઈલ સ્વીચ ઓફ હતો. પોતાનું હૃદય હવે પોતાને ડરાવી રહ્યું હતું. વિશ્વાસ અને આશાનું કાળું ટપકું પ્રશ્ન ચિન્હ બની વિચારો પાછળ પડ્યું હતું. સુબોધને સરપ્રાઈઝ આપવા માટે આખા ઘરની વીજળી ઓલવી દીધી હતી. એ અંધકારમાં થોડા સમય પહેલા ખુશી શોધી રહેલ મન અને મગજ સામે ચિંતા અને શંકા યુદ્ધમાં ઉતર્યા હતા.

આખરે ડોરબેલ વાગી. રાધિકાના તન મનમાં આશાની લહેર દોડી રહી. સુબોધ આવી તો ગયો. અંધકારને ચીરતી ,મનને પ્રસન્ન રાખવાનો પ્રયાસ આદરતી રાધિકા મુખ્ય દ્વાર ઉપર પહોંચી.

બારણું ઉઘાડ્યું. પણ આ શું ? એના પગ નીચેની જમીન જાણે સરકી પડી. મનમાં ઊંડો ધ્રાસ્કો પડ્યો. માથે જાણે આભ ફૂટ્યું. સામે એનો વ્હાલો પતિ સુબોધ નહીં, કોઈ જુદોજ માણસ હતો. રાધિકા હેબતાઈ ને જડ, નિશબ્દ બની ગઈ. એના મોઢેથી ચીસ પણ નીકળી શકી નહીં. કોઈને મદદ માટે પુકારવું પણ નિરર્થક હતું. એ જુદા માણસને એ ઓળખતી હતી અને તેથીજ કદાચ ભયથી સુધબોધ ખોવી બેઠી હતી. અંધકારને ચીરતાં એ રાજાશાહી ડગલાંઓ ઘરમાં પ્રવેશ્યા અને બારણું અંદરથી વાંસી દેવામાં આવ્યું.

આખી રાત ઘરની વીજળી બંધજ રહી. એ અંધકારમાં બનેલી તમામ ઘટનાઓના ફક્ત રાધિકા અને એ માણસજ બે એકલા સાક્ષી હતા.

સવારે સૂર્યોદય એક નવો દિવસ લઇ પહોંચી ગયો અને રાધિકાના ઘરના અંધકારમાં બનેલી ઘટનાઓને જાણે એક પછી એક પોતાના પ્રકાશ વડે મૌનપૂર્વક ઉઘાડી કરી રહ્યો.

આખું બેઠકખંડ અસ્તવ્યસ્ત થઇ પડ્યું હતું. કેકનો ભૂખો આખા ઓરડામાં ફેલાયો હતો. ટેબલ ઉપરના વાસણો ઊંધા સીધા પડ્યા હતા. કેટલાક કાચના વાસણો તૂટીને વિખરાયા હતા. દીવાલો ઉપર લટકેલા ફુગ્ગાઓ અને શણગારનો સામાન બેઠકખંડના ઉકરડા ભર્યા માહોલ સાથે જરાયે બંધ બેસતા ન હતા. જાણે કોઈ સુનામીની લહેર નાનકડા ઘરને જડમાંથી ઉથલાવીને જતી રહી હતી.

ધીમા નિર્જીવ પગલે રાધિકાએ બેઠક ખંડમાં પ્રવેશ કર્યો. એનું શરીર અને આત્મા બન્ને પ્રાણ વિહીન હતા. બેઠકખંડની અસ્તવ્યસ્તતાની સરખામણીમાં એનું વ્યક્તિત્વ વધુ અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યું હતું. આંખો રડીને સૂઝી ગઈ હતી. એની નીચેના કાળા કુંડાળાઓ રાધિકા સમજ હાવભાવ વિહીન હતા. ઉતરેલો ચ્હેરો સાફસફાઈ ક્યાંથી આરંભવી એ વિચારે સ્થગિત હતો. હાથમાં ઘણા સ્થળોએ ડાઘ વાળા ચાઠાં ઉપસી આવી ગરમ અગ્નિની દાઝનો પુરાવો આપી રહ્યા હતા.

પાછળ મંદ પગલાં જોડે સુબોધ બેઠક ખંડમાં પ્રવેશ્યો. એજ ગઈ કાલના ઓફિસવાળા કપડાં શરીર ઉપરથી હજી ઉતર્યા ન હતા. માથાના વાળ વિખરાયેલા હતા. આંખો અત્યંત લાલચોળ અને ભારે હતી.

બેઠક ખંડ અને રાધિકાની હાલત નિહાળી સુબોધથી એક ઊંડો નિસાસો નખાઈ ગયો. રાધિકાની નજીક જવાની હિંમત ભેગી થઇ રહી ન હતી. પાછળથીજ એના શબ્દો બેઠકખંડમાં વિખરાયા.

"આ'મ સોરી ,રાધિકા. હું મારુ વચન નિભાવી ન શક્યો. મારા જન્મ દિવસની ઉજવણી માટે મિત્રોએ જબરજસ્તી અને તું જાણે છે કે શરાબ પીધા પછી હું...."

સુબોધ બેઠક ખંડ છોડી જતો રહ્યો. આગળ એક પણ શબ્દ ઉચ્ચારવાની એના ઝમીરમાં તાકાત ન હતી.

રાધિકાના શરીરમાં આછી ચેતના આવી. તૂટેલા વાસણોને સમેટતા આંખોની ખારાશ જોડે એણે સુબોધનું અધૂરું વાક્ય પૂર્ણ કર્યું.

"શરાબ પીધા પછી તું જુદોજ માણસ બની જાય છે......"


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Fantasy