Rahul Makwana

Tragedy Thriller

4  

Rahul Makwana

Tragedy Thriller

જોડિયા

જોડિયા

10 mins
661


સવાર આ શબ્દનો જ એક અલગ પ્રભાવ છે, આ સવાર ઘણાં લોકો માટે એક આશાનું કિરણ લઈને આવતી હોય છે, તો ઘણાં લોકોમાં બુરી દશાનાં એંધાણ લઈને આવતી હોય છે. સવાર એટલે આખા દિવસનાં થાકને રાત્રી દરમ્યાન ઊંઘ લીધા બાદ એક નવી જ ઊર્જા સાથે નવી શરૂઆત કરવાની એક તક. આથી કહેવાય છે કે સવાર એ તમારા આગળનાં દિવસે કરેલાં ખરાબ કાર્યોને બાદબાકી કરવાની તક છે.

આવી જ એક સવાર અનિકેત માટે જાણે રાહ જોઈ રહી હોય તેમ, અનિકેતનાં જીવનમાં દસ્તક દેવાં માટે આતુરતા પૂર્વક જાણે તલપાપડ થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું.

સ્થળ : આયુષ સાઈકિયાટ્રિક હોસ્પિટલ.

સમય : સવારનાં 11 કલાક.

અનિકેત ડૉ. નિર્ભયનાં ટેબલની સામે રહેલ ખુરશી પર બેસેલ હતો, ડૉ. નિર્ભય અનિકેતને અમુક પ્રશ્નો પૂછી રહ્યાં હતાં. અને અનિકેત ડૉ. નિર્ભયે પૂછેલાં પ્રશ્નોનો ઉત્તરો આપી રહ્યો હતો. આ સમય દરમ્યાન અનિકેતનાં ચહેરા પર માયુશી, લાચારી અને ઉદાસીનાં આવરણો છવાયેલા હતાં, જેનાં આવરણો નીચે અનિકેતનાં ચહેરાનું સ્મિત અને તેજ ક્યાંક દટાય ગયેલ હતું.

ડૉ. નિર્ભય શહેરનાં નામાંકિત સાઈકિયાટ્રિક ડૉકટર હતાં, મનોવિજ્ઞાનમાં તેઓ ખુબ જ જ્ઞાન ધરાવતાં હતાં, ડૉ. નિર્ભયને તેનાં ઉત્કૃષ્ઠ કર્યો બદલ અલગ અલગ સંસ્થાઓ અને સરકાર દ્વારા પ્રતિષ્ઠા એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતાં. ડૉ. નિર્ભયએ ઘણાં બધાં ગૂંચવણભર્યા, અટપટા અને મુશ્કેલ ઘણાં બધાં કેસો ઉકલ્યા હતાં, પરંતુ તેઓ હાલ એ બાબત તે તદ્દન અજાણ જ હતાં કે અનિકેતનો આ કેસ તેનાં માટે પણ પડકારજનક બનીને જશે. અનિકેતનાં કેસમાં ખૂબ જ પડકારો આવનાર હતાં. જેનાં વિશે ડૉ. નિર્ભયે સપનામાં પણ કલ્પના નહીં કરેલ હશે.

અનિકેત સાથે ઘણી બધી વાતો અને ચર્ચા કર્યા બાદ ડૉ. નિર્ભય અનિકેતની આંખોમાં આંખ પરોવીને બોલે છે.

"સી ! અનિકેત મારા દ્વારા તને જે પ્રશ્નો પૂછવામાં આવેલ હતાં. તેના તે ખૂબ જ સરસ ઉત્તરો આપેલ છે. પણ..!" ડૉ. નિર્ભય થોડું ખચકાતાં બોલે છે.

"પણ ! પણ શું સાહેબ ?" અનિકેત લાચારિભર્યા અવાજે ડૉ. નિર્ભયને પૂછે છે.

"અનિકેત મને એવું લાગે છે કે તારે "સાઈકોએનાલાયટીક થેરાપી" ની જરૂર છે..!" દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં ગંભીરતાભર્યા અવાજે ડૉ. નિર્ભય અનિકેતને જણાવતાં બોલે છે.

"સાઈકોએનાલાયટીક થેરાપી" એ શું છે ? એમાં શું કરવામાં આવે છે ? મને શું કોઈ મોટી ગંભીર બીમારી છે ? મને કંઈ થશે તો નહીં ને ? હું રિકવર તો થઈ જઈશ ને ?" અનિકેત એક જ શ્વાસમાં ડૉ. નિર્ભયને ઘણાં બધાં પ્રશ્નો એકસાથે પૂછી લે છે.

"અનિકેત તું જરાપણ ચિંતા ના કરીશ, સાઈકોએનાલાયટીક થેરાપી એ એક થેરાપી છે જેમાં તારા મગજ કે મનનાં ઊંડાણમાં રહેલાં તથ્યો વિશે બારીકાઈથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે, રહી વાત તારી બીમારીની તો તને કોઈ ગંભીર બીમારી નથી, અમુક દવાઓ અને થેરાપી દ્વારા તું ચોક્કસ રિકવર થઈ જઈશ." ડૉ.નિર્ભય અનિકેતને આશ્વાસન આપતાં આપતાં બોલે છે.

"તો સાઈકોએનાલાયટીક થેરાપી ક્યારથી શરૂ કરશો ?" અનિકેત ડૉ. નિર્ભયની સામે જોઈને પૂછે છે.

"જેટલું શક્ય હોય તેટલી વહેલી થેરાપી શરૂ કરીએ એટલું સારું રહેશે, જેથી તારી સારવારમાં પણ મદદ મળી રહે." ડૉ. નિર્ભય અનિકેતને જણાવતાં બોલે છે.

"તો ક્યારે શરૂ કરશો "સાઈકોએનાલાયટીક થેરાપી" ?" અનિકેત મૂળ મુદ્દા પર આવતાં આવતાં પૂછે છે.

"જો તું આવતીકાલે આવી જઈશ તો આપણે કાલે જ થેરાપી શરૂ કરી દઈશું." ડૉ. નિર્ભય થોડું વિચાર્યા બાદ અનિકેતને જણાવતાં બોલે છે.

"ઓકે ! સર તો હું આવતીકાલે સવારે આવી જઈશ." અનિકેત ખુરશી પરથી ઊભાં થતાં થતાં સાઈકોથેરાપી માટે પોતાની તૈયારી બતાવતાં ડૉ. નિર્ભયની સામે જોઈને બોલે છે.

"સ્યોર !" ડૉ. નિર્ભય અનિકેતની સામે જોઈને બોલે છે.

ત્યારબાદ અનિકેત આયુષ હોસ્પિટલેથી પોતાનાં ઘરે જવા માટે નીકળે છે. આયુષ એક તરફ ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને બીજી તરફ વિચારોનું એક વંટોળ તેનાં મનમાં ઉદ્દભવી રહ્યું હતું. હાલ તેને ઘણાં બધાં જેવાં કે "શાં માટે મને સપનામાં પેલું સમાશન ગૃહ વારંવાર દેખાય રહ્યું હશે ? શાં માટે મને સપનામાં લાશોનો ઢગલો વારંવાર દેખાય રહ્યો હશે ? શાં માટે હું કોઈ કુંડમાં ડૂબી રહ્યો હોય તેવું મને સપનામાં દેખાય રહ્યું હશે ? - આવા ઘણાં બધાં પ્રશ્નો હાલ અનિકેતને ઘેરી રહ્યાં હતાં. આવા વિચારોમાં વિચારોમાં જ અનિકેત પોતાનાં ઘરે પહોંચી જાય છે. અને પરિવારનાં બધાં સભ્યોને પોતાની હાલત વિશે વિગતવાર જણાવે છે.

બીજા દિવસે 

સ્થળ - આયુષ સાઈકિયાટ્રિક હોસ્પિટલ

સમય - સવારનાં 11 કલાક.

અનિકેત થેરાપીરૂમમાં રહેલ એક લાંબી ખુરશી પર સૂતેલો હતો, તેનાં હાથમાં સોઈ વડે બાટલો ચડી રહ્યો હતો, ડૉ. નિર્ભય તેનાં હાથમાં રહેલ સોઈ દ્વારા કોઈ ઈન્જેક્શન આપી રહ્યાં હતાં. થોડીવાર બાદ ડૉ. નિર્ભય અનિકેતની સામે જોઈને બોલે છે.

"અનિકેત હવે તેને માથું થોડું ભારે લાગશે અને તને તારું શરીર એકદમ હળવું થઈ ગયું હશે એવું લાગશે, તારી આંખો થોડી ભારે લાગશે, તને ધીમે ધીમે ઊંઘ આવવાં લાગશે." ડૉ. નિર્ભય અનિકેતને જણાવતાં બોલે છે.

"જી ! સર !" અનિકેત થોડા અસ્વસ્થ અવાજે બોલે છે.

"બસ ! હવે હું તને અમુક પ્રશ્નો પૂછીશ એનો તારે મને જવાબ આપવાનો છે. શું તું જે કુંડમાં ડૂબી રહ્યો છે તેની આસપાસ તને શું દેખાય છે ?"

"જી ! સર હું જે કુંડમાં ડૂબી રહ્યો છું તે કુંડ કોઈ વર્ષો જૂનો કુંડ હોય તેવું મને લાગી રહ્યું છે. તેમાં ઉતરવા માટે ચારે બાજુએ મોટા મોટા પગથિયાઓ આવેલાં છે. પગથિયાની બાજુમાં કોઈ દેવી દેવતાઓની પ્રતિકૃતિઓ બનેલી છે." 

"સરસ ! અનિકેત ! હવે તું આજુબાજુમાં ધ્યાનપૂર્વક જો તને બીજું શું દેખાય છે..?" ડૉ. નિર્ભય જાણે સાઈકોથેરાપી સફળ થઈ રહી હોય તેવાં ઉત્સાહ સાથે પૂછે છે.

"સર ! તે કુંડની એકદમ નજીક એક સ્મશાન આવેલું છે, તે સ્મશાનમાં લાશનો એક ઢગલો આવેલો છે." 

"સરસ ! હવે તું થોડીવારમાં પાછો નોર્મલ થઈ જઈશ." અનિકેતનાં હાથમાં રહેલ સોઈ દૂર કરતાં કરતાં ડૉ.નિર્ભય શાહ બોલે છે.

થોડીવાર બાદ અનિકેત સ્વસ્થ થઈને ડૉ. નિર્ભયની ઓફિસમાં આવે છે. ડૉ. નિર્ભય પોતાની સામે રહેલ ખુરશી પર બેસવા માટેનો ઈશારો કરે છે. અનિકેત ડૉ. નિર્ભયની સામે રહેલ ખુરશી પર બેસે છે.

"સી ! અનિકેત તારા કેસમાં સાઈકોથેરાપી ખૂબ જ ઉપયોગી નીવડશે, આ બધી બાબતો જોતા મને એવું લાગી રહ્યું છે કે આ બધું રિકારમીનેશન (પુનર્જન્મ) સાથે જોડાયેલ હોય." ડૉ. નિર્ભય ગંભીરતા સાથે અનિકેતને જણાવે છે.

"ઓકે..પણ મને સારું તો થઈ જશે ને ?" અનિકેત ચિંતિત સ્વરોમાં ડૉ. નિર્ભયની સામે જોઈને પૂછે છે.

"સ્યોર ! મેં મારા કેરિયરમાં આવા ઘણાં બધાં કેસ મેનેજ કરેલાં છે. તું ચોક્કસપણે રિકવર થઈ જઈશ. હાલ હું તને અમુક દવાઓ લખી આપું છું, તે તારે સમયસર ભૂલ્યા વગર લેવાની છે. અને પાંચ દિવસ બાદ તારે ફોલોઅપ માટે આવવાનું છે." 

"જી ! સર...થેન્ક યુ." અનિકેત ડૉ. નિર્ભયનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે.

 ત્યારબાદ અનિકેત પોતાનાં માતા પિતા સાથે ઘરે પરત ફરે છે, જ્યારે આ બાજુ ડૉ. નિર્ભય ઊંડા વિચારો જેવા કે "શું હશે આ સપના પાછળનું રહસ્ય ? શાં માટે અનિકેતને વારંવાર આ સપનું આવી રહ્યું હશે ? શાં માટે અનિકેત કોઈ કુંડમાં ડૂબી રહ્યો હશે ? કુંડના પગથિયાં પર બનાવેલ મૂર્તિઓ શું કોઈ સંકેત સમાન હશે ? પેલાં સ્મશાનગૃહ અને લાશોનો ઢગલા સાથે અનિકેતનો શું સબંધ હશે ? - માં ખોવાય જાય છે.

પાંચ દિવસ બાદ 

સ્થળ - ડૉ. નિર્ભયનું ઘર.

સમય - સવારનાં 8 કલાક

ડૉ. નિર્ભય પોતાનાં ઘરનાં હોલમાં ડાઈનિંગ ટેબલ પર ચા નાસ્તો કરવાં માટે બેસેલા હતાં, જ્યારે તેમની પત્ની સુષ્મા ગરમા ગરમ થેપલા બનાવી રહી હતી.

"સુષ્મા ! નીરવ શું કરે છે ?" 

"જી ! એ તેને ટ્યુશનમાં આપેલ હોમવર્ક કરી રહ્યો છે." સુષ્મા ડૉ. નિર્ભયે પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.

 એટલીવારમાં નીરવ ડાઈનિંગ ટેબલ પાસે સ્કૂલ બેગ લઈને આવી પહોંચે છે. 

"થઈ ગયું તારું હોમવર્ક બેટા ?" સુષ્મા નીરવની સામે જોઈને પૂછે છે.

"હા ! મમ્મી, થઈ ગયું હોમવર્ક, આજે તો હોમવર્ક કરવાની ખૂબ જ મજા આવી." નીરવ સુષ્માને જવાબ આપતાં આપતાં બોલે છે.

"ઓહ એવું…? કયાં વિષય પર હતું તારું હોમવર્ક ?" સુષ્મા અચરજ સાથે નીરવની સામે જોઈને પૂછે છે.

"જી ! મારું હોમ વર્ક હતું "ગુજરાતના ઈતિહાસ" પર જેમાં મારો ટોપિક હતો "લોથલ સભ્યતા" કે જેને "લાશોના ઢગલા" તરીકે પણ ઓળખવામાં આવે છે. લોથલ એકમાત્ર એવી સભ્યતા છે કે જયાંથી માનવ કંકાલ કે અસ્થિઓ મળી આવેલ છે, આ ઉપરાંત લોથલ સભ્યતા સ્થાપત્યો માટે પણ ખૂબ જ જાણીતી છે. જેમાં નહાવા માટેનાં મોટા મોટા કુંડોનું નિર્માણ પણ આ સભ્યતામાં જ જોવા મળે છે, અને આ કુંડોના પગથિયાં પર કરવામાં આવેલ દેવી દેવતાની મૂર્તિઓ કલા અને શિલ્પનો બેનમૂન નમૂના સમાન હતું…!" નીરવ સુષ્માને લોથલ સભ્યતા વિશે જણાવતાં જણાવતાં બોલે છે.

 બરાબર આ જ સમયે ડૉ. નિર્ભય એક ચમકારા સાથે જાગી જાય છે. પોતાના દીકરા દ્વારા કહેવાયેલી બાબતો જાણે પોતે ક્યાંક સાંભળી હોય તેવુ ડૉ. નિર્ભય અનુભવી રહ્યાં હતાં.

"બેટા ! તે હમણાં તારા મમ્મીને જે બાબતો જણાવી એ બાબતો મને ફરીવાર જણાવ તો..!" ડૉ. નિર્ભય એક અલગ જ ઉત્સુકતા સાથે નીરવની સામે જોઈને જણાવે છે.

 આથી નીરવ "લોથલ સભ્યતા" ની બધી વિશેષતા તેનાં પિતાને વિગતવાર જણાવે છે, બરાબર આ જ સમયે તેઓને ખ્યાલ આવે છે કે તેનું દર્દી એટકે કે અનિકેતના સપનામાં જે કઈ દેખાય રહ્યું છે તે વાસ્તવમાં "લોથલ સભ્યતા" તરફ ઈશારો કરી રહી છે, પરંતુ અનિકેતનો લોથલ સભ્યતા સાથે શું સબંધ હોઈ શકે ? - બસ આ એક જ બાબતની માહિતી હવે ડૉ. નિર્ભયને મેળવવાનની બાકી હતી. ત્યારબાદ ડૉ. નિર્ભય નીરવનો આભાર માને છે, અને તેને લઈને પોતાની હોસ્પિટલ તરફ આવવા માટે નીકળે છે. ડૉ.નિર્ભય નીરવને ટ્યુશન કલાસે ડ્રોપ કરીને હોસ્પિટલે આવી પહોંચે છે.

 જયારે આ બાજુ અનિકેત તેમના પરિવાર સાથે ફોલોઅપ માટે આયુષ હોસ્પિટલે આવી પહોંચેલ હોય છે. થોડીવાર બાદ અનિકેત તેમના માતાપિતા સાથે ડૉ. નિર્ભયની ચેમ્બરમાં આવી પહોંચે છે. તે બધાં વચ્ચે ઘણીબધી ચર્ચાઓ થાય છે.

"શું તમે ક્યારે લોથલ કે જે ભારતીય સભ્યતાનું એક જાણીતું નગર છે, ત્યાંની મુલાકાતે ગયેલા છો ?" ડૉ. નિર્ભય મૂળ વાત પર આવતાં આવતાં અનિકેત અને તેનાં માતાપિતા સામે જોઈને પૂછે છે.

"પણ...સાહેબ એ બબાતનો અનિકેત સાથે કે તેની સારવાર સાથે શું સબંધ હોય શકે ?" અનિકેતના પિતા આશ્ચર્ય સાથે ડૉ. નિર્ભયને પૂછે છે.

"હા ! આ બાબતનો અનિકેતની સારવાર સાથે ચોક્કસ સબંધ રહેલો છે, જે તમને સમય સાથે ખ્યાલ આવી જશે." ડૉ. નિર્ભય અનિકેતના પિતાની સામે જોઈને પૂછે છે.

"જી ! સાહેબ ! હું જ્યારે પ્રેગ્નટ હતી, ત્યારે મારે લગભગ આઠમો મહિનો ચાલી રહ્યો હતો, અને અમારે દિવાળીની રજાઓ હોવાને લીધે હું અને મારા પતિ લોથલ ફરવા ગયેલાં હતાં." અનિકેતની માતા ડૉ. નિર્ભયને જણાવતાં બોલે છે.

"ઓકે ! વેલ...ત્યાં તમારી સાથે કોઈ રહસ્યમય, વિચિત્ર, અવિશ્વનિય કે દુઃખ ઘટનાં બની હતી ?" ડૉ. નિર્ભય અનિકેતની માતાની સામે જોઈને પૂછે છે.

"હા ! ત્યારે મારે પ્રેગ્નન્સી હતી, અને મારા ગર્ભમાં એક સાથે બે જોડિયા બાળકો ઉછરી રહ્યાં હતાં, મને પાક્કું યાદ છે કે અમે જ્યારે ત્યાં આવેલ પૌરાણિક કુંડ પાસે ટહેલી રહ્યા હતાં, બરાબર તે જ સમયે એ કુંડના દાદરા પાસે મારો પગ લપસ્યો આથી હું નીચે પડી, બરાબર તે જ સમયે મને મનમાં એક ઊંડો આઘાત લાગ્યો. હું એકદમ હતાશ, નિરાશ અને માયુસ બની ગઈ હતી. બરાબર એ જ સમયે તે કુંડના પગથિયાં પર કંડારેલ ઈશ્વરની મૂર્તિ પર મારી નજર પડી, અને મેં મનોમન મારા ગર્ભમાં ઉછરી રહેલાં સંતાનને હેમખેમ રાખવાં માટે ઈશ્વરને મનોમન ઘણી પ્રાર્થના કરવાં લાગી હતી." અનિકેતના માતા આંખોમાં આંસુ સાથે આખી ઘટનાં વર્ણવતા ડૉ. નિર્ભયને જણાવે છે.

"ઓકે ! પછી પછી શું થયું ?" ડૉ. નિર્ભય આતુરતા સાથે અનિકેતની માતાને પૂછે છે.

"એ પછી તો મને કઈ જ યાદ નથી હું એકદમથી બેભાન થઈ ગયેલ હતી." અનિકેતના માતા ડૉ. નિર્ભયને જણાવતાં બોલે છે.

"સાહેબ ! મારી પત્નીને મેં આવી રીતે એકાએક બેભાન થતાં જોઈને મેં સમયસૂચકતા વાપરીને ત્યાં 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી લીધી અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, ત્યાં ફરજ પર હાજર રહેલ ડોકટરે અમને તાત્કાલિક સિઝેરિયન કરવું પડશે એવું જણાવેલ, અને પછી અમને ડોકટરે જણાવ્યું કે અમે તમારા પત્નીનાં ગર્ભમાં રહેલ જોડિયાં સંતાનોમાંથી માત્ર એક જ સંતાનને બચાવી શક્યા છીએ..જ્યારે બીજું સંતાન તમારા પત્ની પડયા હોવાથી ગર્ભમાં જ મૃત્યુ પામેલ હતું.

"ઓકે ! તો અનિકેત તારે હવે કોઈ જ થેરાપીની જરૂર નથી, રહી વાત દવાની તો તારે એક જ મહીનો દવા લેવાની થશે...અને પછી ફરી પાછું બધું જ અગાવની માફક ગોઠવાય જશે." ડૉ. નિર્ભય કોઈ નિષ્કર્ષ પર આવ્યાં હોય તેમ જણાવે છે.

"સાહેબ ! અમને કંઈ સમજાયું નહીં." અનિકેત અને તેનાં માતા પિતા હેરાનીભર્યા અવાજે પૂછે છે.

"જુઓ જેવી રીતે તમે અમને પૃથ્વી પરનાં ડોકટરનો દરજ્જો આપો છો, એવી જ રીતે અમારા કરતાં પણ મહાન ઉપરવાળો ઈશ્વર કે કુદરત છે. તેની રમત કે કરામત સમજવી એ કોઈ સામાન્ય મનુષ્યની સમજ બહારની વસ્તુ છે, કહેવાય છે કે તમારું સંતાન જ્યારે તમારા ગર્ભમાં ઉછરી રહ્યું હોય, ત્યારે તે માતાનાં ઉદરની બહારની દુનિયા અનુભવતું હોય છે, બધાં અવાજો અને કંપનો અનુભવી શકતું હોય છે. અને અમુક બાળકો તો ગર્ભની અંદર જ થી જ બહારની દુનિયા જોઈ શકવાની એક અદ્દભૂત શક્તિ ધરાવતું હોય છે, આ અદભુત શક્તિ ઈશ્વરે તમારા બાળક એટલે કે અનિકેતને આપલે હતી, લોથલ ખાતે તમારી સાથે જે કોઈ ઘટનાં ઘટેલ હતી તે સમગ્ર ઘટના અનિકેત જ્યારે તમારા ગર્ભમાં ઉછરી રહ્યો હતો, ત્યારે જ તેનાં માનસપટ્ટ પર કંડારાય ગયેલ હતી, અનિકેતને આવા સપનાઓ વારંવાર આવવાનું એકમાત્ર કારણ તેની આ દિવ્ય શક્તિ જ છે...પરંતુ તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ દવા એક મહિનો લેવાથી અનિકેત એકદમ સ્વસ્થ થઈ જશે." ડૉ. નિર્ભય પૂરેપુરી વિગત જણાવતાં બોલે છે.

ત્યારબાદ અનિકેત અને તેનાં માતાપિતા ડૉ. નિર્ભયનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને પોતાનાં ઘરે જવા માટે ડૉ. નિર્ભયની પરવાનગી લઈને ચેમ્બરની બહાર નીકળે છે. જ્યારે આ બાજુ ડૉ. નિર્ભય મનોમન વિચારી રહ્યાં હતાં કે એક સમયે જે કેસ પોતાને એકદમ ગૂંચવણભર્યો લાગી રહ્યો હતો તે કેસ સોલ્વ કરવામાં પોતાનો જ દીકરો મહત્વનો મુખ્ય રોલ ભજવી જશે. આથી ડૉ. નિર્ભય પોતાની સામે રહેલ ભગવાનની મૂર્તિ સામે જોઈને મનોમન ઈશ્વરનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે કે "હે ઈશ્વર તારી લીલા અપરંપાર અને નિરાલી છે."

મિત્રો કુદરત પણ આપણા જીવનમાં એવાં એવા વળાંકો લઈને આવે છે કે જેના વિશે આપણે સપનામાં પણ વિચારેલ ના હોય, પરંતુ સમજવાની એ જરૂર છે કે ઈશ્વર ભલે તમારા જીવનમાં ગમે તેટલી મોટી આફતો લઈને આવે પરંતુ તે તમામ આફતોમાંથી બહાર આવવા માટેનો કોઈને કોઈ સંકેત ચોક્કસ આપે જ છે, જે પળભરમાં જ તમારા જીવન સાથે જોડાયેલા રહસ્યોને ઉજાગર કરી આપતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy