Abid Khanusia

Romance Inspirational

3  

Abid Khanusia

Romance Inspirational

જિંદગી એક, રંગ અનેક

જિંદગી એક, રંગ અનેક

23 mins
974


સૂરજદાદા પોતાનો પ્રવાસ પૂરો કરી પશ્ચિમની ક્ષિતિજમાં વિલીન થવાની તૈયારી કરતાં કરતાં પીળા કિરણોથી રંગીલી સુરતનગરીથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી હતી. સુરતની પોશ લોકાલિટીમાં તાપી નદીના તટથી થોડે દૂર અડગ ઉભેલા બેઠાઘાટના વિશાળ અને સુંદર બંગલાની અગાસીમાં રહેલા કલાત્મક હીંચકાને પોતાના નાજુક પગના ઠેકાથી ઝુલાવી રહેલા વંદનાબેન વિચારોમાં ઘરકાવ થઈ ગયા હતા. ત્રીસ વર્ષના લગ્ન જીવનના લેખાં જોખાં લેવામાં તેમનું મન વ્યસ્ત થઈ ગયું હતું.


અમદાવાદની પોળોની સાંકડી ગલીયોમાંથી માંડ બહાર નીકળી તેમના ચંચળ મને મુક્ત પંખીની જેમ નદીપારની મશહૂર કોલેજના વાતાવરણમાં યુવાનીના ઉંબરે ચહેકવાનું શરૂ કર્યું હતું. વંદનાબેને કોલેજના પ્રથમ વર્ષમાં હદયમાં ઉભરાતી ઊર્મિઓમાં કલ્પનાના મનગમતા રંગોથી રંગોળી પુરવાનું શરૂ કરી કોલેજના બીજા વર્ષમાં એ રંગોળીના રંગોને ઘૂંટી ઘેરા બનાવવાના અભરખા સેવ્યા હતા. કોઈ મનગમતો રાજકુમાર મળી જાય તો તેને પોતાની ભુજાઓના હાર પહેરાવી પોતાનો કરી હદય સિંહાસને બેસાડવાના અભારખા હદયની ઊર્મિઓને ગલીપચી કરાવી રહ્યા હતા ત્યાં જ તેમના માતા પિતાએ તેમના જીવનસાથી તરીકે સુરતના એક અજાણ્યા યુવાન સાથે વિવિશાળ કરી વંદનાબેનની પવનવેગી વિચારોના વિહંગો પર રૂપાળી જાળ નાખી બંદી બનાવી દીધા હતા.


વેવિશાળ થતાની સાથેજ તેમના મા બાપ તરફથી કેટલાક બંધનોની જાળ ફેલાવી દેવામાં આવી હતી. હવે “આમ ન કરાય..આવું ન પહેરાય...” તેવા સૂચનો કરવામાં આવી રહ્યા હતા. જાણે જંગલમાં મુકત વિહરતી હરણી પારધીના તીરથી ઘાયલ થઈ ગઈ હતી ! કોલેજના બીજા વર્ષની પરીક્ષાઓ પૂર્ણ થયે માતા-પિતાએ તેમના હાથ પીળા કરી જાણે પોતાની જવાબદારીઓમાંથી મુક્તિ મેળવી લીધી હોય તેમ હળવાફૂલ થઈ ગયા હતા. ગ્રેજયુએશન સુધીનું શિક્ષણ ન મળ્યું તેનો વસવસો હજુય વંદનાબેનના હદયમાં ચરચરાટ કરતો હતો.


વીસ વર્ષની ઉમરે સાસરે આવેલા વંદનાબેન પોતે એક અજાણ્યા બંધનમાં કેદ થયા હોય તેવો અનુભવ કરતા હતા. મુક્ત ગગનમાં વિહરતું એક નીલગગનનું પંખી સાંકડા પીંજરામાં પુરાઈને અકળામણ અનુભવતું હતું. પોતાના ભાગ્યમાં આ જ નિર્માણ થએલું છે તેમ માની તેમણે બંધનાવસ્થાને સહર્ષ સ્વીકારી લીધી હતી. સામાન્ય કુટુંબમાં વેઠવી પડતી તમામ તકલીફોને અને અભાવોને તેમણે જીવનના અભિન્ન અંગની જેમ પોષ્યા હતા. સુખના દિવસો જરૂર આવશે અને એક દિવસે તેમના જીવનમાં પણ સોનાનો સુરજ ઊગશે તે આશાએ તેમણે જિંદગીની ધુરાને પોતાના ખભાઓ ઉપર ઊંચકી લીધી હતી. તેમના પતિ સંજયભાઈ ખૂબ મહેનતુ અને ઉમદા સ્વભાવના હતા. પોતાની પત્નીને દરેક પ્રકારનું સુખ પૂરું પાડવાની ખેવના સાથે તેમણે યુવાન વયે વ્યવસાયમાં જંપલાવ્યું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમણે વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી ખૂબ મોટી રકમની લોન લીધી હતી. વ્યવસાય જમાવવા અને લોનની ભરપાઈ કરવામાં જિંદગીના વીસ કિંમતી વર્ષ ક્યારે ખર્ચાઈ ગયા તેનું તેમને ભાન પણ ન રહ્યું. આ સમયગાળા દરમ્યાન તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. વીસ વર્ષની મહેનતના પરિણામે આ દંપતીના જીવનમાં સોનાનો સુરજ ઊગ્યો હતો પણ સૂરજના કિરણો હવે પ્રભાત જેવા કોમળ અને સોનવર્ણા રહ્યા ન હતા. દાંપત્ય જીવનના ફળ રૂપે તેમના જીવનમાં રાજકુંવર જેવો એક પુત્ર હતો જેનું નામ પાર્થિવ હતું.  


પાર્થિવ કોલેજમાં અભ્યાસ કરતો હતો. દેખાવે રૂપાળો અને હસમુખો પાર્થિવ ભણવામાં પણ ખૂબ હોંશિયાર હતો. સંજયભાઈએ ખૂબ અભાવો વચ્ચે તેમનો અભ્યાસ કર્યો હતો પરંતુ હવે તેમનો હાથ ફરતો થયો હતો એટલે તેમણે પાર્થિવને કોલેજ જીવનમાં કોઈ અભાવ વેઠવો ન પડે તે માટે નાણાની કોથળી છૂટી મૂકી દીધી હતી. પાર્થિવ લાલ રંગની ચકચકતી કાર લઈને જ્યારે એન્જીનિયરીંગ કોલેજના કેમ્પસમાં પહોંચતો ત્યારે તેના મિત્રો તેને વીંટળાઇ વળતા હતા. પાર્થિવનું ફ્રેન્ડ સર્કલ આમતો મોટું હતું પરંતુ તેના અંગત મિત્રોની યાદી ખૂબ નાની હતી. કુણાલ તેનો જિગરી દોસ્ત હતો અને ધારિણીએ રાણીની જેમ તેના હદયપર હકૂમત જમાવી દીધી હતી.


નાજુક પોયણી જેવી ધારિણી ખૂબ ચંચળ હતી. આખી કોલેજમાં તે સૌથી સુંદર યુવતી હતી. કેટલાએ યુવાનો તેની ફરતે આંટા ફેરા કરતા હતા પરંતુ ધારિણીએ સૌને “નો એન્ટ્રી” કહી સામે ચાલી પાર્થિવને પ્રપોઝ કરી દીધું હતું. પાર્થિવે ધારિણીને પોતાના બાહુપાશમાં સમાવી લઈ તેની પ્રપોઝલને ઉમળકાભેર વધાવી લીધી હતી. બસ ત્યારથી બંને એક બીજાના થઈ ગયા હતા. કોલેજમાં અને કોલેજ બહાર બંને જણા વિના સંકોચે હાથમાં હાથ નાખી ફરતા રહેતા હતા. ઘણી વાર તેઓ બંને એકલા લોંગ ડ્રાઈવ પર ચાલ્યા જતાં અને કોઈ એકાંત સ્થળે એક બીજાની ચાંચમાં ચાંચ પરોવી કલાકોના કલાકો સુધી “ઘૂટુર ઘૂં ...ઘૂટુર ઘૂં” કર્યા કરતાં હતા. 


તેના એકવીસમા જન્મ દિવસની પાર્ટીમાં પાર્થિવે ધારિણીની તેના માતા પિતા સાથે મુલાકાત કરાવી હતી. વંદનાબેને ધારિણીની આંખોમાં ઉભરાતા પાર્થિવ તરફના પ્રેમને વાંચી લીધો હતો. તેમને પણ ધારિણી ગમી હતી. તેમણે તેમના પતિ સંજયભાઈના કાનમાં કહ્યું “ સંજય જુઓ તો પાર્થિવ અને ધારિણીની જોડી કેવી જામે છે ! નહીં ?” 

સંજયભાઈ “ તને તો દરેક રૂપાળી યુવતીમાં તારી પુત્રવધૂના દર્શન થાય છે. મને તો તે બંને ફક્ત મિત્રો હોય તેવું લાગે છે. “  


વંદનાબેને ફરિયાદી સ્વરમાં કહ્યું “ તમને પુરૂષોને સ્ત્રીઓની આંખો વાંચતાં આવડતું જ નથી. ધારિણીની આંખોમાંથી પાર્થિવ માટે ઉભરાતા પ્રેમને મેં વાંચ્યો છે. તેની આંખો સ્પષ્ટ દર્શાવી રહી છે કે તેમાં મિત્રતા કરતાં કઈક વિશેષ છે. “

સંજયભાઈ વંદનાબેનને ધારિણી વિષે વધુ કઈ પૂછે તે પહેલાં ડીજે પરથી કાન ફાડી નાખે તેવું ઘોંઘાટીયું સંગીત ગુંજી ઉઠ્યું. સૌ પાર્થિવના જન્મદિનની ઉજવણીમાં પરોવાઈ ગયા.   


પાર્થિવના જન્મ દિવસના એક મહિના પછી ધારિણી ફરી એક વાર પાર્થિવ સાથે ઘરે આવી હતી. તેણે આજે ગુજરાતી સાડી પરીધાન કરી હતી. ધારિણીના શરીર પર ગુલાબી રંગની સ્લીવલેસ ચોળી અને પર્પલ રંગની સાડી ખૂબ સરસ લાગતી હતી. તેને જોઈ વંદનાબેન ખૂબ ખુશ થઈ ગયા. પાર્થિવ તેના રૂમમાં ગયો પરંતુ ધારિણી વંદનાબેન સાથે રસોડામાં રોકાઈ ગઈ. ધારિણી અને વંદનાબેને ખૂબ વાતો કરી. વંદનાબેને વાતોમાં ને વાતોમાં ધારિણીના માતા પિતા અને તેના કુટુંબ વિષે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. બંનેએ સાથે મળી ગરમા ગરમ નાસ્તો તૈયાર કર્યો. ડાઈનિંગ ટેબલ પર નાસ્તો અને કોફીના મગ ગોઠવી વંદનાબેને પાર્થિવેને બૂમ પાડી નીચે બોલાવ્યો. પાર્થિવ મંદ મંદ હાસ્ય વેરતો નીચે ઉતાર્યો અને ડાઈનિંગ ટેબલ પર બેસી બોલ્યો “ મમ્મી તને ધારિણી કેવી લાગી ?”

વંદનાબેન “ કેવી એટલે ? હા, તે સારી અને સંસ્કારી છોકરી છે. હોંશિયાર છે. દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે. બસ તેથી વધારે કઇં નહીં. “ કહી તેમણે તેમના ખભા હલાવ્યા અને ચૂપ થઇ ગયા અને નીચી નજરે કોફી પોટમાંથી મગમાં ગરમ ગરમ કોફી રેડવા લાગ્યા. 


પાર્થિવ ત્રાંસી આંખે તેની મમ્મીને જોઈ રહ્યો હતો. ધારિણી નીચી નજરે બેઠી હતી. વંદાનાબેને આગળ કઈ કહ્યા વિના ચૂપચાપ ગરમાગરમ નાસ્તો મોઢામાં મૂકી કોફીના મગમાંથી કોફીનો નાનો ઘૂંટડો ભર્યો અને બંનેને નાસ્તો શરૂ કરવા ઈશારો કર્યો પરંતુ બંને જણાએ નાસ્તાને હાથ ન અડાડ્યો એટલે તે બોલ્યા “ કેમ મેં કઈ ખોટું કહ્યું ? ફરીથી કહું છુ ધારિણી સારી અને સંસ્કારી છોકરી છે. હોંશિયાર છે. દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે અને તેથી વધારે કહું તો મને તે પુત્રવધૂ તરીકે બિલકુલ માન્ય...”” કહી તેમણે જાણીજોઈ વાક્ય અધૂરું છોડી દીધું “


પાર્થિવ અને ધારિણીએ એક બીજાની સામે નજર નાખી. તેઓ વચ્ચે તારા મૈત્રક રચાયું. પાર્થિવ ડરતાં ડરતાં બોલ્યો “મમ્મી ધારિણી તને પુત્રવધૂ તરીકે કેમ માન્ય નથી ?”

વંદનાબેન “ અરે બુધ્ધુ ! ધારિણી મને પુત્રવધૂ તરીકે બિલકુલ માન્ય છે.” કહી હસી પડ્યા અને આગળ બોલ્યા “ ધારિણી આજે સાડી ધારણ કરીને આવી હતી એટલે હું સમજી જ ગઈ હતી કે તું આજે તેને કેમ આપણા ઘરે લાવ્યો છે “  

પાર્થિવ “ ઓહ મમ્મી તેંતો મને ડરાવી જ દીધો હતો ! યુ આર માય ગ્રેટ મોમ”


કહી પાર્થિવ વંદનાબેનને ઊંચકીને એક ચકરડી ફરી ગયો. ધારિણીએ સાડીનો પાલવ માથે ઓઢી વંદનાબેનના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા બરાબર તે સમયે સંજયભાઇ ઘરમાં દાખલ થયા અને બોલ્યા “ વંદના આજે ઘરમાં એવું કોણ મોંઘેરું મહેમાન આવ્યું છે કે તેં મને મેસેજ કરી તાબડતોડ ઘરે બોલાવ્યો છે ? “ ધારિણીની પીઠ સંજયભાઇ તરફ હોવાથી તે ધારિણીને ઓળખી શક્યા ન હતા. ધારિણીએ પોતાનો ચહેરો ફેરવી શરમાઈને સંજયભાઈના ચરણ સ્પર્શ કર્યા એટલે સંજયભાઈને આખી વાત સમજાઈ ગઈ. પાર્થિવ અને ધારિણી પગથિયાં ચઢી પાર્થિવના રૂમમાં જતા હતા ત્યારે વંદનાબેને થોડાક મોટા અવાજે ધારિણીને કહ્યું “ ધારિણી તું મારી એક વાત સાંભળતી જા અને તે સાંભળ્યા પછી તું આ ઘરની પુત્રવધૂ બનવાનો નિર્ણય લેજે ”. ધારિણીના હદયમાં ધ્રાસ્કો પડ્યો. તેનો એક પગ સીડીના પ્રથમ પગથીએ અને બીજો પગ બીજા પગથીએ હતો. તે ત્યાંજ સ્થિર થઈ ગઈ. તેણે પોતાની મોર જેવી સુંદર ગરદનને અડધી ફેરવી ચિંતાતુર નયને વંદનાબેન તરફ જોયું. પાર્થિવ પણ થંભી ગયો હતો.


વંદનાબેન ખોંખારો ખાઈ બોલ્યા “ ધારિણી જો તું આ ઘરની પુત્રવધૂ બનીશ તો તને સાસુ અને સાસરું નહીં મળ્યાનો અફસોસ જીવનભર રહેશે. હા તેના બદલામાં તને એક સવિશેષ મા અને તારું પોતાનું ઘર મળશે. તને એક એવો માળો મળશે જેને તારી મરજી મુજબ ગૂંથવાનો તને સંપૂર્ણ અધિકાર હશે “ ધારિણી વંદનાબેનના શબ્દોનો મર્મ સાંભળી દોડીને વંદનાબેનને ભેટી પડી. ધારિણીની આંખોમાં હર્ષના આંસુ હતા અને વંદનાબેનના ચહેરા પર મધુર મુસ્કાન હતી.  


પાર્થિવ અને ધારિણીના વેવિશાળના ગોળધાણા ખવાઇ ગયા હતા. ધારિણીનું કુટુંબ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર ન હતું. તેના પિતાને ઊંધનામાં નાનો એવો કાપડનો વેપાર હતો. તેને એક મોટો ભાઈ હતો. જેના ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેની પત્ની પુત્રને જન્મ આપી થોડા દિવસમાં “ હેપિટાઈટિસ બી ” નામના રોગના કારણે મૃત્યુ પામી હતી. તે બીજી વાર પરણ્યો હતો. બીજા લગ્નથી તેમના ઘરે એક દીકરી અવતરી હતી. તેની નવી પત્ની ખૂબ કજીયાળી અને કર્કશ હતી. 


પાર્થિવે આર્કિટેક્ટ થઈ પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો. પાર્થિવ અને ધારિણીના લગ્ન થઈ ગયા હતા. વંદનાબેન ધારિણીને પુત્રીની જેમ રાખતા હતા. વંદનાબેનની ખૂબ ઈચ્છા હતી કે તેમની કુંખે એક દીકરી અવતરે જેને તે રાજકુંવરીની જેમ ઉછેરે અને તેના દરેક કોડ હોંશે હોંશે પૂરા કરે પરંતુ સંજયભાઈએ તેમની આર્થિક સંકડામણને ધ્યાને લઈ ફક્ત એક બાળકથી સંતોષ માન્યો હતો. વંદનાબેને કમને સંજયભાઈના નિર્ણયને સ્વીકારી લીધો હતો. વંદનાબેન તેમના અધુરા કોડ પૂરા કરવા માટે ધારિણીને પુત્રવધૂને બદલે પુત્રી ગણતા હતા અને તેના તમામ અરમાન પૂરા કરતા હતા. તેમની એ કમનસીબી હતી કે આજીવન તેમના પતિ સાથે ક્યાય ફરવા જઇ શક્યા ન હતા પરંતુ તેમણે પાર્થિવ અને ધારિણીને હનીમૂન માટે યુરોપ મોકલ્યા હતા. પાર્થિવ અને ધારિણી લગભગ એક મહિના સુધી યુરોપના વિવિધ દેશોની સફર માણી આવ્યા હતા. વંદનાબેન દર અઠવાડિયે અથવા રજાના દિવસે પાર્થિવ અચૂક રીતે ધારિણીને બહાર ફરવા લઈ જાય, તેને પિકચર દેખાડે અને બહાર ડિનર કરાવે  તેવો કાર્યક્રમ ઘડી કાઢતા હતા. પાર્થિવ અને ધારિણીનું લગ્ન જીવન ખૂબ સુખી હતું. તે બંનેને સુખી જોઈ વંદનાબેન તેમના જીવનના તમામ અભાવો ભૂલી ગયા હતા. હવે તે પણ ખૂબ ખુશ રહેતા હતા. 


ધારિણીના આવ્યા પછી વંદનાબેન ઘરની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હતા. તેમને વાંચનનો ખૂબ શોખ હતો પરંતુ ભણતર અધૂરું છોડી લગ્નના બંધને બંધાવવું પડ્યું હતું એટલે વાંચન કરવાનો મોકો મળ્યો નહતો. હવે નવરાશ અને હળવાશ હોવાના કારણે તેઓ વાંચન ભૂખ ભાંગવા માટે વાંચન તરફ વળ્યા હતા. ઘરમાં તેમણે એક નાનકડું પુસ્તકાલય વસાવ્યું હતું. તેમણે ગુજરાતનાં ખ્યાતનામ લેખકોના ઘણા પુસ્તકો ખરીદીને પોતાના પુસ્તકાલયમાં એકઠા કર્યા હતા. વાંચનની સાથોસાથ તેઓ લેખન કાર્ય પણ કરતાં હતા. ટૂંકા કાવ્યો અને ટૂંકી વાર્તાઓનું સર્જન કરતાં હતા અને વિવિધ ડીઝિટલ પ્લેટફોર્મ પર પ્રસિધ્ધ કરતા હતા. તેમની લેખનીમાં માનવીય સંવેદનાઓને વાચા આપવાની અદભૂત કળા હોવાથી તેમના વાંચકોની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી.


ઘણા વાંચકો અને ઊભરતા લેખકો તેમની લેખનીના દિવાના હતા. દિવસે દિવસે તેમનું લેખન કાર્ય વધતું જતું હતું અને રાત્રે મોડે સુધી તે લેખન કાર્યમાં વ્યસ્ત રહેતા હતા જે તેમના પતિ સંજયભાઇને ગમતું ન હતું. તેમના પતિને સાહિત્યમાં કોઈ રુચિ ન હતી. તેમને ફક્ત તેમના ધંધા સિવાય બીજા કોઈમાં રસ ન હતો. તેમના જીવનનું ધ્યેય ફક્ત ને ફક્ત અર્થોપાર્જન હતું. વંદનાબેન તેમના પતિને તેમની રચનાઓ વાંચવા આપતા પરંતુ તે ક્યાંતો વાંચવાનું ટાળતા અથવા તો તેમની રચના વાંચી તેને બિરદાવવાને બદલે તે હતોત્સાહ થાય તેવી કોમેન્ટ કરતા, જેથી વંદનાબેનને માઠું લાગી જતું હતું તેમ છતાં એક આદર્શ ગૃહિણી અને પતિવ્રતા તરીકે તે તમના પતિનો આદર કરતા અને તેમની સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. સંજયભાઈ વંદનાબેનને પ્રેમ કરતાં હતા પરંતુ તેમને વંદનાબેનની લેખન પ્રવૃતિ વિષે કોઈ અજાણ્યા કારણોસર ખૂબ અણગામો હતો. વંદનાબેનને બસ આ એક જ વાતનું દુખ હતું પરંતુ તેમણે તેની સાથે પણ સમાધાન કરી લીધું હતું. હા પાર્થિવ અને ધારિણી વંદાનાબેનની સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેતા હતા અને તેમની રચનાઓને બિરદાવી તેમને પ્રોત્સાહન પૂરું પાડતા હતા. ધારિણી વંદનાબેનની કૃતિઓની પ્રથમ વાચક બનતી, પ્રૂફ રીડિંગ કરતી અને જો કઇં સુધારવા જેવુ લાગેતો તે અંગે વંદનાબેનનું ધ્યાન દોરતી.   


અંધારું થવા આવ્યું તેમ છતાં ધારિણીને હજુ રસોડામાં પ્રવૃત્ત થેએલી ન જોઈ વંદનાબેન પોતાના ભૂતકાળને પડતો મૂકી હિંચકા પરથી ઊભા થયા. બેઠકરૂમમાં ધારિણીને સોફા પર અસ્તવ્યસ્ત રીતે સૂતેલી જોઈ વંદનાબેનને ધ્રાસ્કો પડ્યો. તેમણે ધારિણીના કપાળે હાથ મૂક્યો. ધારિણીએ આંખો ખોલી અને વંદનાબેનને જોઈ સફાળી ઊભી થઈ ગઈ. તેના ગાલ પર સુકાઈ ગએલા આંસુઓના લીસોટા જોઈ વંદનાબેનના મનમાં કેટલાએ સારા નરસા વિચારો આવી ગયા. તેમને થયું કદાચ પાર્થિવે ધારિણીને કઈક કહ્યું હશે તેથી નારાજ થઈ ધારિણી રડી હશે તેમ માની તેમણે ધારિણીને પોતાની પાસે સોફા પર સુવાડી તેના માથાને તેમના ખોળામાં લઈ હાથ ફેરવવા લાગ્યા. વંદનાબેનના વહાલ અને વાત્સલ્યથી ધારિણી રડવા લાગી અને હીબકે ચઢી ગઈ. વંદનાબેને ધારિણીને રડવા દઈ તેનું મન હલકું થવા દીધું. ધારિણી શાંત થઈ એટલે તેમણે તેને પાણી આપ્યું અને પૂછ્યું “ બેટા, પાર્થિવે તને કઈ કહ્યું છે ?” ધારિણી બોલી “ ના મમ્મીજી, પાર્થિવ તો ખૂબ ઉમદા સ્વભાવના છે. તે મારુ ખૂબ ધ્યાન રાખે છે. મને ન ગમે તેવું કદી બોલતા નથી કે મને ન ગમે તેવું વર્તન પણ કરતા નથી” 


વંદનાબેન “ તો પછી આટલું રડવાનું કોઈ તો કારણ હશેને, બેટા ? જે હોય તે મને બેધડક કહી દે. હું તને મારી પુત્રી ગણું છુ માટે એક દીકરી પોતાની માતાને કહે તે રીતે તારા તમામ દર્દો મને કહી દે હું કઈક રસ્તો જરૂર કાઢીશ.”

ધારિણી “ મમ્મી આ મારુ સાસરું થોડું છે ? તમેજ મને પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું કે મને સાસુ અને સાસરું આજીવન નહીં મળે તેનો મને અફસોસ રહેશે ! આતો મારુ બીજું પિયર છે. મને આ પિયરનું કોઈ દુખ નથી. મને મારા મહિયરનું અસુખ છે. “


વંદનાબેન “ કેમ બેટા, ત્યાંથી કોઈ અસુખના સમાચાર આવ્યા છે ?’

ધારિણી “ મમ્મી ત્યાં તો કાયમ હોળી સળગેલી જ રહે છે. મારી ભાભી ઓરમાન મા હોવાથી મારા ભાઈના દીકરા સાથે ખૂબ ભેદભાવ રાખે છે. તેને કનડે છે, મારા માતા પિતાને એ માસુમનું દુખ જોયું જતું નથી એટલે રોજ ઘરમાં કકળાટ રહે છે. આજે તો મારી ભાભીએ હદ કરી દીધી અને મારી મમ્મી પર હાથ ઉપાડયો હતો. એટલુજ નહીં તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પાડોશીઓના સમજાવ્યા પછી તેમને ઘરમાં આવવા દીધા છે. આ સમાચાર જાણ્યા એટલે મારુ હૈયું ભરાઈ ગયું હતું. “ ધારિણીનો અવાજ લાગણીભીનો થયો. તેની આંખમથી ડબડબ આંસુ વહેવા માંડ્યા. વંદાનાબેને ધારિણીને પોતાના હૈયે ચાંપી આશ્વાસન આપ્યું.  


ધારિણી શાંત થઈ એટલે વંદનાબેન બોલ્યા “ બેટા એક પ્રશ્ન પૂછું તને ખોટું તો નહીં લાગે ને ?”

ધારિણી બોલી “ મમ્મી દીકરીને કદી માના બોલથી માઠું લાગે ખરૂ ? પૂછો હું ચોક્કસ જવાબ આપીશ.“

વંદનાબેન બોલ્યા “ બેટા તમારા લગ્નને પાંચ વર્ષ થયા છતાં તારો ખોળો નથી ભરાયો એટલે આપણે તારી અને પાર્થિવની દાક્તરી તપાસ કરાવી લઈશું ?”

ધારિણી ફરી લાગણીશીલ થઈ ગઈ અને બોલી “ મમ્મી દાક્તરી તપાસની કોઈ જરૂર નથી. પાર્થિવની બાળકની ખૂબ ઈચ્છા છે પરંતુ હું તે માટે તૈયાર નથી એટલે...”

વંદનાબેન “ બેટા, સ્ત્રી માતૃત્વ વિના અધૂરી છે તો પછી તું કેમ બાળક નથી ઇચ્છતી ?”

ધારિણી “ મમ્મી માતૃત્વ ધારણ કરવા માટે હું પણ તલસું છુ. પાર્થિવનો અંશ મારા ઉદરમાં પાંગરે અને આ ઘરને તેની મીઠી કીલકારીયોથી ભરીદે તેવું હું પણ ઈચ્છું છુ પરંતુ કેટલીક મજબૂરીઓ મને તેમ કરતાં રોકે છે.”

વંદનાબેન “ કઈ મજબૂરી તને તેમ કરતાં રોકે છે તે મને જણાવ જેથી હું કોઈ નિર્ણય લઈ શકું. “ 


ધારિણી “ મમ્મી પુત્રીની પ્રથમ સુવાવડ તેના પિયરમાં થાય તેવી પ્રણાલિકા આપણા સમાજમાં પ્રવર્તે છે. મારા પિયરમાં મારા મમ્મી પાપા ને સુખ નથી અને જો મને પ્રસૂતિ માટે ત્યાં તેડી જાય તો મારી ભાભી મને અને મારા મમ્મી પાપા સાથે ખૂબ કઠોર વહેવાર કરી અમને પજવે તે વિચારથી હું હાલ માતૃત્વ ધારણ કરવા નથી ઇચ્છતી. “ કહી ધારિણી ફરી રડી પડી. વંદનાબેને કહ્યું “ ગાંડી આટલી અમથી વાતમાં તું માતૃત્વના સુખથી વંચિત રહેવા માગે છે ?. મારે દીકરી ન હોવાથી દીકરીની સુવાવડ કરવાનો લાહવો મને મળી રહે તેથી મેં તને જે ક્ષણે મારી દીકરી માની હતી તે ક્ષણથી જ મેં તારી પ્રથમ પ્રસૂતિ આપણા ઘરે કરાવવાનું નક્કી કરી દીધું હતું. તું સામાજિક રિવાજો, પ્રણાલિકાઓ અને લોકો સમાજમાં શું વાતો કરશે તેવી તમામ વાતો વિષે વિચારવાનું છોડી દે. તારા મમ્મી પાપાને સમજાવવાનું કામ હું કરી લઇશ. તે ઉપરાંત જો તારી ભાભી તેમની સાથે હવેથી અણછાજતો વહેવાર કરશે તો તેને સીધી દોર કરવા માટે જે કાંઈ પગલાં લેવા પડશે તે આપણે લઈશું, માટે હવે તું બેફિકર થઈજા અને સુખેથી જીવન જીવ.“

વંદનાબેનના સધિયારાથી ધારિણી હળવીફૂલ થઈ ગઈ. તેનામાં નવું જોમ આવ્યું હોય તેમ ઊછળતી કૂદતી કામમાં પરોવાઈ ગઈ. થોડા સમય પછી ધારિણીએ તેને ચઢતા દિવસો હોવાના શુભ સમાચાર વંદનાબેનને આપ્યા. વંદનાબેન તે સમાચાર જાણી ખૂબ ખુશ થઈ ગયા. 


વંદનાબેને “ જિંદગી એક, રંગ અનેક “ નામની એક સામાજિક નવલકથાની રચના કરવાનું શરૂ કર્યું હતું. લાગણીથી નીતરતી, સંવેદનાઓથી ભરપૂર, સામાજિક તાણા વાણાંથી ગૂંચવાએલી ગૂંચોને ઉકેલતી નવલકથાને પ્રથમ પ્રકરણથી જ ખૂબ સારો આવકાર મળી રહ્યો હતો. ધારિણીને પણ આ નવલકથા ખૂબ ગમી હતી. તે વંદનાબેનને ખૂબ પ્રોત્સાહિત કરતી હતી. ધારિણીનો ગર્ભ ચારમાસનો થયો ત્યારથી વંદનાબેને તેને ઘરકામમાંથી મુક્ત કરી દીધી હતી. ઘરકામ માટે એક આધેડ બ્રાહ્મણ બેનને નોકરીમાં રાખી લીધા હતા. ધારિણીને સંપૂર્ણ આરામ આપવામાં આવી રહ્યો હતો. ધારિણી સમય પસાર કરવા માટે વિવિધ પુસ્તકોનું વાંચન કરતી રહેતી હતી અને સાથોસાથ “ જિંદગી એક, રંગ અનેક “ નવલકથાના નવા પ્રકરણો લખવા માટે વંદનાબેનને પ્રોત્સાહિત કરતી રહેતી હતી. વાંચકોના અપ્રતિમ પ્રતિસાદ અને ધારિણીના પ્રોત્સાહનને કારણે વંદનાબેન નવલકથાના પ્રકરણો નિયમિત રીતે લખતા હતા. વાંચકો દરેક પ્રકરણે તેમનો ઉત્સાહ વધારતા હતા અને આગળનું પ્રકરણ ઝડપથી મૂકવા વિનંતી કરતાં હતા. તેમના વાચકોની સંખ્યા પાંચ લાખ ને આંબી ગઈ હતી. સુંદર સામાજિક વાર્તા તરીકે લોકોના મોઢે ચર્ચા થતી સાંભળી વંદનાબેનની છાતી ગજ ગજ ફૂલતી હતી. 


ધારિણીને હવે આઠમો માસ બેસી ગયો હતો. વંદનાબેનને લાગતું હતું કે હવે ધારિણીને તેમની ખૂબ જરૂર રહેશે એટલે તેમણે થોડોક સમય લેખન પ્રવૃત્તિમાં વિરામ લેવાનું નક્કી કરી તે વાત તેમના વાંચકો સમક્ષ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી. તે સાંજે જ બસો કરતાં પણ વધુ સંદેશાઓ તેમને મળ્યા અને આ સામાજિક નવલકથાને પૂરી કર્યા સિવાય લેખનમાંથી વિરામ ન લેવા વિનંતિઓ હતી. બધા સંદેશાઓ વાંચતાં વાંચતાં તેમની નજર એક સંદેશા પર પડી. તે વાચકે લખ્યું હતું “ પ્રિય લેખિકા ! મે આજેજ આપની નવલકથાના તમામ હપ્તા એક શ્વાસે વાંચ્યા છે. સમાજમાં બનતા બનાવોનું આપે જે ખૂબીથી તાદૃશ ચિત્રણ કર્યું છે તે કાબિલે દાદ છે. પતિની ઉપેક્ષાથી સ્ત્રી ઘણી દુખી થાય છે તેમ છતાં ભારતીય નારી પોતાના પતિનો કેટલો આદર કરેછે તે વાત આપે ખૂબ સરસ અને સરળ ભાષામાં વાચકોને પીરસી છે. આપની આ નવલકથા આ વર્ષની બેસ્ટ સેલર પુરવાર થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આપે પોતે આ પરિસ્થિતિઓનો સામનો કર્યો હોય અને આપના પતિની ઉપેક્ષા સામે ઝઝુંમ્યા હોવ તેવું મને લાગે છે. શું આ સચ્ચાઈ છે ? જો એમ હોય તો આપને આપના પતિ પ્રત્યે અણગમો કે ધિક્કાર ઉપજે છે ? ” 


વંદનાબેનને આ પ્રતિભાવ થોડોક ખૂંચ્યો. તેમને આ વાંચકની તેમની અંગત બાબતોમાં માથું મારવાની ચેષ્ટા ન ગમી, આમ છતાં તેમણે પ્રત્યુત્તર પાઠવતા તે વાંચકને લખ્યું કે “ આપ જેવું માનો છો તેવું મારા જીવનમાં કઇં બન્યું નથી. મને મારા પતિ અને મારા પરિવારનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હું મારા પતિથી ઉપેક્ષિત થયેલી નથી. જો આપને મારુ લેખન તાદૃશ લાગ્યું હોય તો હું તેને મારી સફળતા માનું છું. જીવનમાં આપણી આસપાસ બનતા બનાવો મને વાર્તાઓ લખવા પ્રેરણા આપે છે. આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. “ ત્યાર પછીના પ્રકારણોમાં પણ તે વાંચકના ચુભતા સવાલો અને પ્રતિભાવો મળતા રહ્યા. વંદનાબેન સહજતાથી તેના જવાબો પાઠવતા રહ્યા. 


ધારિણી નવલકથાના છેલ્લા પ્રકરણનું વાંચન અને પ્રૂફરીડિંગ પૂરું કરી વંદના બેનને ભેટી પડી. તેણે કહ્યું “ મમ્મી મને આપની આ નવલકથાનો સુખદ અંત ખૂબ ગમ્યો. ખરેખર સ્ત્રી સહિષ્ણુ છે તે આપે આ નવલકથા દ્વારા પુરવાર કર્યું છે. મને આશા છે કે આપની આ સામાજિક નવલકથા કેટલાય કુટુંબમાં પરીવર્તન લાવશે. પુરુષો તરફથી ઉપેક્ષિત સ્ત્રીઓને જીવવાનું નવું બળ પૂરું પાડશે અને પુરૂષોને પણ સ્ત્રીઓની ઉપેક્ષા ન કરવા પ્રેરણા આપશે.” વંદનાબેનને ધારિણીનો અભિપ્રાય ખૂબ ગમ્યો. તેમણે ધારિણીને પોતાની બાથમાં લઈ વહાલ કર્યું. તેમણે વિચાર્યું જેના માટે મે આ નવલકથા લખી છે તે જો એક વાર વાંચી લે તો મારુ કાર્ય સાર્થક થાય. તેમનાથી અજાણતા એક નિશ્વાસ નીકળી ગયો. ધારિણી સાસુજીની વ્યથા સમજતી હતી. 


વંદનાબેને છેલ્લું પ્રકરણ ડીઝિટલ પ્લેટફોર્મ પર પ્રસિધ્ધ કર્યું અને સાથો સાથ તેમણે વાંચકોનો પ્રતિભાવો દ્વારા ઉત્સાહ વધારવા માટે આભાર માન્યો. જે વાંચકે તેમને ચુભતા સવાલો પૂછ્યા હતા તેને નામજોગ સંદેશો મૂકી જણાવ્યુ કે “ આ નવલકથાના અંતથી કદાચ આપને આપના દરેક સવાલોના જવાબો મળી જશે તેવી આશા રાખું છું. આપના પ્રતિભાવોથી મને વાર્તામાં હકારાત્મકતા લાવવાનું પ્રોત્સાહન મળેલ છે જે માટે હુ આપની આભારી છું. ”   


  નવલકથાના છેલ્લા પ્રકરણના પ્રતિભાવો મળે તે પહેલાં ધારિણીને પ્રસૂતિની પીડા ઉપાડી. વંદનાબેન ધારિણીને લઈને દવાખાને પહોચ્યા. થોડાક કોમ્પ્લિકેશન્સ હોવાથી ડોકટરોને સિઝેરીયનથી ધારિણીની પ્રસૂતિ કરાવવી પડી. ધારિણી પુત્રની માતા અને વંદનાબેન દાદી બની ગયા. ઘરમાં આનંદનો ઉત્સવ હતો. વંદનાબેન અઠવાડીયા સુધી ખૂબ વ્યસ્ત રહ્યા. ધારિણીને દવાખાનેથી રજા આપી દેવામાં આવી હતી. હવે તેમની વ્યસ્તતા ઓછી થઈ હતી એટલે તેમણે તેમની નવલકથાના અંતિમ પ્રકરણના પ્રતિભાવો જોવા વેબસાઇટ ખોલી. અધધ એક હજાર કરતાં પણ વધારે સંદેશા હતા. વાંચકોની સંખ્યાનો આંકડો સાત લાખને પહોંચવા આવ્યો હતો. વંદનાબેનને બધા સંદેશા વાંચવામાં બે કલાક કરતાં પણ વધારે સમય લાગ્યો. તેમને જેના પ્રતિભાવ ઇંતેજારી હતી તે વાંચકનો કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. વેબ સાઈટે વંદનાબેનને ઇ-મેઈલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને નવી નવલકથા રજૂ કરવા વિનંતી કરી હતી. તેમની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઇ આવ્યા. તેમણે સૌ વાંચકોનો આભાર માનતો એક સંદેશો પ્રસિધ્ધ કર્યો અને જણાવ્યુકે થોડીક વ્યસ્તતાના કારણે તેમણે હાલપુરતું લેખન કાર્યને વિરામ આપવાનું નક્કી કર્યું છે.  


ધારિણીની પ્રસૂતિને બે માસ થઈ ગયા હતા. ધારિણી દર રોજ બપોરે બે માસના પુત્ર યુગને વંદનાબેનના હવાલે કરી બે થી અઢી કલાક માટે ક્યાંક ચાલી જતી હતી.વંદનાબેન ધારિણીને ” હજુ તારું શરીર કાચું છે માટે દોડાદોડી ન કર “ તેવી સલાહ આપી શરીર સાચવવાનું કહેતા હતા પરંતુ ધારિણી માનતી ન હતી તેથી તેમણે પાર્થિવ અને સંજયભાઈને ફરિયાદ કરી પરંતુ તે બંનેએ વંદનાબેનની વાતો કાને લીધી નહીં. વંદનાબેનને લાગ્યું કે ઘરમાં તેમનાથી છૂપી કોઈ રમત ચાલી રહી છે અને તે કાવતરામાં સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી સામેલ છે. તેમણે તેમની પાસેથી તેમની ભેદી પ્રવૃત્તિ બાબતે માહિતી કઢાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેમને કોઈ દાદ દેતું ન હતું. છેવટે તેમણે હથિયાર હેઠાં મૂકી પૌત્રની કાળજી લેવામાં જીવ પરોવ્યો.  


ત્રણ મહિના સુધી ઘરમાં છૂપી રમત ચાલતી રહી પરંતુ વંદનાબેન તેનો તાગ મેળવી ના શક્યા. છેલ્લા બે દિવસથી ઘરના વાતાવરણમાં તેમણે ફેરફાર નોધ્યો. જાણે કોઈ પ્રસંગ ઉજવવાનો હોય તેવો માહોલ હતો. હવે યુગ ઘૂંટણીએ ચાલતો થયો હતો. તે દિવસે તેમના મોબાઈલ પર પેલા અજાણ્યા વાંચકનો વેબસાઇટના માધ્યમથી મેસેજ મળ્યો. “ લેખિકાજી આપની નવલકથાનો અંત મને ખૂબ ગમ્યો છે. મારા જીવનમાં પરીવર્તન લાવવા માટે હુ આપનો આભારી છું. હુ આજે આપને રૂબરૂ મળવાનો છું. સ્થળ અને સમય હુ બપોર પછી જણાવીશ.” વંદનાબેનને આ વાંચક પણ ભેદી લાગ્યો. જાણે બળજબરીથી તેમના પર હક્ક જમાવતો હોય તેવું તેમને લાગ્યું !. 


સાંજે ત્રણ વાગ્યે સંજયભાઈ ઘરે આવ્યા. વંદનાબેનને નવાઈ લાગી કારણકે સંજયભાઇ કામકાજના દિવસે રાત પહેલાં કદી ઘરે આવતા ન હતા. તેમણે આવતાની સાથે જ કહ્યું “ વંદના સાંજે પાંચ વાગે આપણે એક સાહિત્ય સભામાં જવાનું છે. તું તૈયાર થઈ જા.” વંદનાબેન માટે સંજયભાઈની વાત આંચકા સમાન હતી. સાહિત્યના ઔરંગઝેબના મુખેથી સાહિત્ય સભામાં જવાનું સાંભળી વંદનાબેન થોડીક ક્ષણો માટે સંજયભાઈની વાતને સાચી માની ન શક્યા. સુખદ આંચકો આપતાં સંજયભાઈ આગળ બોલ્યા “ વંદના, આજે સુરતમાં સાહિત્ય સંમેલન છે. જેમાં એક નવોદિત લેખકના પુસ્તકનું વિમોચન થવાનું છે. મને પ્રથમ હરોળના પાસ મળ્યા છે. ત્યાં તારા ઘણા ઓળખીતા નવોદિત લેખકો પણ આવશે એટલે મને થયું કે આપણે પણ જતાં આવીએ. તું હમણાંથી યુગની સારસંભાળમાં વ્યસ્ત હોવાથી તને પણ ચેન્જ મળશે અને મિત્રો તેમજ ઓળખીતા પાળખીતા સાથે થોડીક ગોષ્ઠી પણ થઈ જશે. જો તારા વાંચકો કે પ્રશંશકો ત્યાં આવેલા હોય તો મારી તેમની સાથે ઓળખાણ કરાવજે. હુ પણ જોવું તારા પ્રશંશકો કેવા છે. કોઈ મોટા ગજાના સાહિત્યકાર છે કે પછી ફેસબુકીયા લેખકો છે ? “

 

વંદનાબેનને સંજયભાઈની “ફેસબુકીયા લેખકો” વાળી ટીકા ન ગમી. તેમ છતાં તેમણે કોઈ વાંધો ના ઉઠાવ્યો. તે ચૂપચાપ તૈયાર થવા માંડ્યા. આજે બપોર પહેલાં પાર્થિવ અને ધારિણી યુગ સાથે “મમ્મી અમે બહાર જઈએ છીએ” કહી ક્યાક જવા રવાના થયા હતા. ઘરમાં વંદનાબેન અને સંજયભાઈ એકલા હતા. વંદનાબેન શાવર બાથ માટે તેમના બેડરૂમના બાથરૂમ તરફ ગયા. તે બાથરૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશવા જતાં હતા ત્યારે સંજયભાઈએ પાછળથી વંદનાબેનને પોતાના બાહુપાસમાં જકડી તેમની ગરદન પર પોતાના હોઠ મૂકી હેત વરસાવ્યું. વંદનાબેનનો હાથ પકડી તેમણે બેડ પર બેસાડયા અને તેમની સાથે પ્રેમ કરવા લાગ્યા. વંદનાબેન શરમાઈને બોલ્યા “ બેડરૂમનો દરવાજો ખુલ્લો છે તોય તમને પ્રેમ સુજે છે ? શરમ કરો હવે અવસ્થા થઈ. સમજણ નથી પડતી આજે કેમ આટલા બધા રોમાંટીક થઈ ગયા છો ?“ બોલી તે પણ સંજયભાઈને વીંટળાઇ વળ્યા. સંજયભાઈ વંદનાબેનને વધુ કઇં બોલવાનો મોકો આપ્યા સિવાય બેડરૂમનો દરવાજો બંધ કરી તેમને બેડપર ખેંચી ગયા અને પ્રેમકીડામાં લીન થઈ ગયા. 


બરાબર સાત વાગ્યે સંજયભાઈ અને વંદનાબેન સાહિત્ય સંમેલનમાં સામેલ થવા શહેરના ટાઉનહોલમાં દાખલ થયા ત્યારે વંદનાબેનના પ્રશંશકો દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા થતી જોઈ તે અચરજ પામ્યા. તેમને થયું તેમની ડિજીટલ પ્લેટફોર્મ પર તાજેતરમાં પૂરી થએલી નવલકથા માટે સૌ અભિનંદન આપી રહ્યા છે. તે સૌનું અભિવાદન સ્વીકારતા સ્વીકારતા પ્રથમ હરોળમાં પહોંચી ખુરશી પર બેઠા. સામે સ્ટેજ પર તેમની નવલકથા     “ જિંદગી એક, રંગ અનેક “ નું ગુજરાતના નામી સાહિત્યકારના હસ્તે હાર્ડ બાઉન્ડ કોપીમાં વિમોચન કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હોવાનું મોટું બેનર વાંચી તેમને નવાઇ લાગી. તેમણે સંજયભાઈ સામે જોયું. સંજયભાઈ માર્મિક હસી રહ્યા હતા. પાર્થિવ અને ધારિણી યુગને લઈ વંદનાબેન પાસે આવ્યા અને બોલ્યા “ મમ્મી આપની પ્રથમ નવલકથાના પ્રકાશન માટે આપને ખૂબ ખૂબ અભિનંદન ! “ 


વંદનાબેનની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ. તેમને બધુ ધૂંધળું દેખાતું હતું. કાર્યક્રમના સંચાલકે ગુજરાતી સાહિત્યના નામી સાહિત્યકારો સાથે વંદનાબેનને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરી એટલે સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી વંદનાબેનને સ્ટેજ તરફ દોરી ગયા. 


વંદનાબેન સ્ટેજ પર બેસી સ્વસ્થ થયા. સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી પણ સ્ટેજપર બિરાજમાન હતા. હવે વંદનાબેનને સમજાઈ ગયું હતું કે તેમની પ્રથમ નવલકથાના પ્રકાશન અને વિમોચન પાછળ તેમના પરિવારનો હાથ છે. સુરતના એક નામી સાહિત્યકાર પ્રવચન માટે ઊભા થયા. તેમણે વંદનાબેનની નવલકથા “ જિંદગી એક, રંગ અનેક “ ના કથાનક વિષે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને વંદનાબેનની લેખનીના ભારોભાર વખાણ કર્યા. તેમણે એ પણ કહ્યું કે આ પુસ્તકની પ્રસ્તાવના તેમણે લખી છે અને નવલકથામાં રેલાતી સંવેદના અંગે તેમણે તેમાં વિગતવાર નિરૂપણ કર્યું છે જે નવલકથાના વાચકોને વાંચવા મળશે. એક મૂર્ધન્ય સાહિત્યકારે મરૂન રંગના રેપરને નવલકથા પરથી દૂર કરી વંદનાબેનના સહયોગથી તેમની નવલકથાનું વિમોચન કર્યું. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વંદનાબેનને વધાવી લીધા. નામી સાહિત્યકારે પણ વંદનાબેનની લેખનીના વખાણ કર્યા અને ભવિષ્યમાં વંદનાબેન તરફથી સાહિત્ય જગતને ખૂબ સારી નવલકથાઓ મળશે તેવો આશાવાદ પણ રજૂ કર્યો. સુરતના નામી પ્રકાશકે વંદનાબેનની નવલકથાનું પ્રકાશન કર્યું હતું. તેમણે નવલકથાની રોયલ્ટી પેટે વંદનાબેનને રૂ. પાંચ લાખનો ચેક અર્પણ કર્યો. મંચ સંચાલકે વંદનાબેનને તેમની કૃતિ વિષે બે શબ્દો કહેવા વિનંતી કરી. વંદનાબેને કૃતિના કથાનક અને તેમાં છુપાએલા સંદેશા વિષે વાત કરી. તેમણે જણાવ્યુકે તેમના કુટુંબના સહકાર અને વાચકોના પ્રોત્સાહન વિના આ નવલકથાનું સર્જન થઈ શક્યું ન હોત તેવું કહી સૌનો આભાર માન્યો. વંદનાબેન પોતાના સ્થાન પર બેસવા જતાં હતા ત્યારે સ્થાનિક ચેનલના પત્રકારે વંદનાબેનને ઇન્ટરવ્યુહ આપવા વિનંતી કરી. તેમણે આનાકાની કરી પરંતુ પ્રેક્ષકોના આગ્રહને કારણે તે ઇન્ટરવ્યુહ આપવા સંમત થયા.


પત્રકાર “ લેખિકાજી આપને આ નવલકથા લખવાની પ્રેરણા ક્યાથી મળી ?” 

વંદનાબેન “ હું મારી આસપાસ બનતી ઘટનાઓ નિહાળું છું અને તેના પર મનન કરું છું. મેં નિહાળેલી ઘટનાઓએ મને આ નવલકથા લખવાની પ્રેરણા આપી છે. “  

પત્રકાર “આપે નવલકથામાં આલેખ્યા છે તેવા સંજોગો આપના જીવનમાં પ્રવર્તે છે ખરા ?” 

વંદનાબેન “ માફ કરજો આ અંગત પ્રશ્ન છે હું તેનો જવાબ આપવા નથી માગતી “ 

પત્રકાર “ આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળીને આપે અમારા પ્રેષકોને નવલકથાની નાયિકા જેવા જ સંજોગો આપના જીવનમાં પ્રવર્તે તેવું વિચારવા પ્રેરો છો તેવું આપને નથી લાગતું ?”

વંદનાનાબેનના ચહેરા પર અણગમો તરવરી ઉઠ્યો. તેમણે “ નો મોર ક્વેશ્ચન પ્લીઝ “ કહી પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું. પત્રકાર સંજયભાઇ પાસે પહોચ્યો અને બોલ્યો “ સંજયભાઈ, શું આપના તરફથી વંદનાબેનની ઉપેક્ષા થવાથી તેમને આ નવલકથા લખવા મજબૂર થવું પડ્યું હોય તેવું આપને લાગે છે ?”


સંજયભાઈ ઊભા થયા અને બોલ્યા “ પત્રકાર મિત્ર કદાચ આપના પ્રશ્નમાં સચ્ચાઈ છે. વંદના સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. જીવનના બે પાસા સરખા કરવા મારે ખૂબ તનતોડ મહેનત કરવી પડી છે.મારી યુવાનીના કિમતી વીસ વર્ષનો મે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવા માટે ભોગ આપ્યો છે. આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કર્યા પછી પણ મારા સ્ટેટસને જાળવી રાખવા માટે હું ધંધામાં રચ્યો પચ્યો રહ્યો છું તેથી હું વંદનાને સમય આપી શક્યો નથી. હું તેનો ગુનેગાર છુ. હું વંદનાની ભાવનાઓ સમજી શક્યો ન હતો. તે સાહિત્યનો જીવ છે તે હું જાણતો હતો. તે મને તેની રચનાઓ વાંચવા આગ્રહ કરતી પણ હું તે તરફ ઉપેક્ષા સેવતો હતો. વંદના ખૂબ આગ્રહ કરેતો તેની રચનાઓને ઊડતી નજરે વાંચી તેને ન ગમે તેવા અભિપ્રાયો આપી તેને મે હમેશાં હતોત્સાહ કરી છે. મારી આ ઉપેક્ષાને લીધે તેણે તેના મનની ભાવનાઓ કાગળ પર મૂકી છે. તેની “ જિંદગી એક, રંગ અનેક “ નવલકથાની પ્રથમ વાચક મારી પુત્રવધૂ છે. નવલકથામાં ટપકતી વેદનાનું કારણ મારી વંદનાના તરફની ઉપેક્ષા છે તેવું મારી પુત્રવધૂ ધારિણીને લાગ્યું હતું અને કદાચ તેના લીધે વંદના મનોરોગની શિકાર બનશે તેવું વિચારી ધારિણીએ મને આ નવલકથા વાંચવા ખૂબ આગ્રહ કર્યો હતો. હું તેના આગ્રહને વશ થઈ એકી શ્વાસે નવલકથાના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત થએલા તમામ પ્રકરણો વાંચી ગયો હતો. મારા તરફ્થી થએલી ઉપેક્ષાએ વંદનાના હદય પર ખૂબ અસર કરી છે અને તે ખૂબ ઘવાઈ છે તેવું હું સમજી ગયો. વંદનાને મારા પ્રત્યે કેવી અને કેટલી નફરત છે તે જાણવા મેં એક વાચક તરીકે પ્રતિભાવોમાં વંદનાને ઘણા અંગત પ્રશ્નો પૂછી મે તેનું મન કળવાનો પ્રયત્ન કર્યો હતો. તેના દરેક જવાબમાં મારા તરફ કોઈ નફરત મને ન જણાઈ. મને લાગ્યું કે આટલી ઉપેક્ષા હોવા છતાં એક આદર્શ ગૃહિણી અને પતિપરાયણ સ્ત્રી તરીકે તે મને ખૂબ પ્રેમ કરે છે અને મારા તરફ તેને કોઈ અભાવ નથી. તેથી મે નક્કી કર્યું કે હું હવે વંદનાને પૂરતો સમય આપીશ અને તેના અધૂરા આરમાનો પૂરા કરીશ. એક સાહિત્યકારને પોતાની રચનાઓ પોતાના બાળકો જેટલી વહાલી હોય છે એટલે મે વંદનાને સરપ્રાઈઝ ગીફ્ટ આપવા માટે તેને જણાવ્યા વિના ચોરી છૂપીથી આ નવલકથા પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. મારા આ ભગીરથ કાર્યમાં મને મારી પુત્રવધૂ ધારિણીનો ભરપૂર સાથ મળ્યો છે. પ્રકાશક સાથે પ્રકાશન બાબતે કરવાની થતી તમામ કામગીરી તેણે સગર્ભાવસ્થા સમય દરમ્યાન ઉપાડી લીધી હતી. તે પ્રસૂતા હોવા છતાં દરરોજ બે-ત્રણ કલાક જેટલો સમય પ્રૂફ રીડિંગ માટે ફાળવતી હતી. આ નવલકથાનું શીર્ષક ચિત્ર તૈયાર કરવા ઘણા ચિત્રકારો સાથે ચર્ચા કરી છે. પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે મૂર્ધન્ય લેખકોને મળી તેમનો સમય મેળવ્યો છે અને આ આખા કાર્યક્રમનું આયોજન તેણે પોતાના માથે લઈ પૂરું કર્યું છે. વંદના ધારિણીને પોતાની પંડની દીકરી મને છે. ધારિણીએ પોતાની પુત્રી તરીકેની ફરજ બજાવી વંદનાનું ઋણ અદા કર્યું છે. આ નવલકથામાં સ્ત્રી પોતાના જીવનમાં સહજતાથી કેટલા ગમતા અને અણગમતા રંગો ભરી શકે છે તે વાત વંદનાએ ઉજાગર કરી છે. તેણે મારા જીવનની દશા અને દિશા બદલી નાખી છે. હું વંદનાનો ગુનેગાર છુ માટે તેની માફી માગું છું અને સાથોસાથ મારા જીવનને સાચા માર્ગે વાળવા માટે હું તેનો આભારી પણ છું. હું દરેક પુરુષને આ નવલકથા વાંચવા ભલામણ કરું છું. જો તેમના જીવનમાં કોઈ રંગોની ઉણપ હશે તો આ નવલકથા વાંચ્યા પછી જરૂર તે ઉણપ પૂરી થઈ જશે અને પોતાની પત્નીને નવી નજરથી જોવા પ્રેરાશે. દરેક પરિણીત પુરુષને પોતાના જીવનને આનંદમયી બનાવવા આ નવલકથા પ્રેરણા પૂરી પાડશે. “

સંજયભાઈનો બેબાક સંવાદ પૂરો થયે સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમણે વધાવી લીધા. 

 વંદનાબેન સંજયભાઈના વિસ્તૃત સંવાદથી પ્રભાવિત થયા હતા. સંજયભાઈ માટે તેમના મનમાં હતો તેના કરતાં વધારે આદર ઉત્પન્ન થયો હતો. 

કાર્યક્રમ પૂરો થયે વંદનાબેનને તેમના પ્રશંશકો ઓટોગ્રાફ લેવા માટે વીંટળાઇ વળ્યા હતા. પતિ તરફથી મળેલ સન્માનથી વંદનાબહેનના ચહેરા પર એક વિશિષ્ટ આભા ઊભરી આવી હતી. 


આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)

તા. 28-12-2019       

   


   


Rate this content
Log in

Similar gujarati story from Romance