Nilang Rindani

Drama

3  

Nilang Rindani

Drama

જીવંત મૂર્તિ

જીવંત મૂર્તિ

8 mins
213


શંકરલાલ.......એક ખૂબ જ પ્રખ્યાત મૂર્તિકાર અને દાયકાઓથી આ વ્યવસાયમાં હતા. યુવાનીમાં જ આ બાપિકો વ્યવસાય સંભાળી લીધો હતો અને હવે તો તેની આયુ પણ લગભગ ૬૦-૬૫ વર્ષ ની થઈ ગઈ હશે. શહેરમાં મોટી કહો કે નાની મૂર્તિ, સહુ કોઈ શંકરલાલ પાસે જ દુંદાળા દેવની મૂર્તિ બનાવડાવવાનો આગ્રહ રાખતા હતા. શહેરના મોટા મોટા ગણેશ મંડળો પણ શંકરલાલ પાસેથી જ ગણેશજીની મૂર્તિ બનાવડાવતા હતા. અને શંકરલાલ પણ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી મૂર્તિ બનાવતા હતા એટલે તેની બનાવેલી મૂર્તિઓમાં પ્રાણવાયુનો સંચાર થઈ જતો હતો. તેમના ઘરની પાછળના ભાગમાં જ તેમણે એક મોટી જગ્યા લઈ રાખી હતી, જેમાં શંકરલાલ મૂર્તિઓ બનાવતા હતા. તેમની ખાસિયત હતી કે તે વધુમાં વધુ માટીનો ઉપયોગ કરતા હતા એટલે બીજા બધા મૂર્તિકારોની સરખામણીમાં તેમની બનાવેલી મૂર્તિઓ થોડી મોંઘા ભાવની હતી.

ગણેશ ઉત્સવ ને આડે હવે ફક્ત ૩-૪ મહિનાનો સમય બાકી રહ્યો હતો એટલે શંકરલાલ પણ ખૂબ જ વ્યસ્ત થઈ ગયા હતા. સવારના ૯ વાગ્યાથી જે મૂર્તિ બનાવવાનું શરૂ કરતા તો છેક રાત ના ૧૧ વાગ્યા સુધી બનાવતા.

એક દિવસ આવી જ રીતે સવારથી મૂર્તિઓ બનાવી ને થાકેલા શંકરલાલ રાત ના પોણા અગિયાર વાગ્યે એક મૂર્તિને આખરી ઓપ આપી રહ્યા હતા. માથે હીરાજડિત મુગટ, પીળું પીતાંબર, રેશમી ખેસ, બાજુબંધ, ગળામાં નવલખો હાર, એક હાથમાં મોદક, બીજા હાથમાં હીરાજડિત કુહાડી, ત્રીજો હાથ આશીર્વાદની મુદ્રામાં અને ચોથા હાથમાં દોરડું...તેમના ચરણો આગળ તેમનું વાહન મૂષક રાજ પણ તેમનું સ્થાન શોભિત કરી રહ્યા હતા. શંકરલાલ આજે ઘણા જ થાકી ગયા હતા. તેમને વિચાર આવ્યો કે અમુક જે રંગ કામ બાકી રહ્યું છે તે બીજા દિવસે સવારે કરી લેશે. એમ વિચારી ને બન્ને હાથ આળસની મુદ્રામાં ઊંચા કરીને, મૂર્તિ તરફ એક ઊડતી નજર કરી ને તે પોતાના ઘરમાં ગયા. થોડું લુસ લૂસ વાળુ કરીને પોતાના બિછાનામાં આડા પડ્યા અને પડતાવેત ઊંઘના રસ્તે વાટ પકડી લીધી. 

અચાનક શંકરલાલની આંખો સમક્ષ તેજ પ્રકાશપુંજ પથરાઈ ગયો. આંખો ચોળતા ચોળતા શંકરલાલ પથારીમાં બેઠા થઈ ગયા. તેમને થયું કે રાત્રે સૂતી વખતે ભૂલથી કોઈ બત્તી તો બંધ કરવાનું ભૂલાય નથી ગયું ને ? પણ આ શું ? શંકરલાલ શું જોઈ રહ્યા હતા ? વિશ્વાસ નહોતો બેસતો તેમને કે તેની સમક્ષ સાક્ષાત ગણેશજી ઊભાં હતા.....શંકરલાલની આંખો વિસ્મયથી ફાટી ગઈ હતી. તેમનું મોઢું ફફડી રહ્યું હતું પરંતુ શબ્દો તાળવે જાણે કે ચોંટી ગયા હતા....અને ત્યાંજ તેમના કાને ગણેશજીનો અવાજ સંભળાયો.

ગણેશજી: શંકરલાલ, કેમ છે તું ? આજકાલ તો તું ઘણો વ્યસ્ત છે ને કઈં ?

શંકરલાલ (અવાચક મુદ્રામાં અને હાથ જોડી ને): પ...પ...પ....પ્રભુ, આ.... આ.....આપ ? (શબ્દો મહામહેનતે નીકળ્યા)

ગણેશજી: હા..શંકરલાલ, હું...આજે મને થયું કે ચાલ તારી સાથે થોડી વાત કરું. સૌથી નજીક તો તું જ છે ને મારી ? એટલે થયું કે તારા ખબરઅંતર પૂછી લઉં....બોલ, કેમ છે તું ?

શંકરલાલ: (હાથ જોડેલી મુદ્રામાં) પ્રભુ, આપની કૃપા છે. આપ તો અંતર્યામી છો, આપનાથી કશું જ છૂપું નથી....બધું આપની સમક્ષ જ છે.

ગણેશજી: (માર્મિક હાસ્ય વેરી ને) હા...તારી વાત તો સાચી છે, શંકરલાલ....મારા થી કશું જ છૂપું નથી....હું બધું જ જોઈ રહ્યો છું, એટલે તો તારી સાથે વાત કરવા આવ્યો છું.

શંકરલાલ: (મસ્તક નમાવી ને) આજ્ઞા કરો પ્રભુ.....શું વાત કરવા આવ્યા છો ? 

ગણેશજી: (થોડા અણગમા અને આક્રોશ સાથે) શંકરલાલ, આ તમે લોકોએ પૃથ્વી ઉપર શું માંંડ્યું છે ? શું કરવા માંગો છો તમે બધા ?

શંકરલાલ: (વિસ્મય થી) પ્રભુ, સવિસ્તાર સમજાવો.....કેમ આટલા આકરા થયા છો ? મારાથી શું ભૂલ થઈ છે ?

ગણેશજી: (પ્રચંડ આક્રોશ સાથે) તારા એકલાથી નહીં, શંકરલાલ...પરંતુ તારા જેવા અગણિત મનુષ્યોથી.....હા....મનુષ્યોથી.....!!

શંકરલાલ: (આંખ ઝીણી કરી ને) પ્રભુ.....અમારાથી......ભૂલ ? શેની અને શી ભૂલ, પ્રભુ ? આપ તો જોઈ જ રહ્યા છો ને.....સૌ કોઈ આપના આગમનની કેવી તૈયારીમાં લાગેલા છે ? અહીં તો સૌ કોઈ આપને ભક્તિભાવથી પૂજે છે.....અમારાથી..

ગણેશજી: (ખૂબ જ ગુસ્સામાં અને તેમનો એક હાથ ઊંચો કરીને) તું મને પૂછે છે શું ભૂલ ? શંકરલાલ, હું ગણાવા બેસીશ તો તારું આખું આયખું પણ ઓછું પડશે અને મારી પાસે પણ એટલે સમય નથી, પરંતુ હા....સંક્ષિપ્તમાં કહી દઈશ....સમજી જજો તો તમારા જ સારા માટે છે નહિતર સર્વનાશ તો નક્કી જ છે.

શંકરલાલ: (થર થર કાંપતા હાથ જોડી ને) પ્રભુ, હું હજી નથી સમજી શકતો કે આપ કેમ આટલા કોપાયમાન થયા છો ? મને કહો તો ખરા કે અમે લોકો એ એવી તે શું ભૂલ કરી છે કે આજે આપે સ્વયમ શું પધારવું પડ્યું ?

ગણેશજી: (જે હાથમાં કુહાડી હતી તે ઊંચો કરી ને) શંકરલાલ, સાંભળ.......તમે, મનુષ્યો હવે પોતાને જ દેવ સમજવા લાગ્યા છો......જ્યાં જુઓ ત્યાં, ઠેર ઠેર અમાનવિયતા, લૂંટફાટ, બેઈમાની..... અરે, તમે લોકો તો અમને પણ વેચવા લાગ્યા છો....જે દેવો એ તમને બનાવ્યા છે, તમે લોકો દેવો ને જ બનાવવા નીકળ્યા છો ? બધા એક બીજા ને મારવા કે પછાડવાની પેરવીમાં જ લાગેલા છો......ત્યાં સુધી કે, મારા દર્શન કરવા માટે પણ તમે લોકો એ બોલી બોલાવવા માંંડી છે ? અમે શું કોઈ સર્કસ ના વિદૂષકો છીએ કે અમને જોવા માટે તમારે ટિકિટો રાખવી પડે છે ? આટલી લૂંટફાટ ? શંકરલાલ, મને જ્યારે સ્થાપના માટે કે વિસર્જન માટે તમે લોકો લઈ જાવ છો ત્યારે મદિરાનું સેવન કરો છો.....સમજો છો શું તમે લોકો તમારા મનમાં ? તમને લોકો ને એમ છે કે આ તો એક મૂર્તિ જ છે, શું બોલી શકવાની છે ? પણ ભૂલતો નહીં, અમે આ બધો તમારો ખેલ જોતા હોઈએ છીએ.......જો કોઈ ૧૦૦ રૂપિયા આપે તો આ લાઈન અને ૫૦૦ રૂપિયા આપે તો સીધા મારા ચરણો સુધી ? તમે લોકો એ આ શેનો ધંધો માંંડ્યો છે અને તે પણ અમારા નામ થી ? શરમ કરો તમે લોકો...... અરે એ તો ઠીક છે.....અમુક લોકો તો અમારા નામથી હવે લોકો ને બિવડાવવા માંડ્યા છે.....જો તમે આ વિધિ નહીં કરો તો તમારું આ નુકસાન થશે અને જો વિધિ કરાવશો તો પ્રભુ ખુશ થશે.....અરે, અમે ક્યારે આવું કંઈ કહ્યું છે જ ? અમારા કોઈ પણ ધાર્મિક પુસ્તકોમાં કે શાસ્ત્રોમાં પણ આવો કોઈ ઉલ્લેખ નથી થયો, તો પછી તમે લોકો કોણ છો આવું બધું નક્કી કરવાવાળા ? ઉપવાસના નામે તમે લોકો ૫૦ વાનગીઓ ખાઓ છો, પણ અમે ક્યારે કહ્યું કે અમારા નામનો ઉપવાસ કરશો તો અમે ખુશ થઈશું ? અમારા નામનો આટલો ખોટો પ્રચાર કેમ કરો છો ?

શંકરલાલ: (વિસ્ફારિત નયને અને ધ્રૂજતા હાથે) પ્રભુ, શાંત થાઓ...આપ જે કહો છો તે સત્ય છે, પણ.......

ગણેશજી: (અધવચ્ચે થી અટકાવીને) ઊભો રહે...હજી મારી વાત પૂરી નથી થઈ......શંકરલાલ, તને ખબર છે અમારી ક્યાં ભૂલ થઈ છે ?

શંકરલાલ: પ્રભુ.... એ શું બોલ્યા આપ ? આપની શું ભૂલ ? 

ગણેશજી: (કટાક્ષભર્યા સ્મિત સાથે) શંકરલાલ, અમારી ભૂલ એજ કે તમને લોકો ને અમે બુદ્ધિ આપી, વિચારવાની શક્તિ આપી અને વાચા આપી...તમે લોકો એ બુદ્ધિનો દુરુપયોગ કર્યો...અમને લોકો ને જ વેચવા માંડ્યા....વિચારવાની શક્તિ આપી એટલે કોનું શું અને કેટલું ખરાબ કરવું તે વિચારવા લાગ્યા અને વાચા આપી એટલે તેનો ઉપયોગ તમે લોકો એ એકબીજા ને ભાંડવા માટે કર્યો..... અરે, તમારા કરતાં તો પૃથ્વી લોક ઉપરના પ્રાણીઓ સારા છે જે કોઈ દિવસ કોઈનું બગાડતા નથી....ખબર છે શું કામ ? કારણ કે પ્રાણીઓ ને અમે બુદ્ધિ નથી આપી કે નથી વિચારવા ની શક્તિ અને ઓછામાં પૂરું....તેમને વાચા નથી આપી એટલે પ્રાણી બોલી ને કોઈ નું બગાડી નહીં શકે. પ્રાણી નિ:સ્વાર્થ પ્રજાતિ છે પણ તમે ?..…...સ્વાર્થ હોય તો અમને સોના ના મુકુટ પહેરાવો છો અને કામ પૂરું થઈ જાય તો કોણ ગણેશ અને કોણ મા ? પણ હવે અમને લોકો ને પણ અમારી ભૂલનું જ્ઞાન થયું છે.

શંકરલાલ: (થર થર કાંપતા) પ્રભુ, કોપાયમાન ના થશો...આપ જે કહો છો તે સત્ય છે....દયા કરો પ્રભુ.....દયા કરો.

ગણેશજી: (ક્રોધિત થઈ ને) અરે શંકરલાલ.....હું તારી જ વાત કરું.... તેં આજે એક ગરીબ માણસ સાથે પણ મારી મૂર્તિ નો ભાવતાલ કર્યો છે.....અને એ માણસ મારી મૂર્તિ લીધા વગર પાછો ગયો......પણ તને ખબર છે કે એ માણસ કેમ મૂર્તિ લેવા આવ્યો હતો ? કારણ કે તેના બીમાર દીકરાની ઈચ્છા હતી કે તેના ઘરમાં મને પ્રસ્થાપિત કરે.....પણ તે માણસ ની આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે તારા નક્કી કરેલા ભાવે મારી મૂર્તિ લઈ શકે......અને તે નિરાશ થઈ ને જતો રહ્યો.....શંકરલાલ, તેં પેલા માણસ ને નહીં પરંતુ મને નિરાશ કર્યો છે.............અને એટલે જ અત્યાર ના સંજોગો પણ અમે ઊભાં કર્યા છે.....મહામારીનો ભોગ મનુષ્ય જાતિ બની રહી છે......એક બીજા થી છૂપાવું પડે છે..... અરે, ત્યાં સુધી કે અમે પણ અમારા મંદિર ના દ્વાર તમારા માંટે બંધ કરી દીધા છે. હવે ક્યાં જશો તમે લોકો ? શંકરલાલ, એક વાત તેં નોંધી છે ? મહામારીનો ભોગ ફક્ત અને ફક્ત મનુષ્યો જ બની રહ્યા છે, પરંતુ જે મુક પ્રાણીઓ છે તેમનો વાળ પણ વાંકો નથી થયો.....તે લોકો છૂટથી હરી ફરી શકે છે, પરંતુ તમે ? ઘર ની બહાર પણ નીકળી નથી શકતા.....અને મેં પણ મારા દ્વાર તમારા લોકો માટે બંધ કરી દીધા છે......અને એક વાત યાદ રાખજે શંકરલાલ.....તમે લોકો મનુષ્યો જ છો, જે પૃથ્વી ઉપર નું એક પ્રાણી જ છે....દેવ બનવાની કોશિશ નહીં કરતા......તમે લોકો ચંદ્ર ઉપર પહોંચી ગયા, પરંતુ શું તમે લોકો એક આંગળીનો નખ સુધ્ધા બનાવી શક્યા ? નહીં.....શું લોહી બનાવી શક્યા ? નહીં......તો પછી તમને લોકો ને ગુમાન શેનું છે ? શંકરલાલ......હજી વખત છે, સુધરી જાઓ......અને એમાં જ તમારા લોકોની ભલાઈ છે...... જતાં પહેલાં એટલું જ કહીશ શંકરલાલ....જીવન અને મૃત્યુ....આ બન્ને ની દોર અમારા હાથમાં છે.....તેને તમારા હાથમાં લેવાની કોશિશ નહીં કરશો.

અને અચાનક શંકરલાલની આંખો ઉઘડી....ચકળવકળ નેત્રે તેણે આજુબાજુ જોયું.......ઘડિયાળમાં વખત જોયો.....સવાર ના ૬ વાગી ગયા હતા.....માથું ભારે થઈ ગયું હતું.....તેને ખયાલ આવી ગયો કે એક સ્વપ્ન જોઈ રહ્યો હતો તે...... મનમાં ને મનમાં હસતાં શંકરલાલ પ્રાતઃકર્મ પતાવી અને ઘર ના પાછળ ના ભાગે આવેલા મૂર્તિ વાળા ઓરડામાં પહોંચ્યા......અને ત્યાંજ અચાનક તેની નજર એક મૂર્તિ ઉપર પડી. આ એજ મૂર્તિ હતી જે તેણે પાછલી રાત્રે થોડી બાકી રાખી હતી.....તેની આંખો ઉપર વિશ્વાસ નહોતો બેસતો કે તે શું જોઈ રહ્યો છે....... તેણે જોયું કે ગણેશજી નો એક હાથ, જે હંમેશા આશીર્વાદ આપતી મુદ્રામાં હોય છે, તે હાથની પાંચેય આંગળીઓ ખરી પડી હતી...... આવું કોઈ દિવસ નહોતું થયું આટલા વર્ષોમાં.......શંકરલાલ મૂર્તિ ની નજીક ગયા અને ધીરેથી મૂર્તિ ને હાથ લગાવી જ રહ્યા હતા......ત્યાંજ તે જમીન ઉપર ફસડાઈ પડ્યા......આંખો ગણેશજીની મૂર્તિ ઉપર સ્થિર થઈ ગઈ હતી...... હંમેશાં માટે.......!

શું મનુષ્યો એ આત્મચિંતન કરવાનો વખત આવી ગયો છે કે ગુમાવી દીધો છે ? 


Rate this content
Log in

Similar gujarati story from Drama