જીવનમાં રંગ
જીવનમાં રંગ
રવિ અને પૂજા નાનપણના મિત્ર હતા. હંમેશા સાથે જ રહેતા. સ્કૂલમાં પણ સાથે જ જતા. ખૂબ મસ્તી, મોજ કરતા. આમ જોતજોતામાં બાળપણ વીતી ગયુ. આમ તેઓ કોલેજમાં આવી ગયા. રવિ સ્વભાવમાં એકદમ શાંત હતો અને પૂજા તેનાથી એકદમ વિપરીત સ્વભાવની હતી. હંમેશા હસતી, બોલતી, તોફાન કરતી. ચૂપ રહેવું એને બિલકુલ ગમતું ન હતું એ ખુલ્લા મનની અને ખુલ્લા વિચારોની હતી. એ છોકરાઓ સાથે બાઈક પણ ચલાવતી.
કોલેજના બધા છોકરાઓ પૂજા પર ફિદા હતા. કોલેજ દરમિયાન પૂજાની મુલાકાત અમર સાથે થઈ. અમર કોલેજનો સૌથી હેન્ડસમ યુવાન હતો. પૂજા એને જોતાની સાથે એના પ્રેમમાં પડી ગઈ. થોડા સમયમાં અમર,રવિ પૂજા મિત્ર બની ગયા. આ ત્રણેની મિત્રતાની ચર્ચા કોલેજમાં હંમેશા થવા લાગી.
રવિ પણ હવે પૂજા અને અમરની દોસ્તીમાં રંગાઈ ગયો હતો. આ ત્રણમાંથી એકની પણ ગેરહાજરી કોલેજમાં નોંધાતી, એક ખાલીપાનો અહેસાસ કરાવતી. રવિ નાનપણથી જ પૂજાને ખૂબ પ્રેમ કરતો હતો. આ વાતથી પૂજા ખુદ અજાણ હતી. અમર પણ પૂજાને મનોમન ચાહવા લાગ્યો હતો. એકવાર પૂજાએ નક્કી કરી લીધું કે એ પોતાના મનની વાત અમરને જણાવી દેશે. એ પોતાના મનની વાત કહે; એ પહેલા એને વિચાર્યું કે ; આ વાત હું મારા બાળપણના મિત્ર રવિને પહેલા કહીશ. એને રવિને પોતાના મનની વાત કહી. વાત સાંભળતાની સાથે જ રવિના જીવનના મેઘધનુષ્યનો રંગ ઉડી ગયો, તો પણ પૂજાના જીવનમાં કસુંબીનો રંગ ભરાય એના માટે પોતાના મનની વાત પૂજાને ન કહી.
પૂજા અને અમરે એક બીજા આગળ પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો. દિવસો પસાર થવા લાગ્યા કોલેજ પૂરી થવા આવી હતી. પૂજા અને અમરે નક્કી કર્યું હતું કે 'કોલેજ પત્યાની સાથે તેઓ લગ્ન કરી લેશે.
કોલેજના છેલ્લા વર્ષનું છેલ્લું પેપર હતું. પરીક્ષામાં સમયસર પહોંચવા માટે અમર ખૂબ ઝડપી બાઇક ચલાવી રહ્યો હતો અને બાઇક સ્લીપ ખાતા ઘટનાસ્થળે જ અમરનું મૃત્યુ થાય છે. અમરના મૃત્યુનો આઘાત પૂજાને ખૂબ લાગે છે. જે પૂજા હસતી બોલતી મસ્તી કરતી હતી એ હવે એકદમ ગુમસુમ રહેવા લાગી. એના જીવનમાંથી જાણે બધા રંગોની ગેરહાજરી થઈ ગઈ હોય એવું લાગતું હતું. એક દિવસ પૂજાની તબિયત ખૂબ બગડી. એને હોસ્પિટલ લઇ જવામાં આવી જયાં તપાસમાં ખબર પડી કે પૂજા "મા"બનવાની છે અને હવે ગર્ભપાત થઈ શકે એમ પણ નથી. પૂજાના જીવનમાં જે રંગો અમર ભરવા માંગતો હતો એ રંગો હવે પૂજાની સેથીમાં રવિના નામથી ભરાય છે. એ બાળક પાછળ રવિનું નામ લાગે છે. આજે પણ પૂજા એ વાતથી અજાણ છે કે રવિ એને ખૂબ ચાહે છે. આજે પણ બંને ખૂબ સારા મિત્રો છે.
