STORYMIRROR

Nilang Rindani

Tragedy

4  

Nilang Rindani

Tragedy

જીવનદાન

જીવનદાન

14 mins
442

પ્રણવી માં કડ અને પ્રહર્શ શાહ.. આ બે નામ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ખૂબ જ આદરથી લેવાતા નામ હતાં. બી. કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી આ પારેવા સમાન બેલડી આમ તો ધોરણ ૯ થી સાથે નિશાળમાં હતી અને પછી ધીરે ધીરે તેમની મિત્રતા એક ઓર પગથિયું ચડીને પ્રણયના પગથિયે પગરણ માં ડી ચૂક્યું હતું. જીવનના આ પ્રવાસને વધુ સુખમય બનાવવાના એક બીજાને કૉલ અપાઈ ચૂક્યા હતા. પ્રણવી અને પ્રહર્શ, બન્ને ખૂબ જ સમજુ અને પરિપકવ હોવા ઉપરાંત કુટુંબ પ્રેમી પણ હતા એટલે નક્કી એવું થયું હતું કે કૉલેજનું છેલ્લું વર્ષ પુરું થાય એટલે પોતપોતાના ઘરે તેમના સંબંધોની જાણ કરી દેવી અને પછી આગળ નો અભ્યાસ શરૂ કરી અને તેને પૂર્ણ કરી અને કારકિર્દી રૂપે ઠરીઠામ થયા પછી લગ્નગ્રંથિથી જોડાવું. બસ..આવા હતા તેમના વિચારો અને આ વિચારો અને આશા ને સહારે આવનારી ખુશહાલ જિંદગીના મધુર સપનાઓમાં વિહરતા આ બન્ને પારેવાની જોડી આવનારી મધ્યસ્ત પરીક્ષાઓની તૈયારીમાં લાગી ચૂકી હતી.

પરિક્ષા પૂર્ણ થઈ ચૂકી હતી. હવે છેલ્લા ૬ મહિના બાકી રહ્યા હતા કૉલેજ જીવન પૂરા થવા મા. એવામાં વાર્ષિક મેળાવડાની જાહેરાત થઈ અને ભાગ લેવા ઉત્સુક વિદ્યાર્થીઓ પોતાનું નામ નોંધાવવા લાગ્યા. રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે નાટક, નૃત્ય, સંગીત અને વકૃત્વ સ્પર્ધાઓ યોજાવાની હતી. પ્રણવી અને પ્રહર્શ એ પણ પોતાનું નામ નોંધાવી દીધું હતું. પ્રણવી એ પોતાનું નામ નૃત્ય સ્પર્ધામાં અને પ્રહર્શ એ પોતાનું નામ સંગીત સ્પર્ધામાં નોંધાવી દીધું હતું. એક આખું અઠવાડિયું આ વાર્ષિક કાર્યક્રમો ચાલવાના હતા. આખી કૉલેજ જાણે કે એક નવોઢાની માફક શણગારી હતી. ડી. એન. હૉલ ગ્રાઉન્ડ ઉપર રમત ગમતો અને ચં.ચી. મહેતા ઓડીટોરિયમમાં નાટક, નૃત્ય, ગીત સંગીત અને વકૃત્વ સ્પર્ધાઓ યોજાવાની હતી. અને ધારણા પ્રમાણે પ્રણવી અને પ્રહર્શ, બન્ને એ પોતપોતાની સ્પર્ધાઓમાં બાજી મારી અને પ્રથમ પારિતોષિક મેળવ્યું. પરિણામની જાહેરાત થઈ ત્યારે આખું ઓડીટોરિયમ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યું હતું. અધ્યાપકો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સહ વિદ્યાર્થીઓ, સહુ કોઈ પ્રણવી અને પ્રહર્શ ઉપર અભિનંદનની અભિવર્ષા કરી રહ્યા હતા. પ્રણવી અને પ્રહર્શ પણ સસ્મિત દરેક નું અભિવાદન ઝીલી રહ્યા હતા. અને આમ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. સહુ કોઈ વિખેરાવા લાગ્યા. રાત ના ૯ નો સુમાર હશે. પ્રહર્શ અને પ્રણવી પણ પાર્કિંગમાં મૂકેલા તેમના વાહનો તરફ હળવે હળવે ચાલી રહ્યા હતા. બન્નેની નજર જમીન સરસી હતી..પ્રણવીની અનામિકા (ટચલી આંગળી) પ્રહર્શની અનામિકા ને આંટી વાળી ને તેમના પ્રગાઢ સંબંધોની સાક્ષી પૂરી રહી હતી. શ્વેત રંગના સલવાર કમીઝમાં પ્રણવી એક આસમાની પરીથી પણ વિશેષ લાગતી હતી, જ્યારે પ્રહર્શ પણ કઈં ઓછો ઉતારે એવો નહોતો..આસમાની રંગ નો ઝભ્ભો અને શ્વેત રંગ નો ચોરણો ધારણ કરી ને તે પણ કોઈ સ્વર્ગ ના ગાંધર્વ જેવો લાગતો હતો. બન્ને જણ પાર્કિંગ ક્ષેત્રમાં આવી પહોંચ્યા હતા. વાતાવરણમાં અપાર શાંતિ છવાયેલી હતી..ક્યાંક ક્યાંક કોઈ તમરાઓ નો અવાજ આનીરવતા નો ભંગ કરી રહ્યો હતો. વાતાવરણમાં રાતની ઠંડક અને તેમાં જ પ્રસરેલા પ્રહર્શ અને પ્રણવી ના પ્રેમ નો ગરમાટ વાતાવરણને વધુ હૂંફાળું બનાવી રહ્યું હતું.. અને પ્રહર્શ એ તેના શબ્દો છેડ્યા.."પ્રણું, હવે ૨-૩ મહિનામાં જ આ છેલ્લું સત્ર પણ પૂર્ણ થશે, મને લાગે છે કે આપણે હવે ધીરે ધીરે આપણા ઘરે જાણ કરી દેવી જોઈએ.. અને આ જ વખત છે, તને શું લાગે છે ?" પ્રહર્શ એ પ્રણવી ઉપર પ્રશ્ન છોડ્યો..પ્રત્યુત્તરમાં પ્રણવી "પાશુ..તારી વાત સાચી છે..હું પણ એજ વિચારમાં હતી કે હવે આગળ કેવી રીતે ધપવું ? તને તો ખબર જ છે કે અમારું કુટુંબ થોડું રૂઢિચુસ્ત છે, તદુપરાંત અમે નાગર છીએ એટલે થોડું વધારે, પણ વાત તો કરવી જ પડશે.. હું વિચારી રહી છું કે કેવી રીતે મારે વાત મારા મમ્મી પપ્પા સમક્ષ મૂકવી". પ્રહર્શ એ ઊંડો શ્વાસ ખેંચ્યો અને.."પ્રણુ, બધું સારું જ થશે..મારું મન કહે છે કે કોઈ જ વાંધો નહીં આવે.. આપણો પ્રેમ એકદમ પવિત્ર અને નિસ્વાર્થ છે..ઈશ્વર પણ આપણી સાથે છે..પ્રણુ, સાચું કહું તું મારા કણ કણમાં છે..મારા હૃદયમાં ધબકી રહી છે.. તારા વગરની જિંદગીની હું કલ્પના પણ નથી કરી શકતો"..પ્રહર્શ એ પોતાનું હૃદય ઠાલવી દીધું પ્રણવી સમક્ષ.. પ્રણવી એ પ્રહર્શની હથેળી ને હૃદયસરસી ચાંપી ને.."પાશુ, તું પણ મારા દરેક શ્વાસમાં સમાયેલો છે..મારા હૃદય નો શ્વાસ છે તું.. તારા વિચારો થી જ મારું હૃદય ધબકી રહ્યું છે" એકમેક ને હૈયાધારણ આપી, બન્ને પોતપોતાના વાહનો ઉપર સવાર થઈ ને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા. રાત નો વખત હતો એટલે પ્રહર્શ પ્રણવીની સાથે તેના ઘર થી થોડો આઘે સુધી મૂકી ને પરત પોતાના ઘર તરફ વળ્યો. અને આમ દિવસ પૂરો થયો.

પ્રણવી ના ઘર ના દીવાનખંડમાં ભારપૂર્વક શાંતિ છવાયેલી હતી. પ્રણવીના પિતા જયદીપ ભાઈ અને માતા જયગુણા બેન એકદમ ગંભીર મુખવટો ધારણ કરી ને બેઠા હતા. પ્રણવી પોતાની વાત મૂકી ચૂકી હતી, જે કદાચ જયદીપ ભાઈ અને જયગુણા બેન ના ગળે નહોતી ઉતરી. જયદીપ ભાઈ એ પોતાનો અસંમતિ નો સુર છેડ્યો.. "જો બેટા, તું કહે છે તે બધી વાત સાચી પણ આ શક્ય નથી.. આપણા કુટુંબમાં પહેલાં કોઈ વખત આવું થયું નથી, તું અમારી એકની એક દિકરી છો એટલે જ તેને પ્રેમ થી સમજાવીએ છીએ કે અહીં થી તું પાછી ફરી જા.. આપણે નાગર અને એ લોકો વાણિયા, ભલે બીજા કુટુંબોમાં આવું થતું હશે પણ મારા કુટુંબમાં આવું થાય તે મને અને તારી મમ્મી ને મંજૂર નથી. તારા માગા આવવા લાગ્યા છે અને એક એક થી ચડિયાતા છોકરા અને કુટુંબમાં થી.. અમને લાગે છે કે તારે પ્રહર્શ ને હકીકતની જાણ કરી દેવી જોઈએ..તું ના કહી શકતી હોય તો આ કામ પણ હું કરવા તૈયાર છું..અમારે બીજું કઈં કહેવું નથી"..આટલું કહીની જયદીપ ભાઈ સોફા ઉપર થી ઉભા થયા.. જયગુણા બેન પણ તેમના પતિ ના ઉચ્ચારેલા વિધાન ને મુક સંમતિ આપતા હોય તેમ એ પણ ઉભા થયા અને ત્યાંથી બન્ને જણા પોતાના શયનખંડમાં જતા રહ્યા. પ્રણવી જડ ચેતનની અવસ્થામાં બેસી રહી હતી..આટલા વર્ષો નો પ્રહર્શ સાથે ના સંબંધ એક ચિત્રપટની માફક તેની નજર સમક્ષ ઉપસી આવ્યા. અને એ ચિત્રપટ ને વહેવા માટે વેગ આપી રહ્યા હતા તેના અશ્રુઓ. લગભગ કલાક એક જેટલું બેસી રહી પ્રણવી. તે દરમિયાન જયદીપ ભાઈ કોઈક કામ અર્થે ઘરની બહાર પ્રણવી તરફ એક અછડતી નજર કરી નેનીકળી ગયા હતા અને જયગુણા બેન પણ રસોડામાં રોજિંદા કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. ખૂબ ભારે પગલે પ્રણવી ઊભી થઈ ને કૉલેજ જવા નીકળી..આજે વાહન ચલાવતી વખતે તેના મનમાં ઘમાસાણ મચી ગયું હતું..તેને સૂઝતું નહોતું કે પ્રહર્શ ને કેવી રીતે જાણ કરશે કે જે સપનાઓનું પ્રેમરૂપી લાગણીઓથી સિંચન કર્યું હતું તે ક્યારીઓ અચાનક સુકાઈ ગઈ હતી. વિચારોમાં અને વિચારોમાં ક્યારે કૉલેજ આવી ગઈ તે ખબર જ ના પડી. પોતાનું એક્ટિવા પાર્કિંગમાં મૂકી ને ધીરે પગલે તેના કક્ષ તરફ ચાલવા લાગી, અને ત્યાંજ પાછળ થી પ્રહર્શ.."પ્રણુ, ઊભી રહે.. હું આવી જ ગયો છું.. પિરિયડ પૂરો થાય એટલે કેનટીનમાં જઈશું..એક સરસ વાત કરવાની છે.. અત્યારે મોડું થાય છે..ચાલ જલ્દી". પ્રણવી કોઈ જ પ્રતિભાવ ના આપી શકી, જે કદાચ પ્રહર્શની પણ જાણમાં નહોતું આવ્યું. પિરિયડ પૂરો થયો. પ્રણવી અને પ્રહર્શ કેનટીનમાં આવ્યા.."તું કઈં ખાઈશ, પ્રણુ ?" પ્રહર્શ ના પૂછવા ઉપર પ્રણવી એ ફક્ત નકારમાં ડોકું ધુણાવ્યું..આમ પણ તેને આજે કઈં ખાવા કે પીવાની ઈચ્છા નહોતી.. એ તો એક કઠપૂતળીની માફક વર્તી રહી હતી..તેમ છતાં પ્રહર્શ એ બે ચા નો ઓર્ડર આપી દીધો.. પ્રહર્શ આજે કંઈક વધુ ઉત્સાહમાં હોય તેમ જણાતું હતું..અને તેના આ ઉત્સાહ એ શબ્દો નું આવરણ ઓઢ્યું.. "પ્રણુ, તું ધારી પણ નહીં શકે એવા સમાચાર તને આપવાનો છું..બોલ, શું હશે ? તને ધારી ને કહેવા માટે ૨ મિનિટ નો સમય આપું છું" પણ આજે પ્રણવી તો ખુદ પોતાના મનથી અળગી હતી..ધારવાની તો શક્તિ ક્યાં હતી આજે ? "તું જ કહી દે ને પાશૂ.. ધારવા માટે શું કામ સમય બગાડવો છે ?" પ્રણવી ને આટલું બોલતાં બોલતાં હાંફ ચડી ગઈ હતી.."ok.. ચાલ, હું જ કહી દઉં.." પ્રહર્શ એ પોતાની વાત આગળ વધારી.."પ્રણુ, આપણા સંબંધો ઉપર એક મહોર લાગી ચૂકી છે.. હા, પ્રણુ.. મારા મમ્મી પપ્પા ને આપણો સંબંધ મંજૂર છે અને આજે કૉલેજ પૂરી થયા પછી હું તને ઘરે મારા મમ્મી પપ્પા ને મળવા લઈ જઈશ.. બોલ..છે ને જોરદાર સમાચાર..તે નહોતું ધાર્યું ને ?" પ્રણવી એકીટશે તેને જોઈ રહી.. મન માં વિચારી રહી હતી કે જે નથી ધાર્યું હોતું તે જ થતું હોય છે..હવે વારો હતો પ્રણવી નો..તેની જીભ ઉપર જાણે કે હજાર મણ નો પત્થર મૂકી દીધો હતો..કહેવું હતું પણ જીભ નહોતી ઉપડતી..હોઠ ફફડી રહ્યા હતા પણ શબ્દો ને પણ આજે ગ્રહણ લાગી ગયું હતું..તેમ છતાં માંડ માંડ સઘળી હિંમત એક્ઠી કરી ને પ્રણવી બોલી "પાશૂ, જો ધ્યાન થી સાંભળ.. મેં પણ મારા ઘરે આપણી વાત કરી.. અને.." પ્રહર્શ એ તેને અધવચ્ચે થી જ અટકાવી અને "અને તારા મમ્મી પપ્પા પણ કબૂલ થઈ ગયા છે..એમ જ કહેવા માગે છે ને, પ્રણુ ? મને ખાતરી જ હતી કે બધું સારું જ થશે"..અને પ્રણવી નો સ્વર થોડો ઉંચો થયો "નથી કબૂલ થયા, પાશૂ..નથી કબૂલ થયા.." પ્રણવી નો સ્વર એટલો ઊંચો હતો કે ત્યાં હાજર વિદ્યાર્થીઓ પણ તેમની તરફ જોવા લાગ્યા..થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ પ્રણવી..પણ પ્રહર્શ માટે તો જાણે સમય રોકાઈ ગયો હતો..તે ફાટી આંખે પ્રણવી ને જોઈ રહ્યો..તેને વિશ્વાસ નહોતો બેસતો કે તે જે સાંભળી ચૂક્યો હતો તે પ્રણવી ના મોઢેથી કહેવાયેલું વાક્ય હતું.. તેમ છતાં તે હાર માને તેવો નહોતો.."ના પ્રણુ, તું મજાક કરે છે.. પણ આવી મજાક મહેરબાની કરી ને મારી સાથે ના કરીશ..જો તો ખરી મારું હૃદય કેવું જોર જોર થી ધડકી રહ્યું છે..સાચું કહે શું કહ્યું તારા મમ્મી પપ્પા એ ? એ લોકો પણ માની જ ગયા છે ને ? બોલ પ્રણુ બોલ..હવે બહુ થઈ મજાક". પ્રહર્શ લગભગ બેબાકળો થઈ ગયો હતો..અને હવે પ્રણવી ના શબ્દો ગોઠવાયા.."પાશૂ, મેં જે પણ કંઈ કહ્યું તે કમનસીબે સત્ય છે.. મારા મમ્મી પપ્પા ને આપણો સંબંધ મંજૂર નથી.. તને યાદ હોય તો મેં તને કહ્યું હતું કે અમારું કુટુંબ રૂઢિચુસ્ત છે અને એ રૂઢિચુસ્તતા નો ભોગ આજે આપણા સંબંધો બની ગયા" પ્રણવી ના અશ્રુઓ મારફત આજે તેમના સંબંધો પણ જાણે વહી રહ્યા હતા..બે માં થી એક પણ આજે આ વહી જતા સંબંધો ને પકડી શકવાની પરિસ્થિતિમાં નહોતા..કદાચ આજે સંજોગો પણ તેમની વિરુદ્ધ હતા. વાતાવરણમાં શિથિલતા આવી ગઈ હતી. ટેબલ ઉપર પડેલા ચા ના ભરેલા કપમાં ઠંડી થઈ ગયેલી ચાની માફક આજે પ્રણવી અને પ્રહર્શ નો સંબંધ પણ શિથિલ અને ઠંડો થઈ ચૂક્યો હતો..સમજો કે મૃતપાય અવસ્થામાં આવી ગયો હતો. ૭ વર્ષ ના સંબંધના શ્વાસ આજે અચાનક અટકી ગયા હતા. અને સમયની સાથે સાથે સંબંધ પણ વહી ચાલ્યો.. ક્યાં, એ તો ખુદ પ્રણવી અને પ્રહર્શ પણ નહોતા જાણતા.

સમય નો કાંટો કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર ફરતો રહે છે..નામ છે તેનો નાશ છે, પણ સમય એક એવો છે કે તે દીર્ઘાયુ છે..તેનો અંત નથી..કાળક્રમે પ્રણવી ના લગ્ન નાગર જ્ઞાતિમાં જ વ્યવસાયે વકીલ એવા સંભવ ઘારેખાન સાથે થઈ ગયા. ખૂબ જ સારું કુટુંબ હતું. સંભવના પિતા સિતાંશુ ઘારેખાન પણ એક નામી વકીલ હતા. આ બાજુ પ્રહર્શ પણ બેંગલોર સ્થાયી થઈ ગયો હતો. આધારભૂત સૂત્રો થી એવી બાતમી મળી હતી કે તેણે લગ્ન નહોતા કર્યા. કદાચ તે હજી પણ પ્રણવી સિવાય બીજા કોઈ વિશે વિચારી નહોતો શકતો. અને હવે તો પ્રણવી નો વસ્તાર પણ વધ્યો હતો તેને એક દીકરો હતો, વિવાન જે હજી ૨ વર્ષ નો જ હતો. આમ સમય ચક્ર અને સંસાર ચક્ર ચાલ્યે જતું હતું.

ઘડિયાળમાં કોઈ પણ સમય દિવસમાં બે વખત આવતો હોય છે.. દાખલા તરીકે ૧૨ નો સમય અત્યંત ઉજાસ ભર્યા વખતમાં પણ હોય છે અને મધ્યરાત્રિ એટલે કે અંધકારમાં પણ હોય છે..તેવું જ જીવન નું છે..પ્રણવી ના જીવનમાં પણ ઉજાસભર્યા દિવસ પછી રાત્રિ ના અંધકાર નો પગરવ થઈ ચૂક્યો હતો. છેલ્લા ઘણા વખતથી તેનો રક્તસ્રાવ ઉચ્ચ થઈ રહ્યો હતો (high blood pressure), જેને લીધે તેને ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી..થોડું ચાલતી ત્યાંજ હાંફી જતી હતી. શહેર ના એક નામી હૃદયરોગ ના નિષ્ણાંત પાસે તેને લઈ ગયા..પ્રાથમિક તપાસ ના રિપોર્ટ ઉપર થી એવું સિધ્ધ થયું કે તેનું હૃદય ફક્ત ૨૫% જ કામ આપતું હતું, જે મહદઅંશે નાજુક પરિસ્થિતિ હતી. ડૉકટર એ બીજા બધા ટેસ્ટ પણ કરાવ્યા અને યોગ્ય ઈલાજ પણ શરૂ થઈ ગયો હતો, પણ કેમ કરી ને પણ સારવાર અને દવાઓ ને પ્રણવી યોગ્ય પ્રતિભાવ નહોતી આપી રહી. ડૉકટર પણ બધી જ કોશિશ કરી ચૂક્યા હતા..બીજા નિષ્ણાંતો ના અભિપ્રાય પણ લઈ જોયા હતા પણ દરેક નો એક જ સૂર હતો. દિવસે દિવસે પ્રણવીની તબિયત કથળતી જતી હતી.. હવે તો તે બોલે ત્યાં જ થાક લાગી જતો હતો..તેને હોસ્પિટલમાં દાખલ કરી જ દીધી હતી. સંભવ સહિત કુટુંબ ના અન્ય સભ્યો પણ હોસ્પિટલમાં હાજર હતા. ત્યાંજ નર્સ આવી ને સંભવ ને તાકીદ કરી કે ડૉક્ટર તેને તેની ચેમ્બરમાં બોલાવે છે. ચિંતાતુર વદને સંભવ ડૉક્ટરની ચેમ્બરમાં પ્રવેશ્યો. ડૉકટર ના મુખ ના હાવભાવ જોતા એમ લાગતું હતું કે તે પણ થોડા ચિંતામાં હતા.."આવો સંભવ ભાઈ, બેસો" ડૉક્ટર એ સંભવ ને બેસવાની તાકીદ કરી..સંભવ ડૉક્ટર પાસેથી જ કંઈક સાંભળવાની અપેક્ષા સાથે તેમની સમક્ષ જોઈ રહ્યો.."સંભવ ભાઈ, as a doctor, I should not hide the medical condition of the patient with their family members..your wife's condition is very critical..she isn't responding to any of our treatment, which is quite serious..we have only one alternative left out and that's heart transplant. I have consulted other cardiologist and they have also opined the same.. સંભવ ભાઈ.. આપણી પાસે આજ વિકલ્પ રહ્યો છે, બાકી આપણે બધા જ પ્રયત્નો કરી જોયા પણ આપણને સફળતા નથી મળી" સંભવ માટે ડૉક્ટર નું આ કહેણ એક વજ્રઘાત જેવું હતું. પ્રણવીને બચાવવી તે અત્યારે તેના જીવનનું ધ્યેય બની ગયું હતું..વિવાન પણ હજી ઘણો જ નાનો હતો. આમ જોવા જાવ તો તેની પાસે પણ આ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો.."ડૉક્ટર સાહેબ, આઈ ગોટ યોર કોનસરન, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે તો કોઈ દાતા જોઈએ અને તે ક્યાંથી લાવવો ? આ રક્તદાન નથી કે ૪ જણ ઉભા રહી જશે..આ તો હૃદય પ્રત્યારોપણ છે..કોઈક વ્યક્તિનું હૃદય કાઢી ને બીજા વ્યક્તિમાં રોપણ કરવું..કેવી રીતે કરીશું ?" સંભવ ના અવાજમાં ભારોભાર ચિંતા અને શંકાનો સૂર આવતો હતો.. ત્યાંજ ડૉક્ટર બોલ્યા.."સંભવ ભાઈ, તમારી સાથે વાત કર્યા પહેલા મેં મારી કોશિશ ચાલુ કરી દીધી છે..બાકી ગોડ ઈઝ ગ્રેટ". સંભવ ડૉક્ટરની ચેમ્બરમાં થી બહારનીકળ્યો..બહાર તેના કુટુંબીજનો તેની રાહ જ જોતા હતા. દરેકને સત્ય હકીકત જણાવી. હવે સંભવની સાથોસાથ બીજા બધા પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા.

બીજે દિવસે સવારે લગભગ ૧૦ નો સુમાર હશે અને નર્સ સંભવ પાસે ઉતાવળમાં આવી ને કહ્યું કે ડૉક્ટર તેમને તાત્કાલિક બોલાવે છે. સંભવ લગભગ દોડતો જ ડૉક્ટરની ચેમ્બરમાં પ્રવેશ્યો..ડૉક્ટર તેમના મોબાઈલ ઉપર કોઈક સાથે વાતો કરી રહ્યા હતા. સંભવ ને વાર્તાલાપ ઉપરથી એવું લાગ્યું કે ડૉક્ટર તેના વિશે જ વાત કરી રહ્યા હતા. બે મિનિટ પછી ડૉક્ટરની વાતો પૂરી થઈ અને.."સંભવ ભાઈ, કદાચ God is with us.. એક દાતા મળ્યો છે..બ્રેઈન હેમરેજ ને લીધે તે વ્યક્તિ બ્રેઇન ડેડ, પણ તેના પિતાની ઈચ્છા એવી છે કે જો તેના હૃદયનું કોઈક જરૂરિયાત વ્યક્તિમાં પ્રત્યારોપણ થાય તો એના થી વિશેષ કંઈ જ નથી..મેં જરૂરી બધી વિગતો મંગાવી લીધી છે. તે વ્યક્તિ બેંગલોરની એપોલો હોસ્પિટલમાં છે..I have already spoken to Apollo authorities and also civil aviation authorities to transfer the heart without any hurdles" ડૉક્ટર ના અવાજમાં આજે જુસ્સા નો રણકો વર્તાતો હતો. અને એ સાંભળી ને સંભવ ના જીવમાં પણ જીવ આવ્યો. જરૂરી બધી જ ઔપચારિકતા થઈ ગઈ હતી. એવું નક્કી થયું હતું કે બેંગલોરથી વિમાન માર્ગે એપોલો હોસ્પિટલના પ્રતિનિધિ એક બોક્સમાં હૃદય લઈ ને આવશે અમદાવાદ વિમાન મથકે અને ત્યાં એક એમ્બ્યુલન્સ ઊભી જ હશે જે ગ્રીન કોરિડોર મારફત તે બોક્સ લઈ ને અમદાવાદની ક્રિષ્ના હોસ્પિટલ આવશે..ત્યાં ડૉક્ટરની એક ટુકડી ઓપરેશન થિયેટરમાં તૈયાર જ હશે અને જેવું આ બોક્સ ત્યાં પહોંચશે એટલે તુર્તજ હૃદય પ્રત્યારોપણની પ્રક્રિયા શરૂ થઈ જશે. અને જે રીતે નક્કી થયું હતું તે રીતે જ બધું સમુસુતરું પાર પડ્યું. પ્રણવી ઉપર હૃદય પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા સફળતા પૂર્વક કરવામાં આવી. થોડા દિવસો આઈ.સી. યુ.માં રહ્યા પછી પ્રણવી ને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી અને એમ્બ્યુલન્સ મારફત તે વડોદરા પરત આવી.

બે - ત્રણ મહિના પસાર થયા. પ્રણવી હવે બિલકુલ સ્વસ્થ હતી. તે હવે હરી ફરી શકતી હતી. તેને ખબર પાડવામાં આવી હતી કે તેના ઉપર હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. તે તથા સંભવ એ વ્યક્તિ અને તેના કુટુંબીજનોનો મનોમન પાડ માની રહ્યા હતા. એક દિવસ સાંજે સંભવ તેની ઓફિસથી આવીને "પ્રણવી, કાલે આપણે બપોરની ફ્લાઈટમાં બેંગલોર જઈ રહ્યા છીએ..જે વ્યક્તિ નું હૃદય પ્રત્યારોપણ કર્યું છે તેના પિતા ને મળવા જવાનું છે..આજે તું જીવતી છે તે એ વ્યક્તિ ને આભારી છે.. " પ્રણવી પણ આ ઈચ્છતી હતી કે એક વાર તે એ વ્યક્તિના કુટુંબીજનોને મળીને આભાર વ્યક્ત કરે. 

બીજા દિવસે વડોદરાથી ફ્લાઈટ મારફત બેંગલોર પહોંચ્યા અને સીધા આપેલા સરનામે સંભવ, પ્રણવી અને વિવાન પહોંચ્યા. એક ફ્લેટ ના દરવાજે આવી ને ડોરબેલ વગાડી..અડધી મિનિટ પછી બારણું ઊઘડ્યું અને સમક્ષ એક સહેજે ૬૫-૭૦ વર્ષ ના વૃદ્ધ ઉભા હતા..સંભવ ને ઘરમાં આવકાર આપ્યો. તેની પાછળ પાછળ પ્રણવી અને વિવાન પણ અંદર પ્રવેશ્યા. પ્રાથમિક સરભરા થઈ. ઘરમાં એક નોકર હતો જે ઘર નું બધું કામ જોતો હતો. પેલા વૃદ્ધ એકલા જ હતા, જેમનું નામ રણછોડ ભાઈ હતું. સંભવ અને પ્રણવી રણછોડ ભાઈ ને પગે લાગ્યા.. અને પ્રણવી એ બોલવાની શરૂઆત કરી.. "દાદા, આપનો કયા શબ્દોમાં આભાર માનું તે મને સમજાતું નથી..આ મારી હવેની જિંદગી આપને આભારી છે.. આ મારો વિવાન નાની ઉંમરમાં તેની માં નો પ્રેમ ખોઈ બેઠો હોત જો આ ના થયું હોત.. દાદા, હવે તો એ મહાન દાતા હયાત નથી પણ તેની જો તસ્વીર હોય તો તેની સમક્ષ હાથ જોડી ને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો છે" .. પ્રણવીની આંખો વરસી રહી હતી. રણછોડ ભાઈ ઉભા થયા અને સંભવ અને પ્રણવી ને તેની પાછળ આવવાનો નિર્દેશ કર્યો..એક બીજા ઓરડામાં પ્રવેશી ને ત્યાંની બત્તી ચાલુ કરી અને દિવાલ ઉપર જડેલી સુખડ ના હાર ચડાવેલી તસ્વીર તરફ આંગળી ચીંધી ને રણછોડ ભાઈ એ પ્રણવી સામે જોઈ ને કહ્યું.."આ છે મારો દીકરો" પ્રણવીની નજર તસ્વીર ઉપર પડી અને.. .જાણે તેના પગ નીચેથી ધરતી ખસી રહી હોય એવો ભાસ થયો..તેને તમ્મર આવતા આવતા રહી ગયા..વિસ્ફારિત નેત્રે તે તસ્વીર સમક્ષ જોઈ રહી.. અશ્રુઓની ધારાઓ વેગ પકડી ને તેના ચહેરા ઉપર વહેવા લાગી..તેના અશ્રુઓથી ઓરડાની ફર્શ પણ ભીની થઈ ચુકી હતી.. તે સુખડ ના હારની પાછળ પ્રહર્શની તસ્વીર હતી..પ્રણવી ના હાથ હળવે હળવે નમસ્કારની મુદ્રામાં આવવા લાગ્યા..હળવે હળવે તે તસ્વીરની નજીક ગઈ..સજળ નેત્રે તસ્વીર ને તાકી રહી..પ્રહર્શનો સ્મિત ભર્યો ચહેરો તેને પણ તાકી રહ્યો હતો..અને મનોમન પ્રણવીના શબ્દો સર્યા.."પાશુ, તું સાચું જ કહેતો હતો..તું મારા હૃદયમાં ધબકી રહ્યો છે.. તારો એક અંશ આજે મારી અંદર ધબકી રહ્યો છે.. આપણે એક રીતે ભેગા નહીં થઈ શક્યા પણ ઈશ્વરે બીજી રીતે આપણને ભેગા કરી દીધા.. " અને પ્રણવી સડસડાટ તે ઓરડાની બહાર નીકળી ગઈ.. .કોઈક બીજી દુનિયામાં વિહરતો પ્રહર્શ પણ આજે ખુશ હતો..જીવનનું શ્રેષ્ઠ દાન કર્યું હતું તેણે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy