જીવન.
જીવન.
જીવન એટલે શું ? હું જનમ્યો શા માટે ? મા બાપની ઈચ્છા થઈ, સંભોગ કર્યો, ગર્ભ રહ્યો અને માં ના પેટ(ગર્ભાશય)માંથી હું આવ્યો.
જીવનનું પહેલું રુદન તો ડોક્ટરની પરીક્ષા પાસ કરવા માટે કર્યું.
પછી મા ના ખોળામાં છુપાઈ ગયો, શિશુ અવસ્થા તો માં બાપના આધારે પસાર થઈ ગઈ.
પણ પછી દોટ મૂકી અપેક્ષાઓની પાછળ,
પોતાની, માબાપની, ભાઈબંધોની,સમાજની..
થાક લાગે તો જાણે હારી જવાની બીક લાગે
એટલે ફરી નવ શક્તિનું સિંચન થાય,
ત્યાં અચાનક તો વિસ્ફોટ થયો યૌવનનો..
અંત:સ્ત્રાવના ઝરણાં વહેવા લાગ્યા.. શરીર,
મન અને અંતરમાં નવી અભિલાષા જાગી,
વિજાતીય આકર્ષણ જાગ્યું, સાથીની ઝંખના જાગી. સફળતા મેળવી શકાય એવો અહેસાસ પણ જાગ્યો, ભણતર પૂરું કરી યોગ્યતા મુજબ અઢળક કમાણી કરવાની ઈચ્છા જાગી.
ધીમે ધીમે યૌવનનો લાવારસ ઠર્યો અને
સ્થિર થઈ અને કુટુંબને આધાર અને
વિસ્તારવાની મનસા, વાચા કર્મણા જવાબદારી લેવી જોઈએ એમ લાગ્યું..
સમાજમાં પ્રતિષ્ઠાની ઝંખના જાગી, સફળતાનો રસ ચાખ્યો એટલે વધુ ને વધુ પીવા લાગ્યો.
ધીરે ધીરે જિંદગીનો ઢાળ ઊતરતી વખતે થાક લાગે તો એને હાંકી કાઢવામાં આનંદ થયો,
પણ મન કરતાં શરીર વહેલું થાકવા લાગ્યું..
અને આરામની અપેક્ષા વધી, બહિર્મુખી યાત્રામાંથી અંતર્મુખી યાત્રા શરૂ થઈ,ધર્મ અને અધ્યાત્મ જગતના ખૂણા તરફ ગતિશીલ થયા.
તું..તું.. નહીં પણ હું કોણ એવું થવા લાગે છે,...અને ..આનો અંત તો સ્વર્ગારોહણ જ
છે !
